અપાર અર્થછાયાઓ – હરીન્દ્ર દવે

સ્નેહરશ્મિ

પાંચ હાયકુ

પતંગિયું ત્યાં

એક જાપાનીઝ હાયકુ છે—“હમણાં જેનો સાદ સંભળાયો એ મધ્યાહ્ન હતો?” આટલી બે પંક્તિ પછી ત્રીજી પંક્તિમાં કવિ માત્ર એક શબ્દ મૂકી દે છે—“કોયલ.” જે સાદમાં આખો યે સમય ઊતરી આવ્યો હતો એ તો કોયલનો સાદ હતો. એક નાનકડી વાત, પણ કેવી છટાથી કવિએ કહી છે? એનું મનન કરીએ તો નથી ને નવી અર્થછાયાઓ પ્રગટ થાય!

જાપાનનો આ કવિતાપ્રકાર આપણે ત્યાં લાવવાના હમણાં જે પ્રયત્નો થયા છે એમાંના કેટલાક આપણે અહીં જોઈએ. પણ એ પહેલાં કોઈ પૂછે છે કે આ હાયકુ એટલે શું? આપણે ત્યાં જેમ ચાર ચરણના દૂહા કે બે પંક્તિના ગઝલના શેર છે એ જ રીતે જાપાનમાં પાંચ, સાત અને પાંચ અક્ષરો મળી કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિઓનું જ કાવ્ય રચાય છે તેને તેઓ હાયકુ કહે છે. અહીં અર્થને વધારે વ્યાપક સંદર્ભમાં મૂકવાનો કવિ યત્ન કરે છે. આ સત્તર અક્ષરો સાથે કવિ એક જગત રચી દેતા હોય એમ લાગે છે. ક્યારેક કવિને એમાં સફળતા મળે છે. કવિએ ન કલ્પેલા સૌંદર્યલોકો ભાવક સમક્ષ ઊઘડતા જાય છે. કોઈ વાર કવિએ જે કહેવાનું હોય એ તદ્દન અસ્પષ્ટ રહી જાય ત્યારે રચના ધૂંધળી બની જાય છે.

આપણે પ્રથમ હાયકુ લઈએ. પતંગિયું ઊડ્યા કરતું હોય — આપણે કેટલાયે સમયથી એના ગતિરૂપને વાતાવરણમાં પથરાતું જોયા કરતા હોઈએ, પછી એકાએક એ પતંગિયું અલોપ થઈ જાય તો પણ શૂન્યમાં એનો રંગ પથરાયેલો જ રહે છે. કશુંક વીતી જાય, ત્યારે પણ એનું સ્મરણ વાતાવરણમાંથી વીતી શકતું નથી.

હવે આપણે બીજી કૃતિ જોઈએઃ સાંજનો સમય છે. ગોધણ પાછું ફર્યું છે અને વાડામાં બંધાઈ પણ ગયું છે. પંખીઓ માળામાં જંપી ગયાં છે—હવે ચોતરફ માત્ર શૂન્યતા છે. પણ કવિ એને શૂન્યતા રૂપે નથી જોતા. હજી સીમમાં આખું આકાશ પડ્યું છે. સીમ હજી શૂન્ય નથી બની. અહીં સત્તર શબ્દ આખીયે રચનાને કેટલી ભરી ભરી બનાવી દે છે!

જે કંટકે પુષ્પો મહોર્યાંની વાત કવિ કહે છે એ કયા કંટકો? અને કયાં ફૂલો? જે ફૂલો પર સૂર્યો ચમકે છે એ કયા સૂર્ય? કલ્પનાની નિઃસીમતામાં આપણે મુકાઈ જઈએ છીએ — આ રચનાના નિરવધિ અર્થો છે; જેટલી વ્યક્તિ એટલા અર્થો.

અંધકારની પીંછી બીજું બધું રંગી શકે, પણ દીપને એ શ્યામ બનાવી શકે છે? ચમત્કૃતિ છે, છતાં સ્પર્શી જાય એવી છે.

અને આપણે સૌ અતીતમાં જીવતા હોઈએ છીએ. સાતસાગરને પાર આવેલા કોઈ અજાણ્યા નગરની એકાંત સીમમાં ઊભેલા એકદંડિયા મહેલમાં નિસાસા નાખતી રાજકુમારી સાથે પ્રત્યેક બાળકને સંબંધ હોય છે. અને આ બાળક પ્રત્યેક માણસમાં જીવે છે. તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી એનું શૈશવ લઈ લ્યો, એનો જીવનરસ ઊડી જશે. પણ એ શૈશવની નગરીનો રસ્તો યૌવન ગુમાવી બેઠું હોય છે… એનો રસ્તો શોધવામાં જ કદાચ શેષ જિંદગી વીતી જાય છે…

— આ પાંચે રચનાઓને અહીં આપણે લગાર સ્પર્શીને જ છોડી દીધી છે. પણ એ વિશે આપણે અનેક અર્થછાયાઓ બાંધી શકીએ. કાવ્યત્વયુક્ત અર્થછાયા આમાંથી મળી રહે છે, એટલે જ આ રચનાઓ આપણને સ્પર્શે છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book