ત્યાગ ન ટકે રે કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નિષ્કુલાનંદ

ત્યાગ ન ટકે રે

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરિયે કોટિ ઉપાય જી;

પ્રીતિની માફક ત્યાગ પણ કરવો સહેલો છે, નિભાવવો મુશ્કેલ છે. બીજાઓને ત્યાગ કરતા જોઈને દેખાદેખીથી આવેશમાં તો કોઈપણ આવી જાય ને ધન, માયા, સંસાર આદિનો ત્યાગ કરી નાખે. પણ દિવસો વીતતા જાય ને આવેશ ઊતરતો જાય તેમ તેમ કર્યા કર્મનો પસ્તાવો થતો જાય ને પાછા વળવાનો રસ્તો રહ્યો ન હોવાથી ધોબીના કૂતરાની જેમ તેનાથી યે ન રહેવાય ઘરના કે ન રહેવાય ઘાટના.

ક્લેશ માત્રનું મૂળ પરિગ્રહ છે એ વાત ખરી; અને સાચી ને ઊંડી શાંતિ ત્યાગ દ્વારા જ મળી શકે છે એ વાત પણ ખરી; પણ ત્યાગના મૂળમાં વૈરાગ્ય ન રહ્યો હોય, વસ્તુમાં દોષનું દર્શન થતાં એને માટેનો મોહ ખરેખર છૂટી ન ગયો હોય ને ત્યાગ કરવામાં આવ્યો હોય તો એ ત્યાગ શાંતિને નહિ પણ અશાંતિને વધારનારો નીવડે છે.

ને મોહનાં ને આસક્તિનાં મૂળ ઊંડાં હોય છે. જ્યાં સુધી પ્રસંગ પડ્યો નથી હોતો ત્યાં સુધી મનુષ્યને ખ્યાલ પણ નથી હોતો કે એ મૂળ કેટલે ઊંડે પહોંચ્યાં છે, ને મોહ જન્માવે એવી વસ્તુનો અભાવ હોય ત્યાં સુધી એ પોતને મોહમુક્ત માનીને ફુલાતો ફરતો હોય છે. પણ ઇન્દ્રિયની પાસે એનો ભોગ વિષ આવ્યો કે તરત માણસની પરીક્ષા થઈ જતી હોય છે.

જેણે શરીરે ભગવો ભેખ ધારણ કર્યો હોય છે પણ મન જેનું રંગાયું નથી હોતું તેવો માણસ સંસાર છોડ્યો હોવાથી ગૃહસ્થાશ્રમી મટી ગયો હોય છે; ને મનથી વિષયોનું રટણ કર્યા કરતો હોવાથી સાચેસાચા અર્થમાં વિરક્ત-વૈરાગી બની શકતો નથી. એટલે એની સ્થિતિ હોય છે બગડેલા દૂધ જેવી, જેમાંથી ઘી, મહી કે માખણ, કંઈ નીકળી શકતું નથી; ને દૂધ તરીકે જે પી શકાતું નથી.

આમ, આ કાવ્યમાં, ત્યાગ અને વૈરાગ્યના તત્ત્વનું આલેખન કરવામાં આવ્યું છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book