મારો જીવનપંથ ઉજાળ વિશે – ચંદ્રકાન્ત શેઠ

નરસિંહરાવ દિવેટિયા

મારો જીવનપંથ ઉજાળ

પ્રેમલ જ્યોતિ તારો દાખવી

કાર્ડિનલ ન્યૂમૅનની ‘Lead Kindly Light’ નામની જાણીતી અંગ્રેજી પ્રાર્થનાનો આ અનુવાદ છે. મૂળ આ કાવ્ય મહાત્મા ગાંધીજીની સૂચનાથી લખાયું હતું, તેથી તે નરસિંહરાવના કાવ્યસંગ્રહોમાં નથી લેવાયું, પણ ‘आश्रम भजनावलि’માં મુકાયેલું છે. ગાંધીજીનું તે પ્રિય કાવ્ય હતું. જ્યારે તે માઢ રાગમાં ગવાય છે ત્યારે તેનો પ્રભાવ, ડૉ. સુસ્મિતાબહેન લખે છે તેમ, હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવો અનુભવાય છે. કાવ્ય અને સંગીતનો મધુર સંયોગ એ રીતે રચનામાં સહજ રીતે સાધી શકાયાની પ્રતીતિ થઈને રહે છે. પ્રસ્તુત કાવ્યનું કાન્તે પણ ‘સ્નેહજ્યોતિ દોરો’ – એવું ભાષાંતર કરેલું છે, પણ તે ભાષાંતર કરતાં કવિ નરસિંહરાવનું આ ભાષાંતર વધુ હૃદયંગમ છે. વળી, આ ભાષાંતર – અનુવાદ જડ-યાંત્રિક અનુવાદ નથી; વિશેષત: આ ભાવાનુવાદ છે; કહો કે અનુસર્જન છે. નરસિંહરાવની કવિ તરીકેની જે શક્તિ છે તે અહીં સ-રસ રીતે કામમાં આવ્યાની પ્રતીતિ થાય છે. આ કાવ્ય સર્વથા મૌલિક નહીં, છતાં મૌલિક હોય – સહજસ્ફૂર્ત હોય એવી લાગણી શ્રોતાભાવકમાં જન્માવી શકે છે અને તેના આવા સામર્થ્યને કારણે જ અહીં તેનું મર્મદર્શન કરવાનું યોગ્ય લેખ્યું છે.

પ્રસ્તુત કાવ્ય પરમાત્મા પ્રત્યેના મનુષ્યના પ્રાર્થનાભાવને વ્યક્ત કરે છે. જેમની પાસે જ્યોતિ છે એવા પરમાત્માને અહીં પ્રાર્થના છે. એ જ્યોતિ પણ પાછી પ્રેમલ (પ્રેમ + લ = પ્રેમયુક્ત) છે. એ પ્રકાશમાં પરમાત્માનો પ્રેમભાવ-કરુણાભાવ-કૃપાભાવ સભર ભર્યો છે. એ પ્રેમ પિતાની શીળી વત્સલતાથી મધુર છે અને અંધકાર નિવારી, પથદર્શક બને એવી ક્ષમતાવાળો છે. પિતાનાં વત્સલ નયનોમાં હોય એવો શાંત પ્રકાશ – બલકે, એથી અદકેરો પ્રકાશ એ પરમ પિતાની આંખોમાં અને હૃદયમાં હોવાની પ્રાર્થકને પાકી શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધા-સત્શ્રદ્ધા હોવાથી તો એ પ્રાર્થક પરમાત્માને પ્રાર્થના કરવા પ્રેરાય છે.

અહીં પ્રાર્થક પોતાના જીવનના પંથમાં પરમાત્માની પ્રેમલ જ્યોતિનો પ્રકાશમાત્ર વાંછે છે. ચાલશે તો પોતે જ; મહેનત-પુરુષાર્થ તો પોતે જ કરશે; પરંતુ એમાં પ્રેરણા અને માર્ગદર્શન એ પરમાત્મા પાસે માગે છે. પરમાત્માને પોતાની જીવનયાત્રામાં પ્રકાશની રીતે સતત સાથે, પોતાની નજરમાં, પોતાના હૃદયમાં રાખવા માગે છે. એ રીતે અહીં પ્રાર્થકને-ભક્તને પોતાની જીવનયાત્રામાં પરમાત્માનું સાન્નિધ્ય, કરુણામય પરમાત્માની સતત હૂંફ જોઈએ છે.

પ્રાર્થક બરોબર સમજી શક્યો છે કે સર્વજ્ઞ, કર્તુમ્-અકર્તુમ્-અન્યથાકર્તુમ્ સમર્થ: – એવા સર્વશક્તિમાન પરમ પિતા પ્રભુ આગળ પોતે તો અજ્ઞ બાળક-શિશુ જ છે. અજ્ઞતાને કારણે તો પ્રાર્થકને અંધકારમાં અટવાવું પડે છે; જીવનનો સાચો માર્ગ સાંપડતો નથી. અભિમાનને કારણે – હુંપદને કારણે પ્રાર્થક મનસ્વી બન્યો; પરમાત્માનીયે એણે અવજ્ઞા કરી અને પોતાની શક્તિ પર મુસ્તાક રહી આ સંસારની ગહન અટવીમાં ચાલવા માંડ્યું પણ એ ચાલવાનું નહોતું. સલામત, નહોતું સાચી દિશામાં. તેથી તો જીવનમાં અનેકાનેક વિષય અનુભવો થયા, પડછાટો ખાવી પડી, પોતાની મૂઢતાનો અહેસાસ થયો. પોતે પોતાની રીતે પોતાનો રસ્તો મેળવી લેશે એવી ખુમારી રાખી; પરંતુ એ ખુમારીમાં અહંકારનો ખોંખારો હતો; ખમીર અને ખંતનું ખરાપણું નહોતું. એમાં આત્મનિરીક્ષણ, આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાનું પીઠબળ નહોતું. એમાં સત્તા, સંપત્તિ, દુન્યવી સુખો વગેરેની ભભકતનું મોહાકર્ષણ અને અંજામણ હતાં, પરંતુ એમાં સાચનું આકલન કે અવલંબન નહોતાં. એમાં સ્વાર્થપ્રેરિત અહંભાવ હતો, જ્ઞાનપ્રેરિત સત્ત્વભાવ કે સ્વ-ભાવ હતો. જ્ઞાનપ્રેરિત સત્ત્વભાવ કે સ્વ-ભાવ નહોતો. તેથી જ પ્રાર્થકને જીવનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો વિપરીત અનુભવ થયો. જે પરમાત્માનું પોતે બાળક હતો, એ પરમાત્માથી જ એ વેગળો થયો, અજ્ઞાન તેમ જ પાપની કાદવવાળી અધોભૂમિકામાં ઘસડાયો. એના પગ ભય, શંકા વગેરેના કારણે આત્મવિશ્વાસના અભાવને કારણે ડગમગવા લાગ્યા. એક ડગલુંયે શ્રદ્ધાભાવે આગળ ભરી શકાય, સ્થિર રહી શકાય એવી પરિસ્થિતિ ન રહી. પોતાની શક્તિ પર વધુ પડતો મદાર બાંધીને ચાલવા જતાં જ જીવનમાં વધુ ને વધુ અટવાવાનું બન્યું. પ્રાર્થકને ત્યારે પોતાની ભૂલ સમજાઈ. એ કટુ અનુભવે સત્ય શું છે તે કંઈક સમજતો થયો અને ત્યારે એને પરમાત્માની શક્તિનું, એની મહત્તાનું અને તે સાથે પોતાની પામરતાનું ને મર્યાદાનું ખરેખરું ભાન થયું. તેથી પ્રાર્થક હવે વિનમ્રતા દાખવતો થાય છે; પરમાત્મા પ્રતિ સમર્પણભાવ-શરણભાવ રાખવા પ્રેરાય છે અને એ રીતે બાળક પિતાનો આશરો લે એમ તે પરમાત્માનો આશરો લે છે. પ્રાર્થકની પ્રાર્થના એ રીતે પરમાત્મા પ્રત્યેની એની શરણાગતિની અભિવ્યક્તિ છે; એમાં પરમાત્માની પ્રેમભરી પ્રેમભરી સહાયની અપેક્ષા વ્યક્ત થાય છે.

પ્રાર્થકને શ્રદ્ધા છે કે પરમાત્મા જેવી પરમશક્તિને કરેલી પ્રાર્થના નિષ્ફળ નહીં જ જાય. પિતા જેમ પોતાના શિશુનો સાદસાંભળે અને એને પ્રેમપૂર્વક પોતાનાથી બનતી બધી મદદ કરી, એની સારસંભાળ લે અને એના સમુત્કર્ષથી પ્રસન્નતા અનુભવે તેમ પરમાત્મા પણ આ પ્રાર્થકની આર્જવભરી પ્રાર્થના સાંભળી એને એની જીવનયાત્રામાં બધી સહાય કરી, એને પોતાના આત્મીય બાળક તરીકે ઉદારતાથી સત્કારી પોતાની ગોદમાં સ્થાન આપી એનું સાચું સન્માન કરી, એની સાચી સંભાળ લઈને રહેશે.

અહીં પ્રાર્થનાના પ્રારંભમાં જ પ્રભુ-પિતાનો પ્રેમ-પ્રકાશ મળવાની શ્રદ્ધા ગૃહીત છે જ. એ રીતે એ પ્રાર્થના કલ્યાણબુદ્ધિથી ઉત્પ્રેરાઈ હોઈ તેની સફળ થવાની બાબત પણ સંશયાતીત છે. કવી તેથી જ જીવનમાર્ગમાં આવતી સૌ વિષમતાઓને – વિઘ્નોને પાર કરી પરમાત્માના દિવ્ય સ્નેહ દ્વારા શાંતિ અને સુખ પામવા વિશે ભરપૂર આશા સેવે છે. કવિને પરમાત્માની પ્રાર્થનામાં દિવ્ય સત્ત્વોનાં દર્શન અને સહાયનો પણ પરોક્ષ લાભ મળતો રહે છે; અને તેથી જ પ્રાર્થનાની એમની ભૂમિકા પરમ આહ્લાદક અને શમદાયક બની રહે છે.

કવિ નરસિંહરાવની સંસ્કાર-પરંપરામાં પ્રાર્થનાસમાજી પરિબળનો પ્રભાવ સ્પષ્ટ છે. નરસિંહરાવે પ્રત્યક્ષ જીવનમાંયે અનેકાનેક આઘાતો વચ્ચે ભક્તિ-શ્રદ્ધાના બલે જ સમતા જાળવી રાખી હતી. જ્યારે મનુષ્ય પ્રાર્થનાપરાયણ, પ્રભુપરાયણ થવાનું પસંદ કરે છે ત્યારે તેને પ્રભુની દિવ્ય શક્તિની અનેક રીતે મદદ-ઓથ મળતી રહે છે. પિતા જેમ બાળકની બધી અવળચંડાઈઓ વેઠીનેય એના ઉત્કર્ષ-વિકાસમાં જ દત્તચિત્ત હોય છે તેમ પરમાત્મા પણ તેના માનવબાળના શ્રેયસુખ માટે સતત સચિંત હોય છે. આ કાવ્યમાં ‘જ્ઞાનબાળ’ એવા નરસિંહરાવની પરમતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાભક્તિનું પાવન દર્શન થાય છે. પ્રસ્તુત કાવ્યમાં મૂળ કૃતિનો પ્રાર્થનાભાવ એવી વાણીમાં ને એવા લયઢાળમાં રજૂ થયો છે કે એનું કાવ્યગાન થતાં શ્રોતૃહૃદયને એ ભાવનો શીળો સ્પર્શ થઈને રહે છે અને આનંદ સાથે જ પ્રભુના દિવ્યબળની ઓથને કારણે પ્રાપ્ત થતી સાંત્વના પણ પ્રગટ થાય છે. પિતા તરીકેની પ્રભુની ઓળખમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ છતાં કાવ્ય સાંપ્રદાયિક મર્યાદાઓથી પર ઊઠી આવ્યું છે. કોઈ પણ ધર્મ-સંપ્રદાયના પ્રાર્થક-સાધક-ભક્તનો પરમાત્મા પ્રત્યેનો – ’દિવ્ય ચેતના’ પ્રતિનો આર્જવભર્યો પોકાર બનવાની ક્ષમતા આ કાવ્ય દાખવે છે. આમ, તો આ કાવ્ય ભાવાનુવાદ છે, પણ એમાં કાવ્યાનુવાદકે એની સર્ગશક્તિ દાખવી છે, એમાં રૂપકાદિના પ્રયોગોએ એવી કાવ્યસંપદા સિદ્ધ કરી છે કે તે ગુજરાતીનાં ઉત્તમ પ્રાર્થના-કાવ્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન પામી શક્યું છે. આ કાવ્ય કેવળ વાંચવા માટે કે કેવળ વ્યક્તિગત ભૂમિકાએ ગાવા માટે નથી, પ્રાર્થના ખંડમાં સમૂહમાં ગાવા માટે પણ છે જ. કોઈ પણ સહૃદય આ કાવ્યના શ્રવણ-ગાને આત્મસમૃદ્ધ થઈ શકશે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book