સાહચર્યસિદ્ધ કાવ્ય-આકૃતિ… – રાધેશ્યામ શર્મા

પ્રબોધ . જોશી

વૃક્ષાનુભૂતિ

ખરે છે

સંસ્કૃત કોશમાં અનુભવ અને અનુભૂતિ એ બે શબ્દોના અર્થ અનુક્રમે ‘પ્રત્યક્ષજ્ઞાન’ અને ‘ઇન્દ્રિયજ્ઞાન’ છે. કવિશ્રી પ્રબોધ જોશીની કૃતિનું શીર્ષક ‘વૃક્ષાનુભૂતિ’ ઉભય જ્ઞાનસ્થિત પર ટક્યું છે. વૃક્ષ નીરખ્યું પ્રત્યક્ષ અને ઇન્દ્રયજ્ઞાન થયું એની સકલ અભિવ્યક્તિ જ ભાવકની રસસંપ્રાપ્તિ બને. અનુભૂતિ અંગત સંપદા છે, અનુભવની પ્રભૂતિ અને પરિણતિ કાવ્યમાં અભિવ્યક્ત થઈને કેવી રહે છે?

અનુભૂતિ શાની? વૃક્ષની. કવિએ ત્રણ ખંડમાં એને વહેંચી છે. આપણી સામે ‘વૃક્ષાનુભૂતિ,’ છે. જોઈ શકીએ છીએ કે એકબે, પછી એક એક અને છેલ્લે ત્રણ શબ્દ છૂટા પાડીને આલેખી છે.

ઇ. ઈ. કમિંગ્ઝ જેવા કવિઓએ આ રાહે રચનાઓ કરેલી છે. અહીં પદપ્રબન્ધ, વિરામનું લિપિદૃશ્ય ભાવકને તરત વૃક્ષ ઊભું હોવાનો સંકેત કરે છે.

વિચ્છિન્ન આઠ લીટીમાં શબ્દ-ભંગ કરવાનું પ્રયોજન? એક લીટીમાં, સળંગ એક વાક્યમાં લખી શકાત, પણ એવું થયું હોત તો ‘વૃક્ષાનુભૂતિ’, જે રીતિએ દૃશ્યઅભિવ્યક્તિમાં ઉપસ્થિત છે તેમ ના થયું હોત. શબ્દે શબ્દે પદે પદે વિરામનો પરિચય પણ લયની દૃષ્ટિએ ના થાત.

વૃક્ષાકૃતિનાં પાંદડાંમાં પ્રથમ પદના ક્રિયાપદથી પ્રવેશ મળે છે: ‘ખરે છે’

પૂરી કૃતિમાં એક પણ વિરામચિહ્ન નથી, માત્ર છેલ્લી પંક્તિ પાછળ પૂર્ણવિરામ છે.

‘ખરે છે’ પાછળ વિરામ નથી. સાત પંક્તિપદ સુધી અવિરામ. તરત આવે છે શબ્દ ‘આ.’

‘ખરે છે આ’ના સંયોજનથી ઘડીભર તારો ‘ખરે છે’નો ખ્યાલ ઝબૂકી જતો રહે.

ત્યાં તો ‘પર્ણ’ આવતાં વૃક્ષનો અહેસાસ શરૂ થાય. અને પદપંક્તિ પ્રગટ થાય અન્ય ‘આ’ સાથે…

‘ત્યારે

પ્રજ્ઞ

આ’

બંને વખત આવેલા ‘આ’નું આવર્તન રચનાની લયયોજનાનો ભાગ છે.

અન્તે ચિત્ર કન્ફર્મ થાય છે, ઇતિ સિદ્ધમ્:

વૃક્ષ
ઊભું છે સ્થિત.’

કાવ્ય પૂરું થાય ત્યાં સમજ પડી જાય કે કુશળ કવિએ વિશિષ્ટ સંયોજક-સંકલનકાર લેખે સુજ્ઞ ભાવકોને પરિવહનમાં – ટ્રાન્સપૉર્ટમાં – જોતર્યા છે. કેવી રીતે?

યાદ આવી જાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શ્લોક: સ્થિત પ્રજ્ઞસ્ય ભાષા.

એક પર્ણ ખર્યું એમાં પતનની, પડવાની ગતિ છે. ‘ખરવું’ સાથે ભાવક ‘મરવું’ના પ્રાસ સાંકળી જીવનની અંતિમ ગતિ મૃત્યુને પામી જાય પાંદડાની પેઠે ખરી મરી જવાની પ્રાકૃતિક સ્વાભાવિક ઘટના ઘટતી હોય ત્યારે કશો બોધ તારવ્યા વગર કૃતિ, મૃત્યુની ગતિ સાથે ચીંધે છે: ‘પ્રજ્ઞ / આ / વૃક્ષ / ઊભું છે સ્થિત.’

મૃત્યુના દારુણ કરુણ ઝડપી ગતિવેગ સામે આ વૃક્ષ સ્થિત–પ્રજ્ઞરૂપે ઊભું છે. રસદષ્ટિએ મૃત્યુના કરુણની ગતિ સાથે અને સામે તટસ્થ સ્થિત પ્રજ્ઞતાનો શાન્ત શામક રસ ભાવકમાં ઝલમલે છે. – પ્રારમ્ભ ‘પર્ણ’ શબ્દ આવ્યો ત્યારે કોઈને ઝળક્યો ના હોય તે, ગીતાનો પ્રસિદ્ધ શ્લોકાંશ ‘છંદાસિ યસ્ય પર્ફોનિ’ હવે સ્મૃતિમાં રણઝણે. – આવું આ વૃક્ષ ‘ઊર્ધ્વમૂલમધઃ શાખમશ્વત્થ પ્રાહુરવ્યયમ્’ – પીપળાનું માનવું જરીકે જરૂરી નથી, પ્રસ્તુત પણ નથી. સર્જકે તો માત્ર નિકૉન કૅમેરામાં દૃશ્ય ઝીલી મૂકવાનું કર્યું, ભાવકને આવું તેવું સંદર્ભ–વિચરણ કરવાની યા ના કરવાની પૂરી છૂટ આપી છે.

આ લખનાર તો સ્વચ્છંદે ઉપનિષદના શ્લોક સુધી દોડી ગયા:

स वृक्षो ईव स्तब्धो दिवि तिष्ठत्येकः।

આ વૃક્ષ પણ જાણે સ્થિતપ્રજ્ઞની જેમ સ્તબ્ધ છે, મૃત્યુના કરુણની આગળ પણ પ્રશાન્ત છે, સંસ્થિત છે. આવું હોય તો કોણ અન્તિમ આદર્શ હોય? કોણ દર્પણ હોય? ઈશ્વર જ હોય ને –

સ્થિતપ્રજ્ઞની જેમ! – ભલે ભાવ–ભાવના–સંભાવનાના પ્રતીક સ્વરૂપે…

અત્રે વૃક્ષલક્ષી સંદર્ભનો પ્રસ્તુત છેડો છેક મૅથ્યુ આર્નોલ્ડની પંક્તિઓ સુધી વહી જાય છે, મને:

Roam on! The light we sought is shining still. / Dost thou ask proof?

our tree yet crowns the hill, / our scholar
travels yet the loved hill side.

(Thyrsis, 238)

અહીં પણ ટેકરીના મસ્તકે વૃક્ષ શોભી રહ્યું છે!

‘વૃક્ષાનુભૂતિ’ રજા ખંડમાં, અગાઉ સૂચવ્યું તેમ કૅમેરાની ક્લિક સાથે પ્રયોજાઈ છે. વૃક્ષને ફોટો પાડવા ‘સ્માઇલ પ્લીઝ’ કહેવું પડતું નથી, તેમ એય ‘ફોટો પ્લીઝ’ નથી કહેતું.

તો એ ક્લિક ક્યાં થાય છે? કાવ્યનાયકના ‘મનમાં’.

અને ૩ જા ખંડે, મનમાં જ પ્રશ્ન ખડો થ્યો છે: ‘કયું વૃક્ષ?’ અને વૃક્ષ મનુજની માફક મંદમંદ સ્મિત વેરતાં બોલે છે મારું ગોત્ર, મૂળ પૂછશો – શોધશો નહીં, ના…ના / નામ પણ ના પૂછશો / તો પછી? / બસ તમે જે પણ કંઈ સમજો…

કારયિત્રી ચેતના આખરે તે ભાવયિત્રી પ્રતિભા પર જ કાવ્યની નિતાન્ત આકૃતિ રચવા મદાર રાખે છે. ‘બસ તમે જે પણ કંઈ સમજો.’

કાવ્યજ્ઞો તો કેવળ કૃતિને સમજવાથી અધિક કાવ્યમાં હોવાની જિકર કરે છે. આમ જ કાવ્યને પામી શકાય.

..પાછો ઉઘાડ નીકળ્યો આ’ – કાવ્યસંચયના કવિએ ‘દરિયાનુભૂતિ’ સાથે ‘વૃક્ષાનુભૂતિ’ની રચનાઓ દ્વારા જે રસસિદ્ધિ દર્શાવી એનો તો આ એક આવો આલેખમાત્ર છે. સુરેશ જોશી વારે વારે કહેતા, યોજક સર્જક દુર્લભ છે. કવિશ્રી પ્રબોધ ૨. જોશીનો આ નવો ઉઘાડ પણ હર્ષપ્રદ છે.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book