સભરતાનું ગીત – હરીન્દ્ર દવે

ભીખુભાઈ કપોડિયા

તમે ટહુક્યાં ને

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું

માણસ જ્યારે પ્રેમ કરવા બેસે છે, ત્યારે બીજાં બધાં જ પરિમાણો ગુમાવી બેસે છેઃ આમ તો પંખીનો ટહુકો આકાશના અસીમ વિસ્તારોમાં બહુ ઓછો વિસ્તાર રોકે છે પણ જીવનમાં કોઈક પ્રિય વ્યક્તિનો પ્રવેશ થાય અને એનો આવો એકાદ ટહુકો સમાવવા માટે આખું આકાશ નાનું પડે છે.

એક ઉર્દૂ કવિએ પ્રેમની વાત કરતાં કહ્યું હતું: ‘સિમટે તો દિલે આશિક, ફૈલે તો જમાના હૈ’ (જો એ સંકોચાય તો પ્રેમીનું હૃદય બને છે અને વિસ્તરે તો યુગ બની જાય છે.) આપણા આ કવિ વિસ્તરેલા પ્રેમની વાત કરે છે. એના બીજા અંતિમે આવી શકે સ્વ. નેપાલીનું ગીત—

ચાંદ મુઝે દો પૂનમ કા
તુમ સારા નીલ ગગન લે જાઓ.’

આ ગીતમાં આખા યે આકાશના અસ્તિત્વને કવિ ગણકારતા જ નથી એમનું ધ્યાન તો પૂર્ણિમાના ચન્દ્ર પર જ છે. પરંતુ આ કવિતાના કવિ જે ટહુકાની વાત કરે છે એના સ્વરોનો સમાવેશ કરવા માટે આકાશ પણ ઓછું પડે છે.

ટહુકારના આંદોલનોને જાણે પાંખો ફૂટે છે અને આ અમૂર્ત ધ્વનિના ફફડાટથી આખુંયે આકાશ ઝોલે ચડે છેઃ લીલી કુંજમાંથી આ ટહુકો આવે છે અને સારસની શ્વેત જોડની જેમ આકાશમાં પ્રસરી ઊઠે છે.

આ સભરતાની વાત કવિને કરવી છે, એટલે જ કુંજમાંથી વહેતાં ઝરણાંની વાત એમને યાદ આવે છે. સભર ઝૂકેલા ગીચ વનનું ચિત્ર એમની દૃષ્ટિ સામે રચાય છેઃ વનરાજી એટલી તો ફાલી છે કે હવે તડકો એમાંથી ચળાઈને, એની તાપની પ્રકૃતિને તજીને આવે છે.

પણ આ બધી સ્થૂલ સભરતા વચ્ચે લીલી કુંજમાંથી ઉચ્ચારાયેલ તાજા ખીલેલા ઘાસનાં તરણાં જેવા લીલા બોલની સભરતા મ્હોરી ઊઠી છે. વનને આમ તો વાયુની લહેરખી વીંટળાઈ વળતી હોય છે. પણ આ લીલા બોલની ગતિ પાસે ચંચળ લ્હેરખીનું પણ કાંઈ ચાલતું નથી.

આકાશ ભરીને પથરાઈ ગયેલા પ્રેમનું આ ગીત છે, જ્યાં ક્યાંય કશો અવકાશ નથી રહેવા પામ્યો એવી સભરતાનું આ ગીત છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book