પ્રથમથી જ રિવાજ છે વિશે – રમણીક અગ્રાવત

જલન માતરી

પ્રથમથી જ રિવાજ છે

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે

કોઈક આનંદ હોય છે. કોઈક ફરિયાદો હોય છે, કેટલીક ખુશી-નાખુશી હોય છે. જેને એકાંતમાં અંકે કરવા ઇચ્છતા હોઈએ છીએ ત્યારે ગઝલ જેટલું હાથવગું અને એટલું જ સંવેદનવગું કોઈ અન્ય ઉપકરણ નથી. આ જેટલું સર્જક માટે સાચું છ, તેટલું જ કોઈ ભાવક માટે પણ સાચું છે. પ્રિયતમા સાથેની વાતચીત માટે પ્રયોજાતી ગઝલે ધીરે ધીરે સૌ પ્રિયજન સાથે પણ સંવાદ સાધી લીધો છે. માત્ર બે જ પંક્તિના શેરથી માંડણીમાં કથનને નિરૂપવાની કવિને શરત કહો તો શરત, આદેશ ગણો તો આદેશ છે. બે બે ડગલે ચાલતો/ચલાવતો સર્જક જોતજોતામાં કોઈક નવીન આશ્ચર્ય વચ્ચે, કોઈ નહીં ધારેલા ઘટસ્ફોટમાં આપણને મૂકી દે, ત્યારે અચંબિત થઈ જવાય. અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન (સૈયદ) એવા શાયર છે, જેમની રચનાઓ દોમદોમ સાદગીથી સમૃદ્ધિ હોય છે. ઓળખાણ ન પડી? એમનું તખલ્લુસ એવું તો પ્રચલિત થઈ ગયું છે, શક પડે તે શાયર પોતેય મૂળનામ ભૂલી બેઠા હશે? સરળ કથનને છેડે ‘જલન માતરી’ એવો વળાંક રચી દે છે કે રચના તેની બાંકી અદાથી રસિકજનનાં સ્મૃતિપટમાં એક જગ્યા બનાવી લે છે. દા.ત. આ મિસરામાં આવોઃ

હવે દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો.

કોઈક ઉતાવળમાં વાહ-વા કરી મૂકે. વ્હેંચીને પી નાખવાની વાત, વાહ ગઝલનો બહુ જાણીતો મુકામ! પણ થોભો સાની મિસરામાં કેટલી સિફતથી કવિ આ વાતને ઊંચકી લે છે, તે જુઓઃ

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

હવે શંકરની રાહ ન જોતાં, જે આપણાં ભાગનું ઝેર પચાવી લેશે. આપણાં ઝેર ખુદ આપણે જ પચાવવાનાં છે. નિર્ભાંતિની ક્ષણને ખૂબીથી આ સર્જક ઉપસાવે છે. એમનો અન્ય એક સુંદર શેર માણોઃ

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

નદી અને પર્વતની સગાઈને કવિએ વિદાયના કરુણ-મંગલ શુકનમાં ગુંજતી કરી દીધી. દરેક કન્યાને અચૂકપણે પિયરઘરને છોડવાનું હોય છે. પિતાના ઘરનાં અન્નને પાછળ ફગાવીને તેણે નવા સમયમાં કંકુપગલાં માંડવાં જ રહ્યાં. માત્ર બે જ પંક્તિમાં લાગણીનો કેવડો મોટો મુલક ક્ષણભરમાં ખડો ઘઈ ગયો! ધાર્મિક આસ્થા ધરાવનારાઓએ પોતપોતાનાં ધર્મપુસ્તકો જરૂર વાંચ્યાં હોય છે. પણ એક સર્જકની નિસબત એ જ પુસ્તકને કેમ વાંચે છે તે જરા જુઓઃ

શ્રદ્ધાનો હો વિષય તો પૂરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

આપણને દસ્તાવેજોમાં પાને પાને કરાવાતી ઢગલાબંધ સહીઓનો અનુભવ છે, એ અનુભવનો કવિએ શ્રદ્ધા સાથે કેવો અનુબંધ રચી લીધો! કુરાનમાં ક્યાંય પણ પયગંબરની સહી નથી જ. સાવ સાચું. તોપણ કેવી અડગતાથી શ્રદ્ધાળુના દિલમાં કુરાન ઊભું રહે છે, કેવી અડગતાથી શ્રદ્ધાળુને દીનમાં ઊભા રાખે છે કુરાન! કોઈ મસમોટા નિબંધને પણ સમજાવતા પરસેવો પડે તે વાત કેવી શીરા પેઠે ગળાં હેઠ ઊતરે!

કવિ કેટલીક સમજણોને જરા મોટેથી કહી ઘંટી લેવા ઇચ્છે છે, સુખ અને દુઃખનું જોડકું તો જ્યાં જુઓ ત્યાં જોડે ને જોડે. એક હોય ત્યાં બીજું હોય જ. જુઓ કેવી હળવાશથી આ આખી વાતને કવિએ ઉકેલી લીધી છે. સુખ જેવું જો જગતમાં હોય તો તે અમારા દુઃખનો ગુલાબી મિજાજ જ છે. દુઃખ, દુઃખ અને દુઃખ જ છે જગતમાં એ મહાવીરકથન અહીં નવીન સજ્જા ધરે છે. રંગના એક લસરકે જાણે ચિત્રમાં જીવ રેડાઈ રહે છે. આટલી ચુસ્ત શેરિયતમાં આટલી દુરસ્ત વાત! હા ભણ્યે જ છૂટકો. મરી જવાના નામ સાથે જ પ્રથમ તો ફડકો પડે. મરવાનું કોણ ઇચ્છે? પોતાનું તો નહીં જ, પોતાનાં પ્રિયજનનુંય મરણ કોઈ ન ઇચ્છે, આ આખી વાત કેવા અંદાઝમાં રાખી દીધી છે તે જુઓ. મરી જવાનો જ્યાં પહેલેથી જ રિવાજ થઈ પડ્યો છે, ત્યાં અનુકરણ કરવું જ રહ્યું. બધાં જ મરે છે તો ચાલો મરી પણ લઈએ!

તમામ આસ્થાઓનાં મૂળ જોવાં જઈએ તો જરીક ચલિત થઈ જવાય, બહુ ઊંડે ઊતરીને ખાંખાખોળાં કરવાં જેવું નથી. ખુદાનું અસ્તિત્વ પણ આસ્થાના ટેકે ઊભું રહેલું છે, ત્યારે અન્ય સાવ નાશ્વંત નામોની તો ક્યાં વાત જ રહી? જેમ વહેમનો ઇલાજ નથી તેમ આસ્થાનો પણ ક્યાં આધાર મળે છે? છતાં હકીકત એ છે કે આસ્થા અને વહેમ બન્ને જોડાજોડ ટક્યાં છે. ટકવા માટેની જ હોડ મચી છે ચારે તરફ. ટકવાની આ મરણતોલ દોડમાં કોણ કોનો પગ કચડી બેસશે કંઈ હેવાય તેમ નથી. આ દુનિયા ભલે લાગતી હોય જાણે મારે માટે જ બનાવી હોય તેવી, પણ હું એક જ જાણું છું કે આ ટકી રહેવાની મથામણ શું ચીજ છે. લોકોનું જો ચાલે તો હાથ પગ પણ મૂકવા ન દે. કલાકની મુસાફરીમાંય જો છાપું-ચોપડી કે રૂમાલ કે થેલી મૂકીને જગ્યા અંકે કરી લેવાતી હોય તો આ મોટી મુસાફરીમાં તો શું શું ન થાય? અને મોટી મુસાફરીની વાત સાથે જ કવિચિતમાં જાણે કશોક ઝબકાર થાય છે. મોટાં ગામતરાંની વાત આ આખરી નમાજની યાદ રૂપે કૃતિને છેડે આવીને ઊભી રહે છેઃ

ઊઠ-બેસ વિણ, અજાણ વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાજ છે.

જ્યારે અંત આવશે ત્યારે કોઈ ચોઘડિયા વાગશે નહીં, કોઈ બ્યૂગલો ફૂંકાશે નહીં, કોઈ ઢોલ-નગારાં પિટાશે નહીં, સાવ પળમાં સમેટાઈ જનારા ખેલમાં અને એ ખેલ માટે જ કેટકેટલા ખેલાતાં હોય છે ખેલ? આ રમતને પડતી મૂકીને કોઈ એમ જ ઊભું થઈ જવા ઇચ્છતું નથી. ત્યારે એનો મલાજો કેવો જળવાવો જોઈએ તે કવિ આમ કહી ચીંધે છે. ‘ઊઠ-બેસ વિણ, અજાન વિણ’ સાવ સહજ. તમામ ઉત્પાતોને ઠારતાં ઠારતાં ઠરી રહેવાનું છે… હા, એવો પ્રથમથી જ રિવાજ છે, ભૂલી બેસાય તે જરા જુદી વાત છે.

(સંગત)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book