મરજીવિયા કાવ્ય વિશે – ચંદ્રકાન્ત શેઠ

પૂજાલાલ

મરજીવિયા

સમુદ્રભણી ઊપડ્યા કમરને કસી રંગથી

પૂજાલાલનું વ્યક્તિત્વ અને કૃતિત્વ આધ્યાત્મિક ભાવનાથી પ્રેરિત હોવાનું જણાય છે. તેમની કલમ શબ્દ દ્વારા શબ્દાતીતના સત્ત્વ-વૈભવનું દર્શન કરવા-કરાવવામાં ઉત્સાહી રહેલી વરતાય છે. બલવંતરાય ક. ઠાકોરની સૉનેટની અને પૃથ્વી છંદની પરંપરાને પુષ્ક કરવામાં કવિ પૂજાલાલનો ફાળો ઉલ્લેખનીય છે. પ્રસ્તુત `મરજીવિયા’ કૃતિ શેક્સપિયરશાઈ સૉનેટ છે અને તે પૃથ્વી છંદમાં રચાયેલું છે. આ સૉનેટમાં દેખીતી રીતે જ વાત છે – મરજુવીઓની એવા મરજીવાઓની, જેઓ મુઠ્ઠીમાં મોત લઈને સમુદ્રનાં અગાધ ઊંડાણોમાં ડૂબકી મારીને અણમોલ મોતીઓ લઈને બહાર આવે છે. મુઠ્ઠીમાં મોતને લઈ શકનાર જ મુઠ્ઠીમાં મોતીઓ પણ ધારણ કરી શકે છે. કવિએ આ મરજીવાઓના ઓઠા દ્વારા હકીકતમાં તો જેઓ હરિના મારગના શૂરા પ્રેમીજનો-ભક્તજનો-આત્મવીરો છે તેમનો જ મહિમા દર્શાવવાનું આ કાવ્યમાં તાક્યું છે. જ્યાંથી મોટી મળી શકે એ સાગર-મહાસાગર જ મરજીવાઓને તો ગમે. એ સાગર ગમે તેટલો ઊંડો હોય, તોફાની ને જોખમી હોય પણ તેથી મોતીના ચાહક મરજીવાઓ તો જરાયે ડરવાના નહીં, પારોઠનાં પગલાં ભરવાના નહીં; બલકે, એમની તો સાહસવૃત્તિ આવો મુક્તાસાગર જોઈને ઓર ખીલવાની. તેઓ તો મરીને જીવવાના મંત્રવાળા; અઢગ, નિર્ભય, દૃઢ નિશ્ચલબળવાળા, સાહસ અને પરાક્રમમાં – પડકાર અને પરુષાર્થમાં અદમ્ય ઉત્સાહ અને શ્રદ્ધા સેવનારાઓ એમની આંખો તો ચમકતી જ હોય મોતી મળવાની અસર આશાએ; એમનાં અંગેઅંગમાં સ્ફૂર્તિની ભરતી હોય; નિરાશા ને થાક, કંટાળો અને કઠિનાઈને તો તેઓ ગાંઠે જ નહીં; એમનું તન-મન ને જીવન; એમનાં તાકાત અને તેજ તો મોતી મેળવવા માટેનું મહાસાગર જેવું સંઘર્ષ-ક્ષેત્ર જોઈને અપાર પ્રોત્સાહિત ને પ્રવૃત્ત થાય. મોતી પ્રાપ્ત કરવાના ધ્યેય કે સંકલ્પ આડે આવતા ભૌતિક કે માનસિક સર્વ પ્રકારનાં બાધા કે અવરોધોને તેઓ તો ગણકારે જ નહીં. સ્નેહીજનોનો સ્નેહ, એમની માયા, એમની શિખામણો કશાયને આ મરજીવાઓ વશ ન જ થાય. સ્નેહીજનોની સીમિત દૃષ્ટિ તો મરજીવાઓના સાહસને સમજી જ ક્યાંથી શકે? સ્નેહજનોને તો એમના સાહસમાં આંધળુકિયાં દેખાય અને એમના સાહસકર્મમાં જીવનનો વ્યય હોવાનું લાગે. તેઓ તો ભયના માર્યા. અનિષ્ટની આશંકાએ મરજીવાઓને સાહસ કરવામાં કેમ વારવા તેના જ વિચારો ને ઉપાયો દર્શાવે એ સમજાય એવું છે. એવાં સ્નેહીજનો તો કાંઠે ઊભીને તમાશા જોનારા, મોતી પામવાનું જેમના ભાગ્યમાં નથી એવા, સલામતીમાં સંતોષ માનનારા બુજદિલ વર્ગના પ્રતિનિધિઓ લેખાય. મરજીવાઓ તો એમનાથી જુદી જ માટીના. તેઓ તો `કરેંગે યા મરેંગે’ની જીવનશૈલીના તરફદારો. ઝંઝાવાત કે તોફાનની ગભરાય એ બીજાઓ, આ મરજીવાઓ નહીં. મરજીવાઓ તો બરોબર જાણે છે કે આ વિકરાળ લાગતો મહાસાગર જ રત્નોની ખાણરૂપ (રત્નાકર) છે. તેના પ્રત્યે તેમનું ખેંચાણ છે. તેઓ પણ હાસાગરનાં મોજાં સામે પોતાની છાતીને ઊછળતી કેમ રાખવી તે બરોબર જાણે છે. ભય હોય, અશ્રદ્ધા હોય, પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એવા લોકોની છાતી બેસી જાય; આ મરજીવાઓની નહીં. તેમનું સત્ત્વ, તેમનું તેજ તો સાહસમાં, પારક્રમમાં જ વધુમાં વધુ ઉત્તેજિત અને ઉદ્દીપ્ત થતું હોય છે. મોતના મુખ જેવા મહાસાગરના ઊંડાણમાં પ્રવેશતાં તેઓ જરાયે ખચકાતા નથી. તેઓ તો પહાડ જેવાં ઊંચાં મોજાંઓ સામે અડીખમ પહાડ બનીને જ ધસનારાઓ છે. મોજાંની ગર્જનાઓ સામે તેમનો લલકાર પણ ઓછો બુલંદ નથી. મોતીઓ પોતાના પેટાળમાં સંઘરનારા મહાસાગર સામે – મુક્તાસાગર સામે આ મરજીવાઓ પણ શક્તિના ને સાહસના મહાસાગર જેવા જ પ્રતીત થાય છે! કવિએ એ રીતે મહાસાગરની પડછે મરજીવાઓની પણ તાસીર પણ પ્રાસાદિક રીતિમાં ઓજસ્વી શબ્દોમાં ઊપસાવી આપી છે.

અહીં ઝિંદાદિલ મરજીવાઓ જીવન અને જગતમાં અંધકારનો, અજ્ઞાતનો, વિષમતા ને ભીષણતાનો ઉત્સાહથી મક્કમપણે સામનો કરી; જે મેળવવા જેવો છે તે અમૂલય મુક્તાકોશ મેળવીને રહે છે. જીવન અને જગતમાં જે કંઈ સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે, અમૃતમય છે તેને પ્રાણની બાજી લગાવીને, પરાક્રમ-પુરુષાર્થની પ્રાપ્ત કરીને જ જંપવું એમાં જ મરજીવાઓના જીવનબળની – એમના સ્ત્વબળની કસોટી છે અને ચરિચાર્થતા પણ છે. જીવન અને જગતમાંથી સર્વોત્તમ મૂલ્યવાળાં જે તત્ત્વો છે તે બધાં પામવાં અને તેમનો સૌને લાભ આપતાં પંડેય આનંદપૂર્વક લાભ લેવો એમાં જ ખરી અધ્યાત્મવીરતા, ધર્મવીરતા અને જીવનવીરતા છે.

પ્રસ્તુત કાવ્યમાં મરજીવિયાઓ – મરજીવાઓ તે સાચા ને પૂરા અર્થમાં જીવનવીરો છે. સમુદ્ર જો જંપીને રહે તો તેઓ જંપીને રહે! તેઓ તો હરપળે – હરઘડીએ મોતી જેવી ઉત્તમ વસ્તુઓનું ચિંતવન કરવાના, એમનાં સ્વપ્નો જોવાના અને પોતાના પૂરા બળથી, વિપરીત પરિસ્થિતિ કે પરિબળો સામે દૃઢતાથી જુદ્ધે ચડીને, છેવટે એ વસ્તુઓ પામીને જ રહેવાના, સંસારસાગરમાં પ્રતિષ્ઠા ને મહિમા આવા પરાક્રમી પુરુષાર્થી જીવ મરજીવિયા-નો – જીવનવીરોના જ રહેવાનો ને ટકવાનો. આવા મરજીવિયા થવાની પ્રેરણા આપવામાં જ પ્રસ્તુત કાવ્યની સાર્થકતા ને સિદ્ધિ છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book