સાગર અને શશી કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

કાન્ત

સાગર અને શશી

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને

શંકરાભરણ રાગમાં આ કાવ્ય જ્યારે ગવાય છે ત્યારે શબ્દ તથા સૂરના કાંચન-સુરભિયોગનો અનિર્વચનીય આહ્લાદ ચિત્ત અને શ્રવણને – સમગ્ર સંવિતને સભર કરી દે છે. સાડત્રીસ માત્રાના ઝૂલણાનો પ્રલંબ લય ભાવકને સંવાદમય ચેતોવિસ્તાર સાધવામાં ઉપકારક થતો લાગે છે. સૂર-શ્રુતિનાં લયાન્દોલનો ભાવકને ભાવહિલ્લોળમાં ઝૂમતો કરી દે એમાં પ્રભાવક લાગે છે.

એક જમાનામાં ભક્ત કવિ નરસિંહે એનાં પ્રભાતિયાંમાં ઝૂલણાના લયનો સાર્થકતાથી વિનિયોગ કરી, આત્મજાગૃતિની અનુભૂતિ સાથે પરમાત્માની રમ્ય-ભવ્ય સાક્ષાત્કૃતિનો સ્વાદ-છંદ આપણને લગાડેલો. એ જ ઝૂલણા કવિ કાન્તના આ કાવ્યમાં પાછો નવલ રસે હિલ્લોળવા-માણલા માટે મળે છે. અખિલ બ્રહ્માંડમાં નિવસતા શ્રીહરિને, ગગનમાં ઘૂમી રહેલા પરમાત્માને નીરખતા નરસિંહની અને ગોપનાથના સાગરતટે ઉદય પામતા શશીમાં પરમાત્માની છવિ નિહાળતા કાન્તની દર્શન-સર્જન ને આનંદની ભૂમિકામાં એકરૂપતા ને સામંજસ્ય-સાતત્ય ન લાગે તો જ નવાઈ. એક જ શાશ્વત ચેતના આ સમગ્ર પ્રકૃતિમાં – સૃષ્ટિમાં તેમ જ એનો લીલાનુભવ કરતાં નરસિંહ, કાન્ત જેવા કવિઓમાં કઈ રીતે આવિર્ભૂત થતી હોય છે તે જોવા-સમજવાનો ઉપક્રમ ઘણો રસપ્રદ બની રહે. એક વાર ગિરિતળેટીમાં પ્રેમલક્ષણા ભક્તિ અને કવિત્વશક્તિની આહ્લાદક સંપૃક્તિમાંથી પ્રભવેલી છોળોએ જે છંદોઘો્ય અનુભવેલો તે પાછો ગોપનાથના દરિયે કાન્ત દ્વારા અને ન્હાનાલાલ જેવો કવિઓ દ્વારા અનુભવવા મળે છે. સાગરના હિલ્લોળ સાથે વિરાટના હિંડોળનું દર્શન કોઈ ને કોઈ રૂપમાં ગુજરાતી કવિતામાં કેટલીક ધન્ય ક્ષણોએ આપણને મળતું રહ્યું છે. `સાગર અને શશી’ કાવ્યની સર્જનક્ષણ પણ એવી જ એક ધન્ય ક્ષણ છે; કવિ કાન્તની દર્શન-સર્જનની શક્તિઓના પૂર્ણ ઉઘાડની એ ક્ષણ છે. સાગરથી શશીની અને શશીથી સાગરની તથા સાગર તેમ જ શરી-ઉભયના દર્શન-સંવેદનની કવિપ્રતિભાની જે રમ્ય-ભવ્ય દીપ્તિ અહીં પ્રગટી છે તે અભૂતપૂર્વ છે. શબ્દસૂરની ભેદરેખા જાણે અહીં ઓગળી જાય છે. બધું સમરસ-એકાકાર થઈ સત્યોદ્રેકના પ્રકાશમાં પ્રસન્નતાએ પ્રત્યક્ષ થાય છે. આ કાવ્યમાં સાગરની ભવ્યતા ને શશીની રમ્યતાનો વિરલ યોગ સિદ્ધ થયેલો અનુભવાય છે.

પ્રસ્તુત કાવ્યમાં કવિ ગોપનાથના સાગરતટે થતાં પૂર્ણ ચંદ્રોદયના-ચંદ્રદર્શનના અનુભવની વાત કરે છે; પણ એ વાત કવિના અંતરમાં થતા સૌન્દર્યોદય-સ્નેહોદય-આનંદોદય સુધી – આત્મોદય સુધી વિસ્તરે છે. પૂર્ણિમા કેવળ પ્રકૃતિની ન રહેતાં આંતરજીવનની – અધ્યાત્મજીવનનીયે પૂર્ણિમા બની રહે છે. અહીં ચંદ્રનો પ્રકાશ કેવળ સાગરના જળમાં જ નહીં, કવિના અંતરદલમાંયે ઝિલાયો છે. ચંદ્રોદયે ભરતી કેવળ સાગરમાં જ નહીં, કવિના ચિત્તસંવિતમાંયે ચડી છે. જે બહાર ભાસે તે અંતરમાં છે ને જે અંતરમાં છે તે બહાર ભાસે છે! આંતર-બાહ્ય, ભૌતિક-આધ્યાત્મિક, પ્રાકૃતિક-વૈયક્તિક જેવા સીમાભેદો ગળી જઈને જાણે રમ્ય-ભવ્ય એકાકારતાનો – એકમેવતાનો અવર્ણનીય અનુભવ કવિને થાય છે અને તે અવર્ણનીયને વર્ણનબદ્ધ કરવાનો કવિનો ઉદાત્ત પુરુષાર્થ અહીં જોઈ શકાય છે.

ચંદ્ર તો સુધા-કર, અમૃતમયતાનું આલંબન છે, – એનું તો સર્વદા ને સર્વથા સ્વાગત જ હોય છે. ચંદ્ર તો પરમાત્માના નેત્રરૂપ પણ લોયો છે. ચંદ્રનું ઊગવું, પ્રગટવું એટલે પરમાત્માનું જ પ્રત્યક્ષ થવું! પરમાત્માનાં સ્નેહ-સૌંદર્ય આદિનો પ્રભાવ પણ ચાંદની જેવો જ! એથી ચંદ્રદર્શને – પરમાત્માના પ્રભાવદર્શને જેમસાગરમાં તેમ કવિહૃદયમાં આનંદની ભરતી જામે છે. કવિ અહીં `હૃદયમાં હર્ષ થાયે’ એવું ન કહેતાં `હૃદયમાં હર્ષ જામે’ એવું સાભિપ્રાય કહે છે. હર્ષ-આનંદની ભાવાવસ્થા આવે છે એ તો ખરું, એ અવસ્થા ટકીને પણ રહે છે એમ કવિ જણાવે છે. એખ બાજુ કવિ ચંદ્રોદયે થતા નેત્રોત્સવની વાત કરે છે તો બીજી બાજુ નેત્ર સિવાયની ઇન્દ્રિયો દ્વારા ચંદ્રોદયનો જે પ્રભાવ ઝિલાય છે તેની વાત કરે છે. કવિ અહીં સ્પર્શ, નાદ, સુવાસ વગેરેનો આસ્વાદ નિરૂપતાં ચંદ્રોદયનું સર્વેન્દ્રિયગ્રાહ્ય—ઇન્દ્રિયસંતર્પક ચિત્ર આપે છે. આકાશમાં ક્યાંય વાદળ હોય તો એ ચંદ્રોદયમાં અવરોધરૂપ રહેતું નથી, બલકે, તેય ચાંદનીરસે પ્રકાશિત હશે એમ જ માનવાનું રહે છે. પૃથ્વીનો પ્રેમરસ અભ્રરૂપે આકાશ પ્રતિ તો આકાશનો પ્રેમરસ ચાંદનીરૂપે પૃથ્વીની પ્રતિ પહોંચે છે. દ્યાવાપૃથિવીના સાયુજ્યસંબંધનો – પાર્થિવતા – અપાર્થિવતા (દિવ્યતા) વચ્ચેના સામંજસ્યનો મધુર સંકેત આ સંબંધમાં જોઈ શકાય છે. વળી ચંદ્રોદય વખતનું વાતાવરણ પણ મધુર-સૌન્દર્યસિક્ત હોય છે. પુષ્પોની સુગંધનો ઊંડો અનુભવ કવિપ્રાણ કરે છે. આ અનુભવે કવિના આંતરકોશ પ્રફુલ્લિત થાય છે ને બાહ્યાકાશની જેમ કવિનું ચિદાકાશ પણ આત્મદ્યુતિના પ્રભાવે સમુત્કર્ષ પામે છે. ચંદ્રોદયે જેમ બાહ્યસૃષ્ટિનું તેમ આંતરસૃષ્ટિનું તમસ ક્ષય પામે છે અને શમશાંતિનો-પ્રસન્નતાનો સંતાપહારી મીઠા સાન્નિધ્યનો અનુભવ કરે છે. જ્યાં સૌન્દર્ય છે, સ્નેહ છે ત્યાં જ પરમ પવિત્રતા ને પ્રસન્નતા છે. પરમ આનંદના અનુભવમાં જ પરમાત્માની પૂર્ણિમા અધિષ્ટિત છે. જે અપૂર્ણ છે તે ક્યારેય અખંડ આનંદ અર્પી શકતું નથી. પૂર્ણમાં જ પ્રશાન્તિ ને પ્રસન્નતા છે. કવિ પૂર્ણિમાના પર્વે, ચંદ્ર નિમિત્તે, આવો અનુભવ કરતાં, દેશકાળથી પર એવી શાશ્વતીની ભૂમિકાનો પ્રસાદ અહીં રજૂ કરે છે. જેના હૃદયમાં ચંદ્રોદય હોય તે સર્વત્ર બધું ચાંદનીમય હોવાનું જ પ્રતીત કરે ને? પરમાત્માનો જ ક્ષણે ક્ષણે નવતા ધારણ કરતો પ્રકાશ કવિ પૂર્ણિમાને પર્વે પ્રત્યક્ષ કરે છે. કવિ આધિ, વ્યાધિ, ઉપાધિના સર્વ તાપથી મુક્ત થઈ પરમ પિતા એવા પરમાત્માની વાત્સલ્યમાધુરીનો ચાંદનીરૂપે અણુએ અણુમાં અનુભવ કરે છે.

પ્રથમ કડીમાં સાગરની જેમ કવિ પણ કંઈક અંતરમુખી શશીનું સ્વાગત કરતાં ચંદ્રોદય સાથે આત્મોદયનેય સાંકળી લે છે; તો બીજી કડીમાં કવિ બાહ્ય વિશ્વમાં ચંદ્રોદયે જે પરિવર્તન ઉત્કર્ષ પ્રગટ થાય છે તેનો કલ્પનારમ્ય ચિતાર આપે છે. કવિ સમસ્ત સાગરને વિકાસોન્મુખ હસ્તીના રૂપમાં નિરૂપે છે. તેઓ સાગરના તરંગોને દલરૂપે કલ્પે છે. એ તરંગો પર ચાંદનીનાં કિરણોએ વીજળીના ચમકારાનો આભાસ ખડો થાય છે. કવિ જયદેવનું સ્મરણ કરાવે એવી લલિતકોમલકાન્ત પદાવલિમાં જલધિજલદલ ઉપર દમકતી દામિનીનું અને તે સાથે વ્યોમસરમાં સરતી રાત્રિનું નિરૂપણ કરે છે. પૃથ્વી પર સાગરમાં આકાશની વીજળીને, તો આકાશમાં પૃથ્વી પરના સરોવરને તેઓ દર્શાવી રહે છે. પાર્થિવ અને અપાર્થિવ(દિવ્ય)ની, પૃથ્વી અને સ્વર્ગની સૌન્દર્યબળે સધાતી એકાકારતા અહીં પ્રત્યક્ષ થાય છે. જે આકાશનું છે તે પૃથ્વી પર દેખાય છે અને જે પૃથ્વીનું છે તે આકાશમાં દેખાય છે. આવી સૌન્દર્યપરક સંક્રાન્તિનો સમુલ્લાસ જેમ કવિઓને તેમ કોયલોનેય ઉત્તેજિત કરે એ સમજી શકાય એવું છે. જે રીતે દ્યાવા-પૃથિવીનો જે રીતે સૌન્દર્ય-સ્નેહનો અપૂર્વ યોગ સાગર અને શશી નિમિત્તે સધાય છે. તે સાયુજ્ય સુખના જીવોને પણ પ્રેરિત-પ્રોત્સાહિત કરે છે. કોકિલાનું કેલિકૂજન પ્રકૃતિ ને પરમાત્માના જીવ અને શિવના આહ્લાદક સાયુજ્યનોયે સંકેત કરે છે. આ સાયુજ્યસુખનો અનુભવ કરનારને સારીયે સૃષ્ટિ સમુલ્લાસ ધરતી દેખાય તે સ્વાભાવિક છે. સર્વત્ર ચૈતન્યનો આનંદોત્સવ અનુભવાય છે. સર્વત્ર ચૈતન્યનો આનંદોત્સવ અનુભવાય છે. કશુંયે બદ્ધ – સ્થગિત – જડ નથી; ધરતી જેવી ધરતીયે જાણે ચંચળ હોડીની જેમ આનંદના સાગરમાં મુક્તપણે ડોલતી-સહેલતી હોય એવું અનુભવાય છે. સર્વત્ર આનંદની ભરતી છે, ઉલ્લાસ છે. પણ તે ઉલ્લાસ સમ્યક્ છે – સમુલ્લાસ છે. એમાં કશુંયે અવાંચ્છનીય-અનિષ્ટ તત્ત્વ નથી. ચંદ્રની અમૃતમયતાનો સ્પર્શ સર્વ ચરાચર સૃષ્ટિમાં લહાય છે. સાગર અને શશીનું, કવિનું અને પરમાત્માનું સૌન્દર્યબળે જે સ્નેહસાયુજ્ય સિદ્ધ થાય છે તેમાં પરમાત્માની સચ્ચિદાનંદ-મયતાનો ભાવમર્મ સહજતયા સ્ફુરતો લહાય છે.

પરમાત્મા જ આ સૃષ્ટિ સમસ્તના `પિતા’ છે. આ સમસ્ત સૃષ્ટિ પર એમનો સ્નેહાધિકાર છે. તેઓ જ `મહારાજ’ છે. એમનો આ સમસ્ત સૃષ્ટિ પર સત્તાધિકાર સ્વત:સિદ્ધ છે. એ પરમાત્મા જેનું વરણ કરે છે, જેને ચાહે છે તેને બાંધતા નથી, એને મુક્તિ બક્ષે છે, પ્રફુલ્લિત કરે છે – શશી જે રીતે સાગરને કરે છે તેમ. પરમાત્માના સાન્નિધ્ય-સ્પર્શે જ `भूमा वै तत्सुखम्’ નો સત્વાનુભવ થાય છે. દ્રષ્ટા, દૃશ્ય ને દર્શનની એકરૂપતામાં છેવટે આ સૌન્દર્યાનુભવનું પરિણમન થતું હોય છે. ચંદ્રોદયે સાગર જ નહીં, સાગરની સાથે કવિ પણ અને એ બંનેયને ધારણ કરનારી સમસ્ત ધરતીયે સ્નેહ-સૌન્દર્યની આનંદભરતીમાં ઊંચકાય છે અને નિ:સીમ અમૃતમયતાનો પ્રભાવ પ્રગટ કરે છે. આમ, આ કાવ્યમાં રમ્યતા ને ભવ્યતાનું, પાર્થિવતા ને દિવ્યતા-સ્વર્ગીયતાનું, સાન્તતા ને અનન્તતાનું, પ્રકૃતિ ને પરમાત્માનું અનોખું સાયુજ્ય રૂપ સિદ્ધ થયું છે.

પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રીય રસ પ્રસન્નતામૂલક શાન્તરસ છે. માધુર્ય-પ્રસાદ-પ્રેરીત શબ્દ અને અર્થની, પ્રાસ અને લયની, આંતરસત્ત્વ અને સ્વરૂપની સંપૃક્તિ એ રસના નિર્વાહ ને ઉત્કર્ષમાં ઉપકારક થાય છે. કવિહૃદયના – આસ્તિક હૃદયના આનંદ-ઉદ્ગારોનું અહીં વાગ્રસે – વાગ્બળે જે પ્રકાશમય પુદ્ગલ રચાય છે તેની ભાવમય સુવાસ ભવિષ્યના મકરન્દપ્રેમી – મધુપ્રેમી ભાવકોનેય આકર્ષતી રહેશે એમ શ્રદ્ધાપૂર્વક કહી શકાય.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book