મેરે પિયા! કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

સુન્દરમ્

મેરે પિયા!

મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં,

સુન્દરમે ભલે `બાલાસુન્દરમ્’ ઉપરથી પોતાનું આ અત્યંત મનોહર ઉપનામ જડ્યું હોય, પરંતુ `સુન્દરમ્’ શબ્દ સાંભળતાં જ આપણને અનિવાર્યતા `સત્યમ્’ ને `શિવમ્’ના ભાવસંદર્ભો પણ ચિત્તમાં સ્ફુરે છે. જે સુન્દરમ્ છે તે સત્યમ્ પણ હોય ને શિવમ્ પણ હોય; પ્રિયમ્ તો હોય જ હોય. જે પ્રિય નથી લાગતું તેમાં સૌન્દર્યનાં દર્શન થતાં નથી. સ્નેહના મૂળમાં જ પ્રિયદર્શિત ને ગુણદર્શિતા અનુસ્યૂત હોય છે. સૌન્દર્ય અને સ્હને પરસ્પર ન્યાલ કરતાં તેના સાધક-ઉપાસક મનુષ્યનેય ભરપૂર રીતે ન્યાલ કરે છે. જ્યારે સ્નેહ-સૌન્દર્યે મનુષ્ય ખરેખરો ન્યાલ થાય ત્યારે એના ભાવરસની જે છોળ ઊડે એની છાલકનો અનુભવ આપણને સુન્દરમ્‌નું ઉપર્યુક્ત કાવ્ય-ગીત-પદ કરાવી રહે છે. સુન્દરમ્નું આ પદ ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ છે. સહજ પ્રેરણાની તે સર્વોત્તમ આવિષ્કૃતરૂપ છે. સુન્દરમ્‌ના સર્જકચિત્તમાં મીરાંપણાનું અવતરણ થતું હોય અને તેથી આ પદ એમ જ આવિર્ભૂત થતું હોય એવું આપણને લાગે છે. આપણી સંતકવિતાના સ્રોતમાં ડૂબકી દેતાં સર્જક સુન્દરમે આ કાવ્ય-મોતી હાથ લાગ્યું હોય એવું લાગે. આ એવું પદ છે, જથી નીચે સુન્દરમ્‌ની સહી ન હોય તો તે મીરાં કે કબીરનુંયે લાગે! સુન્દરમ્‌ના આ પદમાં સંતવાણીનો સ્વાદ અને એની સુવાસનો તરબતર અનુભવ મળી રહે છે.

એક તબક્કે કવિ સુન્દરમ્માં કોયા ભગત જન્મેલા, જે આંખના ડોળા ફાડી ફાડી ભગવાનને પૂછતા હતા. `કામ તારું અહીં શું છે?’ એ સુન્દરમ્ રામજી, શેઠ ને માકોર ડોશી જેવાં કહેવાતાં `પાડોશી’ઓ વચ્ચે જે વિષમયા હતી, અંતર હતું તેના ભારે ટીકાકાર હતા; પરંતુ સુન્દરમ્‌ની કાવ્યઘડૂલી એ વિષમયાતાનાં વમળોમાં – સંઘર્ષની ઘૂમરીઓમાં સ્થિર રહી શકે એમ હતું જ નહીં. એ સ્થિરતા માટે અનિવાર્ય એવી સંવાદિતાની શાંત સ્થિતિ તોપ્રાપ્ત થવાની હતી આધ્યાત્મિક સમતાના સાક્ષાત્કારમાં, સ્નેહમૂલક એકત્વની ભાવસભર અનુભૂતિમાં. જે કવિ ફૂટપાથ પર તળાઈના અંતરથી વ્યગ્ર હતા એ જ કવિ પછી સમત્વે – પ્રભુત્વે આરોહીને એવી ભૂમિકામાં મુકાય છે, જ્યાં એમને જગતમાં દ્વંદ્વો વચ્ચે સંવાદિતાની એક સુરાવટ અનુભવાય છે. સુન્દર અને અસુન્દર, કોમળ અને કઠોર, મંગળ અને અમંગળ – સૌની ઉપસ્થિતિનો મર્મ સમજાય છે અને એ સમજણે પ્રગટેલી સમુદારતામાંથી સૌને ચાહી ચાહીને સુન્દર કરી લેવાની, એમને આત્મીય અને આત્મસાત્ કરી લેવાની ઉદાત્ત ગુરુચાવી લાધી જાય છે. હવે તો વિશ્વસમસ્તને કવિ `મેરે પિયા’ કહી શકે એવી ભાવભૂમિકામાં આરૂઢ થયેલા જોવા મળે છે. અહંનું વિગલન થયું છે, સમર્પણભાવનું અબાધિત પ્રવર્તન જોવા મળે છે. ઉદ્ધવની જાણકારી તો તત્ત્વના ટૂંપણા જેવી તુચ્છ બની રહે છે. ગોપીની મનોભૂમિકા જ પરમ સ્પૃહણીય બની રહે છે. સ્નેહના જ્ઞાનની કોને તમા હોય, જો સ્નેહનો સાક્ષાત્ અનુભવ જ મળતો હોય તો? પરમાત્મા જ હાજરાહજૂર, પ્રત્યક્ષ હોય, પ્રિયતમરૂપે આપણું પ્રિય પાત્ર તરીકેનું વરણ કરી લેવા માટે સમુત્સુક હોય અને સામે આવીને ખડા હોય ત્યારે તેમના સ્હને મૂંગાં મૂંગાં ઝીલતા સિવાય બીજું કયું ઉત્તમ કર્તવ્ય આપણું હોઈ શકે? કવિ આ કાવ્યનો આરંભ-સમારંભ જ `મેરે રિયા’થી કરે છે. આ `મેરે પિયા’ કાવ્યનું ધ્રુવપદ ને એ રીતે ધ્રુવકેન્દ્ર છે. `મેરે પિયા’ પદથી ઉપાડો લેતું આ કાવ્ય કડીએ કડીએ ભાવની જે પરાકાષ્ઠાએ પહોંચે છે તેમાંયે `મેરે પિયા’ પદની ઉદ્બોધનાત્મક ભાવશક્તિ સર્જનાત્મક રીતે કામ લાગે છે. `મેરે પિયા’માંના `મેરે’ પદમાં મમત્વ જરૂર છે, પણ તે સ્વાર્થપ્રેરિત નથી, પ્રીતિપ્રેપિત અને પોતપણાના સ્વાભાવિક વિસ્તારરૂપ છે. કવિનું ભાવવિશ્વ હવે `મેરે પિયા’નું આલંબન મળતાં સર્વાશ્લેષી ભાવે સ્નેહના વ્યાપ-વિત્સાર ને ઊંડાણ દ્વારા પરમ પ્રસન્નતા ને ધન્યતાથી એવો પરિપોષ પામે છે કે પછી એમની એ ભાવાનુભૂતિ વાણીનો વિષય ન રહેતાં મૌનનો મનભર-માતબર અનુભવ બનીને રહે છે. કવિ `મેરે પિયા, મૈં કુછ નહીં જાનૂં’ કહેતાં, જ્ઞાન જેમાંથી પ્રભવે છે એ ભાવાનુભૂતિની પ્રત્યક્ષ ભૂમિકાની યોગ્ય રીતે જ પ્રતિષ્ઠા કરે છે.

કવિએ આ પદ રચ્યું છે એમ કહેવા કરતાં કવિથી આ પદ રચાઈ ગયું છે એવું કહેવું કાવ્યની સહજસ્ફૂર્તિ વાક્શક્તિનો અનુભવ કરતાં સવિશેષ યોગ્ય લાગે છે. જે ખાલી હોય છે તે ખખડે છે; જે રિક્ત હોય છે તે બબડે છે. જેનું હૃદય પરમાત્માના પવિત્ર પ્રેમથી છલોછલ-પ્રપૂર્ણ-પરિપૂર્ણ છે તે સરોવર-શો શાંતપ્રસન્ન બની રહે છે. અને તો ચાહવામાં જ પરમ પ્રેમની પૂર્ણ સાર્થકતા પ્રતીત થાય છે. પરમાત્માને પૂરા દિલથી ચાહવું એ જ ભક્તિ. ભક્તિનોયે એ જ એકમાત્ર ધર્મ બની રહે છે. પરમાત્માની ભક્તિમાં ચાહવાથી વ્યતિરિક્ત કે વિશેષ અન્ય કશું કર્તવ્ય રહેતું નથી. ચાહવામાં જ કર્તવ્યનો ઘણો ઊંચો મર્મ પ્રગટતો રહેતો હોય છે.

કવિની આંખમાં પરમાત્માના પ્રેમનું અંજન હોઈ, પરમાત્મપ્રીતિનો વિશુદ્ધ પ્રકાશ હોઈ, તેમને તો પરમાત્મામાં જ સર્વોત્તમ સૌન્દર્યશ્રી વરતાય એ સ્વાભાવિક છે. સ્નેહ સૌન્દર્યદર્શી હોય છે. એ અમૃત વર્ષાવનાર – માધુર્યનું સિંચન કરનાર હોય છે. પરમાત્માનું ઘનશ્યામરૂપે દર્શન કરતાં કવિનું અંતરંગ રસપરિપ્લાવિત થાય છે. પરમાત્માનો સ્નેહરસ ઝીલીને કવિ સંસારના તાપોમાંથી મુક્તિ મેળવે છે. એમને શૈત્યપાવનત્વ, શુદ્ધિ-શુચિત્વ, તાજગી-પ્રસન્નતાનું વરદાન મળી રહ છે. પરમાત્માના પ્રેમને ચુપચાપ ઝીલતાં જ કવિનો માનવસકલ્પ-આંતરકલ્પ થઈ જાય છે. વૃષ્ટિ ઝીલતાં પૃથ્વીને તાજગી-પ્રસન્નતા-ધન્યતાનો જેવો અનુભવ થાય છે તેવો અનુભવ આ કવિને પરમાત્માની આનંદપ્રદ સંનિધિમાં પ્રાપ્ત થાય છે. કવિને આ ભરપૂર સ્નેહનો અનુભવ કરતાં બોલવાનુંયે ગમતું નથી. કદાચ આવી ભાવભૂમિકામાં તો બોલવું એ ભાવસમાધિમાં થતો અરુચિકર વિક્ષેપ જ લાગે! `ચુપચુપ’ની ચારુતા જ અહીં કેન્દ્રમાં છે. કવિ તો શાંત ચિત્તે પરમાત્માની કરુણા-કૃપા-પ્રીતિની અનરાધાર વૃષ્ટિને માણતાં માણતાં પોતાની ભીતરમાં પ્રેમસંબંધની પરમ પુષ્ટિ થતી અનુભવે છે.

આવા પરમાત્મ-પ્રેમી કવિને મીરાંની જેમ પરમાત્મા અખંડ સૌભાગ્યનું વરદાન દેનારી અમર સુહાગી વિભૂતિરૂપે પ્રતીત થાય તે સ્વાભાવિક છે. પરમાત્માને પ્રેમના ઇલ્મે-પ્રેમના કીમિયાએ પામવાની કવિની ભાવના-અભીપ્સા-શ્રદ્ધા ફળી એ જ કંઈ નાનુંસૂનું સદ્ભાગ્ય છે? કવિના પ્રીતિસભર આત્માનું પરમાત્માએ વરણ કર્યું એ જ કેટલી મોટી કૃતાર્થતા છે! કવિ એ કૃતાર્થતાથી પ્રેરાઈને જીવનની એકએક ક્ષણે પરમાત્મા સાથેનું નિત્યનૂતન સાયુજ્ય અનુભવતાં પ્રેમનો ક્રિયાત્મક ભૂમિકાએ નાતાંત રમણીય એવો માધુર્યરસ-આનંદરસ પામતા રહે છે. એમની સ્થિતિ પલેપલ પરમાત્મા સાથે પરમ સંલગ્નતા અનુભવતા કબીરસાહેબ જેવી છે. કવિને પરમાત્મા જેવું પ્રેમનું પરમ ક્ષેત્ર પ્રાપ્ત થયા પછી જીવનમાં કશી ન્યાનતા, અધૂરપ, અભાવ કે વિકૃતિ વરતાતાં નથી. એમની સ્થિતિ અખંડ વરને વર્યાથી `અબ હમ અમર ભયે’ની બની રહી છે. જીવનનું બડભાગ્ય તે પોતાના આત્મામાં જ પરમાત્મતત્ત્વની સાયુજ્ય સંબંધે અનુભવાતી પ્રગાઢ ઉપસ્થિતિ છે. એ ઉપસ્થિતિએ જ કવિની આંતરબાહ્ય પરિસ્થિતિ પ્રભાવિત થાય છે. `મેરે પિયા’ની કવિની અનુભૂતિ ભૂમાસુખની અનુભૂતિ બની રહે છે. પ્રભુ એના સમસ્ત વિશ્વ સાથે કવિભક્તમાં ભક્તિપ્રેમના રસરૂપે પ્રાકટ્ય પામે છે. એ પ્રાકટ્યના પર્વને વધાવતું, સચ્ચિદાનંદની છાલકે સિક્ત-આર્દ્ર પદ કવિની મંત્રવાણીનો જ એક મનોહર ને મનભર અણસાર આપે છે.

પ્રેમનો સ્વભાવ જ છે ભીંજાવું ને ભીંજવવું. આ કાવ્ય આપણને ભીંજવે છે અને આપણી આસપાસના સૌને ભીંજવવા પ્રેરે છે – અલબત્ત, ચુપચાપ! જ્યાં ભરપૂર પ્રેમ છે ત્યાં નથી હોતાં બોઝિલતા કે કોલાહલ કે નથી હોતાં દંભ કે દેખાડો. પ્રેમમાં તો શુચિતાપૂર્વકનું આત્મસ્નાન અને પ્રસન્નતાપૂર્વકનું અમૃતપાન જ કરવાનું હોય. પ્રસ્તુત રચનામાં એ સહજતયા સધાતાં લાગે છે. એમાં આપણી સંતપરંપરાની પદરીતિનું – વાગતિનું અને તદનુરૂપ વિભાવાનુભાવોનું પ્રદાન મહત્ત્વનું છે. ઉત્તમ કાવ્ય આ કે તે વાદ, વિચાર, વાડા કે વિતંડાથી ઉપર ઊઠીને ભાવકના ભીતરની ભેદોની ભીંતો ભેદીને આત્માની પ્રિયતમ વસ બની રહેછે અને તે પણ ચુપચાપ રીતે! આ કાવ્ય તેનું સુંદર નિદર્શન છે. `મેરે પિયા’ દ્વારા સર્જક સુન્દરમ્‌નો વધારો ઊંડો ને માર્મિક પ્રેમમૂલક સાક્ષાત્કાર આપણને થાય છે. આ કાવ્યનો એ ભાવપ્રસાદ સંગીતના સાયુજ્યે `ગાતાં ગાતાં’ચુપચાપ માત્ર માણવાનો જ રહે છે!

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book