અભિનવો આનંદ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

અખો

અભિનવો આનંદ

અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હોવું એ

આપણે ખાઈએ છીએ, પીએ છીએ, પહેરીએ ઓઢીએ છીએ, હરીએ ફરીએ છીએ, આ બધું આપણે કરતાં હોઈએ છીએ, એ બધું કરતાં આપણને આનંદ થતો હોય છે તેટલા માટે, આપણે નાટકો જોઈએ છીએ, ફિલ્મો જોતાં હોઈએ છીએ, કાવ્યો અને નવલકથા આદિ વાંચતાં હોઈએ છીએ, શિલ્પ-સ્થાપત્યની મનોરમ કૃતિઓ જોઈએ છીએ, સંગીત સાંભળીએ છીએ. આ બધું પણ આપણે કરતાં હોઈએ છીએ, એ બધું કરતાં, આપણને આનંદ થતો હોય છે તેટલા માટે.

પેલા ખાવાપીવા વગેરેના આનંદો કરતાં આ કલાસૌન્દર્યના આસ્વાદનો આનંદ જુદા પ્રકારનો છે. જુદા પ્રકારનો છે એટલું જ નહિ. ચડિયાતા પ્રકારનો પણ છે; કારણ કે પેલા આનંદો કરતાં આ આનંદ વધારે સ્થાયી ને વધારે સત્વશીલ, વધારે ચિરંજીવ છે.

પણ એ આનંદ કરતાં પણ વધારે મહાન ને વધારે અવર્ણનીય આનંદ મનુષ્યને થતો હોય છે જ્યારે એને એક અને અદ્વિતીય પરમ તત્ત્વનો—બ્રહ્મનો—સાક્ષાત્કાર થાય છે ત્યારે.

જે પરમ તત્ત્વ આ પંચમહાભૂતાત્મક જગતના અણુએ અણુમાં રહ્યું છે એટલું જ નહિ પણ પંચમહાભૂતાત્મક જગતની પાર પણ રહ્યું છે, તે જ્યારે ગોચર થાય છે, પ્રત્યક્ષ અનુભૂતિવિષય થાય છે ત્યારે મનુષ્યને કોઈ નવા જ પ્રકારનો આનંદ થતો હોય છે. તેણે જે આનંદો જોયા હોય છે તેના કરતાં એ આનંદ જુદા ને અલૌકિક પ્રકારનો હોય છે.

એ પરમતત્ત્વ બ્રહ્મ જ્યારે સ્વાનુભૂતિનો વિષય બને છે ત્યારે મનુષ્યને ભાન થાય છે કે એ બ્રહ્મ ચૈતન્યધન છે; અને પરિપૂર્ણ છે. નથી એમાં ક્યારેય કશું પણ ઉમેરાતું; નથી એમાંથી ક્યારેય કશું પણ ઓછું થતું. સમય શૂન્ય એ એક જ તત્ત્વથી ભરાયું છે. એના સિવાય ક્યાંય પણ કશું પણ છે જ નહિ. એ તત્ત્વ છે કોટિ કોટિ સૂર્ય જેવું, સદાકાળ ઝળહળતું ને ઉદય કે અસ્ત વિનાનું. એ જ્યોતિર્મય, સર્વવ્યાપી, સર્વાધાર, અવિનાશી ચૈતન્યધન બ્રહ્મનું વર્ણન વાણીદ્વારા થઈ શકે તેમ નથી. એ તત્ત્વસિવાય બીજું કશું જ ન હોવાથી, એને વિરાટ કે વામન, કંઈ જ કહી શકાય તેમ નથી; કારણ કે બીજા કશાકની સાથે સરખામણી કર્યા વિના ખબર શી રીતે પડે કે અમુક વસ્તુ નાની છે કે મોટી? ટૂંકી છે કે લાંબી? અને અહીં એ ચૈતન્યધન તત્ત્વ સિવાય બીજું છે શું, કે જેની સાથે તેની સરખામણી કરીને તેને વિરાટ કે વામન તરીકે વર્ણવી શકાય?

જે એક જ તત્ત્વનું અસ્તિત્વ છે ને જે ચૈતન્યઘન છે તેની અનુભૂતિ થતાં કવિને પરમ આનંદ થાય છે. અને એ આનંદનું ગાન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book