પ્રભુનું નામ લઈ વિશે – ચંદ્રકાન્ત શેઠ

શયદા

પ્રભુનું નામ લઈ

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,

ગુજરાતી ગઝલના વિકાસ – વળાંકમાં `શયદા’નું નામ અને કામ ઉલ્લેખનીય લેખાય છે. ગઝલમાં ગુજરાતીપણાનો આહ્લાદક અનુભવ કરાવનારા શયદા. ભણતર પ્રમાણમાં ઓછું, પણ શાણપણ સારું. આ ગઝલને એમના શાણપણનો સારો લાભ મળ્યો છે. જીવનને શયદાએ પોતાની રીતે જોઈ-જાણીને પ્રમાણ્યું છે. સાચો સર્જક – સાચો શાયર એ જ કરી શકે. `શયદા’નું મૂળ નામ તો હરજી લવજી દામાણી; પરંતુ સૌ `શયદા’થી જ એમને ઓળખે છે. `શયદા’ એટલે પ્રેમી, મુગ્ધ અને અત્યંત પ્રસન્ન. શયદાની શાયરીમાં પ્રેમ અને પ્રસન્નતાનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં અનુભવી શકાય છે. `શયદા’ સરળ પણ ખરા ને સાત્ત્વિક પણ ખરા. `શયદા’ની શાયરી પથ્ય ને પ્રસન્નકર અનુભૂતિ કરાવનારી. પ્રસ્તુત ગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે.

આ ગઝલમાં રદીફ છે `છું’ ને કાફિયા છે `પડ્યો’, `ચડ્યો’, `જડ્યો’, `લડ્યો’ ને `રડ્યો’ જેવા. એમાં `પડ્યો’ કાફિયા ચાર વાર આવ્યો છે એ પણ નોંધવું જોઈએ. આ રીતનું કાફિયાનું પુનરાવર્તન ટાળ્યું હોત તો ઇષ્ટ હતું, પણ જે રીતે એ આવ્યું છે તે જોતાં તે ખૂંચતું નથી. વળી અહીં `શયદા’ કવિતાવેડા કે અલંકારવેડાની જાળમાં અટવાયા નથી. તેઓ સરળતા જાળવીને, અનુભવનિષ્ઠ રહીને સચોટતા અહીં અભિવ્યક્તિમાં લાવી શક્યા છે. સરળતા સાથે ગહનતાયે અહીં સંપૃક્ત છે, એની ગવાહી મત્લાનો શરૂઆતનો શેર જ આપી રહે છે.

આ કવિનો હું ત્રાસદાયી નથી, વિનીત છે. કોઈ સદ્ગુણસામર્થ્યે પૂજ્ય હોય, આરાધ્ય હોય તો તેના પગમાં પડવામાં, તેના શરણે જવામાં ને રહેવામાં, તેને સનર્પિત થવામાં એને સંકોચ લાગતો નથી; બલકે ઉદારતા ને ઉચ્ચતાનો, એતો વિસ્તાર ને ઊર્ધ્વગામિતાનો ઊંડો – આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય છે. અયોગ્ય રીતે, અયોગ્ય પરિસ્થિતિમાં કોઈ કપાતરને ચરણે પડવું એ તો અધઃપતનના પર્યાયરૂપ થાય, અહીં જે પડવાનું છે તે તો પરમ પુરુષોત્તમ પ્રભુના ચરણમાં પડવાનું છે. એ તો પ્રણિપાત કરવારૂપ અનુભવ છે. વ્યક્તિચેતના પરમાત્મચેતના પ્રતિ ખેંચાય; એના ચરણ ગ્રહે – એનું શરણ ગ્રહે, એને સમર્પિત થાય; એની સાથે તાદાત્મ્ય અનુભવે ત્યારે તે ભૂમાસુખનો ઊર્ધ્વીકરણના આનંદનો, જીવનની ગહનતા – વ્યાપકતા ને અમૃતમયતાનો અનહદ આનંદ – બ્રહ્મા સ્વાદરૂપ આનંદ પ્રીછી – પામીને ધન્યતાનો ઊંડો અનુભવ કરી શકે છે. જીવનમાં જે ખરેખર કરવાપણું, મેળવવાપણું હોય તો આવો અનુભવ છે; જેમાં ઝિંદાદિલી છે અને જીવનની સિદ્ધિ ને સાર્થકતા છે.

આ પરમાત્મા-દીધા ને પરમાત્મા-પરેરિત સંસાર-જીવનમાં સતત આવાગમન તો ચાલવાનું જ. ડગલે ને પગલે ઠોકરો ખાવાના પ્રસંગોય ખમવાના આવે, પણ એમાંય તટસ્થતાથી ઊંડાણમાં જોતાં એમ લાગે કે એવી ઠોકરો ખાવાના પ્રસંગોના મૂળમાં પોતાની જ જડતા – પોતાની જ સંવેદનાહીનતા – પોતાની જ પથ્થર-સરખી કઠોરતા ને કુંઠિતતા નડતર કે અવરોધરૂપ બની રહેતી હોય છે. આત્મનિરીક્ષણ કે આત્મદર્શન કરતાં તુરત જ પોતાની કસૂર અને કસર પ્રતીત થાય. જીવનમાં ઘણાં દુઃખદર્દોમાં છેવટે તો મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ હોય, પોતે જ પોતાનો વિરોધી કે અવરોધી હોય એવું કઠોર સત્ય સમજાય છે. મનુષ્યે જીવનસાધનામાં ખરેખર તો પોતાને જ સરખા-સમા કરવાની સાધના – આત્મસાધના કે અધ્યાત્મ-સાધના કરવાની રહે છે. એ ન હોય તો જીવન ગતિ – પ્રગતિરહિત પાષાણી ઘટનારૂપ જ બની રહે.

જીવન છે તો તેમાં ભોંઠા પડવાના, ભૂલા પડવાના લડવાના, રડવાના જેવા અનેકાનેક વિષમ અનુભવો અવારનવાર કરવાના થાય. દૂરથી એક લાગે ને વાસ્તવમાં નજીક જતાં એથી વિપરીત જ અનુભવ થાય! શ્રદ્ધા ખંડિત થાય, આશાનો તંતુ તૂટી જાય, વિજયનો આનંદ માણી ન શકાય, સતત અજંપા ભરેલી નિરાધાર અવસ્થામાં પોતાની જ અસલિયતને ઓળખવા – પામવાની મથામણમાં ભટકવું પડે – આવી આવી તો અનેક વ્યગ્રતા ને વેદના જન્માવનારી પરિસ્થિતિઓમાંથી મનુષ્યે પસાર થવાનું થાય; પરંતુ મનુષ્યમાં સત્ત્વ હોય; પ્રભુની સત્યતા ને સત્તામાં ઊંડી શ્રદ્ધા હોય તો છેવટે તેને ઠરવા જેવું ઠામ-ઠેકાણું, વિરામ-વિસામો તો મળી જ રહેવાનાં. જે પ્રભુનું નામ દઈને, એની શક્તિસત્તામાં ઊંડી શ્રદ્ધા રાખીને જીવનમાં આગળ વધે છે એને એનું ઘર પ્રભુના ચરણોમાં છેવટે મળી જ રહે છે; એને ખરેખર પોતાની આત્મખોજ ફળતી લાગે છે અને એને પ્રેમ તથા પ્રસન્નતાનો સમૃદ્ધ અનુભવ છેવટે સાંપડે જ છે. નિરંતર લડાઈ એ જો મનુષ્યની નિયતિ છે તો છેવટે પરમાત્માના ચરણોમાં પોતાની પૂર્ણ શરણાગતિ – એમાં જ એના હોવા – થવાની પરિણતિ છે એમ આ ગઝલમાં ઊંડે ઊતરતાં સમજાય છે. બધી આળપંપાળ છોડી પરમાત્માના ચરણ ગ્રહતાં જ પરમ સુખ, પરમ શાંતિ ને પરમ મુક્તિનો આનંદપ્રસાદ મનુષ્ય મેળવી શકે છે.

આખું કાવ્ય તેના નાયકની ઉક્તિ રૂપે રજૂ થાય છે. તેમાં જીવન-જગતવિષયક કાવ્યનાયકના સૂક્ષ્મ લાક્ષણિક મર્માનુભાવોના સંકેતોયે અનેક શૅરોમાં આવેલા જણાય છે. પોતે જ પોતાને જડતા હોય – મળતા હોય, પોતે જ ખુશી ને આશાના સંબંધમાંયે સતત લડતા હોય, પોતાને અનાદિ કાળથી ભૂલ્યા પડ્યાનું અનુભવતા હોય – આવા અનુભવો છતાંયે આ શ્રદ્ધાળુ આસ્તિક કવિ પ્રભુનું નામ અને પ્રભુના ચરણ ન છોડતા હોય તો એમાં અનુસ્યૂત એમના જીવનલક્ષી મર્મ-ધર્મનો અંદાજ આપણને આવવો જોઈએ. ખરેખર તો પ્રભુનું નામ લઈને જ જીવનમાં ખરા રસ્તે પડાય. પ્રભુના ચરણ ગ્રહતાં જ ત્યાં જ મનુષ્યને એનું ખરેખરું ઘર – એનું ઠામ-ઠેકાણું સાંપડી રહે છે. આ ગઝલ એ અંગેનો સંકેત વિનીત અને વિશિષ્ટ રીતે કરીને રહે છે. આ ગઝલની શૅરિયત – એની ગઝલિયત એના સર્જકની આ સ્વરૂપમાંની પારંગતતાની દ્યોતક છે. ગુજરાતીમાં આવી મર્માળુ ને મર્મીલી કથન-શૈલીવાળી ગઝલો ઓછી જ છે. `શયદા’ની આ ગઝલમાંની સિદ્ધિ-રિદ્ધિ તેથી જ ભાવકને આહ્લાદક ને ઉદ્બોધક લાગે છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book