યુગમાનવની સ્તુતિ – જગદીશ જોષી

ગાંધીડો

દુલા કાગ

સો સો વાતુંનો જાણનારો

આવતી બીજી ઑક્ટોબરે ફરી પીંછી ગાંધીજી વગરની ગાંધીજયંતી હર વરસની જેમ જ આવે છે ત્યારે આ ગીત અનાયાસ યાદ આવી જાય છે. ભારત દેશ એવો ભાગ્યશાળી છે કે ત્રીસીની આસપાસના ગાળામાં કોઈ પણ દેશમાં કે કોઈ પણ કાળમાં મળે એના કરતાં અનેકગણી સંખ્યામાં ભારતના ભૂપૃષ્ઠ પર મહાન ને તેજસ્વી નેતાઓ આપણી વચ્ચે ઊતરી આવ્યા. આ બધા નેતાઓ મહાન માનવો હતા; પરંતુ મહામાનવની હેસિયતથી કદાચ એક જ અવાજ સૌમાં જુદો તરી આવ્યો – ગાંધીજીનો. આનું કારણ કદાચ એ હતું કે લોકજીવનની સાચી નાડ ગાંધીજી પારખી ગયેલા અને એટલે જ લોકહૈયામાં એમને માટે અનેરું ને અનન્ય સ્થાન પ્રાપ્ત થયેલું.

વિશ્વના રાજકારણમાં કે સમાજકારણમાં કે અધ્યાત્મકારણમાં યુગવર્તી પુરુષો નથી પાક્યા એમ નહીં; પણ ગાંધીજીના આગમન પછીના ગાંધીયુગના ઉદય સુધી – કે છેક અત્યાર સુધી – કોઈ પણ જનગણમનઅધિનાયકને ‘એકમેવા દ્વિતીયમ્’ કહેવાનું મન થાય તો તે માત્ર ગાંધીજીને જ.

લોકબોલીને, લોકભાવનાને અને લોકઢાળને આ યુગમાનવની સ્તુતિમાં સાર્થકતા બક્ષે એવું લોકકવિ દુલા કાગનું આ ગીત એ જમાનામાં અતિ પ્રચલિત બનેલું. જેની વજ્જર જેવી છાતીમાં સો સો વાતું પડી હોય અને છતાં એની દિનચર્યામાં અન્તેવાસીઓને પણ ગંધ ન આવે એવો સાગરપેટો આ ‘ગાંધીડો’ લોકનાયક નહીં, પણ લોકસેવક હતો. કવિ ગાંધીનું ગાંધીડો કરીને કોણ જાણે કેમ એ નામ ફરતે કામમાંથી ‘કાનુડો’ થયેલા કૃષ્ણની મોહિનીને રમતી મૂકી દે છે. વાતુંનો ‘જાણનારો’ જ માત્ર નહીં, પણ પ્રત્યેકની વાતને અને વેદનાને ‘ઝીલનારો’ – અને એટલે જ કદાચ એ લોકઅંતર્યામી હતો. ગાંધીડો ‘મારો’માં ભારતની આખીય પ્રજાનું મમત્વ છે.

ગાંધીજી એટલે ગતિ, ઊર્ધ્વગતિ. પણ એમની નજર વાસ્તવિકતા ભણી. એ ડગલું પણ માપીને ભરે; પણ તે ઊંચાણમાં ઊભે નહીં, એનું દર્ભાસન હમેશાં સત્તાસનથી દૂર હોય. ઊડિયા ભાષાના એક કવિએ એમને માટે કહ્યું કે ‘પોતે દિગંબર રહ્યા અને મિનિસ્ટરોનો પોશાક એમણે અન્યોને પહેરાવ્યો.’ આવો અનન્ય પુરુષ જીવનધર્મમાં અને ધર્મજીવનમાં અનન્ય જ રહે. ઢાળ ભાળીને, ફાવતું દેખીને સૌ ‘ધ્રોડવા’ માંડે; પરંતુ સંયમનો આ સત્યાગ્રહી ઢાળ જોઈને દોડે તો એ ગાંધી નહીં. મકરન્દ દવે કહે છે: ‘મન હો મારા! સૌ દોડે ત્યાં એકલું થોભી જા.’ આ અર્થમાં ગાંધીજી એકલા, એકાંતપ્રિય અને એકલશૂરા હતા… ‘એકલો જાને રે…’ના ચાહક હતા.

ભાંગેલાના ભેરુ થવાની હિંમત એમનામાં હતી. દલિતો, પીડિતો વગેરે ઉદાસીનતાના શિકાર બનેલા, હરિજનમાં, શ્રદ્ધા રાખનાર સાચો વૈષ્ણવજન હતો. મનમાં મેલાં પ્રત્યે દ્વેષ નહીં, પણ એને પારખે બરાબર, અહીં કવિએ આ ભાવને અવતારવા માટે સુંદર પ્રયોગ યોજ્યો છે: ‘નહીં ધીરનારો…’ અહીં ‘ધોળાં’ એટલે ગોરા અર્થ અભિપ્રેત હોવા છતાં, અર્થને મર્યાદા ન આપીએ. એવાંઓને ધુત્કારે ભલે નહીં, પણ એને ધીરે તો નહીં જ, નહીં. ગાંધીજીની ઝીણી નજર માટે, કુશાગ્ર નજર માટે, ઘણું બધું કહેવાયું છે. હીણી નહીં પણ ‘ઝીણી’ ઝૂંપડીમાં પણ એનું ધ્યાન: એટલે તો એ દરિદ્રનારાયણ કહેવાયા. બીજાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તનાર પોતા માટે કડક આત્મપરીક્ષાનું ધોરણ અપનાવે. પોતાની ભૂલને રાળી-ટાળી નાખવાને બદલે. પોતાના ચણેલામાં ‘પોલ’ ભાળે તો એને પાયામાંથી જ પાડી નાખે. આ પ્રસંગે કાકાસાહેબનું ‘બાપુની ઝાંખી’ અનેક પ્રસંગોની યાદ તાજી કરાવી જાય છે. અહીં હિટલરનો દાખલો વિરોધ લક્ષણોને લીધે યાદ આવે છે. લોકનાયક અને લશ્કરના નાયક તરીકેની પોતાની અંગત પ્રતિષ્ઠાને સહેજ ભેજ લાગવાનો પ્રશ્ન આવ્યો ત્યારે પ્રતિષ્ઠાની સરખામણીમાં તેણે લશ્કરની છઠ્ઠી ટુકડીના ત્રણ લાખ ને ત્રીસ હજાર પોતાના જ માણસોના જાનને એક જ દાવમાં તુચ્છ ગણ્યા. ગાંધીજીએ ભારતની પ્રજા પર લગભગ એકચક્રી ‘રાજ’ કર્યું. પણ પોતાની ભૂલ પોતાને સમજાય ત્યારે તેમણે પણ જીવનને હોડમાં મૂક્યું — બીજાના નહીં, પરંતુ પોતાના જીવનને! એટલે જ એમનું જીવનવૃત્તાન્ત ‘સત્યના પ્રયોગો’ બન્યું છે.

વિરાટ પર્વતોની પ્રદક્ષિણા ભલે સૂરજ કર્યા કરે પણ એ મહાકાય ડુંગરોને (બ્રિટિશ સલ્તનત!) પણ ડોલાવવા માટે જરૂરી એવા અભયનો અહાલેક જગાડનાર આ મહાકાળ પુરુષની બાથ માટે કદાચ આકાશ પણ બિહામણું ન’તું. છતાં ‘ઝફર’ની ગઝલમાં આવે છે તેમ ‘જિસે ઐશમેં યાદે ખુદા ન રહા, જિસે તૈશમેં ખાફે ખુદા ન રહા’ એવો આ માણસ ન’તો. એને ડર માત્ર એક ખુદાનો હતો.

ગાંધીજીના આત્મતેજની અનન્યતાને ગાનાર આ કવિ દુલા કાગને તો લોકસાહિત્ય ગળથૂથીમાં મળ્યું છે, કોઈ વિદ્યાપીઠમાં નહીં!

૨૬-૯-’૭૬

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book