તારી સુવાસ વિશે – સુરેશ દલાલ

તારી સુવાસ

હરીન્દ્ર દવે

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,

સંખ્યાની દૃષ્ટિએ ગઝલ તો આપણે ત્યાં વધતી જ રહી છે. પણ આ સૂક્ષ્મ અને નાજુક પ્રકારની જે રીતે ઊંડાણથી માવજત થવી જોઈએ એ રીતે થતી નથી. ક્યારેક કોઈક સારી ગઝલ વાંચીએ ત્યારે દિલ બહેલે છે અને એના વિશે લખવાનું કલમને મન થાય છે.

કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કે કોલાહલ કર્યા વિના હરીન્દ્રે થોડીક ઉત્તમ ગઝલો લખી છે. જે પંક્તિઓ લખાઈ છે એ તો દેખાય છે પણ ઘણી વાર કવિતા જે નથી લખાતું એમાં પણ રહી હોય છે. એક ચિત્રકારે કહ્યું હતું કેઃ ‘I paint what I don’t see.’ કેટલીક કૃતિઓમાં વચ્ચે જે અવકાશ છે એમાંથી અર્થ શોધવાનો હોય છે.

તાજા જન્મેલા બાળકને સૂંઘ્યું છે? એની એક સુવાસ છે. નવાં ખરીદેલાં પુસ્તકની પણ એક સુગંધ છે. પહેલો વરસાદ પડે છે ત્યારે માટીની સોડમ અચાનક આપણા અસ્તિત્વમાં અંગડાઈ લે છે. શરીરને પણ એક સુવાસ છે. અહીં સહવાસની–સુવાસની વાત છે. ગાઢ આશ્લેષ અને આલિંગન પછી વિખૂટા પડ્યા પછી કાવ્યનાયકને પ્રતીતિ થાય છે કે હજીયે મારું શરીર તારા આશ્વેષને અને તારી સુગંધને સાચવી બેઠું છે. આ સુગંધનો પણ એક નશો છે. અસ્તિત્વમાં આ પરિમલની પરબ મંડાઈ છે.

આપણે એમ માનતા હોઈએ કે આપણા પ્રેમની વાત આપણે જ જાણીએ છીએ. પ્રેમ છૂપો કે છાનો રહેતો જ નથી. હોઠને બીડી શકશું પણ બોલતી આંખોને કેમ મૂગી કરીશું? આમ તો આપણા પ્રેમની વાત આપણા સિવાય કોઈ જાણતું નથી. કવિએ વિસ્મયને ઘૂંટ્યો છે. મેં તો ફૂલોને પણ વાત નહોતી કરી. ચમનને પણ કોઈ ખ્યાલ નથી અને છતાં પણ એ લોકો આપણી રહસ્યકથા કઈ રીતે જાણી ગયાં?

ઉત્કટતાનું બીજું નામ પ્રેમ છે. હજી હમણાં તો છૂટા પડ્યા અને ત્યાં તો તમે અહીં પાછા આ રસ્તે આવવાની ઉતાવળ કરો છો. તમે આટલી ઉતાવળ ના કરો. હું તમારી પ્રતીક્ષા કરું અને એ પ્રતીક્ષા કરતાંકરતાં મારી આંખને તમારે રસ્તે પાથરું પછી આવો.

તમે તમારા સ્વપ્નની વાત કરો છો, તમે જે કહેશો તે હું માની લઈશ પણ તમે તો ખુશનસીબ, તમને નીંદ આવી. તમને સમણું આવ્યું. તમે જાગી ગયા. તમારી સપનાની વાત કહેવા માટે પણ તમે તત્પર થયા પણ મારો તો ખ્યાલ કરો, મારી બે પાંપણ હજી ભેગી જ નથી થઈ.

પ્રેમમાં પડેલા માણસની સ્થિતિનો ખ્યાલ દુનિયાને ન આવે એ સ્વાભાવિક છે. એટલે એ લોકો આડીતેડી અવળી-સવળી, સાચી-ખોટી વાત કર્યા કરે એમાં એમનો વાંક નથી. જે વાતો કરે છે એ કદી પ્રેમ કરી શકતા નથી. અને જે લોકો પ્રેમ કરે છે તે લોકો પ્રેમ જ કરે છે. વાતો કરતા નથી.

આ ગઝલની વિશિષ્ટતા એ છે કે અહીં ચીલાચલુ વિરહની વાત નથી પણ બંને પક્ષે જે ઉત્કટતા છે, એ ઉત્કટતાની પ્રસન્ન અભિવ્યક્તિનો આનંદ છે. આ સાથે એક ગીત પણ જોઈશું:

મારા અંગથી સુવાસ તારી નીતરી રહીઃ
એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.

મારી હથેળીમાં મૂક્યું તો નામ તારું
      ઊગતી પરોઢિયાનો તારોઃ
આછા અંધારમાં ઝીણું ઝીણું મરકે ને
      અંજવાળે આખો જનમારો.

એક તારલાને જોતાં આભ વીસરી રહી,
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

નામને મેં હોઠથી અળગું કર્યું તો
      મને થઈને પવન વીંટળાવ,
મારા એકાન્તની કુંજમાં આ નામ તારું
      લગનીની ડાળે લહેરાય.

હું તો અહીંયાં ઊભી ને ક્યાંક નીસરી રહી.
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.

(ભમરો વાત વહે ગુંજનમાં)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book