તર્જની જ્યાં સ્વપ્નપરી બની – રાધેશ્યામ શર્મા

મુકુન્દ પરીખ

અક્ષર

ક્ષણ ક્ષણ

ગદ્ય–કવિતાનું શીર્ષક છે અક્ષર. જે ક્ષર નથી તે અ–ક્ષર.

જે કાંઈ ક્ષર છે તે ક્ષયિષ્ણુ છે, સર્વત્ર પ્રવેશી રહેનાર વિષ્ણુ નથી. જ્યારે અક્ષર શબ્દ શ્રુતિમાં યા લિપિમાં ઉપસ્થિત થાય ત્યારે કોઈ શાશ્વત અવિનાશી તત્ત્વ, પરમાત્માથી આરંભી પરબ્રહ્મ, મોક્ષ અને વર્ણમાળાના પ્રત્યેક વર્ણના અધ્યાસ ઊભરી આવે. ગીતાનો પંદરમો અધ્યાય અક્ષરથી ઉત્તમ એવા પુરષોત્તમયોગ પણ કોઈ કોઈને સાંભરી આવે.

અહીં કવિએ ‘અક્ષર’ શીર્ષક પછી તરત પ્રારંભ ક્ષણથી કર્યો છે. સૂચક છે ક્ષણનો ત્રણ ત્રણ વાર વિનિગોય. સેકંડનો ચતુર્થ પંચમાંશ ભાગ – પળ ‘એ ક્ષણ, આ ક્ષણ.’

અક્ષરમાંના ‘ક્ષર્’ શબ્દનો સંકેત વહેવું, ઝમવું અને ટપકવું સાથે પણ છે અને અત્રે પ્રકટેલી એ ક્ષણ કે આ ક્ષણ પણ કાવ્યપુરુષમાંથી ટપકી વહી આવી હોય એવી રીતિએ પ્રસ્તુતિ પામી છે.

‘એ ક્ષણ’થી કાવ્યનાયક કોઈ વિશિષ્ટ પળ નિર્દેશે છે, પછી બીજી જ કડીમાં ‘આ ક્ષણ’ કહી પૂર્વ પળને આ ક્ષણ સાથે મૂકી આપે છે અને ત્રીજી કડીમાં આગળની ‘એ’ અને ‘આ’ ક્ષણને ક્ષણાર્ધ કોરાણે મેલી, ‘અને’ દ્વારા કોઈ અન્ય જ પળ પ્રતિ આંગળી ચીંધે છે: ‘અને પેલ્લી અક્ષર લઈને આવે ક્ષણ.’

એ ક્ષણ અને આ ક્ષણ કરતાં ‘પેલ્લી’ (આ ‘પેલ્લી’ શબ્દનો ઉપયોગ કથનને જોઈતો ભાર આપી શક્યો છે) ક્ષણનો મહિમા મોટો છે. શાથી? તો ઉત્તર સ્પષ્ટ છે, ‘અક્ષર લઈને આવે ક્ષણ.’

ક્ષરમાં ‘દેહિનામ્ ક્ષણભંગુરતા’નો બોધ હતો તે કદાચ પૂર્વે આવેલી ‘એ ક્ષણ’ અને ‘આ ક્ષણ’માં હોય પણ અહીં તો ક્ષરને નહીં, અ–ક્ષરને લઈને આવનારી પેલ્લી ક્ષણ છે.

અક્ષરને લઈ આવનારી ક્ષણનો અથવા તો અક્ષર બ્રહ્મનું માહાત્મ્ય પઠન ભાવકને હવે કર્તા કરાવે એવી સરળ સુંવાળી અપેક્ષા જાગે ના જાગે ત્યાં તો અક્ષરની અને નાયકની અવ–ગતિ સૂચવતી પંક્તિ કૃતિને એક પ્રકારનો આઘાતપ્રદ વળાંક અર્પે છે:

અક્ષર પૂરો પડતાં પડતાં
મૃત કણ થૈને
ડૂબે મારા રણમાં.

‘ઢાઈ અખ્ખર પ્રેમકે’ જેવી મધુર મિસરી કલ્પના કરતો ભાવક અહીં કદાચ મૂરઝાઈ જાય કે મૂર્છિત થઈ પડે! બ્રહ્મનો નહિ, ભ્રમનો એહસાસ જાગી જાય.

કાવ્યલેખનમાં અક્ષર તો કાગળ પર પૂરા પાડવા જ પડે ને. એ પ્રક્રિયામાં અક્ષરની અવ–ગતિ અને નાયકની વિ–ગતિ, પૂર્વોક્ત ક્ષણભંગુરતાને જ ઘૂંટી આપે: ‘મૃત કણ થૈને, ડૂબે મારા રણમાં.’

અહીં પ્રતીપ–સંકલન કર્યું વિપરીત કલ્પન વડે. અક્ષરને ક્ષરવત્ કર્યો; ‘મૃત કણ’ બનાવીને.

વિશેષમાં, નાયકની વિરાની પણ પ્રગટ થઈ ગઈ. અક્ષર હજુ તો પૂરો પડ્યો પણ નથી અને નાયકના રણમાં મૃત કણ થૈને ડૂબી ગયો!

અહીં કવિ મુકુન્દ પરીખની સબળ પંક્તિઓ અને ઉંગારેત્તીના ભાવસંકેત તરફ જવા વશીભૂત કરે છે:

When I find
one single word
in this my silence
it is hewn into my life
like an abyss.

મૃત કણ થઈને નાયકના વેરાનમાં ડૂબતા જતા અક્ષરને – પંચેન્દ્રિયના સ્પર્શ, શ્વાસ, ગંધાદિ વડે સાંભળવા–પારખવા જેટલી લિપ્સા ભાવકમાં તેમજ નાયકમાં બચી છે.

પરંતુ કર્તાએ એક કમાલ એવી કરી છે કે નાયક અને એની તર્જનીને અલગ કરી વિભક્તતા ખડી કરી છે. અક્ષરને સ્પર્શવા–પારખવા માટેની માયા બચી ટકી હોય તો તર્જની સ્વપ્નપરીની જેમ ઋજુતામમતાપૂર્વક અક્ષરને પકડી ક્યાં દોરી જાય? રણની ઢળતી ક્ષિતિજે!

પદ–સંરચના એવી પણ છે કે ભાવક અક્ષરને પંચેન્દ્રિયથી અનુભવવા મથે (રામ્બોએ સ્વરવ્યંજનને રંગો અર્પ્યા હતા એમ!) તો રણધારી નાયક અક્ષરની તર્જની ગ્રહી રણની ઢળતી ક્ષિતિજે મમતાપૂર્વક લઈ જાય.

તર્જનીને સ્વપ્નપરીની ઉપમા આપવા કવિ મુકુન્દ પરીખને આપવા હોય તેટલા ધન્યવાદ હાજર છે.

પરંતુ અંત, નૈરાશ્ય અને શૂન્યમયી ક્ષણભંગુરતાને જ ઘૂંટે છે. ‘ક્ષણ તે ક્ષણ, ઊડે હવામાં થૈ કણ કણ.’ આ ક્ષણ પેલા ‘મૃત કણ’ સાથે ભાવાનુસંધાન કરી આપે. વર્તુળ પૂરું થાય છે એ ક્ષણ – આ ક્ષણથી શરૂ કરી ‘ક્ષણ તે ક્ષણ’ સુધીનું…

આમ અક્ષરને પણ ક્ષણના ક્ષરત્વ સાથે સંકલિત કરવામાં કર્તા સફળ થયા એટલે સફળતા ‘હવામાં કણ કણ’ થઈ ઊડી નહીં જાય.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book