અનહદનો સૂર વિશે – રમેશ પુરોહિત

અનહદનો સૂર

હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,

વ્યથાનાં સ્વરૂપ અને ગતિ અનુભવથી સમજી શકાય છે એટલે હરીન્દ્ર દવેએ થીજેલા ઊર્મિતરંગોને વહેવડાવવાની વાત કરી છે. દિલના એક ખૂણામાં થિજાવેલી લાગણીઓને વહેવા માટે સગવડ કરી આપો તો ખબર પડશે કે વ્યથાની ગતિ અને સ્થિતિ કેવી હોય છે. વ્યથા, વિરહ, પ્રેમ અને પ્રભુ એ કવિતાના સનાતન વિષયો છે અને બધા કવિઓ પોતાનાં ચિંતન અને અનુભવને શબ્દોમાં ઢાળતા રહે છે. વ્યથા હોય કે પ્રેમ હોય, મિલન હોય કે વિરહની વાત હોય પણ કહેવાની નજાકત, શબ્દોની સુંવાળપ અને મુલાયમ અભિવ્યક્તિ હોય તો કવિતામાં સચ્ચાઈનાં સ્પંદનો ધબકે છે. હરીન્દ્ર દવેની કવિતામાંથી આવા ધબકારા સંભળાય છે, અનહદના સૂર ગુંજે છે.

શબ્દ હોટ એટલે એની સાથે અર્થ આવે અને અર્થ આવે એટલે સીમા અંકાઈ જાય. સીમાની અંદર રહેવામાં કવિને રસ નથી એટલે અનહદનો સૂર માગે છે. હદ વગરના સૂરની પાસે જવા માટે શબ્દની સંગત ન ચાલે. શબ્દને અર્થ હોય છે અને ભાવનો આકાર હોય છે, જ્યારે સૂર નિરાકાર છે ઈશ્વરની જેમ. પ્રથમ બે પંક્તિ સમજવા માટે હરીન્દ્ર દવેનો પોતાનો એક શેર મદદરૂપ થશેઃ

અનહદમાં રહી પ્રેમનો ઉચ્ચાર તો કરો,
દાવો કરો છો શેનો આ હદમાં સમાઈને.

હદમાં રહીને ઈશ્વર સાથેના અનુસંધાનનો દાવો કરનારાને કવિ પડકાર ફેંકે છે કે પહેલાં અસીમમાંથી અવાજ આપ તો પ્રેમનો ઉચ્ચાર કરવો નહિ પડે; પ્રેમ પોતે જ મંત્ર બનીને આવશે. અશબ્દ સૂર નજદીકથી સાંભળવો છે એટલે કવિ ઈશ્વરને નિકટ આવીને નૂપુરનો નાદ સંભળાવાનું કહે છે. ઈશ્વરનાં ચરણનાં નૂપુરનો રવ નિકટનથી સાંભળવાનો અર્થ અહીં સાક્ષાત્કાર થાય છે.

હરીન્દ્રને બ્રહ્માંડમાં બજી રહેલા અલૌકિક સંગીતને સાંભળવું હોય છે ત્યારે એ ન સંભળાય એવી માગણી કરીને આકાશમાંથી ઈશ્વરની પ્રસાદીરૂપે વરસેલા ઝાકળના નેપુર સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આમ, હરીન્દ્ર અનહદના સૂરનો જાપ જપે છે પણ એને ક્યારેક ફરિયાદ હોય છે તો ક્યારેક પૂર્વશરત હોય છે. આ કાવ્યમાં પણ ભક્તહૃદયની બિનશરતી શરણાગતિ નથી પણ શરત મૂકવામાં આવી છે. શરત એટલા માટે મૂકવામાં આવી છે કે અહીં જાણીતા પ્રદેશમાંથી અજાણ્યા પ્રદેશમાં જવાની વાત છે. શબ્દની સંગતથી ભક્તિભજન તો થઈ શકે છે પણ જો નિરાકાર સાથે તાર મેળવવો હોય તો કોઈ દિવ્ય અને દૈવી સૂર જ ખપ લાગે છે.

બીજા અંતરામાં અજંપો વ્યક્ત થાય છે. વાયુ મારા વેણને ઝીલતો નથી અને મારી વાણી વેડફાઈ જાય છે એટલે હું અધવચ્ચે અટવાઈ જાઉં છું. કવિને મનમાં વિરાટ અજંપો છે અને દિલમાં ખુદાઈ બેચેની છે. કવિને ચીલે ચાલવું નથી, કારણ કે બધાંનાં જ્યાં પદચિહ્નો પડ્યાં છે એ તો ચીલેચલુ માર્ગ છે, માટે કવિ અનોખા રાહે પ્રયાણ કરવા માટે ભીતરનાં તેજની ઝંખના સેવે છે. આંખને દૃષ્ટિમર્યાદા નડે છે. અધવચ્ચે અટવાયેલા કિનારે જવાની ઇચ્છા હોય છે, પોતાની ખોવાયેલી જાતને પુનઃ પ્રાપ્ત કરવાની ખ્વાહિશ હોય છે. આંખડીના નૂર લઈ લેવાની વાતમાં રિલ્કેની કાવ્યપંક્તિનોઃ ‘Extinguish both my eyes so that I can see you’ પડઘો સંભળાય છે. હરીન્દ્ર દવેએ આ પંક્તિનો અનુવાદ બહુ સરસ કર્યો છેઃ ‘ઠારી દે તું દીપ નયનના.’

કવિ છેલ્લે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાની વાત કરે છે. આકાશને કોઈ સીમા નથી એટલે મનરૂપી આકાશમાં તેજના સ્વરૂપ સમા સૂરજની વાત કરીને કવિ તેજ અને સૂરનો સમન્વય સાધે છે. સૂર એટલે નાદબ્રહ્મ સ્વયં જ્યોતિસ્વરૂપ બની જાય છે અને જેને કોઈ હદ નથી એવા મનના આકાશમાં મહાલે છે. આવા આભમાં ફરીથી દીઠેલા મુલકમાંથી અણદીઠેલા મુલકમાં જવાની વાત છે. સાક્ષાત્કારની ક્ષણની વાત છે. આ મુલક એવો છે કે યુગોની તપશ્ચર્યા ઓછી પડે અને નસીબમાં હોય તો એક ક્ષણમાં તાળી લાગી જાય છે. યુગ ઓછો પડે ઈશ્વરને પામવામાં પણ ક્યારેક એક પહોર પણ લાંબો થઈ પડે, કારણ કે દર્શનાતુર આંખો મીંચાય ત્યારે જ કદાચ સાક્ષાત્કારની ક્ષણ સરી પડતીહોય છે. કવિ પોતાના આયખાને કપૂરરૂપે જુએ છે અને ઈશ્વરને અગ્નિ પ્રકટાવવાનું કહે છે. કપૂર અગ્નિ અડતાં જ પ્રજળી ઊઠે છે. અહીં અગનીને બદલે પાવક શબ્દ વધારે ઉચિત લાગત, કારણ કે અગની ભૌતિક છે, પાવક અલૌકિક છે. કપૂરની જેમ સળગીને આકારમાંથી નિરાકાર થવાની ઝંખના વ્યક્ત થાય છે.

હરીન્દ્રની, હદની સરહદમાંથી નીકળીને અનહદમાં જવાની મથામણ વ્યક્ત કરતી આ મર્મસ્પર્શી કવિતા છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book