શિશુ : શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના — જગદીશ જોષી

શિશુ એટલે સ્વયં અનંત કુતૂહલનો જ અવતાર. આમ તો, જન્મ અને મરણ રોજિંદી ઘટનાઓ છે. છતાં શિશુના આગમન સાથે સાથે બીજું પણ કંઈક જન્મે છે; અને તે વિસ્મય. બાળકના જન્મ સાથે સંકળાયેલું વિસ્મય કદી ઓસર્યું નથી. કાલું કાલું અને ‘તોતલું’ બોલતું બાળક હવે તો થોડુંક મોટું પણ થયું હોય છે અને છતાંય પળે પળે એ આનંદ પામે છે. પમાડે છે. ટાગોર કહે છે તેમ જ્યાં સુધી આ પૃથ્વી પર બાળક જન્મે છે ત્યાં સુધી એટલું તો નક્કી કે ઈશ્વરને માનવમાંથી શ્રદ્ધા સાવ ઊઠી નથી ગઈ!

વડીલાઈની દુનિયામાં દુઃખની વડાઈને કોણ નકારી શકે? અને એટલે તો શિશુ પોતે સમૃદ્ધ છે અને આપણને સમૃદ્ધ રાખે છે. એ તો આપણી રિદ્ધિ-સિદ્ધિ છે – પેલે પારની, અપારની. ઉમાશંકર જોશી અન્યત્ર કહે છે તેમ ‘બાળકના કંઈ અનંત આશ ચમકતાં નેનાં લઈ જઈશ હું સાથે… ખુલ્લા બે ખાલી હાથે’ જગત માટે શિશુ અને શિશુ માટે જગત: બન્ને અરસપરસનાં રહસ્યો છે. અને છતાં જગતની આ જાણીતી રંગભૂમિ પર આ અજાણ્યા પાત્રોનું મિલન થયા જ કરે છે…

આપણે ‘મોટા’ થઈએ એટલે હકીકતમાં શું થઈએ? આપણે ખોટા થઈએ છીએ. આપણે ‘હોવું’ ને ‘દેખાવું’ની એનઘેન રમતમાં મશગૂલ થઈ જઈએ છીએ. બાળક પાસે તરવરાટ છે, સ્ફૂર્તિ છે કારણ કે એણે make-believe પાત્રોના પાઠ પોતા પર superimpose કરવાના નથી હોતા. હેન્રી મિલર કહે છે:

“Whatever… whenever … I was,
I was leading multiple lives”

મોટેરાંઓથી ઊંધું, બાળક તો ક્ષણે ક્ષણે હોય જ છે, અને એ હોવાનું અછતું રહે જ નહીં. બાળકનો જીવ, જીવન એની આંખમાં જ તરે, તરવરે.

એને જગતનો પરિચય આંખથી અને સ્પર્શથી મળે. ‘બોલું બોલું થતો’ની સાથે ‘મથતો’નો પ્રાસ તો કવિ પ્રાસાદિક રીતે લાવ્યા જ છે, પણ જગતને સ્પર્શવાની પ્રારંભિક મથામણ પણ કેટલી ટૂંકી પંક્તિમાં લઈ આવ્યા છે? અને બાળકનું જગત પણ કેટલું? માના હાથને ઓળખી શકે એટલું જ ને! મારી જ થોડી પંક્તિઓ ટાંકવાનો લોભ જતો નથી કરી શકતો માટે ક્ષમાયાચના સાથે અહીં નોંધું છું:

‘જગતને કોણ સ્પર્શી શક્યું છે ભલા?
જગતને સ્પર્શવું, એ તો કવિની કલા.
કવિ બાળક થઈને તરસે.
કવિ ઈશ્વર થઈને સ્પર્શે.’

આંખની સપાટી પર કીકી થઈને તરતો ને તરવરતો બાળકનો જીવ મનુષ્યથી મનુષ્ય સુધીનાં અંતરો (બાપા રે, કેટલી લાંબી ને છતાં દુર્ગમ મંજિલ!) ભેદી નથી શકતો. જગના પદાર્થોને પામી નથી શકતો. પણ એની કીકી ‘આ…મ…તે…મ ઘૂમ્યા કરે છે. આ શબ્દને જે રીતે કવિએ છૂટો પાડીને છાપ્યો છે એમાં પણ કલાની કીકી કેટલી ચકોર છે તે પરખાય છે. અત્યારે તો આંખ જ એની વાણી છે! અને છતાં ‘The child always knows.’ એની ચેતનાના radarમાં કેટલું બધું નોંધાઈ જાય છે!

પણ કવિએ આ sixth senseને અનુલક્ષીને એક માર્મિક પ્રશ્ન મૂક્યો છે. જ્યારે બાળકને સંસ્કારેલી વાણીનું નવાણ ફૂટશે ત્યારે અત્યારનું એનું નૈસર્ગિક નવાણ જીવંત રહેશે ખરું? બાળક તો સાંપ્રત ક્ષણમાં જીવે. એને કોઈ ગ્રંથિ નથી એટલે જ તો એક ક્ષણમાંથી બીજી ક્ષણમાં, એક રમકડા પરથી બીજા રમકડા પર જવું એને માટે સ્વાભાવિક છે, સુગમ છે. સારું છે કે એ શબ્દના અંચળા નીચે છુપાઈ નથી શકતો અને એટલે જ એ આંખની સપાટી પર પ્રગટી શકે છે!

નાનકડા શિશુની પાની જેવી નાનકડી, ગુલાબી રચના કવિને સહજ છે. કારણ કે ઉમાશંકર જેવો સાચો અને સમર્થ કવિ શબ્દના અંચળા હેઠે ભાવ છુપાવે નહીં પણ પોતે પોતાની ચેતના સાથે સરસ્વતીની આંખમાં તરવર્યા કરે અને માનવમનના રહસ્યને પ્રગટ કર્યા કરે.

૧૧-૫-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book