સ્વપ્નોને સળગવું હોય તો — : કાવ્ય વિશે — ચંદ્રકાન્ત શેઠ

સ્વપ્નવિશ્વ મનુષ્યના મનોવિશ્વનો જ ઇલાકો. મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા ને સ્વપ્નદ્રષ્ટા થાય તો સારાં સ્વપ્નો માટે જ થાય ને? પોતાનું સુખ વધે, શક્તિ વિકસે, આનંદ વિસ્તરે અને આસપાસની સૌ સૃષ્ટિ સાથેના પોતાના સંબંધો મધુમય થાય — સંવાદમધુર થાય એવી એવી ખેવનાઓ ને તદનુવર્તી ખ્યાલોમાંથી મનુષ્યની સ્વપ્નસૃષ્ટિનો આવિર્ભાવ થતો હોય છે. મનુષ્ય માટે એ આશ્ચર્યલોક પણ ખરો ને આનંદલોક પણ ખરો; પરંતુ આજના કઠોર — વિષમ હવામાનમાં મનુષ્યનો એ સ્વપ્નલોક સલામત છે ખરો? કવિ સાભિપ્રાય કહે છે:

“સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો.”

વાસ્તવજીવનમાં જે ન હોય તેનો અભાવ પૂરવા મનુષ્ય સ્વપ્નો તરફ વળતો હોય છે; પરંતુ એ પરિસ્થિતિ પણ હાલ જાણે બચી નથી! માણસને મૂંગાં મૂંગાં શારી નાખે — વહેરી નાખે એવી નિષ્ઠુર — એવી વિધ્વંસક સંવેદનહીનતા પ્રવર્તે છે; માણસને ખરીદ-વેચાણની એક ચીજ (‘કૉમોડિટી’) તરીકે જોનારી મૂલ્યભ્રષ્ટ કે મૂલ્યહીણ બજારુ રૂખની બોલબાલા બધે ફરી વળી છે. ભદ્ર જનોને શ્વાસ લેતાંયે અકળામણ થાય એવો માહોલ છે.

જ્ઞાનવિજ્ઞાનની તેમજ બૌદ્ધિકતાની પ્રગતિ પર મુસ્તાક માનવજાત ભાનભૂલી વીસમી સદીના પહેલા પચાસ વર્ષમાં જ બે વિશ્વયુદ્ધો તો કરી બેઠી. માનવતાના મૂલ્યહ્રાસના ભૂંડા પરિણામરૂપ લાખો-કરોડોની હત્યા જોવા મળી. પરમાણુવિસ્ફોટે જે વિભીષિકાનું નિર્માણ કર્યું તેની વાત કરતાં ‘સંવાદિતાના સાધક’ કવિ ઉમાશંકર કહે છે:

“ભસ્મપુંજીભૂત હિરોશીમાની
ખાક લલાટે લગાડેલી અણુસંસ્કૃતિનું કંકાલહાસ્ય
દસકાઓની ભેખડોએ પડઘાય.”

માનવજાતે આ યુદ્ધો દરમિયાન ‘ભીતિના પેંતરા’ ‘સર્વનાશસજ્જતા’માં પરિણમતા જોયા. કૌરવસભામાં અર્થના દાસ થઈને બેઠેલા ભીષ્મ-દ્રોણના જેવી આજની પરિસ્થિતિમાં સજ્જનોની ‘અકિંચિત્કર’ અવસ્થા — એમની નિષ્ક્રિયતા આ કવિને વ્યથિત કરે છે. સર્વને ગ્રસી જાય એવાં બજારુ મૂલ્યોના ડાકલાએ એવી ભૂતાવળ ખડી થઈ છે કે સાત્ત્વિકતા, સ્નેહ, સંવાદ જેવા સુજનતાના મૂળભૂત ભાવોની સેરને — સરવાણીને દ્વેષ, વેર જેવાં આસુરી તત્ત્વોની અગ્નિજ્વાળામાંથી કેમ બચાવવી એ મસમોટી સમસ્યા બની રહી છે.

તેઓ આજની સંસ્કૃતિમાં જે વિસંવાદિતા ને વૈષમ્ય છે તેની મર્યાદા બરોબર જોઈ શક્યા છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સામ્યવાદ જેવા કેટલાયે વાદોના પુરસ્કર્તાઓ ને પોશિંદાઓ વાસ્તવમાં તો એક યા બીજા પ્રકારે ખેડૂતો, કારીગરો ને મજૂરોની કેડ પર — ખભા પર ચડી બેસીને તાગડધિન્ના કરનારી, એમના નામે પોતાનું ડોઝરું ભરનારા શોષણખોરોની જમાતના જ પ્રતિનિધિઓ છે. ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ શમાવી શકે એવી શાસનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે અર્થવ્યવસ્થા તેઓ ગોઠવી કે નિભાવી શક્યા નથી. વિષમતા ને વિચિત્રતા તો એવી છે કે ભર્યાંભર્યાં બજારો તથા હર્યાંપૂર્યાં ખેતરોની આગળ જ કરોડો માણસો મૂઠી ધાન માટે વલખાં મારતાં જીવતરને ઘસડી રહ્યાં છે. જડવાદ અને ભૌતિકવાદમાં, સંપત્તિવાદ અને ભોગવાદમાં અટવાયેલા આજના માણસ સમક્ષ તો નઘરોળ સ્થૂળતાની ભીંસવાળું આવું ચિત્ર ઊપસે છે:

“માનવ એટલે શરીર, — યુગની મહતી એ શ્રદ્ધા. એક માત્ર ધર્મ
શરીરધર્મ.”

આ શરીરધર્મમાં ભોગપ્રધાનતાનું વર્ચસ્ જોવા મળે છે. ‘तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। — (તૃષ્ણા જીર્ણ થતી નથી, આપણે જીર્ણ થઈએ છીએ.) — આ હકીકતનું ભાન આજની આ અતિઉત્પાદનવતી સંસ્કૃતિ’ કરાવી રહી છે. મનુષ્યને સંતોષ કે ધરવ નથી, શાંતિ નથી. આ આપો, તે આપો ના જ પોકારો છે. એક પ્રકારની આંધળી દોડ છે સુખનાં ઝાંઝવાં પાછળની. સાચું સુખ તો સ્વપ્નવત્ છે ને તેય ક્યાં સલામત છે? માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ — આ ચાર પુરુષાર્થોમાંથી માત્ર અર્થ અને કામની પળોજણમાં સવિશેષ ખૂંપેલો — મચી રહેલો જોવા મળે છે. શરીર શરીરમાં હોમાતાં હોય, માણસો અર્થ-કામની હોળીઓમાં હોમાતાં હોય, યુદ્ધરૂપી જ્વાલામુખીની ઝાળોમાં લપેટાતાં હોય — એવું પરિદૃશ્ય કવિ અહીં રજૂ કરે છે. તેઓ સાભિપ્રાય કહે છે:

“અતિઉત્પાદનવતી સંસ્કૃતિનો મુદ્રાલેખ ‘સ્વાહા’!”

ભૂખમરાના દુ:ખ સામે ખાઉધરાપણાની વિકૃતિનો વધતો જતો આતંક ચિંતાપ્રેરક છે. માણસનું ખાઉધરાપણું પહેલપ્રથમ તો માણસને પોતાને જ ભરખવાનું કામ કરતું હોય છે. બૌદ્ધિકતાનો વિકાસ આ ખાઉધરાપણાને નિયંત્રિત કરી શક્યો નથી; તેથી જ કવિને બુદ્ધસચેત મનુષ્યમાં ચેતનાનો લકવો થયાની લાગણી થાય છે. એક બાજુ સંપન્નતા અને સાથે જ અગાધ રિક્તતા — ખાલીપો. ‘હૃદય બોબડું’ ને ‘ચિત્ત બહેરું’ — એવી સંવેદનશૂન્યતાની પરિસ્થિતિ. મનુષ્યની વિજ્ઞાનબુદ્ધિએ અણુબૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ, નાપામ બૉમ્બ જેવાં વિનાશક શસ્ત્રોનો ગંજ ખડક્યો. એ ગંજ પર બેઠેલો મનુષ્ય જ પાછો પ્રશ્ન કરે છે: આ જીવવાનો અર્થ ખરો? મૂલ્યહ્રાસ ને આત્મહ્રાસનું સમીકરણ સધાય એવી બેહૂદી (‘ઍબ્સર્ડ’) હાલત આજની છે. માણસોની વસ્તી તો ચાર અબજે પહોંચી, પરંતુ માણસ માણસ વચ્ચેનો અઢીઅક્ષરિયા પ્રેમનો સંબંધ કેટલે પહોંચ્યો એ પ્રશ્ન પાયાનો છે. વાહનવ્યવહાર ને સંચારમાધ્યમોથી વિશ્વ હવે ઘરઆંગણે આવી લાગેલું દેખાય છે, પરંતુ વિશ્વકુટુંબનો ઘરોબો ક્યાં છે? મનુષ્ય મનુષ્ય વચ્ચે હૃદયનો સેતુબંધ ક્યાં છે? યંત્ર ને તંત્રના કોલાહલમાં મંત્રનો ધ્વનિ ક્યાં? મંત્રને ગૂંગળામણ થાય એવી યંત્રતંત્રની ભીંસ છે — એવો એનો ભાર છે. કવિ જે મંત્રની વાત કરે છે એ મંત્ર આમ તો સાવ સાદોસીધો છે પણ મૂળભૂત અને સાચો છે. કવિ કહે છે:

“મંત્ર તો ‘મનુષ્ય’ — માનવનું હોવું, માનવનું જીવવું,
માનવીપણાથી માનવોમાં ઓતપ્રોત થવું.”

સુન્દરમે કવેલી ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ની જ આ વાત. વાત નવી નથી, પણ સનાતન જરૂર છે. માનવીનું માનવપણું એટલે જ માનવતા — પ્રેમ ને કરુણા, સુમેળ ને સંવાદ. માનવી-જીવન અજબ છે તો તે આ માનવતાના શક્તિ-ગુણે. આ માનવીના સર્જનમાં જ પ્રભુની પરમ સર્જનશક્તિનો ચમત્કાર જોઈ શકાય છે. માનવી પ્રભુનું સર્વશ્રેષ્ઠ સર્જન મનાય છે.

આ સર્વશ્રેષ્ઠ મનુષ્યની સર્જનલીલાની વાત કરતાં ઉમાશંકર આ કૌતુકભરી દુનિયાની જિંદગીની રંગબેરંગી ગૂંથણીમાં કોઈ તાણા કે કોઈ વાણા રૂપે દુરિત પણ હોવાનું જણાવે છે. આ દુરિતને તેઓ ‘સચેત પરિબળ’ તરીકે કોઈ મહાસાગરના પ્રચંડ લોઢ જેવી સર્વભક્ષી ‘વિસર્પિણી શક્તિ’ તરીકે ઓળખાવે છે. ક્યારેક તો વજ્રદંષ્ટ્ર જંતુ સમી, ગુલાબને જેમ કીટ કોરી ખાય એમ માણસને અંદરથી કોરી ખાનારી શક્તિ રૂપે દુરિતને દર્શાવે છે. આ શક્તિ આમ તો નકારાત્મક છે, છતાં જિંદગીની લયલીલામાં એનુંયે મહત્ત્વનું સ્થાનપ્રદાન છે જ. તેજ-તિમિર, છાયા-પ્રકાશ એમ જ શુભ-દુરિતથી સંમિશ્રિત હોય છે જિન્દગી. આ દુરિત માટે તો માનવી-હૃદય જ ‘યુદ્ધક્ષેત્ર’ બની રહેતું હોય છે. આ દુરિતનો પડછાયો સૌ કોઈને આભડતો હોય છે. દુરિતનો પ્રતિકાર કરતાં કરતાં શુભ વિચાર, શુભ વાણી તેમ જ શુભ વર્તન પ્રતિ કેમ આગળ વધાય એ મનુષ્યે જોવાનું રહે છે — એ માટે એણે મથવાનું રહે છે.

આજની પરિસ્થિતિમાં મનુષ્ય સમયની સાથે હોડમાં ઊતર્યો હોય એવી એની દોડધામભરી હાલત છે. એ પોતાનાથી દૂર ભાગતો હોય એવું જણાય છે. એ અન્ય સૌને — અજાણ્યાને અને ઘૃણા કરનારનેય મળે છે પણ પોતાને મળતો નથી; પોતાની અસલિયતને યથાતથ રીતે પામતો નથી. જ્યાં સુધી એ પોતાના અસલ રૂપને ઓળખશે નહીં ત્યાં સુધી એને એની સાર્થકતાનો તાગ સાંપડવાનો જ નથી. મનુષ્યને એના અહંકારનું આવરણ પારસ્પરિક પારદર્શક સંબંધોનું સત્ય પામવામાં વિઘ્નરૂપ બની રહે છે. એની ‘હું-મય’તા પોતાની અંદરની ને બહારની સૃષ્ટિના સમ્યક્ આકલનમાં અવરોધરૂપ થાય છે. દરેક ચહેરો જડ આયનો હોય એમ એમાં પોતાને જ જોયા કરવાની ચેષ્ટા ઠીક નથી. મનુષ્યે સૌમાં જો પોતાને તો પોતાનામાં સૌને જોવાની ફાવટ સિદ્ધ કરવી જોઈએ. એવી ફાવટથી છેવટે તો પોતાની જ અભિજ્ઞા પામવામાં સુવિધા ને સહાય સાંપડે છે. કવિ કહે છે:

“બીજાને કેમ જોઉં છું તેમાંથી મને પરિચય મળે છે મારો,
બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે.”

ઉમાશંકર મનુષ્યના મનુષ્યત્વને અખિલાઈના વ્યાપક સંદર્ભમાં જુએ છે. મનુષ્યનું સ્વત્વ સર્વત્વથી અલગ કે નિરપેક્ષ નથી. બંનેનું યુગપદ્ દર્શન અનિવાર્ય છે અને એવું જ અનિવાર્ય છે મનુષ્યને એનામાં રહેવા દેવત્વ ને દાનવત્વના — શુભ અને દુરિતનાં તત્ત્વો સાથે સમુદારતાથી જોવા — સ્વીકારવાનું. પ્રેમના કીમિયાથી જ મનુષ્યમાંના દુરિતને માત કરી શકાય છે.

મનુષ્યના જીવનમાં દુરિતની અસર થતી જ નથી એવું તો કેમ કહેવાય? દુરિત તો, કવિ કહે છે તેમ, જીવનનું ‘આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ’ છે. મનુષ્ય છે, મનુષ્યનું જીવન છે તો તેમાં જેમ શુભ તેમ દુરિત — એ બંનેય અનુક્રમે વિધેયાત્મક અને નિષેધાત્મક પરિબળો પણ છે. શુભના બળની જેમ દુરિતનું બળ પણ જીવનમાં ઉપકારક છે. દુરિતની સામે સંઘર્ષ કરતાં, એના કારણે જે સહન કરવું પડે તે કરતાં, દુરિતથી કષ્ટાતાં ને કસાતાં જીવનમાં કસકૌવત આવે છે, જીવનના અર્કરસનો આસ્વાદ — એનું મૂલ્ય પામી શકાય છે અને તેથી જ આપણા આ કવિ ‘દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત’ એમ કહેવાનું પસંદ કરે છે. વળી મનુષ્યનું અસ્તિત્વ જ — મનુષ્યનું જીવન જ આ દુરિતને સુગઠિત કરનારું બળ છે.

આમ ઉમાશંકરનું જીવન અને જગતનું વ્યાપક દર્શન, મનુષ્યના અસ્તિત્વનું અને તેના કાર્યકલાપનું ગહન દર્શન અહીં દુરિતનાયે સ્વીકાર સુધીનું સમજપૂર્વકનું ઔદાર્ય દાખવીને રહે છે. મનુષ્યની જીવનલીલાનું સાર્થક્ય, એનો સ્વાદ, એનો આનંદ પણ ઉપર્યુક્ત ગહન તથા વ્યાપક દર્શન પર જ નિર્ભર છે.

ઉમાશંકરનું આવું વ્યાપક અને ગહન દર્શન જ તેમને હતાશા કે નિરાશા તરફ સરી જતાં અટકાવે છે. તેથી જ તેઓ સ્વપ્નોને સળગવાની બધી સગવડ કરી આપતી અતિઉત્પાદન વતી ભોગપ્રધાન સંસ્કૃતિમાં પણ ‘થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે’ એવી હાશકારાવાળી હૈયાધારણ આપણને છેલ્લે બંધાવી રહે છે. વિપરીત પરિસ્થિતિમાંયે, દુરિતના દબાવ વચ્ચેય મનુષ્યનું મનુષ્યત્વ ઉન્મૂલિત ન થતાં, ટકી રહેવાની એમને શ્રદ્ધા છે. મનુષ્યના જીવનમાં એના મનુષ્યત્વને પ્રફુલ્લાવે એવાં સુસ્વપ્નોનું વર્ચસ્ તો કોઈક રીતે રહેશે જ રહેશે એવી બુલંદ શ્રદ્ધામાં આ કાવ્ય વિરમે છે.

આમ આ કાવ્યની ગતિ સંશયથી શ્રદ્ધા પ્રતિ હોવાનું જોઈ શકાય. ઉમાશંકરનું કવિકર્મ ‘દર્શન’ તેમ જ ‘વર્ણન’-પ્રેરિત — કલ્પન-પ્રેરિત કાવ્યબાનીમાં સાદ્યંત ઊઘડેલું પામી શકાય છે. બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો કવિદૃષ્ટિના પ્રતાપે જ અહીં ઉપસ્થિત છે. ‘આપો, આપો’, ‘બાપો, બાપો’, ‘હાંઉં, ધ્રાપો’ જેવા પ્રાસસિદ્ધિ કરી આપતા શબ્દગુચ્છો જે રીતે અહીં પ્રયોજાયા છે તેમાં કવિકૌશલનો ચમકારો જોઈ શકાશે. વિષયવસ્તુની પ્રકૃતિને માફક આવે એ રીતની લય-લઢણો, બોલચાલના લહેજાલહેકા તથા મૂળભૂત વિચાર-ભાવની સચોટદાર ને ચોંટડૂક અભિવ્યક્તિ સાધતા જે વાક્પ્રયોગો — શબ્દપ્રયોગો અહીં ખપમાં લેવાયા છે તે આ કવિના સર્જકસામર્થ્યની આપણને પ્રભાવક પ્રતીતિ કરાવીને રહે છે. પ્રસ્તુત કાવ્યમાં સાંપ્રત પરિસ્થિતિનું — મનુષ્યની વાસ્તવિક અવસ્થિતિનું પરિદર્શન કાવ્યબાનીની કલ્પનરસિત પણ પારદર્શક ઇબારતમાં ઝિલાઈને જે અરૂઢતાથી આવિર્ભાવ પામ્યું છે તેનો એક અનોખો સ્વાદ છે. આ કાવ્યમાં કોઈને શાશ્વતી અર્થેની સમયની ચીસ સંભળાય તોપણ નવાઈ પામવા જેવું નથી!

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book