સદાકાળ ગુજરાત વિશે – ચંદ્રકાન્ત શેઠ

ખબરદાર

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં – સાહિત્ય અને કળામાં પારસીઓનું પ્રદાન ઘણું મહત્ત્વનું રહ્યું છે. બહેરામજી મલબારી કે અરદેશર ફરામજી ખબરદાર જેવા પારસી કવિઓનાં નામ-કામના નિર્દેશ વગર ગુજરાતી કવિતાનો ઇતિહાસ પૂરો ન જ થાય. આપણા પારસી કવિઓમાંની સર્જકતા તેમ જ વિદ્વત્તાના સંદર્ભમાં ખબરદારની વાત તો કરવી જ પડે. આ `ખબરદાર’નું નામ આવતાં જ `ગુણવંતી ગુજરાતી’ ને `સદાકાળ ગુજરાત’ જેવાં કાવ્યો પણ યાદ આવી જાય. ખબરદારનો એક પર્યાય છે જાણે `સદાકાળ ગુજરાત’ છે! એમાંયે `સદાકાળ ગુજરાત’ની ઉપાડની પંક્તિ – `જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ તો કહેવતરૂપ ઉક્તિ જ બની રહી છે. ખબરદાર આ એક કાવ્યથીયે ગુજરાતની અસ્મિતાના, ગુજરાતની સંસ્કારિતાના એક પ્રતિનિધિ કવિ તરીકે આપણી સમક્ષ રહી શકે! એમણે ગુજરાત વિશે બીજાં પણ કેટલાંક રસપ્રદ કાવ્યો આપ્યાં છે પણ એમાં આ કાવ્યની તો બલિહારી જ ઓર છે.

પ્રસ્તુત કાવ્યમાં ગુજરાત માત્ર પ્રદેશવિશેષ જ નથી, એ ગુર્જરચેતનાનું જ બીજું નામ હોવાનું સમજાય છે. ગુજરાતનું અવલંબન છે ગુજરાતી. ગુજરાતી છે ત્યાં સુધી ગુજરાત છે. ગુજરાતી વિનાનું ગુજરાત તો નિરાધાર જ લેખાય. ગુજરાતનું હોવાપણું ને થવાપણું ગુજરાતી પર નિર્ભર છે. ખબરદાર દરેક ગુજરાતીમાં ગુજરાતને જીવતું – કામ કરતું – વિકાસ કરતું જુએ છે અને આનંદિત થાય છે. ગુજરાતની સરહદો ગુજરાતીના પગલે પગલે અંકાય છે. ગુજરાતની સરહદો ગુજરાતી ભાષા જ્યાં જ્યાં બોલતી હોય ત્યાં ત્યાં અનુભવાય છે. ગુજરાતની માનસમૂર્તિ – ગુર્જરી હાજરાહજૂર છે ગુજરાતી વાણીમાં. આમ ગુજરાતી વાણી અને એ બોલનાર ગુજરાતીમાં ખબરદાર ગુજરાતની ચૈતન્યમૂર્તિનો સાક્ષાત્કાર કરે છે, અને દર્શનાનુભવે જ આ કાવ્યનો શુભારંભ થાય છે.

ખબરદાર બરોબર જાણે છે કે ગુજરાતી વિશ્વભરમાં, ચારેય દિશામાં વિસ્તરેલો છે. જેમ સૂર્યનાં કિરણો બધી બાજુએ ફેલાય તેમ ગુજરાતના આ સપૂતો – ગુજરાતીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે અને એમના વ્યક્તિત્વના, એમની પ્રતિભા-શક્તિ અને પુરુષાર્થના પ્રતાપે-પ્રકાશે તેઓ જ્યાં ગયા ને જ્યાં રહ્યા ત્યાં ત્યાં ઉપયોગી પણ થયા છે. જેમ સૂર્યનાં કિરણ-પ્રકાશમાં હૂંફ મળે તેમ ગુજરાતીની સંગ-સોબતમાં હૂંફ ને હેતનો સૌને મીઠો અનુભવ થતો રહે છે. સૂર્યનાં કિરણોની જેમ જ વિશ્વને આ ગુજરાતીઓનું સાન્નિધ્ય લાભદાયી થતું રહ્યું છે. જ્યાં ગુજરાતી ત્યાં આબાદી; જ્યાં ગુજરાતી ત્યાં ઉદય અને ઉન્નતિ. ગુજરાતીના સહવાસમાં તો ઉદય અને ઉત્સાહભર્યું વાતાવરણ જ અનુભવવા મળે! ગુજરાતીઓ એ રીતે તો સૂર્યપુત્રો જેવા પણ લાગે!

આ ગુજરાતીઓ સમુદાર છે; શાણા છે. આમેય ગુજરાતના સંદર્ભમાં `વિવેક-બૃહસ્પતિ’ જેવો શબ્દપ્રયોગ થયેલો જ છે. ગુજરાતની ગરિમા એનાં વિનયસભર વિચારવર્તન અને વાણીમાં છે. ખબરદારને તો એની ખબર હોય જ ને? ખબરદાર જંગલમાંયે મંગલ કરી શકે એવી ગુજરાતીઓની ઉદ્યમપ્રીતિથી – ઉદ્યમશક્તિથી પણ પાકા માહેર છે. ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં નંદનવન જેવી સત્ત્વસુંદર ભૂમિકા સર્જી છે. ગુજરાતીઓ ક્યાંય કોઈને ભારે પડ્યા નથી; બલકે જ્યાં ગયા ત્યાં વૈભવલક્ષ્મીનાં પગલાંયે પડે એ એમણે જોયું છે. ગુજરાતીઓએ ઉદ્યમથી સંપલક્ષ્મીનો શીળો પ્રકાશ સર્વત્ર પાથર્યો છે અને એ રીતે સ્વર્ગીય હવામાનનું જાણે નિર્માણ કર્યું છે.

ગુજરાત તો કૃષ્ણની ભૂમિ. ન્હાનાલાલ કહે છે તેમ, કૃષ્ણચંદ્રની કૌમુદીથી ઊજળો પુણ્ય પ્રદેશ. આ ભૂમિ દયારામ જેવા વેદપ્રેમીની ધર્મક્રાન્તિવીરનીયે ભૂમિ. દાદા નવરોજી જેવા વિચક્ષણ રાજનીતિજ્ઞ ને અર્તનીતિજ્ઞ સંસ્કાર પુરુષની પણ ભૂમિ. ગુજરાત તો ભારતના બગીચા જેવી રસાળ ને પવિત્ર ભૂમિ, તેથી તે ગાંધીજી જેવા પુણ્યશ્લોક મહાત્માનીયે જન્મભૂમિ થઈ શકી! આ ભૂમિમાં જ એવી શક્તિ છે કે જે એનાં ધાવણ ધાવે છે એના લોહીમાં સાહસ ને શક્તિ, પ્રેમ અને શૌર્યનો રંગ આવી જાય છે. અનેક ગુજરાતીઓ દોરી લોટો લઈને અહીંથી નીકળ્યા પણ પછી જ્યાં ગયા ત્યાં તેમણે વેપારધંધાની જમાવટ કરી મસમોટી જવાબદારીઓ નિભાવી. તેમણે એ ગુજરાતની શાન અને શક્તિનો અનેકનો ખરો પરચો આપ્યો. માતા ગુર્જરીના સત્ત્વતેજનું એમના થકી એનેકોને ભાન થયું. ખબરદાર આવા સાહસ અને શ્રીના ઉપાસકોનેયે સમાદર કરે છે. ગુજરાતની લીલી પાંખ સાથે એની નીલી પાંખનોયે જે પ્રતાપ-પ્રભાવ છે તેનુંયે ઇંગિત તેમના `ગુર્જર ભરતી ઊછળે છાતી’ – એ ઉક્તિમાંથી પામી શકાય. ગુર્જરમાતા ત દરિયાખેડુઓની, વેપારખેડુઓની પણ માતા ખરી જ.

આ ગુજરાતે ઘણું ઘણું કરવાનું છે. સ્નેહ, શૌર્ય અને સત્યની ભાવ-ભાવનાથી જીવનમાં આનંદમંગળ થાય, એક દબદબાભર્યો રસોત્સવ ને રસોત્સવ રચાય એ માટેય ઘણું કરવાનું છે અને ખબરદારને પાકી શ્રદ્ધા છે કે એ બધું ગુજરાતની સંસ્કારશ્રીના સત્ત્વબળે સંસિદ્ધ થઈને જ રહેશે. ગુજરાતીના લોહીમાં એવા ગુણ છે, એવી શક્તિ છે કે છેવટે એનો જયજય થઈને જ રહેશે. એવો જયકારના સાક્ષી થવામાં જ ખબરદાર – `અદલ’ની તો ખરી જ આપણા સૌનીયે ધન્યતા હશે. નર્મદદીધી પ્રેમશૌર્યની ધજા ગુજરાતીઓ જ્યાં જશે ત્યાં ફરકાવીને જ રહેશે. ગુજરાતીઓ પ્રેમ અને શૌર્ય દ્વારા જે કંઈ સત્યની દિશામાં હાંસલ કરશે, એના કારણે એમનું આંતરજીવન અને વ્યવહારજીવન વૈભવરાસના – અમૃતસભર રાસના પર્વ સમું સાર્થક બનીને રહેવાનું છે. આમ, ખબરદાર કાવ્યાન્તે ગુજરાતી હોવાના ગર્વ-ખમીર ને ખુમારી સાથે ગુજરાતની સંસ્કારશ્રીના સર્વતોભદ્ર વિકાસની – એના જય જયકારની બુલંદ શ્રદ્ધાવાણીને ઉદ્ગારીને રહે છે. ગુજરાતની અને ગુજરાતીની સંસ્કારિતા અજરામર હોવાની ખબરદારની શ્રદ્ધાને સોત્સાહ વધાવી `ગુજરાતના જય જય શ્રીરંગ’ કહીને આપણે વિરમીએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book