થથરે તળાવડી ને ફરકે ફણગો… – રાધેશ્યામ શર્મા

કાનજી પટેલ

દવ

પહેલાં હથેળી જેટલી ભોંયમાં

‘દવ’ વાંચી રહેતાં જ કવિતા, કવિતાની વ્યાખ્યા અને કવિતાના અર્થ–ધ્વનિ-અનુભવના પરંપરાગત વિચાર–વનમાં દવ લાગી જાય!

ભાષાકર્મ, શૈલીમર્મ તપાસતાં, અનુભવતાં શ્રીફળનાં છોતરાંપોતે પર ભાવકની ચેતના ઘસરકા પામતી જાય.

સફરજનની સુંવાળપ ઉપર દાંત બેસાડવાની ટેવવાળાને નાળિયેરનાં છોતરાંમાં દાંત ચોંટી જવાની કે દાઢદાંત ઊખડી પડવાની ભીતિ લાગે!

વનમાં વ્યાપેલા દાવાનળનું, દાવાગ્નિ–વ્યાપનની ક્રમશઃ પ્રક્રિયાનું વર્ણન જાનપદી, તળ બોલીના સંસ્કારપૂર્વક અહીં મળ્યું છે.

સંવેદનને અહીં દીવો લઈને ગોતીએ ત્યારે ઉત્તરાર્ધમાં ઝીણું ઝીણું ઝબકી જતું મળે.

તત્ત્વવિચારને અહીં પૂરતો અવકાશ નથી. રસદૃષ્ટિએ રસ છે ‘ખાખરાનો રસ’!

‘અર્થઘટના પ્રયોજન અર્થે શોધના ક્ષેત્રમાં ગતિ’ કરી શકાય એવું બધું છે પણ તો પછી કાવ્યની કા ગતિ!? નથી એમાં રુચિ…

કાવ્યકૃતિ પ્રત્યેક ભાવકને સ્વતંત્ર આત્મલક્ષી આસ્વાદનો અવકાશ આપે છે. ભાવકના સ્વાતંત્ર્યનું, ભાવકના રુચિવૈવિધ્ય અને વૈભિન્યનું રચના સ્વાગત કરે છે. કોઈ એક જ ભાવકના અર્થઘટનને, મર્મઘટનને અંતિમ અને સંપૂર્ણ માનવ–મનાવવાની ચેષ્ટાને અહીં માન્યતા નથી.

કાવ્યસર્જન જેમ આત્મલક્ષી પ્રવૃત્તિ છે એ જ રીતે કાવ્યાનુભવ, કાવ્યાનુભાવન પ્રત્યેક વાચકની વૈયક્તિક સ્વાદક્ષમતાનો સૂચક સંકેત પણ છે. હવે વાત કરું…

‘દવ’ વાંચી રહેતાં જ પ્રાચીન લોકકવિ, ભક્તકવિની લીટીઓ રણકી રહી ‘ડુંગરિયે દવ લાગ્યો…’

‘દવ’નો પ્રચલિત અર્થ દાવાનળ, તેમ દવ એટલે વન પણ થાય. વાંચી શકાશે કે પ્રારંભની ત્રણ પંક્તિમાં ‘પહેલા’ અને ‘પછી’ના ઉલ્લેખથી જ રચના–સમગ્રમાં દાવાનળ ફેલાવાની ક્રમિક પ્રક્રિયા પ્રસ્તુત થઈ રહી છે.

ગદ્યકાવ્યમાં અપેક્ષિત કરકસરનો એવો લાભ લેવાયો છે કે શબ્દાડંબરને વિદાય કરવાની સાથે ન એક શબ્દ આઘો ન પાછો, એમ ચુસ્ત ઇબારતબાની આલેખાઈ છે. ગદ્યને કવેતાઈથી મુક્ત રાખી છેક બરછટ ગદ્યાળુતાનો સ્પર્શ ભાવકને સાભિપ્રાય થવા દીધો છે. એક પ્રકારનું પ્રશિષ્ટ નિર્મમતાપૂર્વકનું શબ્દપ્રવર્તન.

હથેળી જેટલી ભોંયમાં ભૂકો સળગે પછીની પંક્તિમાં ‘તંગલા’ (તણખા) શું કરે છે? ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે! (મજ્જા સ્ત્રીલિંગ હોવાથી વૈયાકરણી ઊંઘતા મજ્જાને સ્થાને ‘ઊંઘતી મજ્જા’ માનવા પ્રેરાશે) તણખાથી આગ પ્રજળે પણ અહીં તો ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે છે! વાસ્તવિકતા સાથે છેડો ફાડી દીધો છે કેટલીક પંક્તિઓ પૂરતો.

‘દીવા’ સાથે ફૂંક મારવાના, ફૂંકથી દીવો હોલવવાના સંસ્કાર- સાહચર્યથી વિપરીત ‘ફૂક’નો પછી વિલક્ષણ ઉપયોગ જુઓ: ‘ફૂંક અગ્નિ અને ભડભડ ભેગાં વહે ઘાસ પર.’ ફૂંકનો અગ્નિ અને પ્રજ્વલનના ધ્વનિ ભડભડની ક્રિયા સાથે સંધાન કરી એ ત્રણેને ભેગાં ઘાસ પર વહેતાં કર્યાં છે. અગ્નિને, પવનથી ફૂંકથી ઘાસ પર પ્રવાહિત જોવાનું દૃશ્ય, તાદૃશ ઝડપાયું છે.

‘ભડભડ’નો વહ્નિનાદ, પ્રજ્વલન પછી ખાખરાનો રસ છાલ પર આવતાં ‘ચરુંણ ચરુંણ’ના ધ્વનિ સાથે સંમિશ્રિત થયો છે.

તાંબા અને કૂંપળનો વિચિત્ર સમાસ નોંધો. ‘તાંબાકૂંપળ લબડી લોથ.’ ફોલ્લા ફાટ્યા પછી તામ્રવર્ણ ફણગા લબડીને લાશ થઈ ગયા! (‘કૂંપળ–અંકુર’નો સંબંધ કૃતિના અંતે આવતા ‘ફણગો’ના સંકેત સાથે સંકલિત કરવાનું રસપ્રદ બનશે.) ઊના પ્હાણ પર ધાણી કીડી…પ્હાણા ઊના લાય થયા ત્યાં ધાણી ફૂટે એમ કીડી ઊડતી દર્શાવાઈ છે. દાવાનળની જ્વાળાઓમાં બધું અસ્તવ્યસ્ત રંગોમાં ને આત્મલક્ષી કલ્પનશ્રેણીમાં મૂર્ત કરાયું છે: કાળાનીલપીલ લબકતા કરવત સાપ કાપે ચાટે. કરવતની જેમ કાપતા કપાતા નીલા પીળા કાળા રંગના ઉલ્લેખ સાથે કાપવાની અને ચાટવાની ક્રિયાનો સમુચ્ચય અનોખો છે. બાદ, જ્વાળા અને ચામરને સાથે યોજી જ્વાળાને ચામર કે ચામરને જ્વાળા કહી ‘ઊછળક પાછી આવે’ એ વર્ણન ગતિશીલ છે.

આગ વ્યાપી વળી હોય વને ત્યારે પ્રકાશ છાયાની કેવીક ગતિવિધિ હોય?

વધે ઘટે અંધારું ઉપર
વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો

ઉપર અવકાશના વિશાળા પરદા ઉપર અગ્નિની નર્તનરીતિ સાથે અંધારું વધે ઘટે છે. પણ પછીની પંક્તિમાં ‘કોઈ’ વણતાં સાળકાંઠલો આઘોપાછો કરે ને એના કારણે અંધારું વધતું ઘટતું હોય – એ કલ્પન અવિસ્મરણીય છે. રચનામાં અહીં, કોઈના સંકેતથી કશોક પ્રાણસંચાર થાય છે. કર્તૃત્વનો સંકેત દૂરતર છે પણ છે ખરો.

વહ્નિનો વ્યાપ એકથી બીજી ટેકરી પર ‘હારાદોર તોરણ’ સળગવાની ક્રિયામાં ઉપમાનનું સામર્થ્ય સૂચવાયું છે.

આખા વનને ઊંડણમાં, બાથમાં લેતો અગ્નિ કેવી પરિસ્થિતિ સર્જે? પ્રચલિત ‘સૂકા ભેગું લીલું’નો પ્રચલિત પ્રયોગ કારગત છે, પણ ‘મુઆ ભેગું મારે, અક્કડને ઠૂંસાટે, નમતાનાં તોડે ત્રાજવાં.’ પંક્તિઓથી પ્રકૃતિના ત્રાજવાને અસમતોલ કરવાની સાથે વિનષ્ટિની એકસમાન નિઃસ્પૃહના પ્રત્યક્ષીકરણને પામી છે. અક્કડ હોય કે નમતું નમ્ર હોય–સૌને એકી લાકડિયે અગ્નિ યમવત્ હાંકે છે ને અંતે ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં બની જાય છે.

ઝાડવાં ભોંય ઢળીને ઢગલો…થી ઠેર ઠેર મૂળિયામાં ભઠ્ઠા એ પાંચે પંક્તિ આ ચુસ્ત બંધવાળી રચનામાં મને મેદસ્વી પ્રતીત થઈ. વર્ણન જરીક નિબંધિયા અને સામાન્ય સ્તરનું પ્રવેશી ચૂક્યું. આટલો પંક્તિમોહ છૂટ્યો હોત તો?

અંતની ચાર પંક્તિ નિર્મમ દર્શન–વર્ણન ઉપરાંત કાવ્યકારની સંવેદનાપૂર્ણ નિસ્બતનું એક એક સંઘટ્ટનસિદ્ધ પ્રતીક હોય એવું અચલ છતાં પ્રાણવંત છે.

સળગે ચોફેર નારિયેળ
અંદર પાણી ઊનાં
વચમાં થથરે તળાવડી
ને તળિયે ફરકે ફણગો

અગ્નિએ પાણીને ઊનાં કરી કાઢવાની હદે દવે–વને–ડુંગરિયે દવ લાગ્યો છે. વચમાં ‘થથરે’ (ક્રિયાપદ નોંધો) તળાવડી, ને તળિયે ‘ફરકે’ (ક્રિયાપદ નોંધો) ‘ફણગો’માં રચના anthropomorphous turn. માનવભાવારોપણપૂર્વકનો વળાંક લે છે.

તળાવડી થથરે છે પણ એ જ પળે ફણગો તળિયે ફરકે છે. થથરવામાં ભીતિનું અને ફરકવાનું નવસર્જનનું સૂચન છે. પ્રજ્વલન દ્વારા વિસર્જન અને તત્ક્ષણે જ સર્જનનું સંચરણ અને કૃતિની યુગપત્ પરાકાષ્ઠા છે, ચમત્કૃતિ છે. પૂર્વે દવમધ્યે તાંબાવર્ણી કૂંપળ (ફણગો) લોથ લાશ થઈ લબડી પડી હતી એ જ અન્ય રૂપે અન્ય સ્થાને ફણગો થઈ ફરકી રહેલ છે.

અગ્નિપ્રલયની લઘુક આવૃત્તિ સમી ઘટના પછી નિસર્ગના છેક તળિયે ફણગો ફરકી રહ્યો હોવાની અંત્ય નોંધ વિસ્મયપોષક છે અને તેથી જ વિસ્મરણીય નથી.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book