તમસ્ પ્રકાશતી વિશિષ્ટ કૃતિ – રાધેશ્યામ શર્મા

રઘુવીર ચૌધરી

કેફિયત

સાથે સાથે આવ્યા જેની

કાવ્યનું શીર્ષક ‘કેફિયત’ લાક્ષણિક છે. દીવાની કૉર્ટમાં અધિકારી આગળ પ્રતિવાદીના લેખિત નિવેદનને કેફિયત લેખે રજૂ કરવાની હોય છે.

કૃતિમાં અધિકારી સમસ્ત ભાવકવર્ગ છે, અને આ એક કવિની – કેફિયત છે.

પથની ગતિવિધિની કાવ્યનાયક પર પડેલી અસર જાણે ફરિયાદનું રૂપ લઈ આવી છે. જેનો સંગાથ લઈ ભરોસો મૂકી ચાલ્યા એ માર્ગ વચમાં અંતરિયાળ છોડી આગળ જતો રહ્યો.

એક વિચારકે ‘ધ રૂલ ઑવ ધ રોડ’માં પથનો વિરોધાભાસ (પૅરડૉક્સ) દર્શાવ્યો તે સાંભરે છે. તમે ડાબી બાજુ જાઓ તો તે માર્ગ જમણી તરફ નીકળશે અને જમણી બાજુએ જશો તો ખોટા પડશો.

અહીં પંક્તિ પ્રકટી: ‘અધવચ્ચે અટકેલા અમને / ઓળખશો ના.’

તિર્યક્ રીતે ત્રિશંકુની સ્થિતિનું સચોટ નિદર્શન છે, ન ઇધર કે રહે, ન ઉધર કે. એના કારણે કહેવું પડ્યું, ‘અમને ઓળખશો ના. આમાં આઇડેન્ટિટી–ઓળખની સમસ્યાનો સંકેત છે. અધવચ્ચે અટકેલા નાયકની ગતિવિધિનો ભાવિ ગ્રાફ સર્જકે પ્રાંજલ અભિવ્યક્તિથી સિદ્ધ કર્યો છે:

અડધાપડધા ચાલ્યા જાણે સપનામાં
ને વધ્યાઘટ્યા અટવાઈ જશું ઓછાયામાં.’

વહેરાઈને વહેંચાઈ જવાની સંભાવનાનું તાદૃશ ટ્રૅજિક વર્ણન વિશિષ્ટ છે. સાથે જ કલ્પનાનું ઉડ્ડયન ગગનસ્પર્શી નીવડ્યું છે: ‘ને તોય બચ્યા તો ચાંદાને મોલે સૂરજ દઈ દઈશું તમને’. અણમોલ સૂરજનું ચંદ્રના મૂલે દાન દઈ દેવાની ખુમારી ભલે શરતી છે, કન્ડિશન્ડ છે પણ કાબિલે દાદ છે. ‘ને તોય બચ્યા…’ પંક્તિની સંરચનામાં ત્રણ ‘ને’ શબ્દનો વિનિયોગ સાર્થક છે.

હવે કેફિયત, કફેશન–કબૂલનામાની કૈવલ્ય દિશામાં વિહાર કરે છે: ‘અમને કેવળ માયા છે માયાની, લયની’. અહીં માયા સાથે લયની માયાનો ઉલ્લેખ સક્રિય કવિ જ કરી શકે. માયાના લયની પ્રકૃતિનો ઇશારો માણીએ, ‘આગળ પાછળ આમતેમ ફેલાઈ જવાની…’

અગાઉ સૂરજના દાનની વાત કરેલી તેનો તંતુ અત્રે સર્જકની સજ્જડ નિસ્પૃહતામાં રેલાયો છે:

નથી ઊગવું ફરી અમારે કોઈ સ્મરણમાં
અમને ફાવટ આજકાલના અંતર વચ્ચે
હળી જવાની.
દૂરદૂરના અંધકારમાં ભળી જવાની.’

કોઈના સ્મરણ–આકાશમાં સૂરજની જેમ નાયકને ઊગવાની તમા યા તમન્ના નથી! ‘ફાવટ’ જેવો તળ શબ્દ અલંકારમાં ગોઠવાઈ ગયેલા નંગ જેવો દીસે છે! અંતરો વચ્ચે હળીમળી ઍડજસ્ટ થવા સાથે દૂરદૂરના અંધકારમાં ભળી જવાની તત્પરતાય સાચી છે. સૂરજની જેમ, સ્મરણમાં ઊગવું નથી અને સુદૂર અંધકારમાં ભળી જવું છે.

હવે પછીના અજવાળામાં રહી જાય ના કોઈ નિશાની;’

ભવિષ્યના સૂર્યપ્રકાશમાં પોતાના નામોનિશાની કોઈ નિશાની ના રહે એવું વસિયતનામું લખી નાખ્યા બાદ નાયક પોતાને ગમતી કહાની અંતમાં સ્પષ્ટ કરે છે: ‘અમને ગમશે પૂરી થાય ત્યાં પૂરી થાય જે એ જ – કહાની’ કાવ્યમાં ‘મને’ નહીં, ‘અમને’ શબ્દ અવતાર્યો છે. તાત્પર્ય કે કેવળ એક જણનો ગમો-અણગમો નથી, એમના જેવા અન્ય અનેક તમસચાહકોનું નાયક પ્રતિનિધિ–પ્રતીક બને છે. નાયકને આ જ અંધકારભરી કહાની ગમી છે અને ગમશે…

આ સંદર્ભમાં બાઇબલના પાને સેન્ટ જૉહ્નનું કથન પ્રસ્તુત છે: ‘ધ લાઇટ શાઇનેથ ઇન ડાર્કનેસ; ઍન્ડ ધ ડાર્કનેસ કૉમ્પ્રીહૅન્ડેડ ઇટ નૉટ.’ (પ્રકાશ અંધકારમાં જ ઝળક્યો અને અંધકાર એનું આકલન ના કરી શક્યો.)

અહીંની કહાની જુદી છે. કવિશ્રી રઘુવીરની પદાવલિસિદ્ધ સર્જકતાએ નાયકના તમસ્‌માં કળાકસબનો પ્રકાશ ઝળકાવ્યો છે –

આ લખનારને ‘કેફિયત’ કૃતિ, વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રામાં એક વિરલ વસ સમી વસી ગઈ…

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book