વળાવી બા, આવ્યાં વિશે – રમણીક અગ્રાવત

ઉશનસ્

વળાવી બા, આવ્યાં

વળાવી બા, આવ્યાં, જીવનભર જે સર્વ અમને

કોઈ પણ વિદાય જરાક વિચલિત કરે તેવી હોય છે. કોઈક જઈ રહ્યું છે. કોઈક અહીંથી જાય છે, જે ફરી નહીં આવે. કંઈ ન કરી શકવાનો રંજ કદાચ એ વખતે બહુ પીડતો હોય છે. એ રંજ લાચારીમાં ઘોળાયેલો હોય છે. કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉશનસે એમના બે સુંદર સોનેટમાં આ વિદાયના અવસાદને ઘેરા રંગમાં ઘૂંટ્યો છે. ‘વળાવી બા આવી’ અને ‘વળાવી બા, આવ્યા’ શીર્ષકનાં આ બે સોનેટમાં વિદાયની કરુણ ભૈરવી બજી છે. ‘વળાવી બા આવી’માં રજાઓ પૂરી થતાં પોતાનાં સંતાનોને એક પછી એક વિદાય આપી છેવટ ઘરમાં એકલી રહી જતી બા કેન્દ્રમાં છે. ‘વળાવી બા, આવ્યા’માં એ જનનીની અંતિમક્રિયા પછી ઘરે પરત થતાં સંતાનો કેન્દ્રમાં છે. બન્ને વિદાયનો કરુણ જુદી જુદી ભાતનો છે.

રજાઓ પડે કે એક પછી એક આવતાં સંતાનોથી ઘર ભર્યું ભર્યું થઈ રહે છે. સંતાનો અને એમનાં સંતાનો આવવાથી ઘર ચહચહી ઊઠે છે. સુખનાં દહાડાઓ ચપટી વગાડતાં વીતી જાય છે. રજાઓના દબાડા પૂરી થતાં સૌ પોતપોતાનાં રહેણાંક કે કામનાં સ્થળે જવા કાલે નીકળી જશે. જોઈ શકાય તો મિલનની જોડાજોડ જ વિરહ બેઠેલો હોય છે. ફરી પાછાં ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને ગંગાસ્વરૂપ ફોઈ એકલા પડી જશે.

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાન્તિ પ્રથમની
વસેલા ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનનીને ઘર તણાંસદાનાં ગંગાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાઃ

વળતે દિવસે તો સૌ પોતપોતાને સ્થાને જવાં પરત રવાના થશે. ઘરમાં વળી પેલી ચિર પરિચિત શાંતિ અડિંગો જમાવી દેશે. આ સ્મૃતિનો ફોટો પાડી શકાતો હોય તો વિરહ સાક્ષાત થઈને આ વૃદ્ધો વચ્ચે જગા લઈ બેઠેલો દેખાય. એક પછી એક સૌને વળાવીને ઘરને પગથિયે બેસી પડતી બાને આપણે નજરોનજર જોઈ શકીએ છીએ.

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી,
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

ગઈ કાલે સાંજે વૃદ્ધો વચ્ચે જગા કરીને બેસી ગયેલો વિરહ આજે તો આખાં ઘરમાં વ્યાપી વળ્યો છે. હારી ગયેલા યોદ્ધા જેવી બા ઘરને પગથિયે બેસી પડી છે. વળી નવી રજાઓ સુધીના દિવસોને રાહ જોતાં જોતાં વિતાવવાના. સમગ્ર સોનેટમાં જાણે એક શ્વાસે વાત કહેવાઈ છે. ઘરને પગથિયે આવી બા બેસી પડે છે ત્યારે છેક પૂર્ણવિરામ આવે છે. અલ્પવિરામોને ટેકે ટેકે જાણે ઘરમાંથી સડસડાટ આનંદ પસાર થઈ જાય છે.

જીવનભર જે સૌ સંતાનોને થોડા દિવસો માટે વતાવતી આવી હતી એ બાને વળવાનું ટાણું પણ આવી ઊભું. તહેવારો કે અવસર વીત્યે સંતાનોને વળાવતાં વળાવતાં ધીમે ધીમે જીવનરસ પણ ખવાતો ચાલ્યો. આ ઘસારાએ એનાં શરીરને છોડ્યું નથી. વય, સમય અને રોગ ધીરે ધીરે બાને કરકોલી રહ્યા હતા. બા નામની એક હરીભરી હસ્તી ક્યારે માત્ર રેખાકૃતિ બની રહે તે ન સમજાય. આવી બાને અંતિમક્રિયા માટે લઈ જવાઈ ત્યારે સાવ ફૂલનીય ફોરી હતી. દયાળુ અગ્નિદેવે એને હળવા હાથે ગ્રહી લીધી.

કાવ્યનાયકનું ઘેરું સંવેદન સોનેટના અંતની પીડાને ઘૂંટે છે. સ્મશાનેથી પાછા ફરતી વખતે ફરી માતાની ચિતાને એ જોઈ રહે છે. બાની આંગળી છૂટી રહી છે. જેણે જનમ આપ્યો. જેનો હાથ પકડી દુનિયામાં હરતાંફરતાં શીખ્યા એ હવે નહીં હોય. હવે પછીનો રસ્તો એ મૂક શીળી છાંય વિના જ કાપવાનો થશે. એક એવું સ્થાન હતું જ્યાં ચિંતાઓ ઘડીભર કોરણે મૂકી હળવા થઈ શકાય, એ હવે માત્ર સ્મૃતિમાં જ રહેશે. એકાન્ત વગડે ચિતાની કજળતી જ્વાળાઓનો તડતડાટ બેચેન કરી દે તેવો હોય છે. ચિતામાંથી ઊઠતો ધુમાડો ધીરે ધીરે વિલિન થઈ રહ્યો હતો. બાની એ સદાય તાકી રહેતી આંખો, ચહેરા પરનું એ જીવંત સ્મિત, બધું અગ્નિમાં ધીરે ધીરે ભૂંસાઈ રહ્યું છે. એ સાંજે કંઈક અજાયબ સંધ્યા ખીલી હતી. જાણે આખું આકાશ ભરીને શિવ-મૂર્તિ રચાઈ હતી. એ શિવને કપાળે બીજરૂપે જાણે માતા સોહતી હતી! એ માતા હવે સૌ સંતાનોમાં વિખરાઈ ગઈ છે, વિલિન થઈ ગઈ છે. જેણે એને જેવી જેવી સેવી છે એનાથી અદકો હોંકારો સૌને દેતી રહેશે. સ્મૃતિની બારીમાંથી જ એ માતાનું દર્શન હવે થાય તો થાય.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book