બાલમુકુન્દ દવે
હરિનો હંસલો
કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?
આ અઠવાડિયે દેશ ગાંધીજીની જન્મશતાબ્દી ઊજવશે. આ પ્રસંગે આપણે તેમના મૃત્યુ વેળા લખાયેલા એક ગીતને યાદ કરી રહ્યા છીએ. મહાપુરુષોના જીવનમાં આ બધા ભેદો લોપાઈ જતા હોઈ એમના માટે તો પેલી એલિયટની પંક્તિઓ હમેશાં સાચી હોય છે — ‘In my end there is my beginning. In My beginning there is my end.’
‘મારા અંતમાં જ મારો આરંભ છેઃ મારા આરંભમાં જ મારો અંત છે.’ મહાપુરુષોનાં જીવન એ મૃત્યુથી અટકે એવાં નથી હોતાં. એમના ક્ષર દેહના વિલય પછી પણ એમનું જીવન વિસ્તરતું જ હોય છે. કૃષ્ણ, બુદ્ધ અને ઈસુ આજે જીવે જ છે ને?
એટલે જ કવિ અહીં ‘હંસલો’ રૂધિરે રંગાયો એટલું જ કહે છેઃ એને શસ્ત્રો છેદી શકે એમ નથી કે પાવક પ્રજાળી શકે એમ નથી; હંસને પ્રતીક તરીકે આપણે વેદકાળથી પ્રયોજાતાં જોયો છેઃ મીરાંએ પણ ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું’ એમ ગાયું છે એટલે આ હંસલા શબ્દનો અર્થ સમજવામાં આપણને પરંપરા કામ લાગે છે, પણ હરિનો હંસલો એ શબ્દસમૂહ આ કોઈ સાધારણ આત્માની નહીં, પણ પરમ આત્માની વાત છે એ સ્પષ્ટ કરે છે.
આ હંસનો જીવ કોણે દુભાવ્યો?
આ ‘દુભ્યો’ શબ્દ વાંચીએ અને ગાંધીજીની દિલ્હી ડાયરીમાંના દુભાયેલા હૃદયના ઉદ્ગારો યાદ આવ્યા વિના રહેતા નથી. આ હંસને કોણે વીંધ્યો? કયા કલંકીએ એને ઘા માર્યો, એ પૂછે છે, ત્યારે કવિનો પુણ્યપ્રકોપ કેટલો પ્રજ્વળી ઊઠ્યો છે તેનો ખ્યાલ આવે છેઃ આવા માનવીને વીંધનાર દુભવનાર એ એક માણસનો અપરાધ નથી કરતો; માનવજાતનો અપરાધ કરે છે. જો ગાંધીજીએ ન્યાય તોળવાનો હોત તો તેમણે કદાચ હત્યારાને ક્ષમા જ આપી હોત. એમને મન એ અપરાધી ઠર્યો જ ન હોત. પણ એણે, અને સાથોસાથ ગાંધીજીને દૂભવનાર એવા સૌ કોઈએ માનવજાતનો અપરાધ કર્યો છે.
બીજી કડીમાં મહાત્માજીને ગોળી લાગી, અને એ ધરણી પર ઢળ્યા, એ ક્ષણનું ચિત્રણ છે.
આવો માણસ તો યુગમાં એકાદવાર આવે, સ્વર્ગના સરોવરનો વાસી હંસ આ જગતરૂપી મલીન ખાબડામાં આવ્યો તો ખરો, પણ આપણે એને જાળવી ન શક્યા.
આ અમરોના ઇતિથિને હજી આપણે આપણી વચ્ચે પ્રતિષ્ઠિત કરી શકીએ પણ એ માટે અંતરનાં મલીન ખાબડાંને સ્વચ્છ અને વિશાળ કરવાં જોઈએઃ તો એ હંસ આપણી વચ્ચેથી ક્યાંય ગયો નથી, આપણી વચ્ચે જ વસી શકે એમ છે.
ગાંધીજીની હત્યા પછી આટઆટલો સમય વીતી ગયો. છતાં આપણે ગાંધીજીને આપણી વચ્ચે વસવાનું મન થાય એવું વાતાવરણ રચી શક્યા નથી.
(કવિ અને કવિતા)