‘લીલાછમ વ્રણ’ની ગઝલ – જગદીશ જોષી

ગઝલ

કરસનદાસ લુહાર

આંખમાં લીલાશનો દરિયો ભરી લીધો હતો.

ઊર્મિકાવ્યનું કેન્દ્રબિન્દુ ‘હું’ છે એમ કહે છે; પણ આ ‘હું’ બધાય ‘હું’માં વિસ્તરે છે. આ ‘હું’ને પ્રત્યેક ‘હું’નો અનુભવ થાય; કહો કે પ્રત્યેકને પેલા ‘હું’નો અનુભવ થાય. વિવેચકો એમ પણ કહે છે કે ઊર્મિકવિતામાં શુદ્ધ કવિતાને અવકાશ સવિશેષ. ગઝલના સ્વરૂપમાં એવી શક્યતાઓ ખરી કે જે એને ઊર્મિકાવ્યનું ઉત્તમાંગ બનાવી શકે. કવિતા જો તત્ત્વજ્ઞાનનું ટૂંપણું બનવા જાય તો પેલા આસબ અને ઊંટ જેવી કથા–વ્યથા કવિતા માટે ફરી આકાર પામે. આજનો કવિ તત્ત્વજ્ઞાનની સીધી વાત તો શી રીતે કરે? પણ અહીં કવિ પોતાના જ સ્વરૂપ માટે વાત કરે છે. ચાડિયા જેવા મેં મને ‘ઊભો કરી’ દીધો હતો એમ કહે છે ત્યારે (બ્રહ્મ નહીં) પણ ‘ભ્રમ લટકાં કરે ભ્રમ પાસે’ની કલાત્મક વેદના અનુભવાય છે. યાદ આવે છે ઉશનસ્‌ની પંક્તિ: ‘ખેતભરી ખીલી ઊઠ્યા લીલીછમ વ્રણો.’

એક ક્ષણ જીવનમાં એવી આવે છે કે એ ક્ષણ પછીની તમામ ક્ષણો, પેલી મૂળ ક્ષણના અભાવથી, આપણને મને-કમને રણનો મુકાબલો કરાવે. આવી ઓશિયાળી પરિસ્થિતિમાં જીવન કંઈક અંશે સહ્ય બને માટે ઈશ્વરે નાનકડી આંખનો અને સ્મૃતિઓનો આધાર આપણને આપ્યો છે. આંખમાં ભરાય એટલો લીલાશનો દરિયો ભરી લીધો છેઃ અહીં  દરિયાની લીલાશ નહીં, પણ લીલાશનો પારાવાર છે. લીલો રંગ, હરિયાળી, ચૈતન્યના સ્પર્શે પુલકિત થયેલી ધરિત્રીની લીલીછમ મોલાતની વાત છે, હરિયાળીનો દરિયો છે. ઘણી વસ્તુ એમના સ્થાને ઊગીને બૂડી જતે; પણ આંખ છે, સ્મૃતિ છે એટલે તે તે ક્ષણોના ફોટોગ્રાફ સચવાઈ રહે છે. આંખ છે તો આંખની પાંપણો પર પર્વતને તોળીને આપણે ફરી પાછા તળભૂમિ પર આવી શકીએ છીએ; દરિયાને પણ આંખમાં ઢબૂરીને આપણે ફરી પાછા કાંઠે આવી શકીએ છીએ.

માણસ માણસ જ છે છતાં એ માણસપણાની જન્મજાત મજબૂરીમાં જ અટવાઈ જતો નથી. એ તો પંખીની જેમ ઊડવાની ને માછલીની જેમ તરવાની ઇચ્છા ધરાવે છે અને ઊડે છે, તરે છે પણ ખરો. ઇચ્છા એટલે મનને ફૂટેલી પાંખ! માનવને ઊડવું છે ખરું પણ એને room at the topની સ્પૃહા ન હોય… એને વિહંગમાં રસ છે કારણ કે વિહંગનો ટહુકો તો ઊડ્યાંનો, કર્યાંનો આનંદ-ઉદ્ગાર છે. કોલાહલોથી દૂર ઊડીને ક્યાંક પોતીકો ટહુકો ટેકવી દીધાનો આનંદ છે. આનંદની સ્મૃતિ છે. ધન્યતાની ધારણા છે.

આખો સીમાડો શ્વાસમાં સંઘરી લેનાર હું પોતે  ખેતર, તેનાં પંખીઓ અને તેનો ‘દૂધમોલિયો’ મોલ છુંઃ એ બધાંનું રક્ષણ કરું છું એવા શ્રમથી. ખોડી દીધેલો પ્રતારણાના – ભ્રમના પ્રતીક સમો ચાડિયો પણ હું જ. પાંખ, પીંછાં કે ચાંચ ન હોવા છતાં વિહંગના ‘જેવું’ ઊડીને મેં ટહુકો પણ કરી લીધો.

પેલી મસ્ત ‘લીલાશ’માંથી કવિ ‘લીલવા અંધકાર’ ઉપર આવે છે અને પેલા ટહુકાનો આનંદ હોઠ વચ્ચે થીજી જાય છે. કેટલીય વાતો ટહુકામાં – સહજ ઉદ્ગારમાં પરિણમતી નથી. એ લીલીકાચ જેવી થીજેલી વાતને કવિ સૂર્યકિરણની સળીથી ચીતરી લે છે. કવિતા લખવી એ જ તો થીજેલા, થિજાવી દેતા ખાલીપાના અંધકારને ચિત્રમય કાયા આપવાનું કામ!

અમેરિકન કવિ મેરવીન કહે છેઃ ‘અંધકાર ઠંડોગાર છે; કારણ, તારાઓને એકમેકમાં શ્રદ્ધા નથી.’ આ કવિ તારાઓથી અંધકારની બે-તમી ચીતરે છે તો તળપદી લહેકા અને ગઝલની ફાવટવાળા આપણા નવા કવિઓમાંના કરસનદાસ લુહાર થીજેલા અંધકારની શબ્દમૂઢ વેદનાને સૂર્યકિરણોની સળીથી ચિત્રિત કરે છે.

૧૬-૧૧-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book