ધુમ્મસનો નશો અને નકશો – જગદીશ જોષી

કવિ વિનાનું ગામ

અનિલ જોશી

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા

આ કાવ્યને ત્રણ રીતે – અથવા ત્રણમાંથી કોઈ એક રીતે – તપાસી જુઓ તો અવશ્ય આનંદ આવશે. પ્રકૃતિનાં સુંદર શબ્દચિત્રો જ જુઓ કે આખા કાવ્યને having loved and lostના એક ભટકતા ઉદ્ગાર તરીકે જુઓ અથવા તો પરંપરાનો દ્રોહ કર્યા વગર પરંપરાને અતિક્રમી જતા કાવ્યપ્રકાર તરીકે જુઓ. માણવા જેવું છે.

જીવનમાં જે કંઈ માણ્યું હોય તે મનમાંથી ખસતું નથી. સૌંદર્ય જેટલું બહાર નહીં હોય એટલું જોનારની આંખમાં હશે. જે પહાડને આપણે ખૂંદ્યા છે એને ઊંચકીને આપણે સાથે લઈ જઈ શકતા નથી. તો સામે એ પહાડ આપણા હાડમાંથી છૂટતા પણ નથી. પ્રકૃતિ સાથે ગાળેલી એકાદ ક્ષણની આત્મીયતા કેવો ચિરંતન ઝંકાર મૂકી જાય છે!

‘પ્હાડ મૂકીને આવ્યા’ – આવવું પડ્યું – એ વાતનો કવિને વસવસો ભલે છે; પણ એમના ખાલી હાથમાં પોતે પરોઢનું ઝાંખું અજવાળું કેવું ચોરી લાવ્યા છે! કવિનો આ તો કીમિયો છે. પહાડ પરનું પરોઢ રમે છે આંખમાં, છતાં કહે છે કે અજવાળું ‘હાથ’માં ઊંચકી લાવ્યા છીએ. બારીમાંથી આકાશ બધાએ જોયું છે છતાં આકાશમાં ‘હારબંધ ટહુકાની બારી’ તો કવિ જ ખોલી શકે.

કવિ પરોઢની વાત ટહુકાથી કરે છે, થોડી ક્ષણો માટે ઝળહળી ઊઠતી ઝાકળથી કરે છે: અંધકારથી કાળો થઈ ગયેલો, અંધકારના ‘ભણકારા’ જેવો ભમરો ફોરમનું ચિત્ર દોરે છે. અહીં દૃશ્ય અને અદૃશ્યની લીલા આદરી છે. ટહુકાને બારીનું રૂપ આપ્યું છે અને ફોરમની રેખા આપી છે. પતંગિયાની પાંખે ઊડતા અને એની પાંખથી વહેતા ધુમ્મસ ‘પીવા’નો સ્વાદ કે આસ્વાદ જીવને કેવો લાગે એનો અનુભવ તો કવિ જ આપી શકે. પાંચ નહીં, પણ છઠ્ઠી ઇન્દ્રિયવિશેષથી કવિ આ પ્રકૃતિને ખોબે ખોબે પીએ છે.

પહાડ પર હતા ત્યારે પહાડનું વાતાવરણ હતું, ધુમ્મસનો નશો અને નકશો હતા. પણ જ્યારે ‘પ્હાડ મૂકીને’ ઢાળ ઊતરવાનો વખત આવે છે — અને એ અવશ્ય આવે જ છે — ત્યારે ઝાંખીપાંખી એકલતા સિવાય કોઈ કરતાં કોઈ ટેકો રહેતો નથી. પલાશવનની મહેક પણ હવે તો અનેક મોસમનાં હરણોનાં ચરણોમાં છુટ્ટેદોર ભાગી છૂટે છે. કશુંક ચાલી જાય છે, કશુંક છોડવું પડે છે, તાગેલાંને ત્યાગવું પડે છે ત્યારે એનો થાક — ધોવાઈ જતું અસ્તિત્વ — કેવું વસમું લાગે છે એની વાત કવિ એક જ પંક્તિમાં કરે છે: ‘પર્વત આખો થાકે મારા થંભેલા ચરણોમાં’. ગતિ એ જ જીવન. થંભ્યા એટલે મરણ. હવે કવિ મનની વાત કરે છે. જે પહાડ પહેલાં સજીવ હતો — ટહુકાથી, સવારના અજવાળાથી, પતંગિયાથી, ભમરાથી, ફોરમથી — તે હવે સૂમસામ લાગે છે. પહાડ ખૂંદતા હતા ત્યારે જે હતો એ રઝળપાટ ન હતો: પણ પાછા ફરીને, ફરી પાછા, આ કવિસૂના ગામના કોલાહલોમાં ભટકવાનું આવ્યું એ જ મનનો ભાર, મનનો રઝળપાટ. અવાજનાં જંગલોને વીંધીને પેલી પહાડની માયા મનમાં શૂળ થઈને ફરી ફરી ચિત્કારી ઊઠતી હોય ત્યારે આખું અસ્તિત્વ સૂમસામ લાગે.

અહીં એક મુદ્દો તપાસી જોવા જેવો છે. અક્ષરમેળ છંદના આધાર વિના પણ, આ લયાન્વિત પંક્તિઓ, પ્રવાહી માત્રામેળથી, કાવ્યના શિલ્પને કેટલી હદે દૃઢ અને સ્નાયુબદ્ધ કરે છે! આ ચૌદ પંક્તિઓ પાછળ, કેવળ ચૌદની સંખ્યા છે માટે જ નહીં, સૉનેટનો ધબકારો સંભળાય છે, આ પરંપરાગત સૉનેટ નથી: અને છતાં અહીં પરંપરાનો દ્રોહ પણ નથી. બહારનું વાતાવરણ, બહારની આબોહવાની વાત કરતી અનિલ જોશીની આઠ પંક્તિઓ ભીતરની આબોહવાની વાત કરવા નવમી પંક્તિએ કેવો વેધક વળાંક લઈ લે છે એ જોતો જોતો જ અહીં અટકું છું.

૬-૪-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book