માને તમારું તે ઘેલડી! કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

દયારામ

માને તમારું તે ઘેલડી!

માને તમારું તે ઘેલડી, છબીલા!

કૃષ્ણ દૂતી સાથે ગોપીને સંદેશો મોકલ્યો છેઃ ‘આજની રાત હું તારે ત્યાં ગાળીશ.’

ગોપી બનીઠનીને હોંશભેર રાહ જુએ છે. વખત વીતતો જાય છે. કૃષ્ણ આવતા નથી. ગોપી આખી રાત, કદાચ માનભંગની વેદનાથી વલવલતાં ગાળે છે ત્યાં પૉ ફાટતાં કૃષ્ણ એને બારણે આવીને ઊભા રહે છે. વિપ્રલબ્ધતાને મનાવી લેવાને, એ મીઠી મીઠી વાતો કરે છે. ને પોતાને આવતાં કે મોડું થયું તેનાં કારણો આપે છે.

પણ ગોપીની અન્તર્વ્યથાનો પાર નથી. કૃષ્ણ એને વચન આપીને ફરી ગયા ને એ રીતે એની ઉપેક્ષા કરી.

માનહાનિ પોતે જ ઓછી નથી ને તેમાં પાછી, અધૂરામાં પૂરી, ઉમેરાય છે ઈર્ષ્યા. કૃષ્ણ ન આવ્યા તેનું કારણ તેમણે રાત બીજી કોઈ ગોપી સાથે ગાળી હસે તે હશે એવો તેને વહેમ પડે છે અને એ વહેમ એવો તો પ્રબળ થઈ જાય છે કે કૃષ્ણે એમ જ કર્યું છે એ વાત તેના હૈયામાં જડાઈ જાય છે. અને કૃષ્ણ એને છોડીને બીજી કોઈના થઈ શકે એ વિચાર જ એનાથી સહન થઈ શકતો નથી. કૃષ્ણ એને છોડીને બીજીના બન્યા, તે જોઈને એનું અહં ઘવાય છે તે ઘવાયેલું અહીં વીફરે છે. કૃષ્ણની વાત જ સાંભળવાને એ રાજી નથી ને વાગ્બાણ પર વાગ્બાણ છોડીને, એ તેને વીંધે છે.

— હું મનથી મેલી નથી, ભોળી ને નિર્મળ અન્તઃકરણવાળી હું એટલે તમારી દગાબાજી હું પારખી ન શકીએ ખરું. પણ હું એવી ઘેલી નથી કે તમારી વાત માનું ને એવી મૂરખ હૈયાકૂટી નથી કે વણજ વિના જોખમ ખેડું, તમે મન, વચન અને કર્મથી મારા જ ન થાઓ તો તમને મારી પાસે ફરકવા દઉં —

એ ચલાવે છે ને કૃષ્ણને તરછોડે છે, ઠપકો આપે છે, તમારી સાથેનો મારો સંબંધ પૂરો થયો એમ સુણાવી દે છે ને રૂપગર્વિતા એ છેલ્લે ઝેરી નાગણની જેમ ડંખ મારે છેઃ તમે તમારી જાતને ભલે ચતુર માનતા હો, પણ તમારી ચતુરાઈ કેવી છે તે આજ દેખાઈ ગયું. એરંડો ને શેલડી વચ્ચેના ભેદની તો તમને પરખ નથી! પરખ હોય તો મારે જેવીને છોડીને તમે પેલીની સોડમાં ભરાઓ ખરા? એમાં બળ્યું છે શું?

હું મૂરખ કે મેં તમારા જેવા સાથે સંબંધ બાંધ્યો, પણ તમે મૂરખના સરદાર કે તમે મારા જેવીસાથેનો સંબંધ તોડ્યો.

આમ, આ કાવ્યમાં વિપ્રલબ્ધાની વ્યથા, રીસ ને આક્રોશ વ્યક્ત થયાં છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book