રામાશ્વમેધ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

દામોદર ખુશાલદાસ બોટાદકર

રામાશ્વમેધ

સદનથી વહી દૂર ગઈ ભલે,

લોકો નિન્દા ન કરે તે માટે રામચંદ્રે સીતાને તણખલા જેવાં ગણીને સૂના અરમ્યમાં છોડી દીધાં છે. છાતી પર છીપર બાંધીને એમણે રાજકાજમાં જીવ પરોવી દીધો છે. સીતાનો પરિત્યાગ કર્યા પછી બાર વરસે રાજા તરીકેનું જ પોતાનું એક કર્તવ્ય બજાવવા માટે એમને જનસ્થાનમાં જવાનું થાય છે, ત્યારે ડગલે ડગલે સજીવ થતી સીતાની સ્મૃતિ એમની ધૃતિને ખળભળાવી મૂકે છે. પોતાનું કાર્ય સિદ્ધ કરી. એ પાછા અયોધ્યા જાય છે. રાજકાજમાં ગૂંથાઈ જાય છે. વર્ષો વીતે છે. એ જ રાજધર્મને અનુસરીને એ અશ્વમેધ યજ્ઞ કરવાનો નિશ્ચય કરે છે. ને એમની પાસે પ્રશ્નનો પ્રશ્ન ઊભો થાય છેઃ યજ્ઞકાર્ય વખતે પોતાની સહધર્મચારિણી તરીકે કોને બેસાડવી? અશ્વમેધ એમણે, અલબત્ત, અયોધ્યાપતિ તરીકે કરવાનો છે. પણ આ પ્રશ્નનો નિર્ણય તેમણે અયોધ્યાપતિ તરીકે નહિ પણ વ્યક્તિ તરીકે કરવાનો છે. અને એ એનો નિર્ણય કરે છે, સહધર્મણીને સ્થાને સીતાની હિરણ્મયી પ્રતિમા રાખવાનો.

આ કાવ્યમાં બોટાદકરે રામના એ વખતના મનોમન્થનને વ્યક્તિ અને સમાજ વચ્ચેના તેમ જ વ્યક્તિની પોતાની બુદ્ધિ અને હૃદય વચ્ચેના સંઘર્ષ રૂપે જોયું છે. રામ અયોધ્યાના રાજા છે. બુદ્ધિપૂર્વક રામ આ કર્તવ્યનો સ્વીકાર કરે છે. અને પોતાના હૃદયને અભિમત હોય કે ન હોય, પણ એમની પાસેથી પ્રજા જે જે અપેક્ષાઓ રાખે તે બધી પૂરી કરવી તે પોતાનો ધર્મ છે એમ સમજે છે. પોતાનું વૈયક્તિક જીવન અને અયોધ્યાના નૃપતિ તરીકેનું જીવન, એ બન્નેને રામે, જાણે કે, અલગ અલગ ખાનાંઓમાં ગોઠવી દીધાં છે. હૃદયમાં જીવન, ભાવભીનું અને ઊર્મિરસિત જીવન, નૃપતિજીવનને ક્યાંય સ્પર્શી ન જાય તેની સતત સાવધાની એ રાખી રહ્યા છે. અને પોતાનાં વૈયક્તિક રસ, રુચિ, ભાવના, આદિને ભોગે કઠોર રાજધર્મનું પાલન કરી રહ્યા છે.

વૈયક્તિક જીવન અને નૃપતિજીવન, હૃદય અને બુદ્ધિ, વચ્ચે પ્રબળ સંઘર્ષ પહેલી વાર ઊભો થાય છે, અશ્વમેધ વખતે ધર્મસહચારિણીનું સ્થાન કોને આપવું તેનો નિર્ણય કરતી વેળા. અને તેમને લાગે છે કે અયોધ્યાના નૃપતિ તરીકેની મારી રાજનીતિ. મારો રાજધર્મ અને સીતાના પતિ તરીકેનો મારો હૃદયધર્મ, મારો પ્રણયઃ એ બે જુદી જુદી વસ્તુઓ છે. અયોધ્યાની પ્રજાની હકુમત પહેલા પર ચાલે છે, બીજા પર નહિ. જગત જેને રાઘવ તરીકે ઓળખે છે તે અયોધ્યાપતિ, બનેલો છે વજ્રનો સ્નેહ, દયા, સુખ, અરે જાનકી સુધ્ધાંને લોકોનું આરાધન કરવા માટે તજી દેતાં જેનું રુંવાડુંયે ફરકે તેમ નથી તેવો. પણ હૃદયનો બનેલો છે તે રાઘવ તો છે મીણનો. રાઘવનું હૃદય મીણ જેવું છે, પોચું ને પીગળી જતાં વાર ન લાગે તેવું. જગતથી ડરી ડગી ચાલ્યા, બહુ દિવસ! લોકાપવાદભયથી હૈયું સદા ફફડતું જ રહ્યું! પણ જગત ડારતું હોય છે એનાથી ડરનારને જે ઘડીએ જંપીને બેસવા દેતું નથી એને. આજે હવે ડરીને નાસવું નથી. આજે ઊભા રહેવું છે જગતની સામે, સામી છાતીએ, એની આંખમાં આંખ મેળવીને, ગમતું હોય કે ન ગમતું હોય, પણ જગતની પાસે સારા દેખાવા માટે મન મારીને ઘણા દિવસ નાટક ભજવ્યું. ને દુનિયાના લોલમાં લોલ પુરાવ્યાં કર્યું. હવે એ નાટક કરવું નથી. છું તે જ દેખાવું છે. જીવનના રસને સૂકવી નાખનાર બુદ્ધિ પ્રેરે તેમ નહિ. પણ જીવનને રસાર્દ્ર બનાવનાર હૃદય પ્રેરે તે જ હવેતો કરવું છે. હૃદયને રુચતાં હોય કે ન હોય, પણ કેવળ બુદ્ધિથી જ પ્રેરાઈને કાર્યો હું કરતો આવ્યો છું આજ લગી. પણ હૃદયધર્મને પણ હું વશ વર્તી શકું છું તે ભલે આજે જગત જોઈ લે. યજ્ઞમાં મારી સાથે બેસશે, મારા હૃદયમાં જે અહોરાત્ર વિલસી રહી છે તે રમણી, મારા હૃદયની સ્વામિની.

મારી પ્રણયિનીનું પદ શોભાવશે માત્ર જાનકી જ. પછી એ જાનકી લોહી-માંસની બનેલી હો, બીજા કોઈ પદાર્થની બનેલી હો, સોનાની ઘડાયેલી હો કે ચિત્રમાં આલેખાયેલી હો. જાનકી સિવાય બીજી કોઈ સ્ત્રીને હું મારી પ્રણયિની તરીકે કલ્પી શકતો નથી, એ મારી નિર્બળતા પર જગતને હસવું હોય તો ભલે હસે!

જાનકી ભલે મને ફરીથી કદી સદેહે ન મળે. પણ એ મારી ઊર્મિઓનો, મારી કલ્પનાનો મારા વિચારોનો એવો તો કબજો લઈને બેસી ગઈ છે કે મેં એને તજી હોય કે એ ચાલી ગઈ હોય એમ લાગતું જ નથી, જગત જે જાનકીને ઓળખતું હતું તે જાનકી–જાનકીનો સ્થૂલ દેહ–હવે નથી. પણ મારા હૃદયના જે અધિષ્ઠાત્રી હતી તે જાનકી તો હજી પણ વિરાજી રહી છે મારા હૃદયમાં જ. એ જ છે મારાં સર્વ ધર્મકાર્યોની સહચારિણી, ને એ જ છે હૃદયના બનેલા રાઘવની હૃદયેશ્વરી.

(આપણો કવિતા-વૈભવ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book