સંધ્યા
પ્રાણજીવન મહેતા
પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.
ક્યારેક એમ લાગે છે કે જગતમાં જે જે કંઈ છે, જે જે કંઈ બને છે તે બધાંને જો કોઈ સંદર્ભ પૂરો પાડતું હોય તો તે સમય.
સવારને સમયે પંખીનું રૂપ ધારણ કરીને વૃક્ષ કલ્લોલી ઊઠે છે. પાંદડાંઓ પાળે છે લીલા રંગનું મૌન. પરંતુ સાંજના સમયે પરિસ્થિતિ પડખું બદલે છે. સાંજના સમયે મલપતી હવાનો સ્પર્શ થાય છે. હવે હમણાં જ પંખીઓ પાછાં ફરશે એની જાણે કે આગાહી કરતાં હોય એમ પર્ણો જ જાણે કલરવ કરી ઊઠે છે: અહીં કવિ શબ્દ યોજે છે ‘પર્ણરવ’, કલરવ નહીં.
પવનનો સહેજ સંચાર થયો ને કવિના કાન પર્ણરવમાં સાંભળી લે છે આખીયે સીમનો પડઘો. સીમમાં ચરવા ગયેલું આખુંયે ગોધણ. આખુંય પશુધન–પંખીઓ પણ–હમણાં પાછું ફરશે અને જાણે આખી સીમ ગામમાં આવી ગામ વસાવી દેશે. તારાઓ પણ પૃથ્વીનું જ કોઈ તત્ત્વ હોય એમ ગોધૂલિની રજકણોમાં ઊડી રહ્યા છે. હજી રાત નથી થઈ, હજી તો સાંજુકો પ્રકાશ છે માટે ધૂંધળા છે.
રાત ક્યાં છે? રાત તો એ…ય ને હજી તો ઊભી છે પાદરે. રાત તો ત્યાં તૈયારી કરી રહી છે. શાની? કોની? પીપળાની છાંયમાં ઊભી રહીને કોઈ પથ્થર ઉપર પોતાની પાની ટેકવીને જાણે પગે ઝાંઝર બાંધતી હોય એવું સુંદર નાજુક ચિત્ર કવિ આપે છે. બંધાતાં ઝાંઝરનું જાણે કે ધ્વનિચિત્ર ન હોય! (રાત એક અભિસારિકા બનીને નાનકડી શેરીઓમાં થઈ ઘૂમટો તાણી હાથમાં દીવડો ધરીને, ઝાંઝર ઝમકાવતી હમણાં જ ગામમાં પ્રવેશશે એવા ભણકારા નથી વાગતા?)
ગોખલામાં બેસીને મન મરક્યા કરે છે. મન ગોખમાં બેઠું છે કે મન પોતે જ ગોખ છે? સાંજના સમયે ગોખલામાં મુકાતા ટમટમિયાની ઘરઘરની વાતને કવિ અહીં કાવ્યમય રીતે રજૂ કરે છે. અજવાળું તો દીવાસળીની પેટીમાં પુરાઈને પડ્યું છે. (જોકે, ગોખલો – મન – પણ હજી કારાવાસ ભોગવે જ છે…) પણ આ પુરાયેલા અજવાસને મુક્ત કરો એટલે જોઈ લ્યો, ગોખમાં, મનમાં બધે દીવા જ દીવા.
સીમમાંથી, ગામમાંથી હવે કવિની નજર ઘર ભણી વળે છે. ઘરની ઓસરીમાં પડ્યું છે ‘ખરી પડેલું’ એક પીંછું. ટહુકો કર્યો જ ન હોય તો તો બળ્યું, કોઈ બળતરા જ ન’તી. પણ અહીં તો ‘ટહુકો કરી ઊડી ગયેલ’ મોરની વાત છે, ખરી પડેલા એક ટહુકાની વાત છે. માત્ર સ્મૃતિશેષ થઈ ગયેલા કેવળ ટહુકાની વાત છે અને… એ ટહુકાની સ્મૃતિના સાકાર ચિહ્ન જેવા મોરપિચ્છની વાત છે.
આ રા તો ચાંદની શીતળ રમણીયતા લાવે ત્યારે ખરી, પણ હું તો મારા નભમાં પેલા મોરપિચ્છની મદદથી ચાંદ ચીતરી લઉં છું! જોકે ઈશ્વરે પણ ચાંદ ચીતર્યો હશે મોરપિચ્છથી જ. નહીં તો એ ચાંદ આટલો મુલાયમ અને આટલો ઉન્માદી કદાચ ન હોત. આ તો ખરીને પડી રહેલા પીંછા જેવી રાતને સ્મરણોનું રળિયાત રૂપ આપવાની વાત થઈ.
અને ‘હવે તો’ …આ સૂર્ય મારી નજરમાં કેવો છે? એ સૂર્ય – કદાચ ઓગળીને વીતી ગયેલો કાળ – મારી નજરમાં એક ખરતું પાંદડું જ છે. આ સૂર્ય ખરે છે ત્યારે કવિ પોતા માટે ચીતરી લે છે ચાંદ.
અનુભવ ઓસરી જાય પછી જ ક્યારેક પ્રગટે છે અનુભૂતિની ક્ષણ. અનુભવ ઓસર્યા પછી અનુભવના અર્ક સમી. ચંદ્ર જેવી કવિતા પ્રગટે છે. અને કોઈકે કહ્યું છે તેમ ‘કવિ તો આમેય હંમેશાં ચંદ્રની અસર નીચે જ જીવે છે.’
આપણે ત્યાંના કેટલાક નવા કવિઓ એવા છે કે જેમના કાવ્યસંગ્રહો ઝટઝટ બહાર આવે એવું આપણું મન ઝંખે. પ્રાણજીવન મહેતા, મેઘનાદ ભટ્ટ, ભીખુભાઈ કપોડિયા કાવ્યસંગ્રહો ક્યારે આપે છે એમ પૂછવાનું મન થાય. પ્રાણજીવન મહેતાનું કાવ્ય એવું છે જે કહેવા પ્રેરે કે આ પેઢીમાં કેટલાંય કાવ્યો પુરાયેલાં પડ્યાં છે: હવે એ હલબલી ઊઠે અને તે સંગ્રહ રૂપે પ્રગટે એની જ અપેક્ષા છે.
૧૮-૭-’૭૬
(એકાંતની સભા)