બનાવટી ફૂલોને
પ્રહ્લાદ પારેખ
તમારે રંગો છે,
અત્યારની આધુનિક કવિતામાં જે વિષયો ખૂબ ખેડાયા છે તેનાં મૂળ ખરેખર તો આપણે જાણે-અજાણ્યે વિસારે પાડેલી કલમોમાંથી મળે છે. નગરજીવનની કથા ને વ્યથા, કાચની અને જૂઠની સૃષ્ટિ જેવા ઍક્વેરિયમમાં માનવી જીવી રહ્યો છે એની વાત નિરંજન ભગતે કેટલી વ્યથાપૂર્ણ રીતે કરી છે! ‘આધુનિક અરણ્ય’માં નિરંજન કહે છે કે ‘કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે.’ નિરંજન પછી તો અનેકાનેક કવિઓએ નગરમાં પાંગરતા આ અ-નાગરજીવનની વ્યથા ગાઈ છે.
પરંતુ, પ્રસ્તુત કાવ્યનો વિચાર કરતાં એમ લાગ્યા વિના ન રહે કે વિષય, ભાષા અને છંદના વિનિયોગની દૃષ્ટિએ પ્રહ્લાદ પારેખનું આ કાવ્ય અગત્યનું કાવ્ય ગણાવું જોઈએ. છંદ શિખરિણી છે, છતાં કાન્તના ખંડશિખરિણી કરતાં તદ્દન જુદો જ છે. અકુદરતી જીવન-જાતરા કે જીવન-યાતનાને વર્ષો પહેલાં ગાનાર આ કવિનું એક બીજું લક્ષણ પણ ધ્યાન દોરે તેવું છે. આ વિષય જ એટલો ચોટદાર છે કે કવિ માટે કટાક્ષમાં સરી પડવું અનિવાર્ય નહીં તોપણ સરળ અને સહજ તો છે જ!
વિષયની માવજત જુઓ. બનાવટી ફૂલોને ઉતારી પાડવા કવિની દૃષ્ટિ આક્રમક તો નથી જ. પરંતુ સમભાવશીલ છે. તમારી પાસે રંગ છે, આકાર છે, કુદરતી ફૂલો કરતાં તમારું ‘જીવન’ પણ લાંબું છે. પેલાં સાચાં ફૂલોને સર્જવામાં ઈશ્વરનો આનંદ છે, તો તમને સર્જવામાં કલાકારનો ‘આનંદકણ’ પણ છુપાયો છે. તમારે પ્રયોજનમાત્ર નથી એમ પણ નહીં. નિયતિએ ઘડેલા નિયમોનું તમારે મર્યાદા-બંધન પણ નથી. તમારું જીવન નિર્બંધ છે પણ સુગંધ ક્યાં છે? તમારું સુંદર સંયોજન છે, પણ પુનિત પ્રયોજન ક્યાં છે?
તમારી શોભા બાહ્ય છે અને માટે જ તમારું પ્રયોજન અમારા જીવનમાં પણ બાહ્ય જ રહ્યું છે. તમારા exterior માટે તો અમે interior decorationમાં તમારો ઉપયોગ કરીએ છીએ! ઘરોની ‘શોભામાં’ તમે અભિવૃદ્ધિ કરો છો ત્યારે ક્યારેક ક્યારેક તો ‘ઘડીક ભર હૈયું હરખતું.’ (આપણાં ઘરો પણ એટલાં જ બનાવટી નથી? અમારાં ઘરોની શો-રૂમ-સુઘડતામાં તમે શો-પીસ તરીકે હૂબહૂ બંધ બેસી જાઓ છો!)
છતાં… અને છતાં… તમે ગમે તેટલાં જીવનસદૃશ હો, પણ તમારે તાદૃશ જીવન નથી જ નથી. કોઈ ભીતરથી પરિપૂર્ણ માણસ જ બીજા કોઈની અપૂર્ણતાને કરુણાસભર રીતે જીરવી જાણે. અપૂર્ણતાને ઢાંકવાની અનૈતિક વ્યવહારદૃષ્ટિ અપનાવ્યા વગર પણ, સામાને ઈજા પહોંચાડ્યા વગર પણ માણસ બીજા માટે સાચો હિતચિંતક બની શકે છે! અહીં કવિને બ્યૂગલ વગાડીને, શોક ટ્રીટમેન્ટ આપીને, આ ફૂલોને ઢંઢોળી મૂકવામાં કે શરમિંદાં કરવામાં રસ નથી. કવિને તો કોઈના વ્યક્તિત્વના લગભગ કાન નજીક આવીને, સહાનુભૂતિશીલ પરવાહ દેખાડીને, તેને જાગ્રત કરવામાં રસ છે.
અને એટલે તો કવિ માત્ર સહજ પૂછપરછ કરે છે, ‘ન જાણો નિંદું છું પરંતુ પૂછું છું.’ તમે સૂર્યનું કે ચંદ્રનું ‘ભવ્ય ઊગવું’ ક્યારેય માણ્યું છે? વસંતના પવનનું ‘રસિક અડવું’ ક્યારેય અનુભવ્યું છે? ઇંદ્રિયગ્રાહ્યતાનો બેધડક ગાનાર આપણા મોખરાના કવિઓમાંનો એક એવો આ કવિ વાસંતી વાયરાના ફૂલો સાથેના સંસ્પર્શ માટે ‘રસિક અડવું’ શબ્દપ્રયોગ યોજે એમાં જ એની રસિક કલાદૃષ્ટિની વિશિષ્ટતા છે.
તમારાં હૈયાંનાં ઊંડાણોમાં ક્યારેય પણ રામ વસ્યો છે? તમારાં મનમાં ‘આવું’ ક્યારેય વસ્યું છે? આયુર્યાત્રાના જ્યારે રામ ભણાય ત્યારે પોતાનું સારસર્વસ્વ આપીને, આત્મસમર્પણ કરી દઈને ધમાલ કે ઘોંઘાટ કે વલોપાત કર્યા વગર અ-રવ રીતે ઝરી જવામાં જે સાર્થક્ય છે તે વિશે તમારાં હૈયાંમાં ક્યારેય પ્રશ્ન સરખો પણ ઊઠ્યો છે?
કાવ્યની શરૂઆતની પંક્તિઓમાં ‘છે’ ‘છે’નાં આવર્તનો ‘નથી’ની શૂન્યતાને ઘેરી બનાવે છે. બધું જ છે — પણ તેની સળંગ નિરર્થકતાને છેલ્લો માર્મિક સવાલ વધુ ઉપસાવે છે. ‘શબ્દપ્રયોગો અંગે પણ આ કવિએ આ દસકામાં નામચીન થઈ પડેલી એવી ભાંગફોડ કે ઠરડમરડ કરી નથી.’ એમ કહી ઉમાશંકર પ્રહ્લાદની ભાવનિર્ભર રસગહનતાને નવાજે છે.
૧૫–૨–’૭૬
(એકાંતની સભા)