"

‘વદાયના ઉદ્ગાર’ – જગદીશ જોષી

અવસાન

નરસિંહરાવ ભો. દિવેટિયા

અંધારમાં ઝબૂકી વીજ વિલીન થાય,

‘દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી’ ભરેલા માનવઆયુષ્યમાં આનંદનું આયુષ્ય કેટલું? – એક ક્ષણ જ માત્ર. પરંતુ આ એક ક્ષણમાં તો ક્યારેક જીવન સમસ્ત પ્રકટ થઈ જતું હોય છે. વીજળીનો ચમકારો કેટલા ટૂંકા ગાળા માટે હોય છે? પરંતુ એ ક્ષણાર્ધ માટે તો ધરાગગન બન્ને પ્રજ્વળી ઊઠે છે. સુખનો માર્ગ ઇચ્છનાર માટે તો ‘વીજને તેજે તે પેખું પંથને’ જોવાની – જોઈ લેવાની – તત્પરતા અનિવાર્ય છે. આ આનંદની ક્ષણ – સર્જનના આનંદી ક્ષણ પણ – અંતે તો નીતર્યા મૌનમાં જ વિલીન થાય છે.

ઝબૂકી કે તરત જ વીજળી વિલીન થઈ જાય. ખરતા તારાનો ક્ષણિક-જ્વલંત લિસોટો ક્ષણાર્ધમાં ગગનમાં સમાઈ જાય, ગીતનો રણકાર શૂન્યમાંથી પ્રગટી શૂન્યમાં ફરી પાછો સમાઈ જાય, એમ માનવના ઉરમાં પળમાત્ર માટે જ ‘થોભે’ એવો આનન્દ એક અનંતનો જિપ્સી – પ્રવાસી જ છે. આ લીંબુઉછાળ રાજ છે, પણ એ અનુભવ કેવો છે? આનન્દ ભલે પળવારનો હોય પણ એ જીવનને કેવો ધન્યતાથી ભરી દે છે! સુખ કદાચ ભ્રાન્તિ હશે: પણ એ કેવી માદક – આહ્લાદક ભ્રાન્તિ છે!

દુઃખના આ દીવાન-એ-આમમાં ‘ભાર’થી ભરેલાં હૈયાંઓમાં આ ઇન્દ્રજાલની રચના એકાદ ક્ષણ માટે પણ આનંદ પાથરી જાય તોપણ ઘણું છે. કવિ પણ મૌનમાંથી જ વાણી વરસાવે છે, નિઃશબ્દમાંથી જ શબ્દ સર્જે છે. એ સર્જનનું વિસર્જન પણ મૌનમાં જ થાય છે. સુખ-શબ્દના અસ્થિને સ્વીકારવા માટે મૌનની નદી આ સંસારમાં ભરપટ્ટે વહ્યે જ જાયછે. પરંતુ આ ‘મૌનેથી ઊપની’ વાણી તો ઝંકાર – એટલે આ સર્જન, આ કાવ્ય, આ આખોય કાવ્યસંગ્રહ જો કોઈ પણ ભાવકને ‘સુખ કરે’, કોઈના ભાવોનો પ્રતિભાવ પાડી શકે, આનંદનો પડઘો પાડી શકે તો પછી ઊઠેલો આ ઝંકાર વ્યર્થ નથી – કવિતાનો આ સિંજારવ કાળે કરીને મૂક થઈ જાય તોપણ! પૅટ્રિક કૅવૅનાએ ક્યાંક કહ્યાનું યાદ છે કે, ‘Music is more real than the violin on which it is played.’ ‘જે વાયોલિન તેને સર્જે છે તેના કરતાં પણ સંગીત વધુ સત્ત્વશીલ છે.’ સુંદરજી બેટાઈ, જે નરસિંહરાવના જ શિષ્ય, તેમણે પણ કહ્યું: ‘સંગીતનો વાદ્ય જતાં શું નાશ?’ ના; જો કોઈ હૃદયમાં આનો પડઘો પડે તો કવિતા‘દેવી’ના નૂપુરનાદ જે કંઈ ‘ઉરયંત્ર’માં ઝીલ્યા તેને કવિ સફળ ગણે છે. પછી ભલેને એ નૂપુરઝંકાર મૂક થઈ જાય તોપણ એ વ્યર્થ જવાના નથી.

શાંતિની નિઃશબ્દ ધન્યતામાં આ નાદ મન્દ મન્દ વહીને શમી જશે. આ નાદની જેમ હું – કવિ – પણ વિલીન થઈ જાઉં. ‘ને મૌનના ગહન સિંધુ વિશે સમાઉં.’ આ અનિવાર્ય અંત માટે કવિ ગમે તેટલો જાગ્રત હોય, ગમે તેટલો સ્વસ્થ હોય, છતાં પણ અંતે તો તે માણસ જ છે. અને માણસ એટલે જ અપેક્ષાઓનું કીડિયારું. …અહીં પાશ્ચાત્ય કવિતાના રંગે રંગાયેલો અને એ સ્વરૂપોને આપણે ત્યાં સૌપ્રથમ સફળતાથી અજમાવનારો આ કવિ એક સૂક્ષ્મ અપેક્ષાને વાચા આપે છે. ‘રસિક બંધુ’ – પોતાના સમાનધમાં વાચકોને – સંબોધી એ કહે છે કે, આવા આનંદની એકાદ ક્ષણ પણ હું આપી શક્યો હોઉં તો તમે મને છેક વીસરી ન જતા. કવિ કવિતારસિકો પાસે પોતાની સ્મૃતિ માગે છે; સમભાવના પ્રતીક જેવું ‘એકાદ’ અશ્રુ માગે છે.

કવિની વીણા મૂક થઈ જાય પછી પણ ભાવકો પાસે સ્મૃતિનું એકાદ આંસુ જે કવિ પામી શકે તે કવિનું અવસાન ‘અવસાન’ જ નથી. કવિના જીવન પછી પણ કંઈક એવું તત્ત્વ શેષ રહે છે, કે જેનો છેદ ઉડાડવા માટે મૃત્યુ પણ શક્તિમાન નથી. બળવંતરાય ઠાકોરે આ કાવ્યના સંદર્ભમાં ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના વિવરણમાં લખ્યું છે: ‘સમભાવ આપવા ને મેળવવાની બાબતને ગુજરાતીઓ આંસુ સારવાની શબ્દાવલિએ વર્ણવે છે, આપણામાં એ અર્થ માટે એ શબ્દાવલિ આટલી રૂઢ થઈ ગઈ છે, એ આપણી પ્રજાની પોચટતા અને ઊર્મિલતાનો આબાદ પુરાવો છે.’ વિચારપ્રધાન કવિતાના અત્યાગ્રહી બળવંતરાય નરસિંહરાવની કવિતાને આ નજરે જુએ છે. તેમાં સૂર્યનો તાપ હશે. પરંતુ એમાં ઝીણાં જલની માનવસહજ આર્દ્રતા નથી, જે અહીં નરસિંહરાવને અપેક્ષિત છે. નરસિંહરાવ નૂપુરઝંકારની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં કહે છે… ‘માટે આ વિસર્જન કાળના ધ્વનિની સાથે સુજ્ઞ રસિકવર્ગ મ્હોર પણ વિદાયના ઉદ્ગાર દર્શાવવાનું પ્રાપ્ત થાય છે.’

પ્રખર વિદ્વાન કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગુજરાતી કવિતા અને ગુજરાતી પ્રજાને કરેલું અર્પણ એળે નથી ગયું એ કહેવામાં આપણે આપણી સંસ્કારપ્રિયતાનું જ ગૌરવ કરીએ છીએ.

૩-૧૦-’૭૬

(એકાંતની સભા)