માધવ ક્યાંય નથી મધુવનમાં વિશે – સ્નેહરશ્મિ

માધવ ક્યાંય નથી મધુવનમાં

હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.

કવિની વાણીમાં આકાર પામે ન પામે ત્યાં તો કોઈકોઈ કાવ્યપંક્તિ લોકજીભે રમતી થઈ જાય છે. હરીન્દ્રની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ આપણા સાહિત્યની એવી એક પંક્તિ છે; અને છે તો ‘માધવ ક્યાંય નથી’ એટલા ઉદ્ગારથી જ જાણે કે ઘણુંઘણું કહેવાતું હોય છતાં ઘણુંઘણું વણકહેવાયેલું રહેતું હોય એવો અજંપો મનમાં રહે છે. વૃંદાવન છોડી કૃષ્ણ મથુરા ગયા એની વિરેહવેદના આખા ગોકુળના મુખમાં મૂકી સદીઓથી આપણા અનેક કવિઓ ગાતા આવ્યા છે. ગળથૂથીમાં મળતો આપણો એ સાહિત્યવારસો અત્યંત સમૃદ્ધ હોવા છતાં આપણા કવિઓને એનું આકર્ષણ એટલું બધું રહેતું આવ્યું છે કે પુનરાવર્તનદોષની ચિંતા કર્યા વિના પોતપોતાની આગવી રીતે કવિઓ પેઢી દર પેઢી રાધાકૃષ્ણ અને ગોપગોપીઓનાં ગીતો લખતા જ રહે છે. આ કવિતાઓ પૈકી કેટલીક તો મૌલિકતાની મુદ્રા સાથે નરસિંહ, મીરાં, દયારામ જેવા પાસેથી મળેલા વારસામાં ચિરંતન સ્થાનની અધિકારી બને છે, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ આપણું એવું એક નીવડેલું ગીત છે.

આ ગીત માટેનો હરીન્દ્રનો પક્ષપાત એમની એક નવલકથા માટેનું શીર્ષક એમને એમાંથી મળ્યું છે તે ઉપરથી પણ જોઈ શકાશે. હરીન્દ્રની રાધાકૃષ્ણલગન એમનાં બીજાં કેટલાંક કાવ્યોમાં પણ વ્યક્ત થઈ છે અને તે દરેક સ્થળે એ હૃદયંગમ બની છે. તોફાની કાનુડાને જશોદાએ હીરના દોરાએ બાંધ્યો છે, તેનું વર્ણન કરતાં જે ભાવ એમના હૈયામાં ઘૂંટાય છે તે નીચેની પંક્તિઓમાં કેવી આર્દ્રતાથી વ્યક્ત થાય છેઃ

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખમણમાં આંક્યા —

કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

‘શ્યામ સમણે મળ્યા’ કે ‘રાત રૂપે મઢી’ જેવાં ગીતોમાં રમતા ભાવો જાણે ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ એ ગીતમાં પૂર્ણપણે વિકસવા મથતા હોય એ રીતે લાંબા વખત સુધી મનમાં ઘૂંટાતા રહે છે.

વૈષ્ણવ કવિઓને કૃષ્ણનું આકર્ષણ હોય જ, પરંતુ ભારતમાં તો એણે સંગીતના ઇષ્ટદેવનું સ્થાન લાંબા સમયથી પ્રાપ્ત કરેલું છે. મુસ્લિમ ગવૈયાઓના કાન પર રમતો ‘કાના બિના ગાના ક્યા?’ — એ ઉદ્ગાર જેમ કૃષ્ણ માટે મુસ્લિમ ગવૈયાઓના અહોભાવનું પ્રતીક છે તેમ ભારતને ભાવાત્મક એકતા માટેની મુસ્લિમ ગવૈયાઓની સાંસ્કૃતિક દેણગી છે.

કૃષ્ણ માટેનું આ આકર્ષણ દલપત નર્મદથી ગુજરાતી કવિતા સાંપ્રદાયિકતાના વર્તુળમાંથી બહાર આવતી થઈ તે પછી પણ ઘટ્યું નથી. છંદમુક્તિ માટે મથતા આપણા અનેક યુવાન કવિઓ રાધાકૃષ્ણની વાત આવતાં નવાનવા લય અને પ્રતીકો તરફ વળે છે અને એમાંથી સર્જનનો અખંડ આનંદ અનુભવે છે. હરીન્દ્ર આપણા આવા કવિઓ પૈકીના છે. એમનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ મધુવન છોડી ગયેલા કૃષ્ણના વિરહથી ગોપીઓને થતી વેદનાની કવિતાના આપણા સમૃદ્ધ વારસાની યાદ તાજી કરાવતું ચિરઆસ્વાદ્ય વિરહગીત છે.

આ ગીતમાં રાધાની વિરહવેદના આખા મધુવનની વિરહવેદના બનીને આપણી સમક્ષ આવે છે. મધુવનમાં કશુંક બની ગયું છે. માધવની શોધ ચાલી રહી છે અને એ વાત ચોમેર ફેલાઈ રહી છે એ ચિત્રાત્મક રીતે ગીતના પ્રારંભમાં જ કહેવાયું છે. કોઈ અણધાર્યો આઘાત આવતાં કોઈક સ્વજન આગળ હૈયું ખાલી કરવું એ એક સહજ ક્રિયા છે. મધુવનમાં એ આઘાત જેને નથી લાગ્યો એવું કોણ હતું? નંદ, જશોદા, ગોપ, ગોપી, ધેનું વગેરે તો આંસુભરી આંખે ચોમેર શોધે પણ માધવને અત્યંત પ્રિય એવાં ફૂલ શું કરે? એટલે દૂર સુધી એની નજર પહોંચે? પોતાની આ વેદના એક ફૂલથી બીજે જતા ભમરાને કહેવાનું મળતાં તેને કેવો આશાનો નાજુક તાર સાંપડ્યો હશે? ગુંજનથી આખા મધુવનમાં એ સમાચાર પ્રસારે છે કેઃ

માધવ ક્યાંય નથી મધુવનમાં

આ વાત કહેતાં ઊંડેઊંડે એના મનમાં જરૂર એમ હશે કે ક્યાંકથી ઝટ એનો પ્રતિકાર થશે કે ના, ના, એ ખરું નથી. સંતાકૂકડી તો એની જ ને! કાલીનાગને નાથવા કેવો એ જમનાના ઊંડા ધરામાં અલોપ થઈ ગયો હતો! અબઘડી આવ્યો જ જાણો! આવી મુગ્ધ આશા સેવવા છતાં આખા મધુવનને વેદના સાથે એને કહેવું પડે છે કે માધવ ક્યાંય નથી. પ્રારંભની બે પંક્તિ કાને પડતાં આવું કેટકેટલું આપણા મનમાં સ્ફુરી રહે છે! એ પંક્તિઓમાં રહેલા વર્ણો એને કેટલું બધું અર્થગર્ભ બનાવે છે! ઔષ્ઠસ્થાનીય વ્યંજન ફ અને ઔષ્ઠસ્થાનીય સ્વર ઉની સંધિથી બનેલા ફૂ સાથે બીજા ઓષ્ઠસ્થાનીય ભ અને મથી સધાતી વર્ગસગાઈ અને તેમાં ગૂંથાતા દંત-ઓષ્ઠસ્થાનીય વ તથા દંતસ્થાનીય ધ-ના કલાત્મક તાણાવાણાથી સર્જાતી સંવાદિતાના માધુર્યથી આખું ગીત પ્રસ્પંદિત થાય છે; અને એને અસીમ વિસ્તાર મળે છે. ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ના ત્રણ ‘આ’થી. એનાથી જાણે કે અનંત સુધી વિસ્તરતું હોય એવું મધુવન તેમાંનાં ‘ક્યાંય’ શબ્દથી હૃદયને લાગતા પ્રચંડ ધક્કા સાથે આપણી કલ્પનામાં કંડારાઈ રહે છે, એને બાજુના પાંચપાંચ વર્ણો વચ્ચેના ‘નથી’માંના ‘ન’ અને દીર્ઘ ‘થી’ લઈને જે-જે દૃઢ બંધ મળે છે તે એ પંક્તિમાં રહેલા રૂપ અને લયને કેટલી બધી રમણીયતાથી ભરી દે છે!

આમ વર્ણસગાઈ અને તે પણ સસ્થાનીય વર્ણોની વર્ણસગાઈથી સધાતા નાદાતત્ત્વવાળી આ પ્રારંભિક પંક્તિઓના જેવી સગાઈઓ આખા ગીતમાં અસ્ખલિત રીતે સધાતી રહે છે અને જૂનાં પ્રતીકો નવી રીતે રજૂ થતાં રસસભર ચિત્રાત્મકતા સર્જાય છે. રાધાકૃષ્ણનાં ગીતોમાંનું એવું એક આકર્ષક પ્રતીક કદમ્બ આ ગીતમાં વેદનાગ્રસ્ત મધુવનના એક આત્મીય તરીકે પ્રવેશે છે. કૃષ્ણવિરહના ભારતી જાણે કે ઝૂકી જતી તેની એક ડાળી કાલિન્દીને પોતાની વેદનામાં સહભાગી બનાવતી પૂછે છેઃ

યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?

જેના સૂર સાંભળતાં જમનાનાં નીર થંભી જતાં, ગાયોનાં ધણ થનગનાટ કરતાં દોડી આવતાં, ગોપીઓ કુળમર્યાદા છોડી સૂધબૂધ ભૂલી ઘેલી બનતી તે વેણુનું નામ સાંભળતાં જ કાલિન્દીમાં લહેરો જાગી ગઈ અને વમળોને પૂછવા મંડી, વમળે સ્મરણોથી ધબકતો નિઃશ્વાસ નાખ્યોઃ

માધવ ક્યાંય નથી મધુવનમાં

મૌનમાં વાત કરતી પ્રકૃતિનાં તત્ત્વોમાં કેટલાં બધાં સ્મરણો જાગી ઊઠ્યાં! એમ કરતાં જાણે કે ગોપીમય બની પ્રકૃતિ નિઃશ્વાસ નાખે છે કે રસ્તે આંતરી દાણ માગતા તોફાની કાનાની વહાલભરી આણ ક્યાં છે? હવે ક્યાં છેઃ

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે!
વ્રજમાં આવી ધૂમ મચાવે કોઈ નહિ પૂછનાર રે!

એવા કૃત્રિમ રોષથી થતી લજ્જાપુલકિત ગોપીની મીઠી રાવ! હવે તો છે પુત્રવિરહથી ભાંગી પડતી માતા જશોદાને ધીરજ આપતા નંદને કાને પડતો જશોદાનાં આંસુમાંથી ઝરતો વેદનાભર્યો ઉદ્ગાર:

માધવ ક્યાંય નથી મધુવનમાં

માધવને ઝંખતા મધુવનને વળી પાછી ગોપી પોતાની વેદનાને વાચા આપતી સંભળાય છેઃ માથે ગોરસમટુકી સાથે આખા મધુવનમાં હું ભટકી વળી છું, મારી વાટ કેમેય ખૂટતી નથી. હાય! મારી મટુકીને એકાદ કાંકરો અમથોઅમથો પણ નથી વાગ્યો ને થઈ એ ફૂટી — ફૂટ્યાં છે મારાં ભાગ્ય કે કાનુડાએ લૂંટ્યા વિનાનાં મારાં ગોરસ મટુકીમાં અકબંધ રહ્યાં છે! માધવને કાજે ઝૂરતું એ હૈયું આંખોને પોતાની વેદના સંભળાવે છે. બિચારી આંખ! પહોંચે ત્યાં સુદી નજર નાખી હતાશ બનતી આંસુમાં વેદનાને વહાવે છેઃ

માધવ ક્યાંય નથી મધુવનમાં

આમ આપણાં ભણેલાં, અભણ, આબાલવૃદ્ધ — સૌને અતિપરિચિત એવી કથાને આપણા આજના કવિઓ કેવી તાજગીભરી નવીનતા અર્પે છે તે આ ગીતની પંક્તિએપંક્તિએ ધબકે છે. વર્ણસગાઈ અને વર્ણોની વર્ગસગાઈ આ ગીતના કવિને સહજસાધ્ય રીતે એના તાણાવાણાથી આદિથી અંત સુધી ઓતપ્રોત થયેલી છે. ‘બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી’માંની વર્ણસગાઈ કે ‘કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી’માંનો આંતરપ્રાસ તો સહેજે ધ્યાનમાં આવે, પરંતુ છેલ્લી કડીમાં ક, ખ, ગ જેવા કંઠસ્થાનીય વર્ણોએ ર, મ, ર, લના સાથથી જે સાધ્યું છે તે આપણી આજની કવિતાની એક આહ્લાદક સિદ્ધિ છે. એમાં નાદ અને લયની રૂપનિર્મિતિ ‘ભણકારા’માં બળવંતરાય ઠાકોરે ઉલ્લેખેલા ‘અનાયાસ છંદ’ની યાદ તાજી કરાવે છે. છાની, ભીની એ બાની ક્યાંથી નીતરી નીગળે છે. એવા કવિ બળવંતરાયને થતા કૌતુકની જેમ આ કડીમાંની ઘનીભૂત વર્ણલીલા પણ આપણા મન પર ભૂરકી નાખે છેઃ

શિર પર ગોરસમટુકી
      મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
      ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત કહે અંસુઅનમાં,
      માધવ ક્યાંય નથી મધુવનમાં.

આમાંના કંઠસ્થાનીય વર્ણો વેદનાને જાણે કે કંઠમાં જ આંતરી રાખી વધુ સઘન બનાવે છે તે રાધારૂપ બનેલી પ્રકૃતિનાં ડૂસકાં આપણને મધુવનમાં રાધાકૃષ્ણના સાન્નિધ્યમાં લઈ જતાં હોય એવી અનુભૂતિ ચોમેરથી આપણને વીંટળાઈ વળે છે.

(ભમરો વાત વહે ગુંજનમાં)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book