રાજસ્થાનમાં પસાર થતાં — : ‘રાજસ્થાનમાં પસાર થતાં — ’ વિશે — સતીશ વ્યાસ

કાવ્ય આખું વાંચતાં પહેલાં પકડી લેતા શબ્દો તો છે ‘ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી.’ ગરગડી ધીમે ધીમે ગરડતી હોય એવો કર્ણપટે નાદ ઊઠે છે. રાજસ્થાનની બરડ ભૂમિનો એવો જ બરડ કર્ણસ્પર્શ એ રવાનુકારી શબ્દોમાં છે. કાવ્યાન્તે આવર્તાતી એ પંક્તિ આપણા ચિત્તકોશમાં એનું ધ્વનિરણન અંકિત કરતી જતી હોવાનો અનુભવ થાય છે.

કાવ્યના પ્રથમ શબ્દો કયા છે? હા, ‘બારી બહાર છૂટી ધસી દૃષ્ટિ.’ આ ‘બારી’ શબ્દ અને રાજસ્થાનનો એની સાથેનો સંયોગ રાજસ્થાનની કવયિત્રી મીરાંની એક પંક્તિ સાથે તરત જ જોડે: ‘ઊંચા ઊંચા મહલ બનાઉં, બિચ બિચ રાખું બારી.’ ના, એ પંક્તિના આસ્વાદ-અર્થઘટનમાં નહીં પડું. આ સાહચર્ય તો મારા મનની એકલમૂડી! કવિની ‘બારી’ તો રાજસ્થાનની રેલગાડીની છે. ગાડીમાં પ્રથમ પ્રવેશે જગા નથી, એની પ્રતીતિ બારી બહાર રહેલી ‘અહો! મોકળાશ’ ઉક્તિ કરાવે છે, પણ તરત જ ‘ભાઈ, બેસો જગા છે, ગાડી છે બધાની’માં પણ બહાર જેવી જ મોકળાશનો અનુભવ થાય છે. પેલી બહારની દેખીતી મોકળાશ રાજસ્થાનના આ પ્રદેશની કરુણતાય પ્રગટ કરે. અહીં ઉજ્જડ વેરાન-તાનો જે અનુભવ નિષ્પન્ન થાય એ તો એટલો જ ભયાવહ હોય! આથી જ કવિ ‘મનડું આ અખૂટ વેરાન બની જાય’ જેવી પંક્તિ રચે છે.

સહપ્રવાસીઓ જોડે સંવાદ શરૂ નથી થયો. સંવાદ પ્રારંભાઈ ચૂક્યો છે સ્વ સાથે, ચિત્તના સંકલ્પ અને વિકલ્પ વચ્ચે. આ સંકલ્પ-વિકલ્પ જેવી અમૂર્ત સ્થિતિઓ માટે હવે કવિ ‘ઘેટાં’નું મૂર્ત કલ્પન પ્રયોજે છે. આ ઘેટાં ધરતી પર તો તૃણ ‘હો કે ન હો’ પણ ચિત્તે રચેલાં રહ્યાંસહ્યાં તૃણનો ચારો ચરવા માંડ્યાં છે. રણ હોય અને ઘેટાં-ઊંટ સાહચર્યસંબંધે ન આવે તો જ નવાઈ! હા, કવિ એને કઈ રીતે, બેવડાવીને, કઈ રીતે લાવે છે એ મહત્ત્વનું છે.

‘તૃણ’ની સાથે આવે છે (આપણા ધીરાનો) ડુંગર! ‘જીવ-તર’નો પ્રાસ કેટલો સ-ભર બન્યો છે! જાણે સમગ્ર ચિત્તે એની પીઠ ત્યાં અઢેલી દીધી! વળી આ તો ચિત્ત? એ તો એ ય ને ચઢ્યું ઊંચેરા શિખરે પટ પટ! ચઢી ગયું ત્યાંના એક મંદિર પરે ને પછી તો એનીય ઉપર ફરફરતી ધજા પરે ને ફરફરવા માંડ્યું એની ઉપર, એની જેમ જ; પણ કવિ અહીં ખચકો પાડે છે. અપેક્ષાભંગ કરી રમણીયતા રચે છે. એ ‘ફરફર’ની સાથે, પંક્તિ તોડીને ‘થરથર’નો પ્રાસ રચી વેધક કરુણતાનો સંસ્પર્શ કરાવે છે. હજી આ કરુણતાનો અનુભવ કરે ન કરે ત્યાં તો નકરા વાસ્તવમાં એમના ચિત્તને સંડોવી દેતી સહપ્રવાસીની ઉક્તિ પ્રગટ થાય છે: ‘પાણી ઢળ્યું? લઈ લો સામાન ઊંચો’ પછીની પંક્તિ અત્યંત સાંકેતિક છે: ‘ડળી ગયો કાચો કૂજો!’ ને એની સાથે જ રચાતી ‘રણમાં પાણીનાં ભલા દર્શન કરાવી ગયો’ પંક્તિ પુન: પેલી કરુણતા સાથે આપણને જોડી આપે છે. પછી ભળે છે કરુણતા સાથે ભયંકરતાનો ભાવ, જાણે કે ગ્રીક ટ્રૅજડી! ‘પાણી’ કહેતાંની સાથે ‘પાતાળકૂવો’ ને ‘આકાશ’નાં બે અંતિમો જોડાય છે. આકાશમાં કાળમીંઢ ખડકોની ભીંતો ઉપરના ગઢ જાણે ભેંકાર ધરાએ ઉગામેલી મુક્કી હોય એવા દીસી રહ્યા છે. આખી ઉત્પ્રેક્ષા ભયપ્રેરક થઈ છે. આ ‘પાણી’ વીરત્વ સાથે સંકળાયેલું મુક્કીલું પાણી, ભીતરી પાણી આપણને પાણીના બીજા અર્થ પ્રતિ પણ તાણી જાય છે. ‘પાણી’થી ‘એંધાણી’ સુધીના ખંડકમાં ‘ણ’ વર્ણની લીલા જોઈ? છ વાર પ્રયોજાયો છે એ વર્ણ અહીં. રણની શુષ્કતા આલેખતો ન હોય જાણે!

સાંધ્ય ક્ષણોને એ પદ્મિનીઓની ચિતાની રક્તિમા સાથે સાંકળી એ જૌહરી ફનાગીરીના ઇતિહાસ સાથે આપણને જોડી આપે છે. આ શાશ્વતી આપણા ખમીરવંતા, ચારિત્ર્યવંતા ઇતિહાસની છે. ‘સિંદૂર-જ્વાલા’ સાથેનો સૌભાગ્યસંકેત પણ કેટલો સહજ બનીને ઊભર્યો છે!

હવે રાતના ઓળા ઊતરે છે. સંધ્યા શમી ચૂકી છે. અંધકાર-રણમાંય ચેતનના રેલા સમી ગાડી લંબાયે જાય છે. એક નાનકડી ઉપમા આસપાસના અગતિશીલ, જાડ્યપૂર્ણ વાતાવરણને આલેખવા પૂરતી કારગત નીવડે છે. હજી ઉત્પ્રેક્ષાનો દોર તો ચાલે જ છે: ‘જાણે પળ પછી પળ ઊંટ ખેંચે હળ’ ગાડીની ગતિ ને કાળની ગતિનું આ સારૂપ્ય રૂદ્ય છે. ‘પળ’-`હળ’ના પ્રાસાનુપ્રાસ પણ રૂદ્ય છે. કવિચિત્તમાં આશાવાદ છે. રાત્રિએ મુઠ્ઠી ભરીને તારા(નાં બીજ) વેર્યાં છે, મનુજબીજે તો અહીં કદાચ કશું ઉગાડ્યું નથી, પણ હવે ‘પ્રભુની ફસલ’ કેવી ઊગે છે એ જોવાનું કુતૂહલ છે. ‘ભુ’ તો તો અહીં જાણે કે બંજર છે પણ ‘પ્ર-ભુ’ કોેઈક ચમત્કાર કરે પણ ખરા!

કવિએ અમદાવાદથી દિલ્હી જતાં તા. ૨૪-૯-૬૩ના રોજ આંખે દેખ્યા હેવાલની જેમ આ કાવ્ય લખ્યું છે. એમણે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ પણ આ રીતે લખ્યું હોવાનું અભ્યાસીઓ જાણે છે. આપણાં આવાં આંખે દેખ્યો હેવાલ સમાં કાવ્યોનીય એક શ્રેણી થઈ શકે એવી છે. કાન્તનું ‘સાગર અને શશી’, ઠાકોરનું ‘ભણકારા’, ન્હાનાલાલનું ‘સાગર સખે’, રઘુવીર ચૌધરીનું ‘રાજસ્થાન’, ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ‘પક્ષીતીર્થ’ આદિ રચનાઓ સ્મરણે ચઢે છે. આસ્વાદકર્મની આ પણ એક સહજોપલબ્ધિ છે.

રણના માહોલ સાથે વનવેલી સુસંગત થાય? ‘વનવેલી’ શબ્દમાં રહેલો અર્થસંકેત જ હું તાકું છું. હા, કવિએ એના લવચીક લયનો સરસ વિનિયોગ કર્યો છે અને રાજસ્થાનની ગાડીની અનિયમિત ચાલને પણ એ દ્વારા વ્યંજિત કરી છે.

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book