વિસર્જન વિશે – ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રવદન મહેતા

વિસર્જન

પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,

નાટ્યસર્જક તરીકે સવિશેષ પ્રસિદ્ધ સદ્ગત ચંદ્રવદન મહેતાનું ગૂજરાતી કવિતાના ઇતિહાસમાં પણ ઉલ્લેખનીય કાર્ય છે. એમણે બ. ક. ઠાકોર પ્રેરિત કાવ્યશૈલીને એક પ્રાસાદિક મુદ્રા આપી અને એમના સળંગ અગેય પ્રવાહી પદ્યનેય `રતન’ જેવાં કાવ્યો દ્વારા તે કથાકથન માટેનું કેટલું કામયાબ માધ્યમ છે તેની જરૂરી પ્રતીતિ પણ કરાવી. એમનાં કેટલાંક સૉનેટો પણ આસ્વાદ્ય છે, જેમાંનું એક આ `વિસર્જન’ છે. `વિસર્જન’ શેક્સપિરિટન ધાટીનું સૉનેટ છે. આ સૉનેટમાં યોગ્ય રીતે જ તેમણે શિખરિણી જેવા વર્ણમેળ છંદનો વિનિયોગ કર્યો છે. શિખરિણી છંદનાં તેજ અને તાકાત પ્રસ્તુત સૉનેટમાં ખંડવિભાજન, પ્રાસવિધાન વગેરે તેના આકારને સુશ્લિષ્ટતા અને સૌષ્ઠવ બક્ષે છે.

પ્રસ્તુત કાવ્યમાં કવિએ ઓજસ ગુણવાળી બાની અસરકારક રીતે યોજી છે. પ્રલયની ભીષણતા ને ભવ્યતાનો પ્રભાવ અનુભવાય એવાં જોમ અને જુસ્સાથી કવિએ અહીં વાક્છટા સિદ્ધ કરી છે.

આ સૉનેટ પ્રભુને સંબોધીને આરંભાય છે. કંઈક એવું કવિના ચિત્તમાં બન્યું છે કે કવિ ખામોશ રહી શકતા નથી, પરંતુ આક્રોશપૂર્વક ઘણુંબધું હઠાવી દેવાનું – મિટાવી દેવાનું ચાહે છે અને એ માટે તેઓ પ્રભુની સંહારક રુદ્ર શક્તિની સહાય વાંછે છે. મનુષ્યના તો સર્જન-વિસર્જનના મામલા પ્રમાણમાં ઘણા સીમિત જ હોય; પરંતુ પ્રભુનાં – પરમાત્માનાં સર્જન-વિસર્જનનાં કાર્યો તે મનુષ્યને અભિભૂત કરી દે, કૃષ્ણના વિરાટ સ્વરૂપનાં દર્શને અર્જુનને જે ભાવાનુભવ થયેલો એવો અનુભવકરાવી રહે એવાં બરનાં જ હોય ને?

આમ તો મનુષ્ય પ્રભુની જ સરજત; પણ અહંભાવે તજ્જન્ય વિકારવલણોએ એ અવારનવાર એવો બહેકે છે કે તેથી પોતે તો જોખમમાં મુકાય છે ને સાથે સંસાર-સૃષ્ટિનેય એવાં જોખમમાં ઘસડે છે. શોષણખોરી, યુદ્ધખોરી, સત્તાખોરી – એ બધાં એવાં તત્ત્વો છે. કેટલીક વાર એ જગતની સામે ને જગન્નાથની સામેય પોતાનું અળવીતરાપણું ધૃષ્ટતાપૂર્વક દાખવીને રહે છે. જો મનુષ્યને કે તેના સર્જેલા સંસારને સાચું સુખ, સાચી શાન્તિ અને જીવન જીવવાની સાર્થકતા એ ધન્યતા લાધવાનાં ન હોય તો પછી એ મનુષ્યને કે એના સંસારને માટે રહેવાપણું કે હોવાપણું શા કામનું? મનુષ્ય પોતે જો પરમાત્માના સર્જનકાર્યમાં ઉપયોગી ન થતો હોય તો પછી એના વિસર્જનકાર્યમાં તો ઉપયોગી થાય! એ રીતેય પોતાની હસ્તીને – પોતાની અસ્મિતાને ખપમાં તો લગાડે!

કવિએ પ્રભુસર્જિત દુનિયાનાં દુઃખદર્દ એટલાં ને એવાં અનુભવ્યાં છે કે એમનાથી હવે આ દુઃખી-પીડિત દુનિયાનો વિષણ્ણ ચહેરો જોયો જતો નથી. આ દુનિયા મનુષ્યજાતનાં જ અપલક્ષણોએ આમ જો સતત પિસાતી-ભીંસાતી-રહેંસાતી રહેવાની હોય તો એથી તો બહેતર છે કે તેનું નામોનિશાન મટી જાય. જે ભૂંડું છે, અનિષ્ટ છે તે તો નષ્ટ થાય, તેનું વિસર્જન થાય એ જ ઇચ્છવાયોગ્ય છે. જો ગ્રહો-તારાઓ મનુષ્યજાતને – આ પૃથ્વીલોકને સારી રીતે ઉપયોગી થવાના ન હોય તો ભલે એ બુઝાઈ જાય. ભલે આખું આભ તૂટી પડે. પાણી જેમ અંગારાને છંકારી દે એમ ભલે ગ્રહો-તારાઓ – સૂર્યચંદ્ર વગેરે સૌ જ્યોતિઓ નષ્ટ થાય; ભલે બધું તમસમાં ધકેલાઈ જાય, ભલે આ સૃષ્ટિનું રાસચક્ર અટકી પડે. ભલે ચારેય બાજુ પ્રલય થઈ જાય. એ રીતે ભલે વિસર્જન માટેનાં, વિનાશ માટેનાં બળો સક્રિય થાય. કવિ એવાં વિસર્જનાત્મક પરિબળોને ભવિષ્યના સર્જન માટે ઇષ્ટ-અનિવાર્ય ને શિવંકર માનતા જણાય છે અને તેથી જ પરમાત્માના સર્જનમાં નહીં તો તેના વિસર્જનકાર્યમાં – તેના પ્રલયકારી કાર્યમાં રામાયણકથાવાળી પેલી ખિસકોલીની રીતે પોતા તરફથીયે કંઈક સહયોગ આપવાના ખ્યાલે પોતાનું અશ્રુજળ જળપ્રલયમાં જરૂર પડ્યે ઉપયોગમાં લે એવી પરમાત્માને વિનંતી કરે છે. માનવનાં આંસુમાંયે પ્રલયમાં હોય એવી ક્ષમતાશક્તિ ગર્ભિત રીતે રહેલી છે. આંસુમાં ઘણુંબધું હચમચાવી દેવાની તાકાત હોય છે. કવિ પરમાત્માને પોતાની એ તાકાતનો સ્વીકાર કરી, ઉપયોગમાં લેવા વિનંતી કરે છે.

પહેલી કડીમાં જો જલપ્રલયે તો બીજી કડીમાં અગ્નિપ્રલયે વિસર્તનનું કાર્ય આગળ ધપાવવા ઇચ્છે છે. તેઓ આ સૃષ્ટિના ગહનગંભીર ગહ્યરોને તોડી નાખતા, આગ જેવા – દાવાનળ જેવા તોફાની પવનોને – ઝંઝાનિલોને આવકારે છે. એવા પવનો દ્વારા આ આખું વિશ્વભાણ્ડ ભલે તવાય, ભલે એમાંની ચરાચર સૃષ્ટિને સિઝાવાનું – તળાવા કે બફાવાનું બને. એમ કરતાંયે માનવના વિકાસ માટે – માનવતાના હિત માટે જે કંઈ અનિષ્ટ છે તે ભલે ભસ્મીભૂત થઈ જાય. કવિ પ્રભુ પાસે ઉગ્ર તાંડવી પ્રહારો વાંછે છે, જેથી જીર્ણશીર્ણનો નિકાલ થઈ જાય. આ પ્રકારના કાર્યમાં ચંદ્રવદન હૃદયને દાહ દેનારા અને હૃદયમાંના દાહે પ્રગટ થતા પોતાના નિસાસાઓનો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય એવી અપેક્ષા પ્રગટ કરે છે. જેમ આગમાં તેમ મનુષ્યના હૃદયદાહમાં – એના નિસાસાઓમાં પણ ભારે વિનાશક શક્તિ રહેલી છે. એ શક્તિને વિસર્જનમાં જરૂર કામે લગાડી શકાય; અલબત્ત, વિસર્જનને પગલે પગલે ફરીથી પ્રસન્નકર નવસર્જન થવાની પાકી સંભાવના હોય તો છેવટે તો સર્વ પ્રકારનાં વિસર્જનો ઉત્કૃષ્ટ સર્જનની ભૂમિકારૂપે જ આવકાર્ય બની શકે. તોડવા ખાતર કશું તોડવાનું; બાળવા ખાતર કશું બાળવાનું નથી; તોડી-બાળીને વસ્તુત: કશું નૂતન-ઉત્તમ સર્જવાનું કર્તવ્ય રહે છે. એવા કર્તવ્યમાં જ માનવતાનો ધર્મ સંનિહિત રહેલો પ્રતીત થાય છે. આ વલણની પુષ્ટિ રા. વિ. પાઠક, કૃષ્ણલાલ શ્રીધરાણી, સુન્દરમ્, ઉમાશંકર, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક કવિઓએ એમની કાવ્યરચનાઓ દ્વારા કરી છે.

કવિ માત્ર આભ તૂટે, દરિયા રૂઠે એટલું જ નહીં પહાડોયે દારૂખાનાની કોઠીઓ જેમ ફૂટેફાટે એમ ઇચ્છે છે. ચારેય બાજુ જળસ્થળમાં તેમ અવકાશ સમસ્તમાં વિનાશના તડાકાભડાકા ને તિખારા વ્યાપે, ચારેય બાજુ એની ઝાળજ્વાળાઓથી બધું ભસ્મસાત્ થઈ જાય એવું ઇચ્છે છે. એ પ્રક્રિયા જલદી થાય, અસરકારક રીતે થાય એ માટે તેઓ પોતાના હૃદયના ધડકધબકાયે એમાં ખપમાં લેવા પ્રભુને સૂચન કરે છે.

આમ, કવિ પરમાત્માની સર્જનલીલામાં જ નહીં, તેની વિસર્જનલીલામાંયે યત્કિંચિત્ ઉપયોગી થવા પોતાનું સમર્પણ પરમાત્માને કરે છે. પરમાત્માએ જ જો સર્જનમાં નહીં તો સર્જન માટેની અ-નિવાર્ય ભૂમિકા રૂપે વિસર્જનમાં કવિનો – મનુષ્યનો ઉપયોગ કરવાનું પગલું ભરવાનું રહે છે.

કવિને શ્રદ્ધા છે કે પોતાનાં અશ્રુ, નિ:શ્વાસ, હૃદયના દુઃખદ આઘાતો – આ બધું વિસર્જનની અને એ દ્વારા ભાવિ સર્જન માટેની ઉપકારક સામગ્રી થઈ શકે એમ છે. પરમાત્માના સર્જનમાં તેમ વિસર્જનમાંયે મનુષ્ય પોતાની રીતે સહભાગી થઈ રહે એવી એની ભૂમિકા ને એવી એની કામગીરી રહી છે.

આમ, કવિ સમુદાર દૃષ્ટિથી પરમાત્માની વિસર્જનની પ્રક્રિયામાં પોતાનો અંગીકાર થાય એ માટેની ભાવના અહીં રજૂ કરે છે. જેમ સર્જનમાં જિજીવિષાનું તેમ વિસર્જનમાં મુમૂર્ષાનું બળ અહીં ઇચ્છનીય હોવાનું જણાય છે. અંતતોગત્વા તો સર્જન-વિસર્જનની ક્રિયા-પ્રતિક્રિયામાં પરમાત્માની અખંડ દ્વંદ્વાત્મક અમૃતલીલાનું દર્શન થાય છે. મનુષ્યનું તન-મન, એનું જીવન અનિવાર્યતયા સર્જન-વિસર્જનની ઘાંટીમાંથી પસાર થતું જ હોય છે. જેટલું સર્જન તેટલું જ વિસર્જન પણ જીવનોપકારક છે, સમગ્ર સૃષ્ટિ માટેય તે ઉપકારક છે. આવી સમજદૃષ્ટિ સાથે જ આ સૉનેટની રચના થઈ જણાય છે. કવિ પ્રભુને પ્રલય નહીં કરવા કહેતા નથી, બલકે પ્રલય કરવાનું કહે છે અને તે કહેવા પાછળ એમનો ઉત્કટ સર્જનરસ – જીવનરસ જ કારણભૂત છે. કવિની પરમાત્મા પ્રેરિત પ્રલયકાર્યમાં એક મદદગાર તરીકે સામેલ થવાની જે વૃત્તિ છે તે ખાસ તો વિલક્ષણ છે. એ વૃત્તિએ જ આ કાવ્યની રજૂઆત આકર્ષક થઈ શકી છે. પ્રત્યેક ખંડમાં કવિ પોતાના તરફથી કંઈ ને કંઈ પરમાત્માને સોંપવા-અર્પવાની તૈયારી દાખવે છે અને એમ કરીને વિસર્જનના રસ્તેય સર્જનહાર સાથેની પોતાની તદાત્મતા-તદકારતા સિદ્ધ કરવાની ભાવના અંતમાં રજૂ કરે છે. આમ, આ સૉનેટ વિસર્જન દ્વારા નવા સર્જનમાં પરિણમવાની પ્રક્રિયા સુધીનો પોતાના વ્યાપ દાખવીને રહે છે. કવિનું લયપ્રભુત્વને વાક્પ્રભુત્વ સહેજેય ધ્યાનાર્હ છે. તેઓ પોતાના ભાવ-સંવેદનને પ્રાકૃતિક સંદર્ભો દ્વારા કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. તેમાં વર્ણવિન્યાસ, શબ્દવિન્યાસ, પ્રાસવિધાન વગેરેનોય મહત્ત્વનો ફાળો જોઈ શકાશે. કવિ જીવનને, જગતને અને પરમાત્માને કેવી ગંભીરતાથી, જવાબદારીથી સ્વીકારે છે તે પણ અહીં જોઈ શકાય છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book