રથનાં પૈડાંમાં કચવાતી કિંકરીનું સંગીત – જગદીશ જોષી

ગોકુલ વહેલા પધારજો

નરસિંહ મહેતા

ગોકુલ વહેલા પધારજો રે;

રાધાની પાંપણો પર તોળાઈ રહેલા આંસુના પારદર્શક ટીપા જેટલા આ નાનકડા પદમાં આપણા આદ્યકવિ નરસિંહ મહેતાએ ભક્તિનું ને વિરહનું એક નાનકડું જીવન ચીતરી આપ્યું છે! આ જાણીતા પદને સૂરોની બંદીશમાં અનેક કલાકારોએ બેસાડ્યું છે. એક વખત શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે સાંભળેલું. સ્વરના આરોહ-અવરોહથી અને શબ્દોનાં વિવિધ ઉચ્ચારણોથી આ પદમાં રહેલ વિનંતી અને આજ્ઞાના વિરોધમૂલક ભાવોને પુરુષોત્તમ ઉપસાવી શક્યા હતા એ સ્મરણ હજી તાજું જ છે.

મિલનના લલાટ ઉપર વિરહનું રાતુંચોળ તિલક તો ચિરયૌવનનો અભિશાપ લઈને વળગેલું જ છે. કોઈ જતું હોય. કોઈ લઈ જતું હોય. કોઈ ‘વેદનાનું વરદાન દઈ’ જતું હોય ત્યારે અમળાતા હૃદયને શી રીતે વાચા આપવી? જવું અનિવાર્ય જ છે એવો સંદેશો આપવા અને અપાવવાનું સમજાવવા અક્રૂર આવિયા છે. કૃષ્ણનો આ મિત્ર ગોપીઓને અને રાધાને ‘ક્રૂર’ જ લાગે ને! પણ કર્તવ્યની વેદી પર હોમાઈ જતું હૈયું ‘મારા સમ’ની આણ રચવા સિવાય બીજું કરી પણ શું શકે? આ કંડારેલા દુ:ખ જેવા પદને અંતે નરસિંહ વહાલે રમાડેલા રાસની યાદ તાજી કરાવે છે…… ગમે તેવું દુ:ખ હોય તોપણ પ્રિય વ્યક્તિનું અશુભ કેમ વાંછી શકાય! એક સંસ્કૃત શ્લોકનો શ્રી મકરન્દ દવેએ કરેલો અનુવાદ યાદ કરવા જેવો છે:

‘ના જાઓ!’ વચનો અમંગળ, ન હેતાળ ‘લ્યો, આવજો!’
રોક્યે મોટપ, ને ‘ગમે ત્યમ કરો!’ એમાં ઉદાસીનતા;
‘જો જો હો! નહિ જીવશું તમ વિના’ — એ તો બને ના બને
તેથી કૃષ્ણ, ખરાં વિદાયવચનો જાતાં મને શીખવો.

આ પદમાં તો પેલા ક્રૂર અક્રૂરને ‘મને દુ:ખડાંના દેનાર’ કહે છે અને રથની આગળ  ઊભેલી રાધા ‘મારા હૃદિયા પર રથ ખેડ’ એટલું જ કહીને પોતાના હૃદયની અકથ્ય વેદનાને વાચા આપે છે. પેલા રથમાં તો ગતિ છે જેને ‘ઓ જાય, ઓ જાય’ કહીને કવિ ચિત્રિત કરે છે પણ આ રથના જે ચીલા રાધાના હૃદયમાં પડ્યા છે તે તો કેમે કરીને, કાળે કરીને પણ, ભૂંસાવાના નહીં. ચીલામાં કચડાતી કાંકરીનો કચડાટ અને કચવાટ સદાસદૈવ પોતાના હૃદયમાં જીવતો રાખવાની રાધાના હૈયાની હામને જ આપણે તો ગાવી રહી! પોતા વતી અને ગોપીઓ વતી રાસ‘લીલા’ના આનંદને કવિ ગાય છે એમાં તો વેદનાનું મસાણ સો સો મશાલો લઈને બેઠું થાય છે. પ્રિય વ્યક્તિના ગયા પછી સમય કાચબો થઈને ઢસડાય છે. એટલે જ એ અખૂટ સમયરણમાં ગોપીની-રાધાની-નારીની આસક્તિ અને ભક્તિ, લગાવ અને લગની અહીં ઉક્તિ પામે છે.

પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓ લોકકંઠે માળો બાંધીને વર્ષો સુધી રહેલી  એટલે એમાં પાઠફેર ન આવે તો જ નવાઈ… ‘ગોકુલ વહેલા પધારજો રે’ ને પાઠફેરથી ‘વહેલેરા’ પણ બોલાય છે. હજી તો અક્રૂર લેવા આવ્યા ત્યાં તો લઈને ગયા પણ ખરા. રાધાના હૃદયને ખેડીને રથ તો ગયો, પણ પેલો ‘રથિન’ તો તેના હૃદય ઉપર ખોડાઈ જ ગયો છે! વ્યક્તિની આવનજાવનના કારણે શાશ્વત અને સનાતન પ્રેમને આંચ આવતી નથી… શાંતિની ભ્રમણામાં જીવનાર વ્યક્તિ પોતાની આંખ સામે ને આંખની ભીતર પ્રજ્વળતી શ્રદ્ધાની મશાલને પરમાણી કે માણી ન શકે… એ તો એટલું જ!

૬–૬–’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book