‘મંથરા’–બૃહદ મનોનાટ્ય — ચંદ્રકાન્ત ટોપીવાળા

નાટ્યતત્ત્વ હંમેશા કાવ્યતત્વની કસોટી રહ્યું છે. અંગતતાની ચૂડમાંથી છૂટવા સારો કવિ ક્યારેક મહોરાંઓ સાથે, ક્યારેક પાત્રો સાથે અને ક્યારેક નાટક સાથે કામ પાડતો હોય છે; અને એમ એ એની ભાષા અને એના સંવેદનનો વિસ્તાર સાધતો હોય છે. ઉમાશંકરની કાવ્યરચનાઓમાં ‘રચો, રચો અંબરચુંબી મન્દિરો’ કે ‘ઓ યુગતરસ્યા જગકંઠ, જરી તું પુકાર કરજે ધીરે’ કે ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’–જેવું રહેલું નાટ્યતત્ત્વ એમની એકાંકીઓમાં સામાજિક વસ્તુ સાથે તળપદાં ગદ્યપરિમાણોને આંબે છે; તો એમનાં કાવ્યનાટકોમાં પૌરાણિક અને ઐતિહાસિક સંદર્ભે સંસ્કૃત પદાવલિ સાથે પરિસ્કૃત પદ્યપરિમાણો તરફ કાર્યશીલ છે, અલબત્ત, સૌથી મોટું સાહસ તો વર્તમાનનાં પાત્રોનો સંદર્ભ લઈ બોલચાલની લહેક સુધી પહોંચવામાં પદ્યને પ્રયોજવામાં હતું પણ એ સાહસ ઉમાશંકરે જતું કર્યું છે છતાં, ‘કર્ણકૃષ્ણ” જેવાં સંવાદનાટ્ય (Conversation play) કે ‘કચ’ જેવા અંગતનાટ્ય (Personal play)થી માંડી ‘કુબ્જા’ ‘મંથરા જેવા પરિસ્થિતિનાટ્ય (Situation play)ના પ્રયોગોમાં ઉમાશંકર મહત્ત્વાકાંક્ષી છે. એક બાજુ એમની પાસે એલિયટના ‘મર્ડર ઈન કેથિડ્રલ’ કે ‘ધ ફેમિલી રીયુનિયન’નું મૉડેલ છે, તે બીજી બાજુ એમની પાસે રવીન્દ્રનાથનાં ‘કર્ણકુન્તી સંવાદ’ કે ‘ગાંધારીર નિવેદન’નું મૉડેલ છે. આ બંને મૉડેલનું સંયોજન ‘મંથરા’ બતાવે છે. એટલું જ નહિ પરંતુ મને કે ભાવાર્થને સ્પષ્ટ કર્યા કરતી એમની નાટ્યશૈલી મુખ્યત્વે નિરૂપણમાં અર્થઘટનને ઓગાળ્યા વિના અન્યત્ર જે પ્રતિજ્ઞાનાટ્ય (Interpretation play)ને સિદ્ધ કરે છે તેનો ‘મંથરા’માં કંઈક અંશે ઓછો વિનિયોગ છે.

‘મંથરા’માં અર્થઘટન ઓગાળી નાખનાર પરિનાટ્ય (Psychorama) — બૃહદ મનોનાટ્ય છે. અહીં કેવળ મનોનાટ્ય (Psychodrama) નથી. ઋજુ સ્વરૂપ ઋજુલા અને કાલસ્વરૂપ કાલરાત્રિ બંને મંથરાનાં જ સ્વરૂપો છે, અને પરસ્પરથી વિરુદ્ધ સ્વરૂપો છે. આ બંને સાથેની મંથરાની આંતરક્રિયા આંતરનાટ્યનો ભાગ છે, પરંતુ વિસ્તરણ હોય એવો ભ્રમ ઊભો કરે છે. શરૂમાં પડકાર આપતી કૈકેયી ઋજુલાનું સમાન્તર સ્વરૂપ છે, તો પછીથી સહકાર આપતી કૈકેયી કાલરાત્રિનું સમાન્તર સ્વરૂપ છે. અને એમ મંથરાના મનોવિશ્વનું પ્રતિક્રિયા દ્વારા જાણે કે પરિદૃશ્ય (Panorama) રચાય છે. અને તેથી એને પરિનાટ્ય (Psychorama) કહેવું વધુ ઉચિત છે. મંથરાનાં જ બધાં સ્વરૂપો જાણે કે પાત્રો રૂપે પ્રગટ થઈ બહુરૂપી વ્યવસ્થા (Multiplex System)થી કોઈ એક ચોક્કસ અર્થઘટનને ઓગાળી નાખી રાજીવ નાટ્ય રચનાનો પ્રયત્ન કરે છે. જેમ કે—

        ઋજુલા             કૈકેયી

મંથરા                                  મંથરા

        કાલરાત્રિ            કૈકેયી

‘મંથરા’ના આ બૃહદ મનોનાટ્યને હવે વીગતે તપાસીએ. પહેલી વાત તો એ કે અન્ય સૌ લલિત સાહિત્યપ્રકારો ભાષાની કલા હશે પરંતુ નાટક જેવો સાહિત્યપ્રકાર ભાષાની નહિ પણ વ્યાપક અર્થમાં ઉક્તિઓની કલા છે. નવલકથાના કથન કે નિરૂપણનું જેમ નિરૂપણશાસ્ત્ર (Narratology) વિકસી રહ્યું છે, તેમ નાટકની ઉક્તિઓનું શાસ્ત્ર પણ (Poetics of Conversation) વિકસી રહ્યું છે. રોજિંદા વ્યવહારમાં થતો નૈસર્ગિક વાર્તાલાપ (Natural Conversation) અને નાટકમાં આવતો કૃત્રિમ વાર્તાલાપ (artificial conversation); નાટકમાં આવતો વાર્તાલાપ અને નાટકમાં રચાતો સંવાદ (dialogue); વાર્તાલાપનો પ્રમાણમાં સંઘર્ષહીન સંદર્ભ અને સંવાદનો સંઘર્ષપૂર્ણ સંદર્ભ; સંવાદમાં સીમાસ્થાપન (framing) અને કેન્દ્રસ્થાપન (focusing); ઉક્તિથી થતું ઉદ્ઘાટન, ઉક્તિને મળતી ઉક્તિથી થતું પુષ્ટીકરણ (Supporting) કે ઉક્તિ સામે ઉક્તિથી થતું પ્રતિકરણ (Challenging), ઉક્તિના પ્રતિકરણ કે પુષ્ટીકરણથી ઉક્તિનું પુનરુદ્ઘાટન (re-opening) કે સંધિત ઉદ્ઘાટન (bound opening) આ બધાં ઉક્તિસંચલનો (moves)ને તપાસવાનાં વિકસેલાં ઉપકરણો ઉક્તિત પ્રત્યુક્તિ વચ્ચેના સંબંધોની સમજને અંકે કરે છે.

* Dialogue and Discourse: a Sociolinguistic Approach to Modern Drama and Naturally occurring Conversation by Deirdre Burton (London Rutledge to Kegan Paul)

‘મંથરા’માં પહેલેથી છેલ્લે સુધી સામર્થ્યસંઘર્ષ (power struggle) છે. મંથરાનો ઋજુલા સાથેનો સંઘર્ષ અને ઋજુલાને અવગણી કાલરાત્રિ પરનું એનું આધિપત્ય એક બાજુ છે; તો મંથરાનો કૈકેયી સાથેનો સંઘર્ષ અને કૈકેયીને કૈકેયીમાં પલટી એની પરનું એનું આધિપત્ય બીજી બાજુ છે. સંઘર્ષમાં ઊતરવા અને આધિપત્ય કેળવવા ‘મંથરા’માં જે ઉક્તિનાં સંચલનો ગોઠવાયેલાં છે એનાં નિદર્શનો જેવાં જેવાં છે.

ઋજુલા અને માંથરા વચ્ચેની વાતચીતમાં ફરી ફરીને મંથરાની ઉદ્ઘાટન પામતી ઉક્તિ અને ફરી ફરીને એની સામે ઋજુલાનું પ્રતિકરણ ધ્યાન ખેંચે છે:

મંથરા: …આજ રાતે

આ ઉત્સવ દીપમાંથી હોળી મહા પેટાવીશ

ત્યારે જ હું જંપવાની (ઉદ્ઘાટન)

ઋજુલા: કારમી શી તાલાવેલી! (પ્રતિકરણ)

મંથરા: છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય

    આખાય આ બ્રહ્માંડનો બૂકડો હું કરી દઉં…

    હસ તું (પુનરુદ્ધાટન)

ઋજુલા: ના હસું તો શું કરું, કહે? ખંધ તારી

    આ, તેને તો સીધી કરી બતાવ, જો શકિતમતી

    છે તું મહા (પ્રતિકરણ)

ઉદ્ઘાટન પામતી ઉક્તિ અને પ્રતિકરણ આપતી ઉક્તિનાં આવાં જ સંચલનો મંથરા અને કૈકેયી, વચ્ચે છે. પરંતુ કૈકેયી’નું કૈકેયીમાં રૂપાન્તર થવાની શરૂઆત થાય છે:

કૈકેયી: ના, ના,

    જીવતે જીવત મારા નહીં એ બને કદાપિ.

    મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી

    અસહાય શક્તિહીન મને.

ત્યારપછી મંથરાની ઉદ્ઘાટન પામતી ઉક્તિ અને કૈકેયીની પુષ્ટીકરણ આપતી ઉક્તિઓનું સંચાલન પણ જોવા જેવું છે:

મંથરા: અયોધ્યા શું કરે એમાં જે મળ્યો તે સ્થાપે રાજા.

    આપણામાં જોઈએ કૈ હામ (ઉદ્ઘાટન)

કૈકેયી: રામ વનવાસ

    જશે, ભરત થશે યુવરાજ (પુષ્ટીકરણ)

મંથરા: વાહ, મારી

    રાણી જાણતી હતી કે હું પાણીમાં બેસી જાય

    એમાંની નથી તું. કહે, શી રીતે પાડીશ પાર? (પુનરુદ્ઘાટન)

કૈકેયી: શી રીતે પાડીશ પાર? તું કહે જો. (પુષ્ટીકરણ)

મંથરા: પૂછે છે તું

    મને? તું જાણે બધું ય છતાં? જો મને પૂછે તો

    મારે મુખે સાંભળવું ગમે તો હું કહું… (સંધિત ઉદ્ઘાટન)

મંથરા અને કૈકેયી વચ્ચેનું આ ઉક્તિસંચલન છેવટે સંપૂર્ણ રૂપાન્તર તરફ આગળ વધે છે:

કૈકેયી: કુબ્જાઓ આ અન્ત:પુરે આવી ને ગઈ ઘણીય

    તારા જેવી જોઈ ને મેં એક છે જુદી જ વાત

    તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં

    વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો

    વહે વાયુવીંઝી સોહે તું કો ક્રમલિની સમી.

    ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિભાર લચી જાણે

    નારી લતા…

કૈકેયી’ની ‘કુબ્જા તું બની બોબડીયે’ જેવી શરૂની ઉક્તિ સાથે કૈકેયીની આ પ્રશસ્તિ સરખાવો. કૈકેયીની કુત્સિતની પરખ તો ચાલી ગઈ છે પરંતુ એનાં વિવેક અને પ્રમાણ પણ ચાલી ગયાં છે. મંથરાનું આ જ તો ધ્યેય હતું ‘પૂતળીઓ આંખ તણી અવળો થઈ ચૂકી/વક્ર તે સુંદર અને ભાસવા લાગ્યું છે’ માત્ર બીજારોપણ નહીં, વિચારરોપણ નહીં પણ કાર્યરોપણ સુધી મંથરાએ કઈ રીતે પ્રભાવ પાડ્યો એનું આ નાટક છે.

આમ કરવા માટે ઉક્તિઓમાં આવતી પુનરાવૃત્તિઓ, પુનરાવૃત્તિથી બદલાતા કાકુઓ, બદલાતા કાકુઓથી ગતિશીલ બનતો અર્થ અને ગતિશીલ બનતા અર્થથી ઊભો થતો પ્રભાવ એનાં ત્રણેક ઉદાહરણો જોવા જેવો છે:

મંથરા: …ભરતને માતુલને ઘરે જવા દઈ, અહીં

    રામને યુવરાજપદ સ્થાપીને…એ નહીં બને

    નહીં બને, મંથરાના છતાં કે કૈકેયી તરુણી

    ભાર્યા વૃદ્ધ રાજ તણી માનહીણી જરીયતે

    નહીં બને…

મંથરા: …મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને

    દેશાન્તરે… અથવા તો લોકોતરે…

કૈકેયી: ભરતને?

મંથરા: ભરતને

    રામનો સહજ રિપુ ભરત…

કૈકેયી: ભરત?

મંથરા: ભલે

    ભરતનું કરવું જે હોય રામને, તે કરે.

    રાજગૃહમાંથી ભલે ફંગોળાઈ વનવને

    ભટકે ભરત ભલે.

કૈકેયી: ભરત?

મંથરા: ભરત.

*

મંથરા: ગભરુ હે રાજમાતા…

કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તે કહે જો ફરી;

    ‘રાજમાતા’ જાણે પહેલી વાર હું એ સાંભળતી

    શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી ઊઠ્યું.

    રાજમાતા!’

મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી

    કસોટી…

‘મંથરા’ના પ્રારંભમાં દીપનાં સાહચર્યોથી આગળ વધતો ઉક્તિઓનો વેગ પણ નોંધપાત્ર છે. ‘દીપભૂષણો’ યુક્ત અયોધ્યા, અંધકારપ્રસાદનો શતખંડ કરતો દી૫, ઋજુલાનું દીપશિખા જેવું મુખ, મંદાકિનીમાં થથરતા વ્યોમદીપ, કાળવાયુ સામે મુકાયેલો દીપરાશિ આ બધા દીપ અલંકારોને અંતે ‘આ ઉત્સવ દીપમાં હોળી મહા પેટાવીશ’ જેઓ આવતો ઉદ્ગાર સૂચક બને છે.

ક્યારેક બોલચાલમાં ‘રામ’ના બદલાતા અર્થોનો વિનિયોગ પણ ચમત્કૃતિપૂર્ણ છે:

મંથરા: ભચડી હું દઉં એહ

    કરાવ દૃષ્ટા વચાળે

ઋજુલા: અરે રામ, સ્હેવાનું ના

        રામ… રામ…

આ ઉપરાંત કૈકેયીનાં મંથરા માટેનાં પ્રકૃતિવચનોના અતિરેક સામે મંથરાનો ઠંડે કલેજે આવતો ‘ત્યારની વાતો સૌ ત્યારે જેઓ શઠ અવાજ, કૈકેયીના ‘જોઈએ’ જેવા અવઢવની સામે ‘હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં’ યા કૈકેયીના ‘થાઉં તો ખરી’ જેવી ઉક્તિની સામે ‘થઈ જ જોઉં છું હું” જેવી ધૃષ્ટ ઉક્તિ; ‘કહેજે કે કૈકેયી મૃત્યુ–’ જેવી કૈકેયીની ઉક્તિને પૂરી કરવા આવતું ‘પામી હું જે પામવાને ઝંખી રહી,’ જેવું મંથરાનું પતાકાસ્થાનક–આ સર્વ, રચનાનાં, સજીવ સ્થાનો છે.

એક બાજુ એકવિધતા ટાળવા કાલરાત્રિને અપાયેલ અપહાસનો સૂર (Tone) ધ્યાન ખેંચે છે, તો બીજી બાજુ મંથરાની ‘કોણ છે રે?’ અને કૈકેયીની કોણ છે રે?’ જેવી સરખી ઉક્તિ કવિની લઢણની ચાડી ખાય છે. વળી, ઋજુલા અને કાલરાત્રિનાં સ્વરૂપો કલ્પ્યાં પછી મંથરાનાં જ એ સ્વરૂપો છે એ વાત રચનાકારે અતિ સ્પષ્ટ કરવાનો મોહ જતો કરવા જેવો હતો. બંને સ્થાનો જોઈ લઈએ:

બાલિકા: હું તો છું ઋજુલા, મને ઓળખી ના?

મંથરા: ના

ઋજુલા: સુભગે

    માનીશ તું! હું છું તું જ.

મંથરા: નાનકડી આવડી હું?

    હા, તે મને વધવા જ દીધી છે કયાં? આજે તો હું

    માનવાની નથી તારું કંઈ જ

*

આકૃતિ: હું કાલરાત્રિ

મંથરા: કાલરાત્રિ?

કાલરાત્રિ: મંથરા, હું

    કાલરાત્રિ જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી રૂંવે રૂંવે તારે છું હું મંથરા, તારું જ રૂપ

મંથરા: મારું રૂ૫? કેટલા ભર્યા છો તમે મારા મહીં?

ઉપર બતાવ્યા પ્રમાણે અતિ પ્રગટ પંક્તિઓનો લોપ કરવામાં આવે (છંદ ફરીથી ગોઠવવો પડે એ શરતે) તો ઋજુલા અને કાલરાત્રિ મંથરાનાં જ સ્વરૂપો છે એવી વ્યંજના આપોઆપ ઊભી થઈ શકે તેમ છે. ક્યારેક ‘સુવિરૂપતર’ જેવો છેદને ખાતર થયેલો અતિપ્રયોગ કે મંથરા સુંદર લાગવા માંડી પછીનું ‘દિશા ચીંધી કહેજે, કુબ્જે, કુબ્જે કે કૈકેયી મૃત્યુ પામી’ જેવામાં આવતું કૈકેયીનું ‘કુબ્જે’ સંબોધન પણ વિશેષ વિચારણા માગે છે પણ આ બધી ગફલતો મહત્ત્વકાંક્ષી ફલક પર નજીવી છે.

બાકી, વાતચીતના લવચિક પદ્યમરોડમાં તર્ક અને પ્રતિતર્કની તેજસ્વી માંડણી પર મંથરાના પક્ષને દૃઢપણે સ્થાપિત કરી આપતું આ નાટ્ય અનેક રીતે પક્ષ ફફડાવી અને ફેલાવી સજીવતાની ખાતરી આપે છે.

(વિવેચનનો વિભાજીત પટ)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book