સ્મૃતિ–દર્પણમાં હવાતિયાં – રાધેશ્યામ શર્મા

યૉસેફ મૅકવાન

હવાતિયાં

હવામાં બાકોરું પાડતી ધજાને

શૂન્યતાને, સૂચક ભાવકલ્પનોથી અભિવ્યક્ત કરતી આ એક ‘એક્ઝિસ્ટેન્શિયલ’ કવિતા છે. વિ–સંગતિસંયુક્ત તમસ્‌ને વર્ણવતાં છતાં એક પ્રકારની સંમતિ કાવ્યાન્તે ગૂંથાઈ આવી છે.

પ્રારંભે, નાયક ખાલીપાની ખાટલીમાં પડ્યો પડ્યો શું જુએ છે? હવામાં બાકોરું પાડતી ધજા!

રચનાન્તે નાયકનું ધજા સાથેનું તાદાત્મ્ય (આઇડેન્ટિફિકેશન) આમ પ્રકટ્યું છે: ‘હું જ છું એ ધજા… જોયા કરું છું અને હવાતિયાં મારતી…દર્પણમાં જોતો હોઉં એમ…’

એવી જ રીતિથી આરમ્ભે ઉલ્લેખ ‘દર્પણ’નો છે (જે અંતમાં, ઉપર જોયો): દર્પણમાં જોતો હોઉં એમ / પાસે ઊભેલાં વૃક્ષનાં લીલાં પર્ણોમાં / ખડખડાટ હસે છે માછલીઓ…’

આખી રચનામાં જીવંતતા ક્યાંયે શોધવી હોય તો કર્તાની આ વિરલ કલ્પનલીલામાં, જ્યાં વૃક્ષપર્ણોમાં વૃક્ષ જાણે નદી હોય અને એમાં ખડખડાટ હસતી માછલીઓને તે દર્પણમાં જોતો હોય છે. બાકી તો ‘ચોમેર ઊભરાતી નિઃસ્તબ્ધતા’નો સૂનકારભર્યો પરિવેશ છે.

‘અસમંજસ’ શબ્દનો પ્રયોગ પૂરી કૃતિને લાગુ પડે. અસમંજસ એટલે અસ્પષ્ટ. આ અસ્પષ્ટતાની ધૂંધળાશના કારણે નાયકની નિબિડ મનોદશાનો અહેસાસ થાય, ઉપરાંત કૃતિનું નિશાન અભિધાથી ઇતર અને અધ્ધર અનુભવાય. પ્રકૃતિના ભાવવ્યત્યયની સાથે વિસ્મયનું સન્ધાન છે:

અસમંજસમાં પડેલી બપોરની ચામડી પરના
ગીતના ઉઝરડામાંથી
ઝમતા તડકે ગામ જંપી ગયું છે?’

સંકુલતાના અંતરવર્તી વળાંકો (curvatures of complexity) અહીં સુલભ છે. બપોર કેવી? ‘અસમંજસમાં પડેલી!’ અને એવી બપોરની ચામડી પર પાછા ગીત–ઉઝરડા, અને એવા ઉઝરડામાંથી ઝમતો તડકો તેમજ એવા તડકે આખું ગામ જંપી ગયું છે!

નાયકની ચિત્તવીથિકાનું રસપ્રદ નિદર્શન કરાવે, ઉપરાંત ગામની સ્તબ્ધતાનું બાહ્ય દર્શન કરાવે એવી આ ત્રણ પંક્તિઓ યાદગાર છે.

ગામ જંપી ગયાના વર્ણન બાદ ઊભરાતી નિસ્તબ્ધતા વચ્ચે અજાણ્યું કોઈ પંખી શું કરે છે? ટહુકાનો ગલ નાખી જાણે સ્તબ્ધતાની સ્થિતિમાંથી બહાર ખેંચી કાઢે છે, નાયકને!

ટહુકાનો આંકડો નાયકને બહાર તાણી કાઢી કેવા પરિવેશમાં મૂકી આપે છે?

‘સૂના ઘરનાં નેવાં તાક્યા કરે છે ટગી ટગી.’ (‘ટગી ટગી’નું આવર્તન, આગળ ઉપર ‘લગી–વગી’ના પ્રાસનો સુમેળ સ્થાપે છે…)

સૂચક પલટો હવે ઝબકે છે, જ્યાં નાયકની આત્મલક્ષી દશામાં પ્રિયાની સ્મૃતિનું ગીતનુમા ગુંજન પ્રવેશે છે: ‘યાદ પિયાકી આને લગી, જે હતી વાત હાથ વગી.’ ગૂંથણીના વિચિત્ર વળાંકોમાં કર્તાને અતિ મજા પડી ગઈ લાગે છે. એટલે જાણે યાદને કરડી ગઈ કાળી કૂતરી રાત. કૂતરીને રાત સાથે સાંકળી ઉપમાની સબળ સાર્થકતા પ્રસ્તુત કરી કર્તા, મધુર સમાપનનો પ્રચલિત પંથ અવગણી નિજી તમસના ગાઢ પ્રદેશની સ્થિતિ ઉલ્લેખે છે:

ત્યારથી મારી અંદરનાં અજવાળાંને
પડ્યું છે અંધારાનું ઘારું!

ઘારું અને બાકોરું પાડતી ધજા આ લખનારને રિલ્કેની પંક્તિનું સ્મરણ કરાવી ગઈઃ

‘A lonely flag,
surrounded by distances’

યૉસેફની સર્જનાત્મક ક્ષમતા જોઈ કવિશ્રી ચિનુ મોદીએ ’૯૪ની સાલમાં નોંધ્યું હતું તે નોંધપાત્ર છે:

‘શ્રી ઉમાશંકરે આજથી બે–અઢી દાયકા પહેલાં કોઈને કહ્યું હતું કે હાલ હું બે કવિઓને ઑબ્ઝર્વ કરું છું – લાભશંકર અને યૉસેફને.’

આજે ઉમાશંકર હોત તો શું કહેત? અનુમાનને અંડોળી યૉસેફે ઝડપેલા અવાજના એક્સ-રે’ને જ પ્ર–માણીશું.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book