‘મેશ ન આંજું, રામ’ – જગદીશ જોષી

શ્યામ રંગ

દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું

વહાલપને વ્યક્ત કરવા માટે ઘણીયે વાર સવળી વાણી નાકામિયાબ નીવડે છે. ત્યાં તો ચોટ લાગે તો લાગે… અવળ વાણીની! બાલમુકુન્દ દવેની એક પંક્તિના શબ્દોને થોડા આડાઅવળા કરીને કહી શકાય કે ‘અવળા વાતા વાયરા એની સવળી લાગે ચોટ!’ કમનસીબે જીવનમાં પણ મનુષ્યસ્વભાવ અવળચંડો છે – સીધું કહો તો ગળે ન ઊતરે; પણ શૉક-ટ્રીટમેન્ચ આપીને કંઈક વક્રવેણ કાઢો તો વળી માંહ્યલો જાગે.

શ્યામની બંસરી ગોપીના પ્રાણમાં એવી ‘વાગે’ છે કે એને શ્યામ વિનાનું જીવન ઝેર થઈ જાય છે. પણ આ શ્યામ કેવો નિષ્ઠુર છે કે એ તો કદમ્બની છાંય અને ગોપીની બાંય બધું છોડીને લોકક્ષેમ માટે નીકળી પડ્યો છે. અહીંના લોકોનો ક્ષય થઈ રહ્યો છે તે તો પોતે પાછું વાળીને જોતો જ નથી. ગોપીની દશા તો ‘દૂધનો દાઝેલો છાસ ફૂંકીને પીએ’ એવી થઈ છે. કંઈક પણ શ્યામલવર્ણું દેખાયું કે પેલી પુરાણી પીડ પાછી સળવળી ઊઠે.

ઉદાસીનતાના તાપમાં તપતી આ ત્યક્તા નાયિકા જ્યારે બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો ત્યારે એક દૃઢ સંકલ્પ કરી લે છે: એની સમજણ, વ્યવહારપૂત છે કે જેમાં જેમાં કાળાશ હોય એ બધુંય એકસરખું જ હશે–બધામાં આવું જ ‘કપટ’ હશે (કાગડા તો બધેય કાળા!)… અને એટલે જ જે ગામમાં જવું નહીં એ દિશામાં જોવું જ શા માટે? આ સમજણમાંથી જન્મે છે પેલો સંકલ્પ કે ‘શ્યામ રંગ સમીપે ન જાવું.’ આજ પછી હવે તો આ જ વિધિલેખ!

પણ ગોપી જેવો આ નિર્ણય કરી બેસે છે એટલે જીવનમાં વણાઈ ગયેલું એવું શું શું કાળું છે એટલે કે શું શું અગ્રાહ્ય છે તેની યાદી બનાવવી જરૂરી થઈ પડે છે, અને એ યાદી જ કેટલી કષ્ટસાધ્ય છે! કૃષ્ણ સાથે વાંકું પડ્યું એટલે કાળા રંગ સાથે વાંકું પડ્યું અને કૃષ્ણ જેટલો પોતાના હૈયામાં વસ્યો છે એટલે તો ક્યાંય ઠસ્યો નથી. એટલે કહો કે આ માનુનીને પોતા જોડે જ વાંકું પડ્યું છે! હવે જીવન જીવવું હોય તો એક જ રસ્તો: કાળામાત્રની બાદબાકી કરી નાખો!

સ્ત્રીને સૌથી પ્રથમ યાદ આવે સૌભાગ્યસૂચક ‘બિંદી’ અને એને સોહામણી બનાવનાર પ્રસાધન ‘કાજળ’. મીઠાશ ઝરતી કોયલ પણ કાળી છે શૃંગારપંચમીની નાયિકાની દૂતી હોય તો ભલે હોય, પણ એ કાળી હોય તો ન ખપે. કાગડો કોઈના આવવાનાં શુકનિયાળ એંધાણ આપે. પણ શ્યામ તો આવવાનો જ નથી તો પછી શું એ શુકન શું કરવા છે? કાળી કંચુકી તો ઠીક પણ જમનાનાં નીર કાળાં હોય તો પછી જમુનાનું મોઢું પણ કાળું કરો! પેલો મેઘ તો હૈયામાં હોળી પ્રગટાવે છે. એટલે કાળુંમાત્ર વર્જ્ય છે આવો ‘દૃઢ’ સંકલ્પ થતાં શું થઈ ગયો પણ એ તો કહેવું સહેલું છે. મુખેથી તો ‘નીમ’ લઈ લીધો. પણ સ્ત્રીસહજ અડપલાંવૃત્તિના આંખમાં ચમકારા સાથે જાણે નાયિકા કહેતી હોય કે મન તો કહે છે કે આવો નિર્ણય ‘પલક ના નિભાવું!’

‘લોચન-મનનો ઝઘડો’ જાણનાર આ કવિ એ પણ જાણે છે કે આ ઝઘડો તો ‘રસિયાં તે જનનો’ ઝઘડો છે. રીસમાં, લાડમાં, ગુસ્સામાં કે ‘ગણતરીપૂર્વક’ લીધેલા નિર્ણયોને ક્યારેક તોડવામાં પણ મઝા છે. બલ્કે, આવા સંકલ્પો તોડવાની ગણતરી સાથે જ ઘડાતા હોય છે!

કહેવાય છે કે ‘રસિકવલ્લભ’ દયારામનો શૃંગાર ભાવપ્રધાન કરતાં ભોગપ્રધાન વધુ છે. અહીં કવિની ઝીણી દૃષ્ટિ ‘નીલાંબર કાળી કચુંકી’ને પણ પાશમાં લઈ લે છે અને પછી જમનાનાં નીરમાં નાહીને નીતર્યા પ્રેમની આરજૂ ગાય છે. દયારામની ગોપી ચરણકમલની દાસી નહીં પણ માનુની છે, સ્વમાની પ્રગલ્ભ નાયિકા છે. જ્યાં અંગત લાગણીની વાત પણ ન થાય એવા આપણા પ્રાચીન-મધ્યકાલીન કવિતાયુગની સમાપ્તિ દયારામથી થાય છે. ચોખલિયાપણાનો જરાય આગ્રહ નહીં રાખનાર એવો આ કવિ આપણો ઉત્તમ ઊર્મિકવિ છે. પોતાની પાઘડીની આંટીએ આંટીએ રસિકતાને વીંટાળનાર શૃંગાર અને લીલાનો આ અલબેલો ભક્તકવિ એ આપણા સાહિત્યના ‘ભક્તિયુગનું પૂર્ણવિરામ’ છે.

૨૦-૬-’૭૬

(એકાંતની સભા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book