પલંગના વૈભવ સાથે પતંગનું પતન – રાધેશ્યામ શર્મા

રાજેશ વ્યાસમિસ્કીન

મંદિર, કબાટ, ચૂલો

મંદિરકબાટ, ચૂલો ખુરશીપલંગ જેવું,

કવિશ્રી રાજેશ વ્યાસની આ તરોતાજા ગઝલનું સંરચન ‘જેવું’ના રદીફથી એવું વિશિષ્ટ બન્યું છે, જેની વાત–બલકે આસ્વાદ હવે કરીશું. ગઝલ–પિંગળશાસ્ત્રના સંદર્ભે આ સર્જક ‘મિસ્કીન’ નથી. અસહાય નથી. રદીફ એમની વહારે ચઢવા તદ્દન સહજ રીતિએ આવી ચઢે છે.

મતલાથી મક્તાની શબ્દસફરમાં ‘જેવું’ વિશેષણનો વિનિયોગ વિરલ છે. પ્રથમ શેરની પહેલી પંક્તિથી જ ‘જેવું’નું પ્રચલન, રદીફ રૂપે આખી કૃતિમાં આબે–અંગૂરીની જેમ (અથવા ‘જેવું’) પ્રસરી વળ્યું છે!

મત્લાની બીજી કડીમાં આવતા ‘પ્રસંગ જેવું’નું ઉપમાનુસન્ધાન મક્તાની એવી બીજી કડીમાં ‘પતંગ જેવું’ થઈને પ્રાસની યથાર્થતા પણ પુરવાર કરે છે. એક અદના ભાવક તરીકે, છૂટ લઈને એ ઉભય પંક્તિઓને યોજી જોઉં છું:

ઘર મહેલ બનવા, ઝંખે પ્રસંગ જેવું
પરવશ હૃદય કપાયેલ કોઈ પતંગ જેવું.’

શેરની પ્રથમ પંક્તિને જતી કરી બીજી પંક્તિની વાત કરવામાં–કવિની ક્ષમા યાચી–મારી એક નમ્ર ભાવકની અંગત કાવ્ય–આકૃતિ પેશ કરવાની ચેષ્ટા જોશો? હવે ત્રીજો અને ચોથો શેર આ રીતે પ્રમાણો:

સુખ આપતું ઉનાળે કોઈ ઉમંગ જેવું
કૈં જીવવું મળ્યું છે અમને સળંગ જેવું

ઉપર અગાઉ ‘પતંગ’ની વાત સાથે ‘ઉમંગ’ શબ્દને સાંકળતાં આનંદ બક્ષીની જાણીતી લીટીઓ જહનમાંથી ઝમી ઝણઝણી ઊઠી: ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ – મેરી જિંદગી હૈ ક્યા–એક કટી પતંગ હૈ…

આ કટી પતંગની પ્રસ્તુતતા પરખવી હોય તો હવે ત્રીજા તેમજ ચોથા શેરની પ્રથમ પંક્તિઓને એક સાથે સંકલિત કરી લો, આવી રીતેઃ

ક્યારેય પણ ફળ્યું ના જે વૃક્ષ આંગણાનું
કટકા કરે હજારો, આવે ખ્યાલ સહેજે

પતંગો વૃક્ષમાં ફસાતા હોય છે અને કર્તા અહીં પ્રાંગણનું વૃક્ષ નિષ્ફળ થયાની જિકર કરે છે. ત્યાર પછી, હજારો કટકાવાળી કડીમાં વિધાતાને, નિયતિને હજારો પંડિત કટકા કરનાર તરીકે નિરૂપી સહેજેય ખ્યાલ ના આવે એટલી સહેજાસહેજ સરળતાથી જીવનની અખંડિત સ્થિતિ વિધાયક દૃષ્ટિથી પેશ કરે છે.

ગઝલનો પ્રત્યેક શેર ભાવ–ભાષાકર્મ રૂપે, કેટલીક વાર તો પહેલી અને બીજી કડી રૂપે પણ નિજી ચાલે સ્વ-તંત્ર હોય તે આનું નામ.

ખેર, બીજો અને પાંચમો શેર ઉપરની પદ્ધતિએ માણીએ:

વરસાદમાં વગાડે કૈં જલતરંગ જેવું
લાગ્યું અહીં જીવનમાં જે અંતરંગ જેવું

જલતરંગ–અંતરંગના ઉપર્યુક્ત પ્રાસ ઍપાર્ટ, શેરની પહેલી કડીમાં દેહ સાથે ઘરનો ખૂણો ઝળકાવ્યો છે જ્યાં વરસાદમાં ‘કોઈ’ નહીં, ‘કૈં’ જલતરંગ જેવું વાગે છે. સંભવતઃ ઘણા જલતરંગ જેવું વાગે છે ઘરખૂણે.

સળંગ જીવનના ઉલ્લેખ બાદ, પે…લા અખંડ જીવનની ઊંડળમાં વિ-યોગનું સ્થાન છે. અંતરની, અંતરાલની સ્વીકૃતિ પણ છે:

છેટું પડ્યું પછીથી જન્મોનુંજોજનોનું.’

જન્મ–જન્માન્તરના અનુભવ પછીયે જીવનમાં ‘અંતરંગ’ની દશા આત્મીયતા સૂચવે છે. ત્યાં અંતઃકરણમાં અંતર નથી, ડિસ્ટન્સ નથી.

એવી જ પૂર્વ વિલક્ષણ પદ્ધતિએ, મતલાની સાથે મક્તાની પહેલી પંક્તિ સંયોજીએ:

મંદિરકબાટ, ચૂલો ખુરશી પલંગ જેવું
દોરીહવા બધુંયે પાસે ઘણું છતાંયે

ઘરમાં મંદિર છે, કબાટ છે, ચૂલો છે, ખુરશી છે, પલંગ છે, એમ ઘર મહેલ બનવાના પ્રસંગને ઝંખી રહ્યું છે. પરંતુ પલંગનો મત્લામાં સંકેતાયેલો વૈભવ – દોરી – હવા બધુંયે પાસે હોવા છતાં હૃદય તો કટી પતંગ જેવું જ અંતે અનુભવે છે!

અંતે, પલંગનો વૈભવ પતંગના પતનમાં પરિણમ્યો છે!

ગઝલ શાસ્ત્રથી વિભિન્ન, બલકે વિપરીત પ્રવિધિ પ્રયોજવા છતાં કવિવર રાજેશ વ્યાસપ્રણિત ‘મારી ગઝલ-આકૃતિ, કરુણ રસને એટલી સૂક્ષ્મતાથી, એવી વ્યંજનાથી મંડિત થઈ છે કે ઑર ક્યાં કહૂં? કહું તો મનોમન બોલૂં… દુબારા મિસ્કીન! જોકે સર્જક તો આથી બિલકુલ જુદું જ કહી શકે, કવી શકે:

સુખ આપતું ઉનાળે કોઈ ઉમંગ જેવું
મેં જીવવું મળ્યું છે અમને સળંગ જેવું

અપની અપની પસંદ…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book