પ્રેમરસ પાને તું કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નરસિંહ

પ્રેમરસ પાને તું

પ્રેમરસ પાને તું, મોરના પીછધર!

મારે તો જોઈએ તારો પ્રેમ, મોરપીછના મુગટધારી કૃષ્ણકનૈયા! એ પ્રેમના રસની તોલે શું આવી શકે તેમ છે જીવનમાં? જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો છે નકામી ને નિઃસત્ત્વ. ને ચતુર્ધા મુક્તિને ય શું કરવી છે મારે? દૂબળાં ઢોર હોય તેમનું મન કશુકા જોઈને લલચાય. અમને મુક્તિ સત્ત્વ જેવી લાગતી નથી, ફોતરાં જેવી લાગે છે. અને એ જોઈને અમારું મન ચળે તેમ નથી.

એ પ્રેમરસ સમજવો સહેલો નથી ને જીરવવોય સરળ નથી. પરીક્ષિત (અર્જુનના પુત્ર અભિમન્યુનો પુત્ર) રાજા એ રસને પ્રીછી શક્યો નહિ. એને ભાગવત કથા સંભળાવનાર શુકદેવજી (મહાભારતકાર કૃષ્ણદ્વૈપાયન વ્યાસના પુત્ર) એ રસને પ્રીછતા હતા ખરા; પણ એ રસનો મહિમા તેમણે ગુપ્ત રાખ્યો. તે જ્ઞાન-વૈરાગ્યની વાતો કરીને શ્રીમદ્ ભાગવત પૂરું કર્યું તે પરીક્ષિતને નિર્ભય કૈવલ્ય સ્વરૂપમાં પ્રવેશી, મુક્ત થઈ જવાનો સીધો રસ્તો બતાવી દીધો.

પણ એ મુક્તિને કરવી છે શું? એ તો કેટલાયને મળી છે. તેં જેનો વધ કર્યો છે એ રાક્ષસોનેય એ મળી છે; ને જ્ઞાનીઓને, વિજ્ઞાનીઓને, મુનિઓને ને યોગીઓનેય એ મળી છે. પણ તારો પ્રેમ મળ્યો છે કોઈક મહાભાગ્યશાળીને જ. એ પ્રેમને પાત્ર થઈ છે માત્ર વ્રજની ગોપીઓ; ને બીજા કોઈ કોઈ ભક્તો ને તારા પ્રેમરસના ભોગીઓ જ.

એ પ્રેમરસ જેમણે એક વાર ચાખ્યો છે તેમને મુક્તિ નથી જોઈતી; આ પૃથ્વી પર ફરી ફરીને જન્મવાનું જોઈએ છે. મુક્તિ મળી એટલે જન્મમરણના ફેરા ગયા ને જન્મ ગયો એટલે તારા પ્રેમરસનું આકંઠ પાન કરવાનો લહાવો મળતો હોય છે, માત્ર એક જ જીવનકાલ દરમ્યાન નહિ, પણ જનમોજનમ. જન્મ-પ્રતિજન્મ વહાણોનાં વહાણ ભરીને એ લહાણ એમને આંગણે ઠલવાતી હોય છે.

મેં ગરવા ગોપીનાથની આંગળી પકડી છે, શ્રીકૃષ્ણનું શરણ સ્વીકાર્યું છે. એનો પ્રેમરસ મેં ચાખ્યો છે. ને તેમાં મને એવો તો આનંદ પડે છે કે તેની પાસે બીજું બધું ફિક્કું ને લૂખું લાગે છે. શ્રીકૃષ્ણનાં ગુણકીર્તન કરી હું જે જીવનન્યતાનો અનુભવ લઈ રહ્યો છું તે એવો તો અસામાન્ય ને અદ્ભુત છે કે ઉગ્ર ને કઠોર દેહદમન ને મનોનિગ્રહ કરીને પરમાત્મદર્શન કરવા મનથનાર યોગીઓને તે તપસ્વીઓને એ સ્વપ્ને પણ થતો ન હોય.

જ્ઞાન અને વૈરાગ્ય કરતાં પ્રેમભક્તિનો મહિમા ચડિયાતો છે એ વાત ખરી; પણ આ પ્રેમભક્તિનો ભાવ પણ કૃષ્ણનું શરણ લીધા વિના ને એની કૃપા વિના હૃદયમાં જાગતો નથી એ પણ આ કાવ્યમાં સૂચવાયું છે. તેરમી અને ચૌદમી પંક્તિઓનો અર્થ બરાબર સમજાતો નથી.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book