વિદાય કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

પ્રહ્લાદ પારેખ

વિદાય

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,’

નાયક અને નાયિકાના જીવ એકબીજા સાથે મળી ગયા છે. લગ્ન હજી થયાં નથી, પણ બન્નેએ વાતો કરતાં કરતાં ને નિત્ય-નવીન સ્વપ્નસૃષ્ટિનાં સર્જન વિસર્જન કરતાં કરતાં રાતોની રાતો ને દિનના દિન ગાળ્યાં છે. બન્ને ક્યારેક રિસાયાં છે, તો ક્યારેક મનાયાં છે. ક્યારેક હઠે ચડ્યાં છે, તો ક્યારેક સરલ ભાવથી નમી પણ પડ્યાં છે.

પણ આજ કશીક વિશેષ ગંભીર વેળા આવીને ઊભી છે. નાયિકા, કદાચ, રીસે ભરાઈને ચાલી જવાને તૈયાર થઈ છે. નાયક ગૌરવપૂર્વક આ આઘાત જીરવી લે છે ને સ્વમાનપૂર્વક કહે છેઃ

હું તને કદી પણ એમ નહિ કહું કે હંમેશાં તું મારું જ સ્મરણ કર્યાં કરજે; ન બીજું કશું જોતી, કે ન બીજા કશાનો વિચાર કરતી, ને અહોરાત્ર હિજરામાં જ કરજે મારે માટે ના, હું તને એમ નહિ કહું. હું તો, ઊલટું, એમ કહીશ કે મારે ખાતર તારે જીવન હારી બેસવાની જરૂર નથી. આપણે છૂટાં પડીએ છીએ એ વાત ખરી, પણ દુનિયામાં એકલો હું જ છું એવું કંઈ ઓછું છે? આવડું મોટું ગગન, આવડી વિશાળ પૃથ્વી, આવડો અફાટ સાગર, આમાંથી ક્યાંક ને ક્યાંક તને મારા કરતાં ચડિયાતું કોઈ મળી પણ આવે, ને એવું થાય તો તું એનો સ્વીકાર કરી લેજે, હૃદયપૂર્વક ને આનંદભેર, ને મને ભૂલી જજે.

કેવો સ્મરણસુભગ હતો આપણો આનંદસહચાર?

આપણે એકબીજા સાથે વાતો કરી, વાતો કર્યે જ રાખી, કેટલી બધી રાતની રાત ને દિવસના દિવસ સુધી? કેટલાં બધાં સ્વપ્ન આપણે બન્નેએ હોંશભેર સેવ્યાં આપણા સહજીવનનાં, આપણી કોઈ નિરાળી દુનિયાને રચવાનાં? ને કેટલાં સ્વપ્નો ભાંગી પણ નાંખ્યાં? આપણી પ્રીતિનો એ પંથ સદાકાળ સરળ ને સુતર જ નહોતો. ક્યારેક આપણે ની જતાં હઠીલાં ને પડી જતાં ખોટી મમતમાં. ક્યારેક તું રડી પડતી મને પલાળવાને, મનાવવાને કે ઠપકો આપવાને. પણ પેટનું પામી યે હાલતું નહિ મારું, ને નઠોર બનીને હું જોયા કરતો તને આંસુ સાર્યાં કરતી. તો ક્યારેક જાણ્યે અજાણ્યે હું તને કચવાવી બેસતો. તારા હૈયાને નન્દવી બેસતો, ને પછી મારાથી જ મારી એ નઠારતાનો ભાર સહન ન થઈ શકતાં, તારી ગોદમાં મારું માથું છુપાવી દઈને હું હીબકાં ભરતો.

અખૂટ રસભરી આપણી એ વાતો, ને નિતાંતરમણીય સ્વપ્નોની સૃષ્ટિનાં સર્જન ન વિસર્જનઃ આપણાં અકારણ રીસામણાં મનામણાં, આપણી હઠ ને આપણા અનુતાપઃ એ જીવનનો અન્ત આવે છે આજે. તું જઈ રહી છે મને છોડીને, હવે કદાચ કાયમને માટે. તો બીજું તો શું કહું તને? મને તો નથી લાગતું કે આપણે માણ્યો છે તેના કરતાં મધુર સહચાર હોઈ શકે જગતમાં ક્યાંય પણ. તેમ છતાં, પૃથ્વી વિશાળ છે ને વસ્તુઓની અછત નથી વસુંધરામાં. એટલે મને ભૂલાવે એવું કોઈ તને મળી પણ આવે. એવું બને તો ખુશીથી ભૂલી જજે આપણે સાથે ગાળેલા ને માણેલા સમયને ને રચજે એની સાથે, આપણે રચી હતી તેના કરતાં ભવ્યતર સ્વપ્નસૃષ્ટિને, મારા કરતાં ચડિયાતો કોઈ સાથી તને મળે તો તું ભય કે આશંકા વિના, સ્વીકારી લેજે એને હૃદયપૂર્વક ને સુખી થજે.

હું તો તારા માર્ગમાં ક્યાંય આડો નહિ ઊતરું આજથી, ને તું પણ ભૂતકાળનો કશો જ બોજો મન પર રાખ્યા વિના લયલીન બની જજે તારી નવી સૃષ્ટિમાં. પણ હું તારા માર્ગમાંથી ગમે તેટલો ખસી જઈશ કે તું મને ભૂલવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે તોપણ આપણો ભૂતકાળ એમ સાવ ભૂલ્યો તેવો છે ક્યાં? આપણે એકબીજાના જીવનમાં એવાં તો વણાઈ ગયાં છીએ કે આપણે એક બીજાને કાયમને માટે સાવ વીસરી જઈએ એ શક્ય જ નથી. અને તેથી તું બીજા કોઈ સાથી સાથે ભવ્યતર જગતનું સ્વપ્ન રચે ત્યાર પછી પણ હું તને ક્યારેક યાદ આવી પણ જઉં. ને તને અસ્વસ્થ કરી મૂકવાનું અજાણતાં પણ નિમિત્ત બનું. આપણી પ્રીતિની પ્રગાઢતા જોતાં એ ન બને તેવું નથી. એટલે મારાથી એ અપરાધ અજાણતાં થઈ જાય તો તેં જ ઉદાર હૈયે એકલા મને તારી પ્રીતિને પાત્ર ગણ્યો ને મારાં અસંખ્ય અળવીતરાંને સહન કરી લીધાં તે જ ઉદાર હૈયે તું મને ક્ષમા આપજે એટલું પહેલાંથી જ માગી લઉં છું.

આમ, આ કાવ્યમાં નાયકના હૃદયનાં ધૃતિ અને પૌરુષ, સ્વમાન અને ગૌરવ, આત્મશ્રદ્ધા અને પ્રચ્છન્ન ખુમારી અને પોતાના પ્રિયજનનું કેવળ સુખ જ ઝંખનાર સાચી પ્રીતિની ઉત્કટતાનું આલેખન થયું છે.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book