‘શીરાજ: ખુલ ગયા હૈ ચમન કી કિતાબ કા!’ – જગદીશ જોષી

મિલ ગયા

રાજા મેંહદી અલી ખાં

આપકી નઝરોંને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે,

પેલા ફૅન્ટમની કલ્પનકથાની પ્રચલિત ખોપરીગુફામાં ભંડારાયેલા ખજાનાની જેમ આપણા મનની ‘સ્કલ-કેઇવ’માં પણ અનેક અમૂલ મોતીનાં સ્મરણો પડ્યાં હોય છે. આપણે કવિતાનો ક શીખીએ તે પહેલાં માતાએ ગાયેલાં હાલરડાં-ગીતો આપણને કંઠસ્થ થઈ જાય એટલું જ નહીં, એ જોડકણાં આપણા મન સાથે તદ્રૂપ થઈ જાય છે. એમ રેડિયો પર, ફિલ્મમાં, પાનવાળાની દુકાને-હાટેચૌટે — સાંભળેલાં ગીતો (તે વખતનો તત્કાલીન નવીનતાનો શોરબકોર શમી જાય પછી) મનના કોઈ ખૂણામાં કોઈ ‘ટ્રેઝર આઇલૅન્ડ’ની જેમ સચવાઈને— ઢબૂરાઈને પડી રહ્યાં હોય છે મનના એકાન્તમાં. ક્યારેક અજાણ અચિંતવ્યું એ ગીત વૈશાખી વાયરાની જેમ ફૂટી નીકળે છે.

પ્રેમનું પાનેતર જ એવું છે કે મનના માંડવામાં ક્યારેક જ પહેરવા મળે છે. કોઠે કોઠે અજવાળાં પાથરી દે તેવો તાનસેની દીપક કંઈ થોડો જ રોજ સાંભળવા મળે? અને, માટે જ પ્રેમની વિફળતાનાં, અનાદર પામેલા નહીં તો છેવટે અનુત્તર રહેલા પ્રેમની શેણીની ચીસનાં ગીતો એ તો કવિતાનો મહામૂલો ખજાનો છે. પરંતુ જ્યારે પ્રેમની જ્વાળાઓમાંથી પાવન થઈને નીખરેલા સફળ પ્રેમનું કોઈ વિરલ ગીત સંભળાય ત્યારે કાનની ગુફાઓમાં એ માદક લલકાર કેવો ગુંજી ઊઠે છે! એમાંય આ ગીતને તો લતાના કંઠનાં ફિરત ને ફીરોજી, ઠાઠ અને ઠેક મળ્યાં છે! શહનાઈનવાજે બિસ્મિલ્લાખાંની શરણાઈના સૂરો જેમ ગમે તેવા ટોળામાં પણ આપણા કાનને જગાડી જાય તેમ લતાના કંઠની લલામલીલા પણ મનને પ્રસન્ન કરી? મૂકે.

તેમાંય પ્રેમની પ્રસન્નતાના શાંત છતાં માદક ઉદ્ગાર સમા આ ગીતને લતાના કંઠની પ્રાસાદિકતા મળે… ‘જી હમેં મંજૂર હૈ…’માં જ્યારે ‘જી’ સંબોધન પાસે લીધેલો ઠેકો સાંભળીએ ત્યારે દિલની ધડકનને એક ક્ષણ માટે ‘ઠહર જા’ એવું કહેવાની પણ જરૂર નથી: દિલનું ‘બિગબેન ટાવર’ પોતે આપમેળે જ એકાદ ટકોરો મારવાનું ભૂલી જાય છે! ‘આપ’ અને ‘જી’ના સંબોધનથી — પ્રિય વ્યક્તિનું નામ પાડ્યા વગર — જ વહી આવતું આ ગીત ત્રણેય ભુવનના પ્રેમીઓને સમાવી લે છે.

કોઈની — કોઈની પણ — નજર આપણને પ્રેમ આપવા માટે યોગ્ય પાત્ર ગણે. આપણને પ્રેમને માટે ‘કાબિલ’ ગણે — સમજે, એથી વધુ ખુશનસીબી કઈ? અહીં કેવળ ઉન્માદ નથી; પણ પ્રેમની સફળતાને કારણે ભીતરી માદકતાને ઢાંકીને સરી પડતો શાંત શાતાદાયક ઉદ્ગાર છે. જિંદગીની અફાટ મજલ કાપવા છતાં ભાગ્યે જ મળતી મંજિલ જ્યારે આપણને કોઈની નજરમાં નજરાણા રૂપે મળે ત્યારે દિલ પોતાને જ મનોમન કહી દે: ‘ઠહર જા’.. કાબેલિયત માટે આપે આપેલો ‘ફેંસલો’ અમને મંજૂર છે એ કહેવા માટે શબ્દોની જરૂર ખરી? કોઈક આપણને પોતાની જિંદગીમાં સમાવી લે, આપણી એકલતાને મિટાવી દે, આપણી જિંદગીને સ્વયં જિંદગી દ્વારા નવો સંસ્પર્શ આપે — ગીત આપે — સંગીત આપે ત્યારે અમસ્તું બોલાયેલું વાક્ય પણ કાવ્યની પંક્તિ બની જાય. પ્રત્યેક નજર, પ્રત્યેક શ્વાસ, પ્રત્યેક પલક પેલા પાલક પાસે એક બન્દા-દાસ, ભક્ત–ની નમ્રતાથી આભારવશ બની જાય. તેં મને ‘હસી’ને દિલમાં અપનાવ્યો!

બીજા અંતરામાં પરસ્પરની પ્રીતિની પ્રતીતિનો સહજ ઉદ્ગાર છે. આપણે એકમેકની મંજિલ છીએ. હવે કોઈ પણ તૂફાન ઊઠે તોપણ હું શા માટે ડરું? ‘કોઈ’ — સહુ કોઈ — હવામાં મારો એક સંદેશો વહેતો મૂકી દો અને સમંદરને કહી દો. તૂફાનોને કહી દો કે મને મારો સાહિલ મળી ગયો છે. આટલી જાણ આખા સમંદરને કરી દો જેથી તે મને ડરાવવા માટે તૂફાનોનો ઉધમાત ન કરે: મારા મનમાં કોઈ ઉચાટ નથી. પછી તેનો આ ઉછળાટ—પછડાટ નકામો છે.

આ હૃદય સરોવર સમું શાંત, સ્વસ્થ અને સ્થિર છે. તેમાં કોઈનો પડછાયો — પડછાયાઓ કમળ થઈને ઊઘડે છે. હેલારા લેતા આ મનસરોવર પર અંકાઈ ગયેલ કમળનાં છૂંદણાંને આંખ જુએ છે મનભરીને. તો કાન પણ ગુંબજ બનીને ‘સેંકડો’ શરણાઈઓના સૂરને પડઘાવે છે. આંખ-કાન-મન-અંતર — ‘શું ભીતર શું બહાર’ — બધું જ તરબતર છે. દિલ પર કોઈની છાયા ઢાળવાની વાત કૈફી આઝમી પણ આમ કહે છે: દિલ ‘મુઝકો છૂને લગી દિલકી પરછાઇયાં,’ કે ‘નઝદીક બજતી હૈ શહનાઇયાં’ અને પછી તો આ અખિલ બ્રહ્માંડમાં એવી કઈ ખુશી છે, એવું કયું સુખ છે જે મને હસ્તામલક‘વત’ જ નહીં પણ હૂંફાળવી હથેળીના ગોખલામાં એક હકીકત બનીને બિડાયું ન હોય! ખુશીની આ ક્ષણ તો એવી બુલંદ અને છતાં એવી નાજુક છે કે રોમરોમમાં સંગીત વ્યાપે, આ ગીત જ્યારે જ્યારે સંભળાય છે ત્યારે ત્યારે જાણે કે કંઠમાંથી અને આંખમાંથી પણ આ ગીત વહી આવતું હોય એવી પ્રતીતિ થાય છે.

૩૦–૭–’૭૮

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book