જનમોજનમની શોધ – રાધેશ્યામ શર્મા

સંસ્કૃતિરાણી દેસાઈ

સંતાકૂકડી

એક દિવસ એક વિચાર સાથે વાતો કરતી હતી

તાજા કાવ્યસંચય ‘શબ્દના આકાશમાં કૂદકો’નાં કવિ સંસ્કૃતિરાણીને માટે આ લખનારે, એક કાળે કલ્ચર–ક્વીનનો કવિતાક્ષેત્રે કૂદકો એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ ‘સંતાકૂકડી’ કૃતિ વાંચીને કહેવાનું મન થાય કે એક યા અન્ય પ્રકારના વિચારને પકડવા જુદા જુદા જનમોમાં કર્તા કૂદકા મારે ભરે છે! એક જનમમાંથી બીજા જનમમાં આવવા-જવાની, કાવ્યખંડો પૂરતી આવડત તેમણે સરસ રીતિએ કેળવી છે.

શ્રીમદ્ રાજચંદ્રે કથેલું: કર વિચાર તો પામ. જ્યારે અહીં કાવ્યનાયિકા વિચાર સાથે – હૉટલાઇન હોય તેમ – સીધી વાતો કરે છે અને પામે છે શું? વિચારનું અદૃશ્ય થવું. કવિકર્મ આને કહેવાય. જે અદૃશ્ય થઈ જતા વિચાર સમા ઍબ્સ્ટ્રેક્ટ તત્ત્વને મૂર્ત રૂપ આપવા મથે છે. કઈ કઈ રીતે-ભાતે?

વિચાર જાણે એક વ્યક્તિ હોય, દૃશ્યમાન હોય અને અદૃશ્ય થવાનો ઇલમ જાણતો હોય, એને શોધવા–ઝાલવા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડી જતાં ગબડી પડે નાયિકા એ કેવું? તો પંક્તિ ઝળકી:

ઊભો હતો તોફાની હાસ્ય સાથે
પહોંચી હતી હું કોઈ જુદા જનમમાં

વાસ્તવમાંથી અતિવાસ્તવમાં અનુપ્રવેશ. વિચારને તોફાની બારકસ બતાવી પરિચિત જગ્યામાંથી અપરિચિત જનમના જગતમાં – ભાવકનું પણ અપરહણ થયું.

એથી આગળ, વિચારને કાન પકડી ઝાલી લાવવાની બાળચેષ્ટા પ્રસ્તુત રચનાને નિજી હળવાશથી ઘેરી લે છે.

ફરી એક બીજો વિચાર પાછો ગુમ થઈ નાયિકાને ગુમરાહ કરે ત્યાં શોધખોળમાં તે પહોંચી જાય છે બીજા જનમમાં.

એક પ્રકારની શિશુલીલા, શબ્દક્રીડા સંસ્કૃતિરાણીના ઘણા સ્વતંત્રી પ્રયોગોનું જીવાતુભૂત રસતત્ત્વ છે.

નાયિકા બીજા જન્મમાં પહોંચી તો જાય છે, જન્માન્તર વિચરણની ક્ષમતાયે સૂચવાય છે ત્યાં વિચારનું ગુણાત્મક રૂપ પણ સૂચવાયું છે:

પણ મળ્યો પેલો વિચાર.’

જેને ગ્રહવો છે, પકડવો છે એ ‘પેલો વિચાર’ કદી ઇચ્છાનુસાર કોઈને મળ્યો છે?

ખોજ-તપાસ આગળ ચાલી… છેક ત્રીજા જન્મ પર્યન્ત. તો ત્યાંયે ‘મલકી રહ્યો હતો’તે.

વિચારનું ઇલ્યુઝિવ–ઇવેઝિવ છટકણું રૂપ એક મૂર્તામૂર્ત કલ્પન રૂપે અહીં ઉપલબ્ધ થયું છે.

દાર્શનિકો વિચારમાંથી નિર્વિચારની સ્થિતિ, રહસ્યવાદીઓ મનમાંથી ઉન્મની દશાની જિકર કરતા રહ્યા છે. પણ કાવ્યકળામાં વિચારને પાત્રરૂપ અર્પવું કેટલું દુષ્કર છે! આવો વિશિષ્ટ પ્રયાસ અહીં અનાયાસ થયો જણાય.

રચનાના અન્તે, નાયિકાનું આવું નિવેદન થિયરમના ક્યૂ–ઇ–ડી (‘ક્વાટ ઇઝિલી ડન’) જેવું વધુ લાગ્યું. ‘એક જનમમાંથી બીજામાં જતાં આવડતું હોય / તો કેટલી મજા પડે / સંતાકૂકડી રમવાની!’

જન્મજન્માન્તરની સંતાકૂકડી રમી ચૂક્યા પછીનું આ કથન થોડી મજા ઘટાડી નથી આપતું?

પરંતુ ખરી મજા તો પંક્તિઓની માણી:

ગમ્મત પડી ગઈ મને
એક જનમમાંથી બીજા જનમમાં જવાની

અહીં જ ગદ્ય કૃતિ પૂર્ણ રૂપાકૃતિ બની છે, સંસ્કૃતિ! એ સિવાય ‘જ’ ‘પેલો’ પેલા’ ‘તો’ ‘ફરી’ ‘એ’ જેવા પ્રયોગો શક્ય તેટલા નિવારવાલાયક લાગે છે.

સંસ્કૃતિ, કવિતામાં વિચારની આગળ–પાછળ વિચરે એનીયે ગમ્મત છે તેથી ઊલટું સર થૉમસ વ્યાત્તે સામેથી શોધવા આવનારાઓનું સૂચક વર્ણન તાદૃશ કર્યું છે:

‘They flee from me that sometimes
did me seek
with naked fool
stalking in my chamber’

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book