રે શિર સાટે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

બ્રહ્માનંદ

રે શિર સાટે

રે શિર સાટે નટવરને વરિયે,

નટવરને વરવાનો—જીવનમાં આપણે જેને સૌથી શ્રેષ્ઠ ને ઇષ્ટ ગણતા હોઈએ એ તે વસ્તુને પ્રાપ્ત કરવાનો—માર્ગ સીધો ને સરળ નથી; ઉત્તમ અને અભીષ્ટ વસ્તુઓ હસતાં રમતાં સાંપડતી નથી, સાંપડી હોય તો ટકતી નથી.

દરેક મનુષ્યને જે કંઈ મળતું હોય છે તે એના અધિકાર પ્રમાણે જ મળતું હોય છે એવું, અલબત્ત, નથી, કેટલાંય અનધિકારી માણસોને આપણે ઊંચે આસને ચડી બેઠેલાં ને ચીટકી બેઠેલાં જોતાં હોઈએ છીએ, પણ એમનો જે કંઈ મહિમા હોય તે તેઓ આસન પર હોય ત્યાં સુધીનો જ હોય છે. આસનથી ઊતર્યા કે તરત તેમનો ભાવ કોઈ પૂછતું નથી ને આસન તો તેમનાથી કદી શોભ્યું જ હોતું નથી.

ઉત્તમ વસ્તુ મળતી હોય છે પુરુષાર્થપરાયણ વીરોને, જેમણે ડગલે ડગલે યુદ્ધ કરવાનું હોય છે વિરોધીઓની સાથે, જેમને પોતાનાં જ ગણ્યાં હોય તેવાં માણસોની સાથે, ખુદ પોતાની જાતની સાથે, પોતાની આગેકૂચને અટકાવનાર પ્રત્યેક ભય અને પ્રત્યેક પ્રલોભનની સાથે.

એવો પુરુષ વિરોધીઓનો વિરોધ, સ્વજનોનું વૈમનસ્ય અને અવળદૃષ્ટિ અને પોતાની કૃપણતા ને કાયરતા — આ બધાંની સામે ટકવાની પોતાની તાકાત કેટલી છે તે પહેલાંથી જ તપાસી લેતો હોય છે; ને કાં તો એ યુદ્ધે ચડતો જ નથી હોતો ને ચડે છે તો, પાછી પાની કર્યા વિના કાં તો એ પોતાના લક્ષ્યને સિદ્ધ કરે છે ને નહિ તો રણમાં ખુવાર થઈને ખપી જતો હોય છે.

મોંઘી વસ્તુ તેને જ મળતી હોય છે, જેની એને માટે માથું મેલવાની, પોતાના સર્વસ્વનું ને પ્રાણનું પણ બલિદાન આપવાની, પૂરેપૂરી તૈયારી હોય ને જેણે આવેશમાં કે આંધળુકિયાં કરીને નહિ, પણ વિરોધ, નિંદા, ઉપેક્ષા, ભય અને લાલચ સામે ટકી રહેવાની પોતાની તાકાતને જાણી ને નાણી લીધી હોય.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book