શું ચીજ છે? વિશે – સુરેશ દલાલ

શું ચીજ છે?

રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?

ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી હમણાં રમેશ પારેખનો કાવ્યસંગ્રહ ‘વિતાન સુદ બીજ’ પ્રગટ થયો. અવલોકનો તો આવશે ત્યારે. આપણે ત્યાં સારાં સારાં પુસ્તકો પ્રગટ થાય છે અને એની યોગ્ય નોંધ પણ નથી લેવાતી. મને થયું કે આ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તો એની ઉજવણી કઈ રીતે કરીએ? રમેશ પારેખ અમરેલી અને હું મુંબઈમાં. સાથે મળીને વાતોના જલસા પણ ન કરી શકાય. ‘વિતાન સુદ બીજ’માંની એક ગઝલનો આસ્વાદ કરીને ઉજવણી કરીએ. જોકે આ સંગ્રહમાં કેવળ ગઝલો નથી, ગીતો અને અછાંદસ રસનાઓ પણ છે. રમેશ પારેખની કલમ એવી છે કે એ કાગળને જીવતો કરી શકે છે—કવિતાથી.

આપણે ત્યાં વૃદ્ધાવસ્થાનાં કાવ્યો છે, એમાં આ ગઝલ પણ વિશિષ્ટ અવાજે પ્રગટી છે. વૃદ્ધાવસ્થા એટલે નરી એકલતા, નર્યું રણ. આંખ સામે ભૂતકાળનો બગીચો. વૃદ્ધ માણસનો દિવસ ઘૂંટણિયાં તાણતા બાળકની જેમ ધીમે ધીમે પસાર થાય છે. એની પાસે કશી પ્રવૃત્તિ હોતી નથી. બહુ બહુ તો હોય છે પરવશતા. પ્રવૃત્તિ નથી હોતી એટલે ‘મેઘાણીના પત્ર’માં એક સંદર્ભ છે, એ વાક્ય યાદ આવે છેઃ ‘ખાલી મન કરડે છે.’ દિવસ આખાથી થાકેલો માણસ સાંજે બગીચે જાય છે. આ બગીચામાં બાંકડા પર બેસવું, બુઢ્ઢા થવું એ શું ચીજ છે એનો કોઈને ખ્યાલ છે ખરો? આંખને દૃશ્યનો વિસ્મય નથી, આઘાત પણ નથી. આંખ જાણે કે નિર્જીવ થઈ ગઈ છે, એટલે કે ચીજ થઈ ગઈ છે. તાક્યા કરે છે, ખાલીખમ સડકને કે ખાલીખમ સડક જેવા આયુષ્યને.

મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ રહ્યાસહ્યા સમયને પસાર કેમ કરવો. સવારનું છાપું આવે. આખો દિવસ ખૂણેખાંચરેથી બધેબધું વાંચી જાય. ક્યારેક તો એકના એક સમાચાર ફરીફરીને વાંચે. આંખ છાપું ચાવતી જ જાય. આ કઈ તરસ ને ભૂખ છે કે રોજ આખેઆખું છાપું ગટગટાવવું પડે?—ઝેરના ઘૂંટડાની જેમ. વૃદ્ધાવસ્થામાં કશું ન કરવાનો કે કશું ન કરી શકવાનો અશક્ત ક્રિયાકાંડ છે. એ જ ઊઠવું, એ જ બેસવું, રોજ એકની એક ક્રિયા કરવી, કોઈની સાથે વાત કરવાની નહીં, કારણ કે કોઈને વાત કરવાની ફુરસદ નહીં અને વૃદ્ધ પાસે કેવળ ફિક્કી ફિક્કી ફુરસદ. ફુરસદનું આ વિષયક્ર. કવિએ સરસ રીતે આ વાત કહી છે. ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, ગોળ રસ્તા અને ગોળ જીવે હાંફવાનું. બોલવા જઈએ તો જીભ લોચા વાળે અને વૃદ્ધ બોલે તો સામાન્ય રીતે કોઈને ગમે પણ નહીં. એક વખત જીભમાં સામર્થ્ય હતું વાત કરવાનું. હવે જો વાત કરીએ તો એ કચકચ લાગે. દુનિયા સામે આખી જીભ જાણે કે હોડમાં મૂકી દીધી. બસ આમ જ મૂંગા મુંગા ઝૂઝવાનું અને ઝઝૂમવાનું.

(વરસાદ ભીંજવે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book