‘શોધ’ — અંગે એક શોધસફર — સિતાંશુ યશશ્ચંદ્ર

સાચેસાચા સવાલો પૂછવાનું કામ આમે કપરું છે. ખરેખર શોધ એથીયે વિરલ. એવી શોધની, એવા પ્રશ્નોની કવિતા થવી, એ સહુથી વધારે મુશ્કેલ.

એ મુશ્કેલીનો અંદાજ સાહિત્યના અધ્યાપકોને આવી જતો હોય છે. પરીક્ષાની રોગીલી ઋતુ દરમિયાન થતો, એમનો એક સામાન્ય અનુભવ હોય કૈંક આવો હોય છે. તમે ગમે તે સવાલો પ્રશ્નપત્રમાં પૂછ્યા હોય, કેટલાક વિદ્યાર્થી પહેલેથી પોતાના ગજવામાં એમના ‘સનાતન’ જવાબોની કાપલીઓ ઘાલીને જ આવ્યા હોય! ત્યારે એ અધ્યાપકોને યાદ આવે કે આખું વરસ જે ચોપડીઓ પોતે ભણાવી હોય એમાંયે કેટલાક (કે પેલા વિદ્યાર્થીઓ જેમ કેટલાયે) લેખકોનું પણ એવું જ હોય છે! એમની કૃતિઓ પણ ગજવામાં અગાઉથી જવાબી કાપલીઓ ઘાલીને વાચક પાસે આકર્ષક સવાલો લઈને આવેતી હોય છે. રાજકીય, આધ્યાત્મિક કે એવા કોઈ ક્ષેત્રના કેટલાક મહાન જવાબો ક્યાંકથી મેળવી રાખ્યા પછી લેખકો એ જવાબો જેમાં સંતાડેલા હોય તેવા સવાલોની કવિતાઓ બનાવતા હોય છે. દા.ત. ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?’ — બોલો તો કોણ?…!

જેવું આવા સવાલોનું, તેવું જ કૈંક ‘આંતર-ખોજો’નું પણ છે. કવિવર જેની ખોજ કરતા દેખાય તે એમને પહેલેથી જ હાથવગું હોય, એમ પણ બને. તોપણ શોધે, એ બે ઘડી મઝા! ‘કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું’ એમ આઠ વાર કહ્યા પછી નવમી કડીમાં ‘ઉરે આંસુ પછવાડે હીચંતું ને સપનાં સીચંતું’ ગીત ખરેખર ક્યાં હતું, એ તો કવિ આગોતરું જાણતા હતા એની જાણ વાચકને થાય છે! એનોયે એક ચમત્કાર નથી હોતો, એમ નહીં.

સામે છેડે ખરી તલાશનું, સાચી શોધનું આ કાવ્ય જુઓ: ‘ભોમિયા વિના.’ એની એક પંક્તિ, ‘ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા’ એ પંક્તિ, ધ્યાનથી સાંભળો. ગીતની આ ઉપાંત્ય પંક્તિમાં આવતું ક્રિયાપદ છે, ‘ભમવી [છે]’. ચાર કડીના કાવ્યમાં એ એક ક્રિયાપદ ચૂક્યા તો આખા કાવ્યને ચૂક્યા. ‘મારે કંદરા ભમવી છે, ફરી ફરીને એક્સપ્લોર કરવી છે, એની અણદીઠી જગ્યાઓએ પહેલી વાર પહોંચીને ડુંગરાનાં એ ઊંડાણ જોવાં-અનુભવવાં છે’ એ અર્થમાં એ ક્રિયાપદ ત્યાં મુકાયું છે. કવિએ આખા કાવ્યમાં પહેલી વાર વર્તમાનકાળનો ઉપયોગ કર્યો છે. ‘ભમવા’તા’ ‘જોવી’તી’ એ બધાં ક્રિયાપદો ભૂતકાળસૂચક હતાં. જે ન થઈ શક્યું એનો ખેદ વ્યક્ત કરતાં. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ — પણ એ ન બન્યું.

ઉપાંત્ય પંક્તિમાં ક્રિયાપદ ‘ભમવી [છે]’ એવું વર્તમાનકાળ-ભવિષ્યકાળસૂચક ક્રિયાપદ છે. પછી ‘રે’ આવે છે તે લટકણિયાનો નથી. એ ‘રે’નાં બે કામ છે: એ ગીતમાં ત્રણ ટૂંકો ભરી જે ખેદ વરતાય છે, એનું ઘનીભૂત રૂપ એ ‘રે’માં છે. ખેદ એનો છે કે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ (પણ એ ન થયું.) એ ન થયાનો ખેદ આખા ગીતમાં વરતાય છે. ખેદનો એ ભાવ આ ઉપાંત્ય પંક્તિમાં ‘રે’-માં રેલાય છે. પણ એથી સાવ સામા છેડાનો ભાવ એ જ ‘રે’ દ્વારા જ અભિવ્યંજિત થાય એ માટેની પ્રયુક્તિ એ યુવાન કવિ વ્યાકરણમાંથી લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં ક્રિયાપદ છે: ‘ભમવા’તા’, એટલે કે ‘ભમવા હતા’. ઉપાંત્ય પંક્તિમાં, ઉપર નોંધ્યું તેમ, ક્રિયાપદ છે: ‘ભમવી [છે]’. પહેલી પંક્તિમાં (અને છેક છેલ્લી કડી શરૂ થાય ત્યાં સુધી) ક્રિયાપદ ભૂતકાળ-સૂચક છે. કવિએ, કાવ્યનાયકે, આ બધું કરવું હતું, પણ અરે! એમ ન થઈ શક્યું. (દશકાઓ પછી, ઈ. ૧૯૫૯માં લખેલા ‘શોધ’ કાવ્યમાં કહે છે તેમ, ‘સમય રહ્યો નહિ’ એટલે?) પણ, ફિકર નહીં, હજી છેલ્લી કડી બાકી છે — ગીતની. અને એ યુવાનની જિંદગીની તો ઘણી ‘કડીઓ’ (ત્યારે, એ ગીતના રચનાકાળે, ઈ. ૧૯૩૨માં) હજી બાકી છે! ગીતની છેલ્લી કડીમાં ક્રિયાપદનો કાળ બદલાય છે. બારમી પંક્તિમાં, ત્રીજી કડીને છેડે, ‘એકલો અટૂલો ઝાંખો પડ્યો’, એ પંક્તિમાં કાળ યોજના રસપ્રદ છે: ‘ઝાંખો પડ્યો [હતો] અથવા [છું]’ એમ બે શક્યતાઓ ખુલ્લી થાય છે. અને છેલ્લી કડી માટે પ્રવેશદ્વાર ખૂલે છે.

છેલ્લી કડીમાં ક્રિયાપદ ‘ભમવા’તા’ એમ નથી, ‘ભમવી’ એમ છે. ભૂતકાળ નહીં, ભવિષ્યકાળ. ‘ભમવી હતી’ નહીં, ‘હવે ભમવી છે’. ક્રિયાપદના આવા ભવિષ્યકાળ સૂચવતા પ્રયોગ પછી આવતા ‘રે’નું બીજું પ્રયોજન તે પેલા ખેદથી સામા છેડાનું, ઉમંગ સૂચવવાનું પ્રયોજન છે. કવિનો જે યુવા-સહજ, આગલા ખેદને હટાવતો, નવો ઉમંગ છે, એને ‘ભમવી રે’ એટલે કે ‘હજી તો ભમવી છે રે’, એવા કાકુ કે લહેકા વડે કવિ ધ્વનિત કરે છે. એ રીતે આ ગીતને અંતે કવિની શોધ (ડુંગરા ભમીને કોતરો અને કંદરા અને કુંજ કુંજને ભોમિયા વિના ખોળી કાઢવાની, જાતે જીવવાની ખોજ) પૂરી નથી થતી; એ તો હવે, કાવ્યાંતે, શરૂ થાય છે. કેમ કે એ ભોમિયા વિનાની ખોજ છે; એના અગાઉથી કોઈ બીજાએ (ગાંધી, અરવિંદ, માર્ક્સ, આમ્બેડકર, સંઘ, જમાત કે મૂડીવાદ-માર્કેટવાદે) લખેલા (ને ‘કવિએ’! સંતાડી રાખેલા), એવા તેવા કોઈ જવાબો, ઉકેલો અહીં છે જ નહીં. ‘ભોમિયા વિના’ કાવ્યમાં, કોઈ ભોમિયો ક્યાંય સંતાઈને બેટો નથી, કાવ્યાંતે હાઊક કરીને વાચકને સામો આવવા માટે!

‘શોધ’ કાવ્ય જેમ ‘ભોમિયા વિના’ એ કાવ્ય પણ શોધનું, તલાશનું કાવ્ય છે. ખરી તલાશનું ખરેખરું કાવ્ય છે. વિરલ.

ઉમાશંકરને ગમતું રૂપક પ્રયોજીને કહી શકાય કે ૧૯૩૨માં લખેલા એ ગીતનો અને ૧૯૫૯માં લખેલા આ કાવ્યનો કાવ્યનાયક ‘નિજ લીલા’ ભમવા ચાહે છે, ‘નક્ષાહુકમ’ નહીં. કોઈ વિવેચક આજે કહે કે કવિએ આખું જીવન એ રીતે જ જીવી બતાડ્યું અને એટલે જ આયુષ્યના અંતિમ દશકમાં કવિ ‘શોધ’ કાવ્ય લખી ગયા. જોકે જીવનનો કવિતા સાથેનો એવો સમીકરણાત્મક સંબંધ જોવો, એ બેમાંથી એકેને સમજવામાં, કવિતા લખવામાં અને જીવન જીવવામાં, શક્ય છે કે બાધારૂપ બને. જીવન અને કલા બંને પ્રગાઢપણે સ્નેહ-સંબંધે, લોહીને નાતે, જોડાયેલાં છે, ન કે શાસક-શાસિત-સંબંધે. તો સમીકરણીયા જીવનવાદી રસ્તે ફંટાયા વિના, કાવ્યચર્ચા આગળ ચલાવીએ.

‘શોધ’ની શોધને અને એના કાવ્યત્વને પામવા માટે, એ બે અલગ-અલગ રહે છે કે એકાકાર થાય છે, એ જોવું જરૂરી બને. એ બે આ કાવ્યમાં ‘સમુદિત’ છે કે ‘વ્યસ્ત’ છે, એ તપાસવાનું કામ ભારતીય કાવ્યમીમાંસા આજે આપણને સોંપે. બીજાં પોએટિક્સ પણ કામમાં જોડાઈ શકે.

‘મેકિંગ ઑફ ધ મેજિક માઉન્ટન’, નામના નિબંધમાં જર્મન નવલકથાકાર ટૉમસ માન પોતાની એ મહાન નવલકથાનો કલા-ઘાટ કઈ રીતે ને કેવોક ઘડાયો એ વાત માર્મિકતાથી સમજાવે છે. આલ્પ્સ પર્વતના ઊંચા ઢોળાવો પરના એક ટી.બી. સેનિટોરિયમમાં જિવાતી મરણોન્મુખ છતાં એશારામી જિંદગીનું, (અને એ મીશે હ્રાસોન્મુખ છતાં ઝાકઝમાળ યુરોપીય સંસ્કૃતિનું), એ નવલકથામાં આલેખન છે. નવલકથાનો ઘાટ સંગીતની સિમ્ફની જેવો પોતે રચ્યો છે, એમ એ નિબંધમાં ટૉમસ માન કહે છે. પોતાની કોઈ સિમ્ફની અનેકવિધ મૂવમેન્ટ્સને, આરોહ-અવરોહોને, જેમ બીથોવન જેવો કમ્પોઝર, એ સિમ્ફનીમાં ફરી ફરી આવતા લાઇટમોટિફ, (ધ્રુવપદ કે સમ) વડે સાંકળેલાં રાખે, એમ પોતાની આ સુદીર્ઘ નવલકથામાં આવતા અનેક અને વિવિધ પ્રસંગો, ઘટનાઓ, વિચારણાઓને નવલકથાકાર પણ કથનકલાગત ‘લાઇટમોટિફ’ વડે સાંકળે છે. ‘મેજિક માઉન્ટન’ના એ લાઇટમોટિફની રચના કરવા માટે ટૉમસ માન આલ્પ્સના પેલા વૈભવી હોટેલ જેવા સેનિટોરિયમના મકાનના અનેક દરવાજાઓ નિરંતર અફળાઈને બંધ થવાના અવાજોનું આલેખન, અનેકવિધ આલાપો અને નાનો દરમિયાન આવતા-જતા સમ જેમ, કરે છે. જાણે પોતાના સમયની યુરોપીય સંસ્કૃતિના ઊજળા ભવિષ્યના દરવાજા એક પછી એક, ધડાકાભેર, બંધ થતા હોય ને એ અંતની એક શોકભરી સિમ્ફની વાગતી હોય એમ.

‘શોધ’ કાવ્યમાં (અને ‘સપ્તપદી’નાં બીજાં કાવ્યોમાં) ભારતીય કવિ ઉમાશંકર જોશી પોતાની સંસ્કૃતિની હ્રાસોન્મુખતાનું આલેખન કરે છે એ એના ઉલ્લસન માટે, ‘ભવિષ્યના નિર્મલ સકલ આશારહસ્યની’ શોધ કરે છે. એક સો નવ પંક્તિમાં વિસ્તરેલા આ કાવ્યની અનેકવિધ લયલીલાઓમાં આજ વરસોથી મને સિમ્ફોનિક મૂવમેન્ટ્સ, બહુ-વાદ્ય-સંગતીનું આરોહ-અવરોહોભર્યું વાગ્-સંગીત (ગવૈયા-બજવૈયાઓની ખલેલ વગર) સંભળાતું રહ્યું છે. ‘શોધ’ની વાગર્થ સિમ્ફની જાજરમાન છે. એની લયલીલાની અને એના વ્યંગ્યાર્થોની બહુ-વાદ્ય-સંગતી (સિમ્ફની) વિશાળ અને સંકુલ છે. કોઈક લાઇટમોટિફ વડે, કોઈક સંયોજક પ્રયુક્તિ વડે, એને એકઠી કરી રાખી ન હોય તો એ કૃતિ કોલાહલમાં પલટાઈ જાય તેવી છે. એનું સાર્થક અને સૌંદર્યાનુભવી વાચન પણ એના આવા સમને, ધ્રુવપદને, લાઇટ્મોટિફને જાણ્યા-પારખ્યા વિના શક્ય ન બને. ‘શોધ’નો એવો સમ કયો છે?

કોઈ કહેશે કે એ સમ છે ‘શોધ’માં વારંવાર પુછાતો પેલો પ્રશ્ન: ‘ક્યાં છે કવિતા?’ એમ પણ હોઈ શકે.

બીજી એક શક્યતા વિચારી શકાય. ‘શોધ’નો સમ ‘ક્યાં છે કવિતા?’ એ તાકીદનો પ્રશ્ન જો ન હોય, (અને એ કાવ્યની સમગ્ર સુરાવટ પણ એવી તાકીદના ઉદ્વેગની ન હોય) તો બને કે એનો સમ એ કાવ્યમાં ફરી ફરીને આવતી આ પંક્તિમાં રહેલો હોય: ‘સમય રહ્યો નહિ’, ‘સમય રહ્યો નહિ’, ‘સમય રહ્યો નહિ’. જો એમ હોય તો એ આખી કવિતાની ટોનાલિટી, એની સમગ્ર સુરાવટ બદલાઈ જાય. શું એમ છે? જવાબ મેળવવા માટે કૃતિને નજીકથી જોઈએ, બલ્કે સાંભળીએ.

ત્રણ વાર, ત્રણ ક્રૂશિયલ કે નિર્ણાયક જગ્યાએ, કવિ એ પંક્તિ (‘સમય રહ્યો નહિ’)-ને એ કાવ્યમાં મૂકે છે. આરંભે પહેલી જ પંક્તિ રૂપે; અંતે છેલ્લેથી ત્રીજી પંક્તિ રૂપે, અને બાવનમી પંક્તિ રૂપે, એટલે કે એક સો નવ પંક્તિના આ કાવ્યની વચ્ચોવચ. આરંભે, મધ્યમાં અને અંતે મુકાયેલી આ પંક્તિ ભારે રૂપવૈવિધ્યવાળી, અનેક લયસુરાવટમાં વહેતી, વિભિન્ન સાંસ્કૃતિક કટોકટીઓને નિરૂપતી પેલી એક સો નવ ગતિશીલ પંક્તિઓને એક સુઘટ્ટ ઘાટમાં એકઠી રાખી શકે છે. જાણે કે આખું કાવ્ય, સાદ્યંત, મનોમન બોલતું રહે છે: ‘સમય રહ્યો નહિ.’

‘સમય રહ્યો નહિ’, કવિ વારંવાર જાણે વસવસો કરે છે, ઠપકો આપે છે; ભૂલ કબૂલ કરે છે. તો હવે સવાલ છે: કયો સમય રહ્યો નહિ? શેનો સમય રહેવો જોઈતો હતો પણ રહ્યો નહિ? શેને માટે સમય કાઢવો જોઈતો હતો (કે આવી હ્રાસોન્મુખતા ન આવત, આવો જીવનક્ષય ન થાત)? — જવાબમાં ગાંધીયુગના કોક અગ્રણી માટે કેવાં કેવાં સંસ્કૃતિ-રક્ષક મહાન કામો, બાપુએ અગાઉથી જ ચીંધી રાખેલાં, ફરી ચીંધવાની તક હતી! ને આજના નવા અગ્રણીઓ માટે તો ધર્માર્થકામનાં ત્રણ મલાઈદાર તમાશાનાં આયોજન, નવા બાપુઓ, નવા રાજાઓ, નવી ફન્ડિન્ગ એજન્સીઓના ઇશારા પ્રમાણે, રજૂ કરવાની તક છે! પણ આ તો ઉમાશંકર. જેમ ૧૯૩૨માં તેમ ૧૯૫૯માં (અને ૧૯૭૫માં). એમનાં ત્રણ કામ, (કરવાનાં હતાં પણ, અરે, સમય રહ્યો નહિ જે માટે, તે), ‘શોધ’ કાવ્યના પાઠ (ટેક્સ્ટ) પ્રમાણે, આ ત્રણ છે: ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.’ ‘રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહિ,’ અને ‘કન્યાઓના આશાઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.’

અગ્રણીઓ ચોંકી ઊઠશે. પુષ્પો, શિશુઓ, કન્યાઓ — આ ત્રણ સુકોમળ ચીજો, પેલી ભયંકર, જીવનક્ષયકારી, સંસ્કૃતિહ્રસકારી કટોકટીનાં નિવારણ? બધા સંસ્કૃતિ-નિષ્ણાતો ના પાડશે.

નિષ્ણાતો જાણી શકે એનાથી વધારે કે જુદું જાણવું હોય તો કવિ પાસે, બલ્કે કવિતા પાસે જવું રહ્યું. પુષ્પો સાથે વાત કરવી, શિશુઓનું કલહાસ્ય માણવું, કન્યાઓના આશાઉલ્લાસ વધાવવા એટલે શું, એનો મર્મ ‘શોધ’ કાવ્ય આ રીતે તપાસે છે:

પુષ્પો સાથે વાત, એટલે શું? શું, બલ્કે કોણ છે આ ‘પુષ્પો?’ ‘પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગીલી, ગર્વીલી ઉત્કંઠા; તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં; પુષ્પો, મારી કવિતાના તાજ઼-બ-તાજ઼ શબ્દો.’ — એ જે છે તે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ. પૃથ્વીની સ્વર્ગીલી ઉત્કંઠાને ન ઓળખનારનું શું થાય, માનવીઅરમાનોને, અંધકારના મહાસાગરમાં ટકી રહેલા તેજના ટાપુઓને, કવિતાના શબ્દોને અવગણનારી સંસ્કૃતિનું શું થાય? — ‘શોધ’ આપણને આ અને આવા સવાલોની સામે ઊભા કરી દે છે. ભોમિયા વિના.

‘શિશુઓનું કલહાસ્ય’ એ તત્સમ શબ્દોની પડખોપડખ કવિ આ તદ્રૂપ-દેશ્ય-સદૃશ વાણી મૂકી આપે છે: ‘શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે ખિલખિલ હસાવી દે છે’. કોણ? એ જ જે ‘અયુત વર્ષોને અંતે પ્રગટેલા માનવની આજ લગીની આખીય યાત્રાની — ભાવી આકાંક્ષાની પતાકા લહેરાવી દે છે એ નાજુક કલહાસ્યમાં વિજયભેર.’ તો આ છે શિશુઓનું કલહાસ્ય, અથવા શેરીમાંના પેલા બાલુડિયાનું ખિલખિલ હસવું, જે વડે કોક અયુત વર્ષો અગાઉથી તે છેક આજ લગી અને આજથી તે દૂર ભાવીની આકાંક્ષા લગી, એક લાંબ્બી પતાકા વિજયભેર લહેરાવી દે છે. — જે વ્યક્તિ કે સંસ્કૃતિ પાસે ‘રે રે [એવું] શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહિ’ એનું શું થાય? આ બીજો સવાલ આ કાવ્યમાં સામો આવે છે.

‘શોધ’ કાવ્ય પૂરું થાય તે પહેલાં એક વળાંક આવે છે: ‘રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું’. અગિયાર શબ્દો કવિના, ને સૌંદર્યમંડિત, ગતિશીલ એક ચિત્ર, બલ્કે ચલચિત્ર રચાઈ ગયું. અરે, ‘ઝુંડ’ શબ્દ પણ સુંદર બની ગયો! કવિ (જે આ કાવ્યના કથનકાર અને કાવ્યનયાક છે, તે) આ દૃશ્ય પોતે જુએ છે અને પોતાના વૃદ્ધ સહયાત્રીને એ દૃશ્ય જોતા પણ જુએ છે. ગોર્યો કરતી (કેસરિયો વર મેળવવા વ્રત કરતી, ને તોય એ બાબત સાવ અબૂધ એવી નિર્દોષ) બાળકીઓ, ગોરમાઓ, પોતાના ગામના રસ્તે રાતે કૈંક બનીઠનીને ચાલતી જતી હોય. એ રસ્તે દોડતી મોટરમાં બેઠેલા કવિ અને સાથે બેઠેલા કોઈ ‘વૃદ્ધજન’ને, રસ્તાના વળાંક પર ઘૂમતા મોટરની તેજ હેડ્લાઇટના શેરડામાં એ ‘નાની’ (જ? — ઉમાશંકરભાઈ, ઉમાશંકરભાઈ!) ગૌરીઓનું ‘ઝુંડ’ થોડીક પળો દેખાય. ને વીજળીને ઝબકારે જાણે કવિ દૃશ્યાવલીનાં ઝળકતાં મોતી પોતાની કાવ્યબાનીમાં પરોવી લે છે. પોતે તો ઝીણી નજરે બધું જોઈ જ લે છે પણ ‘વિસ્ફારિત નેત્રે’ એ કન્યાઓને જોતાં વૃદ્ધજનને પણ કવિ ક્ષણાર્ધમાં પકડી પાડે છે! કવિ, કૈંક સસ્મિત, ‘શોધ’ના વાચકને એ સમગ્ર ચલચિત્ર દેખાડે છે. ‘કન્યાઓની આશા’ (વર એટલે શું એ બરોબર સમજ્યા વિના વ્રત-ગીતવાળો કેસરિયો વર પામવાની એ ગોરમાઓની આશા) કવિ માટે ‘મારી કવિતાની નસોનું રુધિર’ છે. એ ‘કન્યાઓના આશાઉલ્લાસ’ ‘વધાવવાનો સમય રહ્યો નહીં.’ જે વ્યક્તિ કે સંસ્કૃતિ પાસે પોતાની જ કન્યાઓના આશાઉલ્લાસ વધાવવાનો સમય ન બચ્યો હોય, એની આવતીકાલ ક્યાંથી ઊગે? આ ત્રીજો પ્રશ્ન સામો ખડો થયો.

આમ, પુષ્પો સાથે વાત કરવાનો, શિશુઓનું કલહાસ્ય મણવાનો અને કન્યાઓના આશાઉલ્લાસ માણવાનો સમય રહ્યો નહિ, તે સાથે જ ‘મારી કવિતાના તાજ઼-બ-તાજ઼ શબ્દો’, ‘મારી કવિતાનો શુભ્ર છંદ’ અને ‘મારી કવિતાની નસોનું રુધિર’ — એ ત્રણે માટે પણ સમય રહ્યો ન-હિ.

‘શોધ’ કવિતામાં ત્રણ વાર ‘ક્યાં છે કવિતા?’ એમ ફરી ફરીને અને ચોથી વાર, કાવ્યની અંતિમ પંક્તિમાં ‘ક્યાં? — ક્યાં છે કવિતા?’ એમ ભારપૂર્વક પ્રશ્ન પુછાય છે. એ પ્રશ્નમાં ‘કવિતા’ શબ્દ મુકાયો છે, એની અર્થચ્છાયા અને એનો ધ્વન્યાર્થ પુષ્પો, શિશુઓ અને કન્યાઓ સુધી જાય છે. એ ત્રિક ‘મારી કવિતાના શબ્દો’, ‘મારી કવિતાનો છંદ’ અને ‘મારી કવિતાનું લોહી’ સાથે સંકળાયેલું છે. એટલે એ ત્રિકનો ધ્વન્યાર્થ વળી આગળ વિસ્તરે છે. એ વિસ્તરણશીલ વ્યંજનાનો માર્ગ આ કાવ્યબાનીમાં કોઈ અભિધા વડે, પૂર્વ-નિર્ણિત ‘મુખ્યાર્થ’ વડે, રુંધાતો નથી. એ પ્રશ્નોની પાછળ કોઈ પહેલેથી નક્કી કરાયેલો ઉત્તર નથી. ‘શોધ’ કાવ્યનો ગોત્ર-સંબંધ આમ ‘ભોમિયા વિના’ કાવ્ય સાથે જોડાય છે, ‘ગીત ગોત્યું ગોત્યું’ સાથે નહીં. ‘એકલો અટૂલો હું ઝાંખો પડ્યો’, ભલે; તેમ છતાં નવેસરથી મારે તો ભોમિયા વિના જ ડુંગરા હવે ભમવા છે રે, એમ કહેતો નવયુવાન કવિ, દશકો પછી પ્રૌઢીપૂર્વક ‘શોધ’ કાવ્ય લખે છે. કવિનો આ મિજાજ એક સાચા ગાંધીયુગની, બીજી સાચા અદ્યતન યુગની, અને સમગ્રપણે આપણા અર્વાચીન કાવ્ય-સાહિત્યની સંપ્રાપ્તિ બને છે.

વિવિધ વિચારસરણીઓએ, આઇડિયોલૉજીઓએ, આજે પોતપોતાની રીતે વાસ્તવને પાતળું, છીછરું, દરિદ્ર, એકવિધ બનાવી નાખ્યું છે. પરમ પ્રાપ્તિનાં બણગાં ફૂંકતી, કોઈ રાજકીય, આર્થિક, આધ્યાત્મિક, સમૂહવશીકરણવાદી વિચારસરણી કે વ્યક્તિની કૃપાનાં ગુણગાન કરતી, ‘જીવનાભિમુખ’, ‘પ્રેરક’, ‘પ્રતિબદ્ધ’, ‘આશાવાદી’ કે એવીતેવી કવિતા જેમ એમના ઘણા સમકાલીનો વિવિધ ભારતીય ભાષાઓમાં લખતા હતા, તેમ આપણા આજે લખે છે. પણ ‘આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ, કો મૃત્યુ પૂર્વે ન સંપૂર્ણ બુદ્ધ’, એમ કહેનાર ઉમાશંકર સ્વયમ્ ભારતીય કવિતા માટે એ એક જાનદાર અને પ્રાણપ્રદ ઘટના છે.

જે કોઈ શોધ કરે, શોધ એને બદલ્યા વિના ન રહે. શોધની, તલાશની ખરાઈની એ એક કસોટી ગણી શકાય. ‘શોધ’ કાવ્યમાં, કવિના ‘વર્ણન’ પરત્વે જ નહીં, એમના ‘દર્શન’ પરત્વે પણ આ કસોટીએ ખરાઈ કરવા જેવી છે.

જે કવિએ પોતાની કાવ્યયાત્રાના પ્રારંભે, જીવનના યે બે દસકા માંડ પૂરા કર્યા હોય ત્યારે, દૂરથી આવતો અને શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો ગજાવતો મંગલ શબ્દ સાંભળ્યો હોય, એ કવિ એ યાત્રાના વિરામ નજીક પહોંચે ત્યારે, જીવનના છેલ્લા દશકમાં, લખે છે: ‘શતાબ્દીથી શતાબ્દી સુધી પહોંચતો બુલંદ સ્વર, ઊતરે ન અંતરમાં, ઝમે ના પર્યાપ્ત ચિત્તે.’ સાચી શોધ કરતાં કરતાં જે સામે આવે છે, એનાથી (દુરિતથી, અસુંદરથી, જીવનહ્રસના, સંસ્કૃતિ-નાશના પુરાવાઓથી) નજર ખસેડી લે તે કવિ શેનો? ઉમાશંકરની આંખો કશા સામે અને કોઈ સામે ઝૂકી નથી — વ્યક્તિ રૂપે કે કવિ રૂપે. ગમે તેવી કટોકટીમાં. એટલે ‘શોધ’ કાવ્યની અગિયારમી કડીમાં ઉમાશંકર કહી શક્યા છે કે જે હવે સંભળાય છે તે ‘મંગલ શબ્દ’ નથી, હવે ‘પડઘાનો દેશ આ; શબ્દ નહિ, પ્રતિશબ્દ પૂજાતો જ્યાં.’ પૂર્વે ઉમાશંકર અને ઉત્તર ઉમાશંકરને પાસેપાસે મૂકી જોવા-સમજવાનું કામ કવિની જન્મશતાબ્દીનો પ્રસંગ આપણી સામે મૂકી આપે છે.

‘આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ’ (‘બાલ રાહુલ’, માર્ચ-ઑગસ્ટ, ૧૯૪૨; સત્યાગ્રહ-પર્વતમાળાની આભ-ઊંચી ટૂંકનું વર્ષ) એમ પાત્ર-મુખે કહેનાર આ કવિ સંઘર્ષશીલ કવિ છે. સતત જાગ્રત રહી, એ પોતાના ભાવો, વિચારો અને વર્તનને, બદલાતા વાસ્તવના જુદાજુદા સંદર્ભોમાં, પૂરી નિર્ભયતા તપાસતા-મઠારતા રહ્યા છે. ‘કવિની શ્રદ્ધા’માં ઉમાશંકર ‘શ્રદ્ધામાં થયેલાં પરિવર્તનો’-ની વાત માંડતાં અચકાતા નથી. એ કહે છે: ‘જમાને જમાને કવિતારીતિ પલટાતી જતી હોય છે… પણ એ પલટાઓ પાછળ જીવન અંગેની શ્રદ્ધામાં થયેલાં પરિવર્તનોનો ભાગ જેવો તેવો હોતો નથી.’ (એ જ, પા. ૧૪.) ઉમાશંકર, આમ, ‘વર્ણન’ પરત્વે જ નહીં, ‘દર્શન’ પરત્વે પણ પ્રમાણિક અને પરિવર્તનશીલ રહ્યા છે; નિરંતર ખુદવફાઈ અને પલટાતા યથાર્થનું યથોચિત આકલન, એ બંનેમાં જાગ્રત રહ્યા છે.

એમની, પોતાની જાત સાથેની એક આકરી શરત છે: ‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ (‘શોધ’, પં. ૫થી ૮) માતાના ગર્ભમાં હો કે માતૃભાષાના ગર્ભમાં — અનાગતની જે બીડેલી આંખો હોય તેની ચમક માતાના ચહેરાને, કવિના અસ્તિત્વને, કાવ્યની બાનીને અને કાવ્યગત દર્શનને (વર્લ્ડ વ્યૂ-ને) બદલી નાખે છે, ખૂબ વધારે સુંદર બનાવી દે છે. એ બેવડા બદલાવને ઉમાશંકરની કવિતામાં (એકાધિક આધાન પ્રસંગે!) જોઈ શકાય છે. ‘શોધ’-માં, એટલે જ, એક આનંદપૂર્વક, એક અપેક્ષાપૂર્વક, એક ખેદપૂર્વક આ પ્રશ્ન પુછાયો છે. ‘મારા અસ્તિત્વમાં [એ] તમે જોયું છે?’ અનાગતની આંખે જગતને જોવા આ કવિ તત્પર છે, ભલે એથી આખું દૃશ્ય બદલાઈ જાય. ભલે એથી દૃશ્ય, દ્રષ્ટા અને દર્શન ત્રણે સામટાં બદલાઈ જાય.

સમાજ અને રાજ્ય સંદર્ભે ‘રાજકારણ’ના વિકલ્પે ‘લોકકારણ’ જેવો શબ્દ ઉમાશંકરને સૂઝે, એ સૂચક છે. ત્રણ દાયકા પછી, ૧૯૭૫ની કટોકટીનાં વર્ષોમાં લોકદમનકારી રાજ્યસત્તાને આ લોકકારણી સાંસદે જે શબ્દો ભરી સંસદે સંભળાવ્યા હતા, એનો એક છેડો પેલા ૧૯૪૨માં લખાયેલા કાવ્ય સાથે તો બીજો છેડો ૧૯૭૮માં પૂરા કરાયેલા ‘પીછો’ કાવ્યમાં અને ૧૯૮૨માં પૂરા કરાયેલા ‘સ્વપ્નોને સળગવું હોય તો’ કાવ્યમાં જોડાય છે. ‘સપ્તપદી’ એ સંગ્રહનાં આ બે કાવ્યો, જે અનુક્રમે ૧૯૭૧ અને ૧૯૭૨માં શરૂ કરાઈ બાજુ મુકાયાં હતાં, એમને કવિ ૧૯૭૫-૭૭ના કટોકટી કાળમાંથી પસાર થયા પછી ફરી હાથમાં લે છે અને અનુક્રમે ૧૯૭૮ અને ૧૯૮૧ (-ના ત્રીજા મહિનામાં સળંગ બે દિવસો)-માં પૂરાં કરે છે, ‘શોધ’ કાવ્યની સામગ્રીને અને એની કલાને જાણવા-સમજવા-માણવામાં આ સંદર્ભ ઉવેખવા જેવો નથી.

ઉમાશંકરના કવિ-દર્શનનાં ત્રણ સ્થિત્યંતરોને તપાસીને આ વિભાગની ચર્ચા પૂરી કરીએ.

‘ભિન્નભિન્ન છું’ ને ઉપાંત્ય પંક્તિ છે: ‘એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું’, એ અંગે, ‘એક કેન્દ્ર’ અંગે, છેલ્લા ત્રણેક દશકથી મનમાં સવાલો થયા કરતા હતા. અલબત્ત, વ્યક્તિત્વ વિશૃંખલ ન હોવું જોઈએ, પુલ યોર સેલ્ફ ટુગેધર, આત્મસ્થ વગેરે ‘આદર્શો’થી કયો બાળક અજાણ્યો હોય? આ લેખ લખનાર પણ નહોતો. પણ મને મૂંઝવતો સવાલ એ હતો કે શું ઉમાશંકર, કવિ અને ચિંતક, ‘એક-કેન્દ્ર’-તા-ને, ‘બહુ-કેન્દ્ર’તાને મુકાબલે, વધારે પસંદ કરતા હતા? ‘છિન્નભિન્ન’-તાનો ઉકેલ, આજે, (કે ક્યારે પણ જો સાચે જ હોય તો — ધો આઈ ડાઉટ ઇટ,) ‘એક-કેન્દ્ર’-તા બને કે ‘બહુ-કેન્દ્ર-તા? શું ઉમાશંકર જોશી જેવા તેજસ્વી બુદ્ધિ-શક્તિ અને નિર્ભેળ નિર્ભયતા ધરાવતા ચિંતક-કવિ ‘એક-કેન્દ્ર’-ની વિભાવનાની જડમાં રહેલા હેગેલિઅન સત્તા શોખને પામી નહીં ગયા હોય? કે પછી…? આવા પ્રશ્નો થતા રહેતા હતા. ત્યાં જ, શતાબ્દીના આ દોરમાં, ‘શોધ’ની આ પંક્તિઓ પર ધ્યાન ઠર્યું: ‘પેલાં વૃક્ષો, છુટ્ટાં, લીલાં પલ્લવે ઘેઘૂર ડોલે, કેવાં છે મજાનાં! ગમી જાય એવાં છે! પરંતુ એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતાં એ બધાં અનોખી કોઈ એક-રચનામાં ગોઠવાઈ ગયાં. વૃક્ષો ન રહ્યાં, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ, માત્ર ત્યાં ફેલાઈ રહ્યું — એ જ તો સૌંદર્ય.’ થોડોક તો, કદાચ, તફાવત છે, ‘છિન્નભિન્ન છું’માં તકાતી ‘એક-કેન્દ્ર’-તા અને ‘શોધ’માં જોવાતી ‘એક-રચના’ વચ્ચે! (હોપ સો!) સત્તા, કદાચ, સૌંદર્યના પ્રભાવમાં સ્થગિત એક-કેન્દ્ર-ત્વથી ખસીને બહુ-કેન્દ્ર-રચનાને સ્વીકારશે. ‘પેલાં વૃક્ષો, છુટ્ટાં…’ ‘એક-રચનામાં ગોઠવાઈ જાય’ પછી પણ ‘ગમી જાય એવાં’ —ને એવાં ‘વૃક્ષો છુટ્ટાં’ રહેશે?

‘સપ્તપદી’ના છેલ્લા પગલે, ‘પંખીલોક’માં, કવિ એથી પણ એક ડગલું આગળ ભરે છે. અહીં દરેક પંખીને પોતપોતાની રીતે બોલવાની છૂટ છે! કવિ દરેકને માણે છે, ‘એક વેળા આ એક સ્થળેથી’ સાંભળી ‘એ બધાં’ને ‘અનોખી કોઈ એક-રચનામાં’ ‘ગોઠવ્યા’નો આગ્રહ (સત્યાગ્રહ કે સત્તાગ્રહ) આ કાવ્યમાં નથી જાણતો. જોકે શરૂઆતના ભાગમાં થોડી વાર પાણિનિ અને પંખીઓ વચ્ચે ચણભણ ચાલે છે. પણ પછી ‘કોકિલ-કલા’, ‘કાક-કુલ’, ‘ચકીટોળું’ ‘લીલા પોપટ’, બપૈયો, ભારદ્વાજ, મયૂર, વગેરેને અને ઉપાંત્ય કડીમાં તો વાગોળ, ચામાચીડિયાં અને ઘુવડને પણ જગ્યા મળે છે. આ પંખીલોકમાં કોયલ, કાગડો વગેરે બધાને પોતપોતાના અનેકરૂપે રહેવાની છૂટ મળે છે! બુલબુલ પણ આ બહુ કેન્દ્રી પંખીલોકમાં બુલબુલ જ રહે છે, ફક્ત એણે ‘શ્રીપ્ રભુ!’ એવું, બોલવું પડે છે, એ દરગુજર. અને ત્રીજી ટ્રાયલે તો બુલબુલ બરાબર બોલતું થઈ જાય છે: ‘શ્રી પ્રભુ’!

આ ભક્ત-હૃદય બુલબુલને બાદ કરતાં ‘પંખીલોક’ની કાવ્યસૃષ્ટિની બહુ-કેન્દ્રીયતા ઉમાશંકર જોશીની સર્જકતાનું મુક્ત, ઓપન-એન્ડેડ અને ગતિશીલ સ્વરૂપ વ્યક્ત કરે છે. ‘છિન્નભિન્ન છું’-માં ‘એક-કેન્દ્ર’, ‘શોધ’-માં ‘એક-રચના’, અને ‘પંખીલોક’-માં સારસનો બેવડ આલાપ અને ‘સપ્તકના સૂર’ જેવા દેખાતા-સંભળાતા મધુમાલતી, બોગનવીલિયા, જૂઈ, ફ્લૉક્સ, કાર્નેશન, સૂરજમુખી, ખુદ સૂર્ય (બટનો સ્પેશ્યલ વી આઈ પી પ્લેસ ફોર યુ!)-ની બહુલતા: આમ ત્રણ પગલાં કવિ ભરે છે. હજી દસકો મળ્યો હોત તો પેલું અડધું પગલું… જે હો તે, સત્તા સાથેનો સંઘર્ષ દેશની આઝાદી પહેલાં અને પછી અણનમ મસ્તકે કરનાર આ નિર્ભય અને વીર વ્યક્તિની કવિતામાં છિન્નભિન્ન, એક-કેન્દ્રિતા, એક-રચનામયતા, અને બહુ-કેન્દ્રિતાના પ્રશ્નો જોવા મળે છે, એ પ્રશ્નો સામે આપણી નજર ન ઝૂકે, એ જ એમને આપણી સ્નેહવંદના.

‘કવિકર્મ એ જ કવિધર્મ’, એવું કહેતા અને આચરતા આ કવિવરની આ ‘શોધ’નો છંદ કયો, એ સવાલ એકથી વધારે અર્થમાં પૂછી શકાય. ‘શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ’ એમ કહીને આ કવિ ‘છંદ’ શબ્દને એનો વ્યાપક અર્થ સંપડાવ્યો છે. ‘શુભ્ર’ (ડાઘા કે ભૂલો વિનાનો), ન કે ‘શુભ’ (વિચારસરણી મુજબનો), એ વિશેષણ પણ સૂચક છે. નકલી ગાંધીયુગના આજેયે મહાલતા ‘ચિંતકો’ એ રકાર ચૂકી જાય. ઉમાશંકર ચૂકતા નથી. એટલે આપણે અહીં તપાસવું ઘટે કે ‘શોધ’ના સમગ્ર કવિકર્મ સાથે એના ‘છંદ’નો સંબંધ શો અને ક્યાં કેવો?

કેવળ પિંગળ પ્રમાણે ‘છંદ’ શબ્દનો અર્થ લેતાં પણ ‘શોધ’નો છંદ શોધવો સહેલો નથી. એ કાવ્ય પ્રકાશિત થયું, એ સમયગાળામાં એ કૃતિ છંદો-મુક્ત છે, મુક્ત છંદમાં છે, કે અછાંદસ છે, એ અંગે ઝાઝી ચર્ચા ચાલી હતી. એની પ્રથમ પંક્તિ (‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ’) આ ત્રણે વિકલ્પોની બહાર છે અને એ તો સાદીસીધી કટાવ છંદમાં લખાયેલી પંક્તિ છે, એવું ભારે આનંદી ઉગ્રતા સાથે ભૃગુરાય અંજારિયા પાસે સાંભળવા મળતું. માત્રાઓનો મેળ, ભૃગુભાઈની વાત એક રીતે ખોટી નહોતી. એ પંક્તિ અને એ છંદ વચ્ચે પૂરો બેસે છે, (‘પુષ્પો સાથે વાત્કરવાનો સમય રહ્યો નહિ’: અષ્ટમાત્રિક માપ પ્રમાણે કટાવની પંક્તિ બને. અને ‘વાતઅ કરવાનો’ એમ કોઈ ગુજરાતી બોલે નહીં,). પણ સવાલ એ છે કે આખું કાવ્ય પોતે વાચકને એ પ્રથમ પંક્તિ એ રીતે વાંચવા પ્રેરે છે? કે એવી છૂટ આપે છે? બીજી જ પંક્તિ. અને પછી અનેકાનેક પંક્તિઓ વાંચ્યે કે બોલ્યે તરત સમજાય કે પહેલી પંક્તિનો કાવ્યગત લય કટાવનો નથી. (‘ચાલો આજે ફરવા જઈશું?’ ‘ના, આજે તો થાકી ગઈ છું.’ એ મધુર સંવાદ પણ, ફક્ત વાંચ્યો હોય તો કટાવમાં લખાયેલો લાગે. પણ દંપતી બોલે જુદા જ લયમાં — સિવાય કે એ કાયમ સાહિત્ય પરિષદના ઊતારામાં રહેતું હોય!)

આમે, પાઠકસાહેબ ‘બૃહત્ પિંગળ’માં નોંધે છે તેમ ‘કટાવને કોઈ પિંગળે છંદ તરીકે સ્વીકાર્યો નથી… કારણ કે પિંગલો પાદ વિના પદ્ય અશક્ય ગણતાં, અને કટાવમાં ‘માત્ર બે ચતુષ્કલોનો અથવા દ્વૈતિયીક અષ્ટકલનો સતત અવિરામ પ્રવાહ છે.’ એટલે, જોકે, ‘આ છંદ લાંબાં સળંગ વર્ણનો માટે અનુકૂળ છે,’ (રા. વિ. પાઠક, ‘બૃ. પિં.’, પા. ૬૭૩, આવૃત્તિ ૧૯૯૨.), છતાં, જે કાવ્યમાં લાંબાં સળંગ વર્ણનો નહીં પણ વિવિધ વળાંકો લેતું ચિંતન અને ચિત્તવૃત્તિઓનું નાટ્યાત્મક નિરૂપણ થતું હોય (એલિઅટ જેને ‘થર્ડ વોઇસ ઑફ પોએટ્રી’ કહેતા હતા, એ સંભળાતો હોય), તેમાં છંદોલય કટાવની ચાલે ન ચાલતો હોય.

પાઠકસાહેબ ‘નાટકની ઉક્તિઓ માટે હું કે. હ. ધ્રુવના વનવેલીને સમર્થ ગણું છું’, એમ નોંધી, ‘તે મનહર ધનાક્ષરીના ચતુરક્ષર સંધિનાં આવર્તનોનો બનેલો છે,’ એવું એનું માપ આપે છે. એ પ્રમાણે કરેલી, વનવેલી-ગત ‘વાક્યરચના ગદ્યના ક્રમને યથેચ્છ અનુસરી શકે છે, તેટલી જ ભાવને અનુકૂળ હરકોઈ વાક્યભનંગીને પણ ધારણ કરે શકે છે’, એવું વિધાન પાઠકસાહેબ કરે છે (એ જ, પા. ૬૮૩), એનો પુરાવો કે. હ. ધ્રુવ પછી સ્વયમ્ પાઠકસાહેબથી રાજેન્દ્ર શાહ સુધીના કેટલાક કવિઓના અનુવાદો અને મૌલિક કાવ્યોમાં મળે છે. ‘શોધ’માં ઉમાશંકર એ સર્વ જેવું અને એથી કૈંક નિરાળું કામ એ છંદોલય પાસે લે છે કે કેમ, એ તો એમનાં કાવ્યો જ જણાવી શકે.

‘મહાપ્રસ્થાન’-નાં નાટ્ય-મર્મી પ્રસંગકાવ્યોમાં ઉમાશંકરે ધ્રુવ-ખબરદાર-પાઠક-કેળવ્યો એ લય ખપમાં લીધો ને ખીલવ્યો છે. ‘શોધ’ કાવ્યમાં એ વનવેલીને રસ્તે છંદ-ગંધી અછાંદસ તરફ ઉમાશંકર ‘ભોમિયા વિના’ ભમ્યા હોય, એવું જણાય છે. ‘શોધ’ કાવ્યનો મારો પોતાનો પાઠ કંઈક એવો છે. ‘પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ’, ‘ક્યારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી’, ‘હું યે મારી આંખ વડે ચડાવતો ઓપ હતો’ (‘ઓપ ચઢાવતો હતો’ — એમ નહીં) — વગેરે સંખ્યાબંધ પંક્તિઓમાં કવિ સભાનતાથી વનવેલીનો પ્રયોગ કરે છે, એ ચોખ્ખું સાંભળી શકાય છે. અને પછી વનવેલીના પિંગળ બંધારણને તોડીને કવિ બીજી પંક્તિઓમાં અ-છાંદસ લય પ્રયોજે છે: ‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો…’ વગેરે.

‘એક શર ણાઈવાળો સાત વર્ષ સુધી શીખી રાગ રાગિ ણી વગાડ વામાં વખ ણાણો છે’ — એ દલપતકાવ્યથી ‘બીજી વાર, ગાડીમાં હું જતો હતો, એકલો જ અડધિયા ડબ્બામાં, ત્યાં નવું નવું યુગલ કો પ્રવેશ્યું, પ્રભુએ તાજાં નવવધૂના ચહેરામાં ગુલોછલકાવ્યાં હતાં.’ — એ ઉમાશંકરકાવ્ય સુધી આવતાં ગુજરાતી કાવ્ય-બાનીએ જે બળૂકું કૌવત અને નરી કમનીયતા કેળવી છે, એના વડે ઉમાશંકરની વનવેલી-પ્રમુખ (વનવેલીની સખી જેવી) અછાંદસ કાવ્ય-બાની પહેલી નજરે પ્રેમમાં પડી જવાય એવી બની (છની) છે. આજે, ગુજરાતી સાહિત્યના વૈશ્વિક યુગમાં, (જો એવું નામકરણ ઠીક લાગે તો) કોઈ કવિની કલમમાં છંદો છે કે નહીં એ સવાલ ન હોય તોય, એક કવિના કાનમાં, એના કંઠમાં મૂળ ગુજરાતી માત્રામેળ અને અક્ષરમેળ છંદો, નરસિંહ-પ્રેમાનંદ-કાન્ત-ઠાકોર-સુન્દરમ્-ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-આદિની કાવ્યબાનીમાં કેળવાયેલા માત્રિક અને વર્ણિક છંદો, રમે છે કે નહીં, એ સવાલ પણ જો બાજુ પર મૂક્યો, તો કદાચ આપણી કાવ્યબાની આત્મરતિની મોટી માંદગીમાં સપડાયેલા દરદીના ડાયેટ જેવી બની જશે.

માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.

ઑક્ટોબર, ૨૦૧૦
વડોદરા

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book