વ્હાલપણાની વાત કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

રાજે

વ્હાલપણાની વાત

એવી વ્હાલપણાની વાત રે,

માત્ર જગત અને ભગતની જ રીત ન્યારી હોય છે એવું નથી. શૂર, પ્રેમી, દાતા—જે કોઈ વ્યક્તિ કોઈ એકાદ ઉત્કટ ભાવનાને કે આદર્શને વશ થઈ તે સૌ—ની રીત જગતની રીત કરતાં ન્યારી છે. જગતના સામાન્ય લોકો જેને સાચું માનતા હોય છે તે તેમનું સાચું નથી લાગતું અને તેમને જે સાચું લાગતું હોય છે તે સંસારવ્યવહારના જીવોને ખોટું ને હાંસીપાત્ર લાગે છે.

વ્યવહાર અને ભાવના વચ્ચે, આમ તો, વિરોધ ન હોવો જોઈએ, ન હોઈ શકે. કારણ કે બન્ને એકબીજાનાં પૂરક છે. જીવન માટે જેટલી જરૂર વ્યવહારકુશળતાની છે તેટલી જ જરૂર ભાવના-પરાયણતાની પણ છે. ભાવનાશૂન્ય વ્યવહારપટુતા જીવનને જેટલું પાંગળું બનાવી દેતી હોય છે તેટલું જ પાંગળું વ્યવહારવિમુખ ભાવનાશીલતા પણ બનાવી દેતી હોય છે. પણ જીવન એવું જટિલ છે કે થોડાક જીવનના સાચા કલાધરોને બાદ કરીએ તો સામાન્ય માણસ આ સમતુલ જાળવી શકતો નથી કે ક્યારેક જાળવી હોય તો લાંબો સમય ટકાવી શકતો નથી. વહેલોમોડો કાં તો એ વ્યવહારનો કીડો બની જતો હોય છે ને કાં તો એ વ્યવહારશૂન્ય બની જતો હોય છે.

આ સ્થિતિ ઊભી થાય ત્યારે જગત એટલે કે જગતના વ્યવહાર રીઢા માણસો અને ભગત એટલે કે કોઈ એકાદ ભાવના કે આદર્શને વશ થઈ ગયેલા માણસો એકબીજાને સમજી શકતા હોતા નથી.

આ કાવ્યમાં પ્રીતિથી પરવશ બની ગયેલી ગોપી એ વિરોધની ભૂમિકા પર પોતાની વેદનાને વ્યક્ત કરે છે. પ્રીતિએ એને એવી તો પાંગળી બનાવી દીધી છે કે એનું પોતાનું હૈયું એના હાથમાં નથી રહ્યું. ને પોતાના કહાનજી સિવાય એ બીજા કોઈનો, પોતાની જાતનો પણ, વિચાર કરી શકતી નથી. એને દુઃખ એ વાતનું છે કે એનાં સગાંસંબંધીઓ કે સહિયરો તો ઠીક, એનો કહાનજી પણ એની આ પીડાને સમભાવપૂર્વક સમજતો નથી. સગાંસંબંધીઓ અને સહિયરો તો વ્યવહારનાં જીવ એટલે એમને આ વહાલપણાની વાત સમજાય જ નહિ. તેમની પાસે હૈયું ઠાલવવું નકામું; કારણ કે તેમનું ગજું જ નથી હોતું પ્રીતિના આ સ્વરૂપને પામવાનું.

ને કહાનજી છે નઠોર ને નમેરો. એણે સ્ત્રીજનના હૈયા સાથે રમત આદરી એની પ્રીતીને જગાડી, સંસારમાંથી એનો રસ ઉડાડી મેલ્યો ને પોતાની પાછળ એને ગાંડી કરી. કહાનજીની પાછળ ગોપી પોતાનું અળગું આપોપું ખોઈ બેઠી, પોતાનું પોતાપણું ભૂલી ગઈ; કૃષ્ણમય બની ગઈ; ને કહાનજી પોતે જઈને બેસી ગયો મથુરામાં, પેલી કુબ્જાના ભવનમાં. ને ત્યાંથી સંદેશો મોકલ્યો ત્યારે મોકલ્યો એટલો જ કે ‘તું કંઈક સમજ તો ખરી?’

સગાંસંબંધીઓ પમગોપીને સમજવાનું કહે છે કે કહાનજી પણ સમજવાનું કહે છે. પણ સમજણ લાવવી ક્યાંથી? સમજણ તો જેનાં સાનભાન સલામત હોય તેને આવે ને? ગોપી તો કૃષ્ણ માટેના તલસાટમાં પોતાનીસુધબુધ ગુમાવી બેઠી છે. એને સમજણ ક્યાંથી આવે?

પ્રીતિના ઉદ્રેકને લીધે ગોપી પોતાના સંસારી સગાંસંબંધીઓની મટી ગઈ છે; ને પોતે જેને ઝંખી રહી છે તે પ્રિયતમ કૃષ્ણ એનો બન્યો નથી. નથી એને પોતાનાં સગાંસંબંધીઓ પાસેથી મળતો સમભાવ; નથી પોતાના પ્રિયતમ પાસેથી મળતો સ્નેહ; ને ભર્યાંભાદર્યાં સંસારમાં એને અનુભવવી પડે છે અસહ્ય એકલતા જ.

ગોપીની આ મનોવ્યથાનું આલેખન આ કાવ્યમાં થયું છે. ત્રીજી કડી સવિશેષ સુંદર છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book