સંજય છું વિશે – રમણીક અગ્રાવત

ભગવતીકુમાર શર્મા

સંજય છું

હું જ જય છું અને પરાજય છું

મહાભારતના ભયાનક સંગ્રામની તૈયારી થઈ ચૂકી હતી ત્યારે શ્રી વેદવ્યાસ મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે જઈને કહે છે કે ‘જો તું આવું ઘોર યુદ્ધ જોવા ઇચ્છતો હોય તો હું મારા દિવ્યનેત્ર તને આપવા તૈયાર છું.’ ધૃતરાષ્ટ્રે જવાબ આપેલો કેઃ ‘પરિવારની મારાકાપી હું જોઈ નહીં શકું. પરંતુ યુદ્ધનું વૃત્તાંત હું સાંભળવા માગું છું.’ યુદ્ધ થવા દેવું ધૃતરાષ્ટ્રને મંજૂર હતું. યુદ્ધ જોવું નહીં! એ પછી દિવ્યદૃષ્ટિ સંજયને મળી. દિવ્યદૃષ્ટિ એટલે વિશદ દૃષ્ટિ, વિશિષ્ટ દૃષ્ટિ, આ દૃષ્ટિ પ્રદાન કરતાં વેદવ્યાસે કહેલું: ‘સંજય યુદ્ધની પ્રત્યેક ઘટના સ્પષ્ટ થઈ શકશે, સાંભળી શકશે અને જાણી શકશે. એ ઘટના સાથે બનતી હોય કે પછી પાછળ બનતી હોય. એ ઘટના દિવસે બની હોય કે રાત્રે. એ ગુપ્ત હોય કે પ્રગટ. એ ઘટના ક્રિયાના રૂપે સમયમાં હોય કે પછી માત્ર મનની ભૂમિકાએ હોય. એવી કોઈ ઘટના નહીં હોય જે સંજયની દિવ્યદૃષ્ટિથી જરા જેટલી છુપાયેલી રહે. સંજય દરેક વાતને યથાતથ જામી શકશે. એટલું જ નહીં સંજયના શરીરને કોઈ શસ્ત્ર અડકી નહીં શકે. સંજયને ક્યારેય થાકનો અનુભવ નહીં થાય.’ સંજય ધૃતરાષ્ટ્રનો સારથિ છે. એ સૂતજાતિમાં ઉત્પન્ન થયો છે. તે વેદવ્યાસનો કૃપાપાત્ર છે. બહુ ઓછી જાણીતી વાત એ છે કે મહાભારત યુદ્ધ પછી મહારાજ યુધિષ્ઠિરે રાજ્યારોહણ કર્યું ત્યારે રાજ્યની આવક-જાવકના નિરીક્ષણનું કાર્ય સંજયને સોંપવામાં આવેલું. આ સુંદર ગઝલના પહેલા બે શેર અને ચોથો શેર મહાભારત લલિત છે. કવિ ભગવતીકુમાર શર્મા પણ મહાભારતના રચયિતાની ગાઢ અસરમાં આવી જઈને જાણે લેખણ ઉપાડે છે. મહાભારત કથાનું મૂળ નામ ‘જય’ છે. માનવ ચરિત્રોના પરસ્પરના તુમુલ સંઘર્ષ પછી અંતે જય તો કાળનો જ થાય છે. યુદ્ધમાં એક પક્ષ જીતે તો અન્ય પક્ષ હારે. હાર અને જીત પામનાર પક્ષો બદલાય પણ યુદ્ધની તાસીર તો એક જ. અંતે તો સમયની છાતી પર પીડાના અવશેષ મૂકીને જ યુદ્ધો વિરમે. મહાભારતો એક જ પરિવારમાં ખેલાતાં હોય છે. દુર્યોધનોની હઠ અને શકુનીઓના પ્રપંચને સંજયો વેઠે છે. અર્જુનનો વિષાદયોગ પણ અનાયાસ નથી આવી ચઢ્યો. પોતાનાઓને વધેરાતા જોતાં ભલભલો ક્ષત્રિય થથરી જાય. પોતાનાઓના મરવાનો ભય જ વિષાદયોગમાં ઢસડી જાય છે. જે પીડા અર્જુનની છે એ જ પીડા સંજયની પણ છે. સંજય હોવું શું છે એ સંજય બનનારને જ સમજાય. દિવ્યદૃષ્ટિ તો બધું જ બતાવે. ગમતું હોય તે અને અણગમતું હોય તે પણ! શ્રીકૃષ્ણ પણ આ જ પીડાને જીરવે છે. પણ તેઓ આ પીડાને વધુ ઊંચાઈએથી જુએ છે. એથી એમની સમજણ વિશદ છે.

સંશયાત્મા અર્જુનને નિમિત્તે જગતને શ્રીમદ્ ભાગવતગીતાનું રસાયન લભ્ય થયું. જેને સંશય થાય તે જ (ક્યારેક તો) સમજણને પામે. જેને સંશય જ નથી થતો તેનું સમજવું પણ શંકાસ્પદ છે. સંશય એ ચૈતન્યનું લક્ષણ છે.બધું જડ થઈ પડે તો સંશયો પણ ઠરી જાય. શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ એ જ અર્જુનની નિર્ભયતા છે. એથી જ તો એક બાજુ ધુરંધર યાદવવીરો સહિતનું સમગ્ર ચૈતન્ય અને બીજી બાજુ યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લેનાર નિઃશસ્ત્ર કૃષણ, એમ બેમાંથી પસંદગી કરવાની આવી ત્યારે ક્ષણનાથ વિલંબ વિના અર્જુને શ્રીકૃષ્ણને ઇચ્છ્યા છે. પસંદગી કરવામાં અર્જુન પણ વિશદ છે.

રોજ અવનવાં રહસ્યોને ઉદ્ઘાટિત કરતું વિજ્ઞાન હવે કહે છે કે કશું પણ સ્થિર નથી. આપણે જેને અવિચલ માનીએ છીએ એ ધ્રુવ તારો પણ વાસ્તવમાં ચલિત છે. હજારો હજારો વર્ષો પછી ધ્રુવનું સ્થાન પણ બદલાય છે. ભલે, આ સર્વ ચલિતો મધ્યે ઘૂમતી પૃથ્વીની શાશ્વતીના લયને ક્યાં મૂકશું? વિજ્ઞાનના તથ્ય પાસે કવિની વાત સહેજ ઝાંખી ભલે લાગે પણ. કવિ થકી સર્જાયેલા લયના છાકને કેમ અવગણશું? (જય પરાજય સંજય સંશય નિર્ભય મય આશય મુણમયમાં પરોવાઈને કેવો સાક્ષાત થાય છે આ લયછાક!) અહીં, પણે, બધે વ્યાપ્ત લયના સંગીતને કોણ નકારશે? અસ્થાયી સૂર્યમાળામાં ઘૂમતી પૃથ્વીનો વલી શાશ્વત લય! આ લય છે જ એવો, સઘળું ચકચૂર કરી મૂકે. વાસ્તવ અને માયા વચ્ચેના કશાક બિંદુએ સાવ રમત વાતમાં ખડા કરી દે લય!

અહંકાર અને ગુમાને યાદવોને મયમત્ત કરી દીધા હતા. કૃષ્ણ જેવા કૃષ્ણને પોતાનાઓ મને જ હંફાવ્યા. અનિવાર્ય યાદવાસ્થલીને કડવા ઘૂંટ જેમ કૃષ્ણએ પણ ગળા હેઠ ઉતારવી પડે. વિજેતાઓના વિજેતા એવા યાદવોને મય પી ગયો! સમગ્ર ચેતનાને જે પ્રસન્ન પ્રસન્ન કરી દે એવું જ્ઞાન જે વૃક્ષ હેઠળ મળ્યું હોય, પ્રજ્ઞાના ઉચ્ચતમ આવિર્ભાવનું જે સાક્ષી થયું હોય. ભાવની ચરમ વ્યાપ્તિ જેની શીળી છાયામાં અનુભવાઈ હોય તેવું બોધિવૃક્ષ પણ અંતે તો ઠૂંઠું થઈ જાય છે. સર્વને ગ્રસી લેનાર કાળના પંજામાંથી કશું પણ બાકાત નથી. પાંદડાંઓમાં હજી લીલપ ઘૂંટાતી હોય છે ત્યાં પાનખરનું મંડાણ થઈ ચૂક્યું હોય છે. હાથ અને હાથને જોડતી તાળી અધવચ્ચે જ થીજી જાય. કદીક હજી તો તાળીનો બોલ પણ શમ્યો ન હોય ત્યાં તાળીએ રમનાર ભાવ અદૃશ્ય થઈ જાય.

અંતે તો આકાશને ‘આવજે’ કહીને માટીમાં પોઢી જવાનું હોય છે. માટીમાં ભળી જાય માટી, ચાહે રાખ થઈને કે કીડાઓનું પોષણ થઈને. અંતે માટીને માટી જ મળે છે. મૃણ્મય કહેતા માટીમાંથી સર્જાયેલો આ દેહ માટીનો જ એક ભાગ બની રહે છે. ભલે બોધિવૃક્ષ એક ઠૂંઠામાં શેષ રહી જાય, પણ દિવ્યદૃષ્ટિએ જે દેખાડ્યું હોય છે તે કદી એળે જતું નથી. માણસથી માણસમાં પ્રસર્યા કરતી સમજણમાં માણસાઈ વિસ્તૃત થયા કરે છે. દિવ્યદૃષ્ટિનું દાન તો વેદવ્યાસ જેવા સમર્થ જ કરી શકે. એવા સમર્થના આશીર્વાદને પણ ચરિતાર્થ થવા માટે સંજયની જરૂર પડે. સૃષ્ટિના સૌ વિચારશીલોમાં આ સંજયપણું અંશરૂપે વ્યાપ્ત થતું જ રહે છે.

(સંગત)

 

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book