લાજું કાવ્ય વિશે – હસિત બૂચ

ચિનુ મોદી

લાજું

ગોઠણને કહેતાં મું તો લાજું

‘મું તો લાજું’નો મનમાં વસી જતો નમણો ઉદ્ગાર આ ગીતના શબ્દોમાં, લય-લહેકામાં, ચિત્રાંકનમાં સળંગ માધુર્ય અને માર્દવ એવાં સર્જે છે, કે ઊર્મિગીતની આપણી એક ફાંકડી રચના અહીં આપણને લાધી રહી છે. ગ્રામીણ મુગ્ધાના મધુર પ્રણયને અહીં અનુરૂપ વાણી, ચિત્રાદિ તો સાંપડ્યાં છે જ. પરંતુ વધુમાં એની જે અનુભૂતિમુદ્રા અહીં આલેખાઈ ઝડપાઈ છે. તે આકર્ષક એવી જ તાજપ ભરપૂર નીવડે છે. તેથી ’સ્તો મુગ્ધાની આવી પળોમાંની વિશિષ્ટ પ્રગલ્ભતા ‘મું તો લાજું’ના ઉદ્ગારના વરતાઈ રહેતા ‘અસત્ય’નેય વહાલસોયું કરી દે છે. કવિતાની જે આ અદા છે, તે આ ગીતે સાર્થ કરી છે.

‘કાલ્ય રાત શમણાંમાં ફૂલ મુંને દીધું’તું તાજું’ એ કહેતાંય ગોઠણ જેવી ગોઠમને ય કહેતાં લાજતી આ મુગ્ધા ભલે એકાન્તે બધી જ વાત પોતાપૂરતી બોલતી હોય, કાવ્યરૂપે એ બધી વાત આપણા ચિત્તેય મઢાઈ જ જાય એવી નીવડી છે. એ કાવ્યરૂપ તો ‘ગુલાબી સાફાએ કાલ્ય રાત શમણાંમાં ફૂલ મુંને દીધું’તું’ એમ કહેવાયેલું ત્યાં જ અનુભવાયું હતું ને? એમાં આ ફૂલ તે તાજું, પ્રણયફૂટ્યાની પહેલી ક્ષણોનું. ‘ગોઠણ,’ ‘મું તો,’ ‘કાલ્ય રાત,’ ‘કે’ ‘મુંને’ જેવા શબ્દોમાં ગ્રામ ધરતીની મહેક પણ અનાયાસ આબાદ પ્રગટે છે જ.

આકર્ષક મધુર તરવરતા આ ગીતઉપાડની રમણીયતા અને ગતિ વધારે એવું આલેખન, ગ્રામધરતીની જાણીતી છબી લાવીને ય તાજગી સરસ સર્જે છે, તે ‘મેળામાં ઊભી વાટ દોડ્યો’તો સાંઢ.’ એ લીટીથી આરંભાતા અંતરાએ. ‘ઈને’ / એ દોડતા સાંઢને એક ડચકારે જ ‘અળગેલો’ કર્યો તે આ ગુલાબી સાફાએ. એ તો ઠીક, પણ સાપો પાછો બાંધીને, એણે/ ‘મુંને આંખડીથી ઉલાળો દીધો’ — એ મુગ્ધાને કેમ વીંધ્યા વગર રહે? પ્રણયે સિદ્ધ મુગ્ધતાની બોલીમાં આવી જતો ‘અળગેલો’ શબ્દ કવિસૂઝની મનોહર ગવાહી પૂરનારો જ. એની સાહજિકતા સો ટચની. એ રૂપ-ગુલાબી સાફોનું એ ‘આંખડીનો ઉલાળો’ દઈ ચૂકેલું રૂપ જ એવું ચોટ દેનારું, કે ‘ઈ’ શમણે આવે જ અને એ ઉલાલે ‘એક નૈ’ અંગ રિયું સાજું’ એવી નક્કર રાવમાંની મીઠી તીવ્રતા ય દાદ માગે જ. આમ તો પરિચિત આ બધી સંવેદના-શબ્દ-ચિત્રની સૃષ્ટિ; તો યે એની અણી છે એની સ્વાભાવિક ગહરાઈએ કરીને.

આમે, અભિવ્યક્તિમાં યે નવીનતા કાવ્યને રૂંએરૂંએથી નીતરેલી વરતાય ત્યાં જ તે ધન્ય, ચરિતાર્થ. એમાં ગી તો નવીનતાનું કોઈ રાતનું, ધરાર અડપલું ચલાવી લે જ નહિ. બલકે ગીતની અભિવ્યક્તિનો પડકાર જ એ, કે એ ‘જૂના’માંથી ‘નવું’ ઝળકાવે, પ્રતીત કરાવે. આ રચના એ પડકાર સરસ ઝીલી શકી છે. એ તો એની લીટીએ લીટીએ વરતાય છે.

હવેનો અંતરો પણ એવો જ, ‘રાશવા… માથે આવ્યો ‘સૂરજ,’ ‘તો ય/મુને નિંદર લાગે સે મીઠી મીઠી’ – એમાંની સચ્ચાઈ ભરી જીવંત રજૂઆત તેથી જ નવી — ચમસ્કૃતિ સર્જક જણાવાની. નિદ્રા મીઠી જ લાગે ને? એનો અનુભવ જ જુઓ નેઃ ‘ચળકાળો ચાંલ્લો ને ચૂડા બે હાથમાં ને/ સૈયર ચોળેસે પીળી પીઠી…’ પેલા આંખડીના ઉલાળાએ આ મુગ્ધાની નીંદરે કામણગારી સૃષ્ટિ ઉપજાવી તે આવી. પ્રણયની છોળે તરી ઊઠેલી પરિણયની સ્વપ્નિલ છબી ગમે તેમ તોયે એ શમણું ’સ્તો. તેથી જ ‘માડી બરકેને આંખ ખૂલ્યે કે આંગણે/માંડવો નંઈ દે નંઈ વાજું’ એ ભોંઠપની, કંઈક ગળચટ્ટી જ એવી, અનુભૂતિ, અધીરતાનું અંતર ખૂલતાં આ પ્રત્યક્ષ થયું, કે આંગણે નહોતો માંડવો ન હતું વાજું. ‘ચળકાળો ચાંલ્લો ને ચૂડા બે હાથમાં ને/સૈયર ચોળેસે પીળી પીઠી નુંય એવું’સ્તો! માત્ર શમણું ગુલાબી સાફાએ તાજું ફૂલ આપ્યું તે, ચળકાલે ચાંલ્લેને બે હાથે ચૂડા સાથે સૈયર કને પોતે પીઠી ચોળાવતી’તી; એ પણ ગુલાબી સાફાએ આંખડીનો ઊલાલો દીધો ’તો એ નકરી હકીકત. તે શમણું યે ભલે અદ્ધર, છતાં સદ્ધર જ. અહીં ‘વાજું’નો પ્રાસશબ્દ જોયો? ભલે એ વાજું આંગણે વાગતું નથી એ અનુભવે ભોંઠપ હોય, તોયે તે ગળચટ્ટી, કારણ પેલો આંખડીનો ઉલાળો… જાતની આવી, મૂળિયે સદ્ધર વંચના મીઠી જ લાગે. તેથી’સ્તો, ‘માંડવો નંઈ કે નંઈ વાજું’ એ મુગ્ધાઉદ્ગારે સ્વપ્ન સર્યાનો નિઃશ્વાસ નથી; છે માણ્યાનો ઉલ્લાસ છે.

‘લાજું’ ગીત એની જીવંત ચિત્રાવલીથી, ભાવ અને પાત્રને ઉપસાવી રહેલી પદાવલીથી અને ભાવના આકર્ષક આરોહ-વિકાસથી, ઉપરાંત મુલાયમ એવી જ સુગ્રથિત વણાટથી મનોહર થયું કહી શકાય. વણાટથી મુગ્ધા તો એની જ ઉક્તિરૂપે આલેખાતાં મસ્તી અને આભિજાત્યના મેળથી પણ દીપી ઊઠી છે. એ મેળવણી દીપી છે, તો કવિની ગીતકલાવિધાનની ઝીણી સૂઝ અને અજમાયશથી. જીવંતતા એ કારણે જ અહીં મ્હોરી છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book