સંતોષનો રંગ રાતો – વેણીભાઈ પુરોહિત

હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,

લજ્જાનો રંગ જ લાલ છે એમ કહેવું બરાબર નથી. સંતોષના રંગની રતાશ સૌથી ચડી જાય.

ઉત્તરાવસ્થામાં ઓશિયાળો અને ઉપેક્ષિત અવતાર કાઢતાં વૃદ્ધજનો આપણામાં વિવાદ પ્રેરી જાય છે. પુત્ર હોય પુત્રવધૂ હોય, પોતરો રમતો હોય પણ કોઈ કહેતાં કોઈ વૃદ્ધ વડીલની સામું ય જોતાં ન હોય, ત્યારે એવો બુઢાપો માંહીં ને માંહીં પસ્તાતા કરે છે. ગુમસૂન થઈ જાય છે. કુટુંબની લીલી વાડી લહેરાતી જુએ છે. પણ પોતાની જ એ લીલી વાડી ઘરના મોભી સામે ઢૂંકતી પણ નથી, ત્યારે બુઢાપો જે સરવૈયું કાઢે તેમાં પુરાંત રૂપે તો ઘસાયેલા સિક્કા જેવો પોતે જ ખૂણામાં વા ખાતો પડ્યો હોય છે. પોતાના ભાતીગળ ભૂતકાળને ભંડારીને.

પણ સદ્ભાગી વૃદ્ધાવસ્થા પણ હોય છે. આ કવિતા એવા એક સંતુષ્ટ બુઢાપાની પ્રસન્નતાનો પમરાટ લાવી છે, સંધ્યાની લાલી જેવી સંતોષની લાલીથી આપણા આકાશને ઉમંગથી રંગી દે છે.

દૂરની વસ્તુ જોવા માટે આપણે આંખ ઉપર અને કપાળની ધાર પર છાજલીની જેમ હથેળી રાખીને જોઈએ છીએ તેને નેજવું કરીને જોવું એમ કહેવાય છે. એ નેજવાના છાંયડા નીચે બેઠેલો બુઢાપો આંગણે ઝૂલતા આંબા અને લીમડાની જેમ પોતાના મનને ઝૂલાવી રહ્યો છે. ચહેરા પર કરચલીના ચાસ પડ્યા છે. કુદરતી રીતે જ કાયાનાં હીર ઓસરી ગયાં છે અને છતાંય આ બુઢાપાનું મન પુષ્પની જેમ પ્રફુલ્લ પ્રફુલ્લ થઈ ગયું છે. કારણ કે આજે ઘેર દીકરાના લગનનો માંડવો માણેકથંભ રોપીને ઊભો છે.

અને ત્યારે બુઢાપો પોતાના વીતેલા રંગીન દિવસોને ફરી પાછા જુએ છે અને જીવવા માંડે છે. જિવાઈ ગયેલું આવું ઝલકદાર જીવ ફરીથી મનમાં જીવવાની મજા કંઈ ઓર છે. સદ્ભાગીઓને જ તે સાંપડે છે. વીતેલા દિવસો ભલે પાછા આવે નહિ. પણ વીતેલી જિંદગી જરૂર પાછી આવે છે અને માણવા મળે છે. જિંદગીને માણવાની જેને હૈયાઉકલત છે, હોંશ છે, તે માનવી વર્તમાનકાળમાં ભૂતકાળનો ભોગવટો કરી જાણે છે. એક વખત જિંદગીએ જે ગુલાબી ગવન ઓઢ્યું હતું તે અત્યારે તો ખોવાઈ ગયું હતું, પણ ખોવાયેલાને ખોળવાની ઊલટ પણ એક માણવા જેવી ચીડ છે. એક વખત માથા પર સાફો હતો અને સાફાનું છોગું હતું. એ છોગું હજી છે કે નહિ? બુઢાપો મનમાં મનમાં વિચારે છે કે એક વખત અમે ય તે છેલછોગાળા હતા હોં કે!

કુમકુમ પગલે પોતાની વહુ ઘરમાં આવી હતી. પોતે વરરાજા હતો. પોતે ય એક વખત ટણક નજરે પોતાનું પાનેતર ઓઢનારીને જોઈ લીધી’તી, પણ હવે આ ઉંમરે આ બધી અટકચાળી વાતો કોઈને કહેવાય નહિ. ઊભરો તો એવો આવે છે કે જાણે એ બધા જાદુમંતરનો ભેદ હમણાં જ કહી દઉં… પણ એ વાતો કહેવાય નહિ… છતાં એ બધાં ગુલાબી ગલગલિયાં યાદ આવે છે ત્યારે, માંડમાંડ મૂંગા રહેવાય છે. આવરદાને આરે આવા હરખનો આ અકૂટ ખજાનો એટલે પરિતૃપ્તિની પરિસીમા.

ખોબા ભરીને પીધેલી એ ખુશાલીઓનાં સ્મરણોને ખંખેરીને ભાવિનાં સપનાંને સાદ દીધો અને ખાટલે બેઠાં બેઠાં હુક્કો મંગાવ્યો પણ એમાં ગડાકુનું તો બહાનું હતું. આ બુઢાપો તો બેઠોબેઠો પ્રસન્નતાનું આખું આકાશ જાણે પીતો હતો. નશો ગડાકુનો હતો કે સ્મરણોનો એવું પૂછીને બુઢાપાના વદન પર શરમના શેરડા પાડવામાં પાપ લાગે. નેજવાંના છાયા નીચે ભૂતકાળને જોઈ રહેલી દૃષ્ટિ રમે છે, સૃષ્ટિ રમે છે. આ સંતોષ એ જ સંદેહે સ્વર્ગ છે કે બીજું કાંઈ? પાછલી અવસ્થાની પ્રસન્નતા પુણ્યશાળીના પ્રારબ્ધમાં હોય છે. આવા પુણ્યશાળીને મોક્ષ માગવાનું મન ક્યાંથી થાય?

(કાવ્યપ્રયાગ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book