નીરખને ગગનમાં કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નરસિંહ

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,

ભક્ત જ્યારે ભાવોની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સચરાચર વિશ્વ આખામાં તેને સર્વત્ર દેખાય છે તેનો ભગવાન. અને તે વખતે ગગન ગગન નથી રહેતું; પણ એ બની જતું હોય છે સાક્ષાત્ ઘનશ્યામ. એ નટવર સાંવરિયો ‘સોહમ્’ના મનોહર શબ્દરવથી આખા અવકાશને ભરીને કરી રહેતો દેખાય છે થનગન થનગન નૃત્ય. જન્મજન્માંતરથી હૃદય જેને માટે આકુળવ્યાકુળ થયું હોય છે એવા ઘનશ્યામ કૃષ્ણનું દર્શન થાય એ નિરવધિ આનંની તોલે શું આવી શકે તેમ છે આ જગતમાં? પરમ આનંદની એ ક્ષણે હૃદય ઝંખી રહેતું હોય છે મૃત્યુને, કારણ કે ક્ષણને શાશ્વત બનાવી દેવાની શક્તિ રહી છે માત્ર એની જ મુદ્રામાં. ને જીવનમાં શાશ્વત બનાવવા જેવી કોઈ હોય તો તે છે માત્ર એ જ ક્ષણ.

એ મનમોહન શામળિયો છે પરમ સૌંદર્યનો પારાવાર ને એનો સાક્ષાત્કાર છે મનોનયને કોઈ અનંતાનંત મહોત્સવ. એ સૌંદર્યનું આકલન થઈ શકે છે હૃદયથી, બુદ્ધિથી નહિ. મનુષ્યની બુદ્ધિમાં એને સમજવાની શક્તિ જ નથી હોતી. બુદ્ધિ ગમે તેટલું મથે તો પણ એ આનન્દસૌંદર્યનું મૂળ એને મળી શકતું નથી. એ મૂળ હાથમાં આવે છે માત્ર પ્રેમથી. ને મૂળ હાથમાં આવ્યું એટલે જડ અને ચૈતન્ય વચ્ચેનો ભેદભાવ ટળ્યો; અને જડ અને ચૈતન્ય વચ્ચેનો ભેદભાવ ટળ્યો એટલે એ બની ગયાં રસો વૈ સઃ! માત્ર પ્રેમ વડે જ મનુષ્ય સાક્ષાત્કાર કરી શકે છે રસરૂપ, ચૈતન્યધન પરમાત્માનો.

એની સુવર્ણરગી કોર હજી તો જ્યાં જરાક નીકળી ત્યાં જ ઝળહળી ઊઠતું હોય છે તેજ, એક સાથે પ્રકાશી ઊઠતા કરોડો સૂર્યના તેજ જેવું. એ તેજ જાણે સોનાનું પારણું; ને એ સોનાના પારણામાં ઝૂલી રહ્યો અનુભવ છે આનંદક્રીડા કરતો સત્, ચિત્ અને આનંદસ્વરૂપ પરમાત્મા! પ્રેમથી પેલું આનંદસૌંદર્યનું મૂળ હાથમાં આવ્યું કે તરત મનુષ્ય પહોંચી જતો હોય છે તમસમાંથી જ્યોતિમાં; ને તેના ભાન થાય છે કે આ સ્થાવર-જંગમાત્મક વિશ્વ આખું છે સચ્ચિદાનંદરૂપ પરમાત્માનો જ કેવળ વિલાસ!

એ પરમાત્મા છે જ્યોતિર્મય-જ્યોતિર્મય નહિ, ખુદ જ્યોતિ જ. એ દીવો એવો છે, જેને નથી બત્તી, નથી તેલ, નથી વાટ; ને છતાં એ સદાકાળ ઝળક્યાં જ કરે છે સ્થિરતાથી. એ પરમાત્મા સ્થિર ને શાશ્વત છે; અજન્મા ને અવ્યય છે, એ સર્વનો આધાર છે, પણ એને કોઈના આધારની જરૂર નથી, ઇન્દ્રિયોથી એને પારખી કે પામી શકાતો નથી; ને એ કેવળ સ્વાનુભૂતિનો જ વિષય છે.

આ સચરાચર વિશ્વમાં એ એક જ તત્ત્વ એવું છે જેનો કદી નાશ ન થતો હોય. બુદ્ધિથી એ કળી શકાતો નથી અને છતાં, નીચે ને ઊંચે અધઃ અને ઊર્ધ્વ, વિશ્વની અંદર ને વિશ્વથી પર મહાલી રહ્યો અનુભવાય છે એકલો એ જ; ને વ્યાપી રહ્યો છે એ સર્વમાં ને સર્વત્ર. બુદ્ધિથી કે જ્ઞાનથી એને જાણવા કે પામવા મથનારના હાથ હેઠા પડતા હોય છે. ને છતાં સંતો-સાચા એકનિષ્ઠ ભક્તજનો પ્રેમના તાંતણાથી એને બાંધી લેતા હોય છે. બુદ્ધિમાનો અને જ્ઞાનીઓને અગમ્ય રહેનારો કૃષ્ણપરમાત્મા ભોળા ને ભાવુક ભક્તજનોના પ્રેમને વશ થઈ જતો હોય છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book