વિષાદના ભાર વિનાની વિદાય – હરીન્દ્ર દવે

પ્રિયકાન્ત મણિયાર

ક્યારેય તો

વ્હીસલઆંચકામાં

આ રચના વાંચતાં સતત સ્વ. રામનારાયણ પાઠકની એક રચના યાદ આવે છે, ‘સેન્ટ્રલ સ્ટેશને’ નામની કવિતામાં તેમણે એવો ભાવ, નિરૂપ્યો છે કે સ્ટેશનેથી લોકો આવે પણ ખરા, જાય પણ ખરા. એ માત્ર વિયોગનું સ્થળ નથી. સંયોગનું સ્થળ છે. છતાં કોણ જાણે કેમ સ્ટેશનના વાતાવરણમાં મિલનના આનંદ કરતાં વિદાયનો ક્ષોભ વધારે વ્યાપેલો હોય છે. પ્રિયકાન્ત મણિયારની આ રચના એક એવી જ અનુભૂતિને આકાર આપે છે. ટ્રેન ઊપડી રહી છે—વિદાયના છેલ્લા શબ્દો ઉચ્ચારાઈ રહ્યા છે. આ ક્ષણનું ચિત્ર કવિ કેટલી ઉત્કટતાથી ઉપસાવે છે! કવિ પ્રારંભ કરે છે, ‘વ્હીસલ-આંચકામમાં.’ સ્વજનો સાથે વાત કરતા હોઈએ, ત્યારે ટ્રેન ઊપડવાની વ્હીસલ વાગેઃ આ ક્ષણે માત્ર ગાડીને જ નહીં પણ વિખૂટાં પડતાં સ્વજનોના હૃદયને પણ આંચકો લાગે છે. પછી આ આંચકામાં ‘ગાડી તણાય’ છે. તણાવું એ સહજ ક્રિયા નથી, આપણે અવકાશપણે ખેંચાતા હોઈએ તેવી લાગણી આ શબ્દ દ્વારા અનુભવાય છે. ‘આવજો’ કહેવા માટે હાથ ઊંચા થાય ચે. વિદાયવેળાએ અધૂરી રહી ગયેલી વાતો ઊર્ધ્વંગુલિઓ દ્વારા પ્રસરે છે. આ ક્ષણે વિદાયના વિષયને આલેખતું ખલિલ જિબ્રાનનું હથેળીમાં નેત્રને ઉપસાવતું સુપ્રસિદ્ધ ચિત્ર આપણને યાદ આવી જાય છે.

ટ્રેન ઊપડે છે. ઝડપથી ખસતા ડબ્બાની ગતિ સાથે સંબંધધારાનું વહન સમતુલિત કરવા જેવું છે.

ટ્રેન ઊપડ્યા પછી આપણે હાથ ફરકાવતા ઊભા રહી ગયા હોઈએ ત્યારે આપણે કોને વદાય આપતા હોઈએ છીએ? હજી થોડી જ ક્ષણો પહેલાં જેમનાથી વિખૂટાં પડ્યાં છે તે સ્વજનોને? આપણો આ વિદાયસંકેત કદાચ આખી યે ગાડીના પ્રવાસીઓ માટેનો બની જાય છે. વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ જો સાચી નિષ્ઠા રૂપ મંડાયો હોય તો સમષ્ટિ પ્રત્યેના પ્રેમમાં ફેરવાઈ જાય છે. એમ જ વિદાયની ક્ષણે આપણો હાથ જો ઔપચારિક રીતે ઊંચો ન થયો હોય, વિદાયની ક્ષણ ઘૂંટાયેલી વેદનાથી સ્નિગ્ધ બની હોય તો સ્વજન દૃષ્ટિથી દૂર થાય પછી પણ આપણા મનની સ્થિતિ ક્યાંય સુધી બદલાતી નથી. કોઈ કવિએ કહ્યું છે ને કે Parting is always sad, because something is over. વિદાયની ક્ષણ ઉદાસ હોય છે કારણ કે કશુંક પૂરું થતું હોય છે. આપણો હાથ ઊંચકાયેલો જ રહે અને પાછળના કોઈક ડબ્બામાં બારણાને અઢેલી કોઈ કાયા પસાર થાય ત્યારે જેને કદી યે મળ્યાં નથી એવી એ અપરિચિત વ્યક્તિને પણ આપણે વિદાય આપી રહ્યા હોઈએ છીએ. ભૂમ સાથે સરવાળો.

એટલે જ કવિ કહે છે ‘ક્યારેય તે નહીં મળ્યાં, તદપિ વિદાય.’ અહીં એલિઝાબેથ જેનિંગ્ઝના એક કાવ્યનું સ્મરણ થાય છે. મૃતજન્મા શિશુ વિશેના એક કાવ્યમાં એ કવયિત્રી કહે છેઃ ‘You did not come and yet you go તદ્દન જુદા જ ભાવસંદર્ભમાં કેટલી મનોરમ રીતે આપણા કવિ પણ વિદાયની ક્ષણને વાચા આપી શક્યા છે!

આ નાનકડી રચના આમ વિદાયની એક ક્ષણનો આછો પરિચય કરાવી જાય છે. કવિએ અહીં વિદાયના વિષાદને ઘેરો નથી બનાવ્યો; એને વ્યાપક બનાવી દીધો છે. એટલે જ એમાં વિષાદનો ભાર નથી.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book